હોમપેજદેશ'અન્ડરવેલ્યુડ છે ભારતીય રૂપિયો': RBI ગવર્નરે આ કેમ કહ્યું અને તેનો શું...

‘અન્ડરવેલ્યુડ છે ભારતીય રૂપિયો’: RBI ગવર્નરે આ કેમ કહ્યું અને તેનો શું અર્થ છે?

અન્ડરવેલ્યુડ-ઓવરવેલ્યુડ ચલણ શું છે અને તેના નફા-નુકસાન શું છે– સમજો.

- Advertisement -

સામાન્ય રીતે રિઝર્વ બેન્કના ગવર્નરો ચલણના મૂલ્યાંકન વિશે જાહેરમાં ઓછી ચર્ચા કરતા હોય છે પણ તાજેતરમાં RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ ‘ધ હિન્દુ’ના બિઝનેસલાઇન સાથેની એક ચર્ચામાં ટિપ્પણી કરતાં કહ્યું કે ભારતીય રૂપિયો અત્યારે ‘ઓવરવેલ્યુડ’ નથી પરંતુ વાસ્તવમાં ‘અન્ડરવેલ્યુડ’ છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી વૈશ્વિક બજારમાં સર્જાયેલી ભારે અસ્થિરતાના કારણે ભારતીય રૂપિયા પર સતત દબાણ જોવા મળી રહ્યું હતું. ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવ અને ક્રૂડ ઓઈલના આભને આંબતા ભાવને કારણે રૂપિયો ગગડીને ડોલર સામે 96ની સપાટી પણ વટાવી ગયો હતો. જોકે પશ્ચિમ એશિયામાં સ્થિતિ થોડી શાંત થતાં અને ક્રૂડ ઓઈલના ભાવ ઘટીને બેરલ દીઠ $85ની નીચે આવતાં જ રૂપિયો સુધારીને 95.9ની આસપાસ સ્થિર થયો.

રૂપિયાની સ્થિતિ વિશે RBI શું માને છે અને તેનો અર્થ શું થાય એ સમજીએ.

- Advertisement -

અન્ડરવેલ્યુડ ચલણ એટલે શું?

આમ તો નામમાં જ અર્થ છુપાયેલો છે. પરંતુ સરળ ભાષામાં કહીએ તો કોઈ પણ દેશનું ચલણ તેની અર્થવ્યવસ્થાની વાસ્તવિક શક્તિ કરતાં ઓછા ભાવે ટ્રેડ થતું હોય તો તેને અન્ડરવેલ્યુડ ચલણ કહેવામાં આવે છે. એટલે કે બજારમાં તેનું મૂલ્ય તેની વાસ્તવિક કિંમત કરતાં ઓછું ગણાઈ રહ્યું હોય છે. RBIના મતે હાલ રૂપિયાની સ્થિતિ એવી જ છે.

ઉદાહરણ તરીકે, માનો કે કોઈ વસ્તુની સાચી કિંમત ₹100 છે, પરંતુ તે બજારમાં માત્ર ₹90માં વેચાઈ રહી છે. એટલે તે વસ્તુ અન્ડરવેલ્યુડ કહેવાય. આવી જ રીતે જો ભારતીય અર્થવ્યવસ્થાની શક્તિ મુજબ રૂપિયાની કિંમત વધુ હોવી જોઈએ, પરંતુ વૈશ્વિક પરિબળોના કારણે તે ઓછી કિંમતે ટ્રેડ થઈ રહ્યો હોય, તો તેને અન્ડરવેલ્યુડ કહેવામાં આવે છે.

RBI આ નિષ્કર્ષ પર કેવી રીતે પહોંચે છે?

