‘ત્રીજી ભાષા ધોરણ 9 નહીં પણ ધોરણ 6થી હોવી જોઈએ’: સુપ્રીમ કોર્ટ, તમિલનાડુ સરકારને કહ્યું– કેન્દ્ર સરકારની શાળાઓ પ્રત્યે નકારાત્મક વલણ ન દાખવો

ધોરણ 9થી ફરજિયાત ત્રીજી ભાષા દાખલ કરવાના CBSEના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. જસ્ટિસ બી. વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે અવલોકન કર્યું હતું કે બોર્ડની પરીક્ષાના બરાબર એક વર્ષ પહેલાં વિદ્યાર્થીઓ પર નવી ભાષા શીખવાનું દબાણ લાવવું તે બિલકુલ યોગ્ય નથી. કોર્ટે કહ્યું કે ધોરણ 9માં નવી ભાષા શરૂ કરવાથી વિદ્યાર્થીઓ પર બિનજરૂરી માનસિક તણાવ વધશે.

અદાલતે કેન્દ્ર સરકાર અને શિક્ષણ બોર્ડને આ નીતિમાં સુધારો કરવા સલાહ આપી છે. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે, ધોરણ 10ની પરીક્ષાના કારણે ધોરણ 8ના અંતથી જ બાળકો પર દબાણ શરૂ થઈ જાય છે. તેથી નવી ભાષા ધોરણ 9માં નહીં પરંતુ ધોરણ 6થી (મિડલ સ્કૂલ) શરૂ કરવી જોઈએ જેથી ધોરણ 9 સુધીમાં તેનું શિક્ષણ પૂરું થઈ શકે.

સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નાએ વર્ષ 1976ના પોતાના શાળાના દિવસોનું ઉદાહરણ આપતાં કહ્યું કે, “અમારા સમયમાં પણ મિડલ સ્કૂલથી જ ત્રીજી ભાષા શીખવવામાં આવતી હતી, જેનાથી બોર્ડની પરીક્ષા વખતે કોઈ દબાણ નહોતું આવતું. આજના વિદ્યાર્થીઓ પર પહેલેથી જ ઘણું દબાણ છે, તેથી ભાષા જેટલી વહેલી શીખવાય તેટલું સારું.”

ભાષાના વિવાદ પર સર્વોચ્ચ અદાલતે એક મહત્વની સ્પષ્ટતા કરી હતી કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં (NEP) ક્યાંય પણ હિન્દી ભાષાને ફરજિયાત બનાવવામાં આવી નથી. શિક્ષણ નીતિ અનુસાર વિદ્યાર્થીઓએ રાજ્યની સ્થાનિક ભાષા અને અંગ્રેજી ઉપરાંત કોઈપણ ત્રીજી ભાષા જેમ કે સંસ્કૃત કે અન્ય પસંદ કરવાની હોય છે.

તમિલનાડુ સરકારને ટકોર: ‘કેન્દ્રીય વિદ્યાલયોને ન અટકાવો’

આ સુનાવણી તમિલનાડુમાં ‘જવાહર નવોદય વિદ્યાલય’ (JNV) સ્થાપવાના વિરોધ મુદ્દે થઈ રહી હતી. કોર્ટે તમિલનાડુ સરકારને સલાહ આપી કે માત્ર કેન્દ્ર સરકારની નીતિ છે એટલા માટે જ તેનો વિરોધ કરવાનું વલણ ન રાખવું જોઈએ. રાજ્યની પોતાની શિક્ષણ પ્રણાલી હોઈ શકે, પરંતુ કેન્દ્રીય શાળાઓને રાજ્યમાં આવતા રોકવી ન જોઈએ.

કોર્ટે ઉમેર્યું કે નવોદય શાળાઓનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે અને રાજ્ય સરકારે માત્ર જમીન જ ફાળવવાની હોય છે. આ શાળાઓ ગરીબ અને તેજસ્વી વિદ્યાર્થીઓ માટે બહુ ઉપયોગી છે, તેથી તમિલનાડુનાં બાળકોને આવી ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતી શાળાઓથી વંચિત રાખવાં યોગ્ય નથી.

કોર્ટે નોંધ્યું કે તમિલનાડુમાં TVKની સરકાર આવ્યા બાદ હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે આ શાળાઓને લઈને હજુ વાટાઘાટો ચાલી રહી છે. આ મંત્રણાઓનો કોઈ સકારાત્મક ઉકેલ આવી શકે તે માટે રાજ્ય સરકારની વિનંતી પર સુપ્રીમ કોર્ટે આ કેસની આગામી સુનાવણી 11 ઑગસ્ટ સુધી મુલતવી રાખી છે.