મદ્રાસ હાઇકોર્ટે હમણાં એક રિટ પિટિશન પર ચુકાદો આપીને તમિલનાડુમાંથી વહેતી તમિરાબારાની નદીને ‘જ્યુરિસ્ટિક પર્સન’ કે ‘લીગલ એન્ટિટી’ ઘોષિત કરી. અર્થાત્, કાયદાની નજરમાં નદીને એક વ્યક્તિ તરીકે જોવામાં આવે. તેનું કારણ આપતાં કોર્ટે કહ્યું કે આ માત્ર નદી નથી પરંતુ હિંદુઓ તેને પવિત્ર માને છે અને તેનું પ્રદૂષણ અટકાવવા માટે પગલાં લેવાં જરૂરી છે.
રસપ્રદ વાત જોકે એ છે કે અરજી નદીને લીગલ સ્ટેટસ આપવા માટે દાખલ નહતી થઈ. એ અતિક્રમણનો કેસ હતો.
શું હતો કેસ?
તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લાના પાપનાસમ ગામમાં તમિરાબારાની નદીના કાંઠે આવેલા વર્ષો જૂના એક ‘આનંદવિલાસ’ નામના મંડપમના બાંધકામને સ્થાનિક તંત્રએ ખાલી કરવાની નોટિસ આપી હતી. નોટિસમાં જણાવવામાં આવ્યું કે આ મંડપમ નદીના વિસ્તારમાં આવે છે અને એટલે અતિક્રમણ છે, જેને હટાવવામાં આવશે.
આ અરજીને મંડપમના સંચાલકે હાઇકોર્ટમાં પડકારી હતી અને દલીલ રજૂ કરીને કહ્યું કે તંત્રને તેમનું બાંધકામ ખાલી કરાવવાનો કે હટાવવાનો અધિકાર નથી, જેથી નોટિસ રદ કરવામાં આવે.
કોર્ટે દસ્તાવેજો અને રેકર્ડ મગાવીને તેનો અભ્યાસ કર્યા બાદ અરજી ફગાવી દીધી. કોર્ટે ઠરાવ્યું કે નદી જ નહીં પરંતુ તેનો કાંઠો પણ અતિક્રમણથી મુક્ત હોવો જોઈએ અને આ કિસ્સામાં જે જમીન પર મંડપમ સ્થિત છે એ નદીકાંઠાની જગ્યા છે એ નિર્વિવાદ સત્ય છે. આ સંજોગોમાં અતિક્રમણ હટાવવાનો તંત્રનો નિર્ણય યોગ્ય છે અને નોટિસ પણ યોગ્ય છે.
પરંતુ ત્યારબાદ કોર્ટે બીજા એક વિષય પર ધ્યાન કેન્દ્રિત કર્યું: નદીમાં થતું પ્રદૂષણ.
નદી એક જ્યુરિસ્ટિક પર્સન
કોર્ટે કહ્યું કે આ તમિરાબારાની નદીને હિંદુઓ પવિત્ર માને છે અને ‘તમિરા દેવી’ તરીકે તેની પૂજા કરે છે. જેથી કોર્ટે કહ્યું કે નદીને ‘જ્યુરિસ્ટિક પર્સન’નો દરજ્જો આપવો જોઈએ. કારણ કે તે માત્ર એક નદી નથી પરંતુ હિંદુઓ માટે દેવી પણ છે. તેની પૂજા થાય છે. જેના માટે કોર્ટે સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઇકોર્ટના ચુકાદા ટાંક્યા હતા, જેમાં હિંદુ દેવી-દેવતાઓને ‘જ્યુરિસ્ટિક પર્સન’નો દરજ્જો આપવામાં આવ્યો હતો.
હિંદુ દેવી-દેવતાઓને અપાય છે ‘જ્યુરિસ્ટિક પર્સન’નો દરજ્જો
જેનું સૌથી મોટું ઉદાહરણ રામજન્મભૂમિ કેસ છે. રામજન્મભૂમિ કેસમાં ભગવાન રામલલાને ‘જ્યુરિસ્ટિક પર્સન’ માનવામાં આવ્યા હતા. આવા અન્ય ઘણા કેસોમાં હિંદુ દેવી-દેવતાઓને આ દરજ્જો અપાય છે. કેસોની કાર્યવાહી દરમ્યાન દેવતાને એક નાગરિકની જેમ ગણવામાં આવે છે. એટલે જ મંદિરની માલિકી પણ ટ્રસ્ટ કે સંચાલકોની નહીં પણ જે-તે દેવતાની કહેવાય છે. સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું છે કે હિંદુ દેવતાઓ મંદિરના માલિક હોય છે અને કોર્ટમાં તેમના વતી વકીલો કેસ લડે છે. માલિકીની સંપત્તિના (મંદિર વગેરે) સંચાલન માટે ટ્રસ્ટ કે બોડી હોય છે.