RBI રૂપિયાનું સાચું વિનિમય મૂલ્ય નક્કી કરવા માટે માત્ર અમેરિકી ડોલરને નહીં, પરંતુ ભારત સાથે વેપાર કરતા મુખ્ય 40 દેશોની કરન્સીના બાસ્કેટને ધ્યાનમાં લે છે. આ મૂલ્યાંકન માટે નોમિનલ ઈફેક્ટિવ એક્સચેન્જ રેટ (NEER) અને રિયલ ઈફેક્ટિવ એક્સચેન્જ રેટ (REER) જેવા સૂચકાંકોનો ઉપયોગ થાય છે. NEER માત્ર ચલણના દરને સરખાવે છે, જ્યારે REER એમાં ભારત અને તેના વેપારી ભાગીદારો વચ્ચેના ફુગાવાના તફાવતને પણ ઉમેરે છે.

અર્થશાસ્ત્રના નિયમ મુજબ જો REER ઈન્ડેક્સ 100 હોય તો ચલણ ‘વ્યાજબી’ (Fairly Valued) ગણાય છે. જો તે 100થી ઉપર જાય તો ચલણ ‘ઓવરવેલ્યુડ’ અને 100થી નીચે જાય તો ‘અન્ડરવેલ્યુડ’ માનવામાં આવે છે. આંકડાકીય દૃષ્ટિએ જોઈએ તો, નવેમ્બર 2024માં રૂપિયાનો REER ઈન્ડેક્સ 108.03 હતો, જે દર્શાવતો હતો કે તે સમયે રૂપિયો 8% જેટલો ઓવરવેલ્યુડ હતો.

પરંતુ મે 2026 સુધીમાં વૈશ્વિક આંચકાઓના કારણે REER ઈન્ડેક્સ ગગડીને 89.08ના રેકોર્ડ નીચલા સ્તરે આવી ગયો હતો. જૂન 2026માં તે થોડો સુધરીને 91.26 પર પહોંચ્યો હોવા છતાં તે હજુ પણ દર્શાવે છે કે રૂપિયો તેના વાસ્તવિક મૂલ્ય કરતાં આશરે 8.7% જેટલો ‘અન્ડરવેલ્યુડ’ અથવા સસ્તો ટ્રેડ થઈ રહ્યો છે.

આ સ્થિતિ વચ્ચે એક અત્યંત રસપ્રદ આંકડો સામે આવ્યો છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્ક ઓફ સેન્ટ લૂઈસના આંકડા અનુસાર, જૂન 2026માં ભારતીય રૂપિયાનો રિયલ બ્રોડ ઈફેક્ટિવ એક્સચેન્જ રેટ (RBEER) 90.15 હતો, જ્યારે ચીનના ચલણ યુઆનનો RBEER 92.24 હતો. આનો સ્પષ્ટ અર્થ એ છે કે વૈશ્વિક વેપારી સ્પર્ધામાં ભારતીય રૂપિયો અત્યારે ચીનના યુઆન કરતાં પણ વધુ સ્પર્ધાત્મક અને સસ્તો બની ગયો છે.

નફા-નુકસાન

હવે સવાલ એ થાય કે રૂપિયાનું આ રીતે અન્ડરવેલ્યુડ થવું દેશ માટે નફો કરાવશે કે નુકસાન? આ પરિસ્થિતિ અર્થતંત્ર માટે ‘બેધારી તલવાર’ સમાન સાબિત થાય છે. સૌથી મોટો ફાયદો દેશના નિકાસકારોને (Exporters) થાય છે. રૂપિયો સસ્તો હોવાના કારણે વિદેશી ખરીદદારો માટે ભારતમાં બનેલી ચીજવસ્તુઓ અને સેવાઓ અત્યંત સસ્તી બને છે, જેનાથી ગ્લોબલ માર્કેટમાં ભારતીય માલની માંગ ઝડપથી વધે છે.

