
પુણેના બિલ્ડર કેતન અગ્રવાલની હત્યાના કેસમાં મુખ્ય આરોપી સિયા ગોયલના પરિવારની મસાલા અને ડ્રાયફ્રૂટ્સની દુકાન સામે મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ (FDA) કડક પગલાં લીધાં છે. ફૂડ સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બદલ પુણેના માર્કેટ યાર્ડમાં આવેલી ‘M/s BG ગોયલ એન્ડ કંપની’ નામની આ દુકાનને આગામી આદેશ સુધી તેનો તમામ વ્યવસાય તાત્કાલિક બંધ રાખવા નોટિસ ફટકારવામાં આવી છે.
દુકાન પર રેડ દરમિયાન FDA ના અધિકારીઓએ ‘સંત’ અને ‘સાધુ’ બ્રાન્ડના હળદર પાવડર, તલ અને સોયાબીન ચંક્સના નમૂના લીધા હતા. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની શંકા અને લેબલિંગની ગેરરીતિઓને કારણે કાયદેસરની કાર્યવાહી કરીને અધિકારીઓએ સ્થળ પરથી અંદાજે 8.14 લાખની કિંમતનો 4,172 કિલોગ્રામ શંકાસ્પદ સ્ટોક જપ્ત કર્યો છે.
નિયામક સત્તામંડળના જણાવ્યા અનુસાર, ગોયલ પરિવારની આ પેઢી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ (FSSAI) હેઠળની ફરજિયાત જોગવાઈઓનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી. આ ઉપરાંત, આ દુકાનદારે પોતાના ફૂડ લાયસન્સમાં જરૂરી કાયદાકીય સુધારાઓ અને વિગતો પણ અપડેટ કરી નહોતી, જેના કારણે તેનો વેપાર અટકાવી દેવાયો છે.
શું છે સમગ્ર હત્યાકાંડનો કેસ?
આ વિવાદ 20 વર્ષની સિયા ગોયલ અને તેના બોયફ્રેન્ડ ચેતન ચૌધરી સાથે જોડાયેલો છે, બંને હાલ જેલમાં બંધ છે. આરોપ છે કે 18 જૂનના રોજ પુણેના લોહગઢ કિલ્લા પર ટ્રેકિંગ દરમિયાન સિયાએ તેના મંગેતર કેતન અગ્રવાલને ખીણમાં ધકેલી દઈને મારી નાખ્યો હતો. સિયાએ લગ્નની તૈયારી માટે કેતને આપેલા ₹1 કરોડ ગુપ્ત રીતે ચેતનને ટ્રાન્સફર કર્યા હતા અને ત્યારબાદ બંનેએ આ હત્યાનો પ્લાન ઘડ્યો હતો.
હત્યાને પહેલાં અકસ્માત તરીકે જોવામાં આવ્યો પરંતુ કેતનના પરિવારની શંકા બાદ પોલીસે હત્યાના એન્ગલથી તપાસ શરૂ કરી અને સિયા ગોયલ અને ચેતન ચૌધરીની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. મામલો શંકાસ્પદ જણાતાં બંનેની ધરપકડ કરીને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ બંને જેલમાં બંધ છે.

