
જુલાઈ 2026માં સુરતમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે લોકોને મોટાપાયે આર્થિક નુકસાન થયું હતું. રાજ્ય સરકારે હવે અસરગ્રસ્ત વિસ્તારોના વ્યાપારી અને સેવાકીય એકમો માટે પુનર્વસન પેકેજ જાહેર કર્યું છે, જે અનુસાર લારી/રેકડી, કેબિનમાં દુકાન ચલાવતા દુકાનદારો સહિત વ્યવસાયિક એકમો ધરાવનારાઓને રોકડ અથવા વ્યાજસહાય ચૂકવવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પેકેજને મંજૂરી આપવામાં આવી હતી, જેની વિગતો નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ બુધવારે (15 જુલાઈ) એક પત્રકાર પરિષદમાં આપી.
ડેપ્યુટી સીએમએ કહ્યું કે, આ સહાય પેકેજ અંતર્ગત અસરગ્રસ્ત વિસ્તારોમાં નાના માણસોના વેપાર-ધંધા પૂર્વવત થઇ શકે તે માટે લારી/રેકડી, નાની કેબિન, મોટી કેબિન ધરાવતા દુકાનધારકોને ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે. જેમણે છેલ્લા ત્રિમાસિકનું GST રિટર્ન ભર્યું હોય તેવા દુકાનધારકોને ₹1 લાખની ઉચ્ચક રોકડ સહાય આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિથી અસરગ્રસ્ત વેપાર, વાણિજ્ય અને સેવાકીય એકમોને પૂર્વવત કરવા ઉદારતમ પુનઃવસન સહાય પેકેજ જાહેર કર્યું…
— Gujarat Information (@InfoGujarat) July 15, 2026
પુનઃવસન સહાય પેકેજની વિગતો આપતા નાયબ… pic.twitter.com/jN4RfZvjN6
ઉપરાંત, જેમણે છેલ્લા ત્રિમાસિકનું GST રિટર્ન ભર્યું હોય તેવા વેપારી/મોટી દુકાન અને પાકા બાંધકામવાળી દુકાનો માટે બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત એકમોને લોન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
સહાય પેકેજની જોગવાઇઓ આ મુજબ છે:
પાત્રતા સહાયની વિગત
–લારી/રેકડી ધારકોને ઉચ્ચક ₹7,500ની રોકડ સહાય
–નાની સ્થાયી કેબિન (કેબિનનો વિસ્તાર 40 ચોરસ ફૂટ સુધી હોય તે) ઉચ્ચક ₹25,000ની રોકડ સહાય
–મોટી કેબિન (કેબિનનો વિસ્તાર 40 ચોરસ ફૂટથી વધારે હોય તે) ઉચ્ચક ₹ 50,000ની રોકડ સહાય
–પાકી દુકાન (દુકાનનું પાકું બાંધકામવાળું સ્થાયી માળખું હોય અને છેલ્લા ત્રિમાસિકનું GST રિટર્ન ભર્યું હોય) ઉચ્ચક ₹1,00,000ની રોકડ સહાય
–પાકી દુકાન (દુકાનનું પાકું બાંધકામવાળું સ્થાયી માળખું હોય અને છેલ્લા ત્રિમાસિક GST રિટર્ન મુજબ માસિક ટર્ન ઓવર ₹7.5 લાખ સુધી હોય). ₹૨૦ લાખ સુધીની ટર્મ લોન લેનારને 3 વર્ષ સુધી 7%ના દરે વ્યાજ સહાય (વધુમાં વધુ કુલ ₹5 લાખની મર્યાદામાં).
–પાકી દુકાન (દુકાનનું પાકું બાંધકામવાળું સ્થાયી માળખું હોય અને છેલ્લા ત્રિમાસિક GST રિટર્ન મુજબ માસિક ટર્નઓવર ₹7.5 લાખથી 15 લાખ સુધી હોય). ₹25 લાખ સુધીની ટર્મ લોન લેનારને 3 વર્ષ સુધી 7%ના દરે વ્યાજસહાય (વધુમાં વધુ કુલ ₹8 લાખની મર્યાદામાં)
–પાકી દુકાન (દુકાનનું પાકું બાંધકામવાળું સ્થાયી માળખું હોય અને છેલ્લા ત્રિમાસિક GST રિટર્ન મુજબ માસિક ટર્નઓવર ₹15 લાખથી વધુ હોય). ₹30 લાખ સુધીની ટર્મ લોન લેનારને 3 વર્ષ સુધી 7% ના દરે વ્યાજ સહાય (વધુમાં વધુ કુલ ₹10 લાખની મર્યાદામાં)
ઉચ્ચક રોકડ સહાય અથવા વ્યાજ સહાય પૈકી માત્ર કોઈ એક જ વિકલ્પ મળવાપાત્ર થશે. તેમજ ઉચ્ચક રોકડ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોને સરવે કરી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી જેવા આધાર ધ્યાનમાં લઇને સહાય ચૂકવવામાં આવશે.