આ કિસ્સામાં કોર્ટે પ્રદૂષણ અટકાવવા માટે નદીને આ દરજ્જો આપ્યો છે. કોર્ટે સાથે એ પણ સ્પષ્ટતા કરી કે ‘દૈવીય’ હોવા માટે જે-તે દેવતાનું કોઈ મૂર્તિ કે સ્થળ સાથે જ સંકળાયેલા હોવું પણ જરૂરી નથી. એટલે એવું નથી કે મંદિરમાં સ્થાપિત મૂર્તિઓને જ દેવતા ગણી શકાય. કાયદાકીય વ્યાખ્યાઓ અનુસાર આ દરજ્જો નદીને પણ આપી શકાય છે.
પ્રદૂષણ અટકાવવા નિર્ણય લેવાયો
કોર્ટનું કહેવું છે કે નદીમાં પ્રદૂષણ એટલું થાય છે કે માત્ર પર્યાવરણીય કાયદાઓથી તેને અટકાવવું શક્ય નથી. એટલે નદીને જ્યુરિસ્ટિક પર્સનનો દરજ્જો આપી દેવામાં આવે, જેથી પ્રદૂષણમુક્ત હોવું એ નદીના અધિકારોમાં સમાવેશિત થાય અને પ્રદૂષણ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકાય. ઉપરાંત એ કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટમાં પણ આવે.
કોર્ટમાં જમા કરાવવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે નદી અતિપવિત્ર હોવા છતાં તેમાં ભરપૂર માત્રામાં પ્રદૂષણ થઈ રહ્યું છે. નદીમાં કપડાં, ચીજવસ્તુઓ, પ્લાસ્ટિક કચરો અને અન્ય અનેક જાતની વસ્તુઓ ઠાલવવામાં આવે છે, જેના કારણે નદી પ્રદૂષિત થઈ છે. રિપોર્ટ અનુસાર માત્ર મે 2026માં નદીમાંથી લગભગ 86થી 90 ટન કચરો કાઢવામાં આવ્યો હતો. કોર્ટનું કહેવું છે કે જે નદી આટલી પવિત્ર હોય તેનું આવું પ્રદૂષણ ચલાવી લેવાય નહીં અને તેને અટકાવવા માટે અલગ વ્યવસ્થા જરૂરી છે. એ જ કારણોસર નદીને લીગલ એન્ટિટી ઘોષિત કરવામાં આવી છે.
લીગલ એન્ટિટી ઘોષિત થયા બાદ તેનું પ્રદૂષણ એ ન માત્ર પર્યાવરણના નિયમો અને કાયદાઓનું ઉલ્લંઘન કહેવાશે પણ બંધારણના આર્ટિકલ 21 હેઠળના મૂળભૂત અધિકારોનું પણ ઉલ્લંઘન હશે.
જોકે કોર્ટે સાથે એ સ્પષ્ટતા કરી છે કે નદીને જે દરજ્જો આપવામાં આવી રહ્યો છે તેમાં આ એકમાત્ર પ્રદૂષણમુક્ત હોવાનો અધિકાર પ્રાપ્ત થશે અને બીજો કોઈ અધિકાર, હક, ફરજો અને લાયબિલિટીને સ્થાન નહીં હોય.
કોર્ટે બીજી એક સ્પષ્ટતા કરીને આર્ટિકલ 25 (ધાર્મિક સ્વતંત્રતા) હેઠળ હિંદુ પરંપરાઓ અને ખાસ કરીને અંતિમવિધિ માટેના રિવાજો અને પૂજાવિધિને માન્યતા આપી છે. નદીમાં અસ્થિ વહેવડાવવા પર કોઈ પ્રતિબંધ નહીં હોય. જોકે એના માટે પણ એક શરત એ મૂકવામાં આવી છે કે અસ્થિત એવા ઘડામાં વહેવડાવવામાં આવે જે પછીથી નદીમાં ઓગળી શકે.
કોર્ટે જિલ્લા તંત્રને આદેશ આપીને નદીના પ્રદૂષણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા આદેશ આપ્યો છે અને સાથે કહ્યું કે આદેશનું ઉલ્લંઘન કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ (અદાલતની અવમાનના) ગણાશે. સાથે સિવિલ સોસાયટીને પણ સામેલ કરીને નદીને સ્વચ્છ રાખવા માટે કેમ્પેઇન ચલાવવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા.
તમિરાબારાની નદી
તમિરાબારાની નદી દક્ષિણ તમિલનાડુની જીવાદોરી ગણાય છે અને તમિલનાડુની એકમાત્ર બારમાસી નદી છે. તે તિરુનેલવેલીના પશ્ચિમ ઘાટમાંથી નીકળીને લગભગ 125-30 કિલોમીટર વહીને મન્નારના અખાતમાં સમુદ્રને મળે છે.
કોર્ટે પણ આદેશમાં નોંધ્યું છે કે નદીને વાલ્મિકી રામાયણ, મહાભારત વગેરે પ્રાચીન હિંદુ ગ્રંથોમાં સ્થાન મળ્યું છે. હિંદુઓ માટે નદી અતિપવિત્ર છે. તેનું સ્નાન પવિત્ર માનવામાં આવે છે. દર બાર વર્ષે અહીં મોટો ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. ઉપરાંત તમિલ સાહિત્યમાં પણ આ નદીને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે.


