‘પેપર લીકના કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટનું ગઠન કરાશે’: પીએમ મોદીની ઘોષણા, કહ્યું– યુવાઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરનારા કોઈને છોડવામાં નહીં આવે

NEET UG પેપર લીક અને અન્ય મુદ્દાઓની આડમાં દિલ્હીમાં ચાલતા હિંસક પ્રદર્શન વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (23 જુલાઈ) X પર એક પોસ્ટ કરીને પેપર લીકના તમામ કેસમાં કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું. સાથે તેમણે કહ્યું કે સરકાર આવા કેસોના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટનું ગઠન કરવા જઈ રહી છે.

પોસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે દેશના યુવાઓના હિત અને તેમનું ભવિષ્ય જ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

આગળ કહ્યું, “પેપર લીકના તમામ કેસમાં દોષિતોને વહેલામાં વહેલી કઠોર સજા કરવા માટે, કેસના ત્વરિત નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટનું ગઠન કરવામાં આવશે. આ માટે સંબંધિત વિભાગોને આવશ્યક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટેના નિર્દેશો આપી દેવામાં આવ્યા છે.

વડા પ્રધાને કહ્યું કે વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા માટે સરકાર દ્વારા લેવામાં આવી રહેલા નિર્ણયોની શ્રૃંખલામાં આ મહત્ત્વપૂર્ણ ડગલું છે. યુવાઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરનારા કોઈને પણ બક્ષવામાં નહીં આવે.

રાજધાની નવી દિલ્હીમાં છેલ્લા મહિના દિવસથી કોકરોચ જનતા પાર્ટીના બેનર હેઠળ પ્રદર્શન કરતા આંદોલનકારીઓ છેલ્લા ત્રણ દિવસથી હિંસા પર ઉતરી આવ્યા છે. 20મી જુલાઈએ સંસદ સત્ર શરૂ થવાના દિવસે આ તમામે સંસદ ભવન તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી. જોકે હાઈસિક્યુરિટી ઝોન હોવાના કારણે પોલીસે પરવાનગી આપી ન હતી. તેમ છતાં કૂચનું આયોજન કરવામાં આવ્યું અને પોલીસે અટકાવ્યા ત્યારે આંદોલનકારીઓએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ પોલીસે બળપ્રયોગ કરીને પરિસ્થિતિ પર કાબુ મેળવવો પડ્યો હતો.

ત્યારબાદ બે દિવસથી છમકલાં થતાં રહ્યાં છે અને રાજકીય પાર્ટીઓ પણ લાભ ખાટવા માટે જોડાઈ રહી છે. આ બધાની વચ્ચે વડા પ્રધાન મોદીએ સ્વયં સંદેશ આપ્યો છે કે સરકાર તમામ પગલાં લઈ રહી છે. બે દિવસ પહેલાં વડા પ્રધાને યુવાનોને અને વિદ્યાર્થીઓને ઉશ્કેરનારા તત્વોથી પણ સાવચેત કર્યા હતા.