આવા ઉચ્ચક રોકડ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ તા. 30/09/2026 સુધીમાં સંબંધિત સુરત મ્યુનિસિપલ કમિશનર અથવા મામલતદાર કે નગરપાલિકાના ચીફ ઑફિસરને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.
આવી ઉચ્ચક રોકડ સહાય મંજૂર કરવા માટે સુરત મહાનગરપાલિકાના જે-તે ઝોનના ડેપ્યુટી કમિશનર અથવા ગ્રામ્ય વિસ્તાર માટે સંબંધિત પ્રાંત અધિકારી અધ્યક્ષ હોય તેવી સમિતિની રચના જિલ્લા કલેક્ટર સુરત દ્વારા કરવામાં આવશે.
જેમણે છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભર્યું હોય તેવા અસરગ્રસ્તોએ વ્યાજ સહાય મેળવવા માટેની અરજી પેકેજનો ઠરાવ થયાની તારીખથી છ માસ સુધીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને નિયત નમૂનામાં બેન્કમાંથી લોન મેળવ્યાના પુરાવા સાથે કરવાની રહેશે. જોકે જે અસરગ્રસ્ત એકમોએ એપીએમસી માટેની સહાય યોજના હેઠળ સહાય મેળવી હશે તેવા એકમો આ પેકેજ અંતર્ગત સહાયપાત્ર થશે નહી.
આવી સહાય મંજૂર કરવા અંગે ઉભા થતા કોઈ પણ તકરાર, વિવાદ કે પુનઃ સરવે અંગે જે-તે અસરગ્રસ્ત એકમ સુરત કલેક્ટરને અપીલ કરી શકશે. કલેક્ટરની અધ્યક્ષતામાં કાર્યરત આ અપીલ સમિતિમાં અન્ય સભ્યો તરીકે જીલ્લા વિકાસ અધિકારી (DDO) તેમજ જનરલ મેનેજર, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC), સુરત રહેશે.
રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ કામગીરી પૂરજોશથી ચાલુ, એક્શન પ્લાન તૈયાર કરવા સમિતિ બનાવાઈ
આ સિવાય વધુ એક નિર્ણય એ લેવામાં આવ્યો છે કે સુરત શહેરના અસરગ્રસ્ત રહેણાંક અને વાણિજ્ય વિસ્તારોને એક વર્ષ માટે વેરા માફી આપવામાં આવશે.
વરસાદમાં અસરગ્રસ્ત લારી ચલાવતા, કેબીન ધરાવતા અને નાની દુકાનો ધરાવતા વ્યાપારીઓને માટે રાજ્ય સરકારનો સ્તુત્ય નિર્ણય ! pic.twitter.com/hh73NywMOm
— Harsh Sanghavi (@sanghaviharsh) July 15, 2026
ડેપ્યુટી સીએમ સંઘવીએ જણાવ્યું કે પૂરની પરિસ્થિતિ બાદ સુરત શહેરમાં ગંદકી કે અન્ય રોગચાળા સંબંધિત સમસ્યા ન સર્જાય તે માટે સુરત મહાનગરપાલિકા ઉપરાંત અન્ય મહાનગરોમાંથી 9 હજારથી વધુ સ્વચ્છતાદૂતોને સુરત ખાતે સફાઈ કામગીરી સાથે જોડવામાં આવ્યા છે. તેમનો પણ રાજ્ય સરકારે આભાર વ્યક્ત કર્યો છે.
નાયબ મુખ્યમંત્રીએ સુરતના અસરગ્રસ્ત વિસ્તારોમાં કેશ ડોલ અને ઘરવખરી સહાયની ચૂકવણીની વિગતો પણ આપી હતી. તેમણે કહ્યું કે, સુરતમાં 14 જુલાઈ 2026 સુધીમાં કુલ 19256 પરિવારોને ₹9.62 કરોડની ઘરવખરીની સહાય અને 39237 વ્યક્તિઓને ₹3.53 કરોડની કેશડોલ મળીને કુલ ₹13.15 કરોડ રૂપિયાની ચૂકવણી રોકડ સહાય સ્વરૂપે કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે સુરત શહેરના ખાડી વિસ્તારમાં ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન ઉદભવે તે માટે એક મજબૂત અને કોંક્રિટ એક્શન પ્લાન તૈયાર કરવા અંગે ખાસ કમિટિની રચના પણ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ પણ આ કમિટિના ઉચ્ચ અધિકારીઓની ટીમને સુરત મોકલી હતી. શહેરી વિકાસ અગ્ર સચિવના નેતૃત્વમાં રચાયેલી આ કમિટિમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર, જિલ્લા કલેક્ટર, સિંચાઈ વિભાગના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટિ સુરતના ખાડી વિસ્તારમાં પૂરની સ્થિતિના લાંબાગાળાના નિવારણ માટેનો એક્શન પ્લાન તૈયાર કરશે.