ખાસ કરીને ટેક્સટાઈલ, ઓટો પાર્ટ્સ, કૃષિ ઉત્પાદનો અને પ્રોસેસ્ડ ગુડ્સ જેવાં ક્ષેત્રોને વિદેશમાંથી મોટા ઓર્ડર મળવાની તકો વધી જાય છે. આ સિવાય ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) અને ફાર્માસ્યુટિકલ્સ જેવી કંપનીઓ કે જેમની મોટાભાગની આવક ડોલરમાં થાય છે, તેમને ભારે ફાયદો થાય છે. ડોલરમાંથી રૂપિયામાં કન્વર્ટ કરતી વખતે વધુ રૂપિયા મળવાના કારણે આ કંપનીઓનું પ્રોફિટ માર્જિન વધી જાય છે.

ઉપરાંત અન્ડરવેલ્યુડ રૂપિયો સ્થાનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે પણ વરદાન સાબિત થઈ શકે છે. વિદેશથી આયાત થતી વસ્તુઓ મોંઘી બનતી હોવાથી દેશના ગ્રાહકો અને ઉદ્યોગો વિદેશી માલના બદલે દેશમાં બનેલી ચીજવસ્તુઓ ખરીદવા તરફ વળે છે. આનાથી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળે છે અને ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાનને વેગ મળી શકે છે.

જોકે, આ સિક્કાની બીજી બાજુ પણ છે. ભારત પોતાની ક્રૂડ ઓઈલની જરૂરિયાતના 80%થી વધુ ભાગ આયાત કરે છે. આ સિવાય ઈલેક્ટ્રોનિક્સ, મશીનરી અને ખાતર જેવી જરૂરી વસ્તુઓ માટે પણ ભારત આયાત પર નિર્ભર છે. રૂપિયો અન્ડરવેલ્યુડ થવાથી આ તમામ વસ્તુઓ માટે ભારતે વધુ નાણાં ચૂકવવા પડે છે, જેનાથી દેશનું આયાત બિલ ખૂબ વધી જાય છે.

આયાત મોંઘી થવાના કારણે દેશમાં ‘ઈમ્પોર્ટેડ ઈન્ફ્લેશન’ એટલે કે આયાતી મોંઘવારી વધવાનો મોટો ભય ઊભો થાય. જો ઈંધણ અને કાચો માલ મોંઘો થાય તો ટ્રાન્સપોર્ટેશન અને મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધે છે. પરિણામે પેટ્રોલ-ડીઝલ, ગેસ, મોબાઈલ, લેપટોપથી લઈને રોજિંદા વપરાશની વસ્તુઓ મોંઘી થઈ શકે, જેની સીધી આર્થિક કળ સામાન્ય જનતાને ભોગવવી પડે છે.

RBI ગવર્નર સંજય મલ્હોત્રાના મતે રૂપિયામાં આવેલો આ ઘટાડો ભારતની સ્થાનિક અર્થવ્યવસ્થાની કોઈ સમસ્યા કે આંતરિક નબળાઈના કારણે નથી. આ માત્ર વૈશ્વિક જિયોપોલિટિકલ તણાવ, મજબૂત અમેરિકી ડોલર અને આંતરરાષ્ટ્રીય બજારની અસ્થિરતાનું પરિણામ છે. જો પશ્ચિમ એશિયામાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થશે તો રૂપિયો ઝડપથી બાઉન્સ બેક કરીને પોતાના વાસ્તવિક મૂલ્ય તરફ આગળ વધશે.

સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીએ તો અન્ડરવેલ્યુડ રૂપિયો એ ભારત માટે એક સાથે તક અને પડકાર બંને લઈને આવ્યો છે. તે નિકાસ, IT અને આંતરરાષ્ટ્રીય કમાણી ધરાવતાં ક્ષેત્રો માટે નવી આશા જગાડે છે, પરંતુ આયાત આધારિત ઉદ્યોગો અને ફુગાવાની ચિંતા વધારે છે. આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ કેવી રહે છે તેના પર જ રૂપિયાની સાચી દિશા નક્કી થશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં