
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં સેમિકોન 2.0 મિશનને મંજૂરી આપવામાં આવી છે. કુલ 1 લાખ 27 કરોડના બજેટવાળી આ યોજનાથી ભારતમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં આવશે. સરકારે કહ્યું છે કે આ યોજના થકી દેશને વૈશ્વિક ચિપ સપ્લાય ચેઇનમાં એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય છે.
યોજના સેમિકોન 1.0 હેઠળ જે કામ થયાં છે તેને આગળ ધપાવશે, જેમાં ચિપ ડિઝાઇન, મશીન અને સામગ્રી, ફેબ્રિકેશન યુનિટ, સેમિકન્ડક્ટર પેકેજિંગ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ટેલેન્ટ ડેવલપમેન્ટ વગેરે છ મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
સરકાર કહી રહી છે કે આ યોજના ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર મેપ પર મજબૂત ઓળખ અપાવવા સાથે-સાથે સપ્લાય ચેઇન મજબૂત કરવા અને વિવિધ ક્ષેત્રોમાં આર્થિક વિકાસને ગતિ આપવા અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવામાં પણ આશીર્વાદ સાબિત થશે.
યોજના હેઠળ શું-શું કામ થશે?
યોજનાના પ્રથમ પિલર હેઠળ ભારતની ચિપ ડિઝાઇન ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવામાં આવશે. હાલ 105 સ્ટાર્ટ અપ ચિપ ડિઝાઇન પર કામ કરી રહ્યાં છે. આ યોજના હેઠળ સેમિકન્ડક્ટર આઈપી, ચિપ ડિઝાઇન અને સિસ્ટમ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવશે.
બીજા પિલરમાં સેમિકન્ડક્ટરની બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવતાં મશીન મટીરીયલ, કેમિકલ અને ગેસ બનાવનારી કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવશે. સરકારનું કહેવું છે કે તેનાથી સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી માટે મજબૂત ડોમેસ્ટિક સપ્લાય ચેઇન તૈયાર થશે.
ત્રીજા પિલર હેઠળ ભારતમાં વધુ સેમિકન્ડટક્ટર ફેબ સ્થાપિત કરવા પર ધ્યાન આપવામાં આવશે. સરકાર અનુસાર દેશમાં પહેલા સિલિકોન ફેબની શક્યતા 2028માં છે. ચોથા પિલર હેઠળ એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કેટિંગ એન્ડ પેકેજિંગ અને આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ સેક્ટર મજબૂત કરવામાં આવશે. સરકાર કહી રહી છે કે હવે ભારત ATMP અને OSAT યુનિટ માટે વૈકલ્પિક સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. જેથી એડવાન્સ પેકેજિંગ ટેકનોલોજી ભારત લાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
પાંચમા સ્તંભમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ પર ધ્યાન અપાશે. ભારતે હાલ 28 nmથી 110 nm ટેકનોલોજી નોડ સાથે સેમિકન્ડક્ટર યાત્રા શરૂ કરી છે. હવે વધુ એડવાન્સ્ડ નોડ્સ અને નવી ટેકનોલોજીની જરૂર છે, જેના માટે દેશ-વિદેશનાં પ્રમુખ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરો સાથે મળીને કામ કરવામાં આવશે.
અંતિમ સ્તંભમાં ટેલેન્ટ ડેવલપમેન્ટ પર ફોક્સ કરાશે. હાલ 315 યુનિવર્સિટીમાં ચિપ ડિઝાઇનની ટ્રેનિંગ આપવામાં આવે છે અને અત્યાર સુધીમાં 68,000 વિદ્યાર્થીઓ પ્રક્ષિશિત થઈ ચૂક્યા છે. સરકાર આ ટ્રેનિંગ વધુ વ્યાપક બનાવશે અને અન્ય જરૂરી સ્કિલ પર પણ ધ્યાન આપશે.
સેમિકોન 1.0માં શું થયું?
સેમિકોન 1.0ના રિપોર્ટ કાર્ડની વાત કરીએ તો પહેલા તબક્કા હેઠળ અત્યાર સુધીમાં 12 મેન્યુફેક્ચરિંગ યુનિટને મંજૂરી આપવામાં આવી ચૂકી છે, જેમાં 1.64 લાખ કરોડ રૂપિયાથી વધારાનું રોકાણ થયું છે. આમાં 9 પેકેજિંગ યુનિટ પણ સામેલ છે. ત્રણ યુનિટમાં કમર્શિયલ પ્રોડક્શન શરૂ પણ થઈ ચૂક્યું છે.
ડિઝાઇન સેક્ટરમાં 24 સેમિકન્ડક્ટર ડિઝાઇન પ્રોજેક્ટને નાણાકીય સહાય આપવામાં આવી છે, ઉપરાંત 105 સ્ટાર્ટ અપ અને MSMEને ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ ટૂલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે.
સરકારનું કહેવું છે કે ઇકોસિસ્ટમ આધારિત રણનીતિ ભારતમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગને નવી રફ્તાર આપશે અને દેશને ગ્લોબલ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં એક મજબૂત સ્થાન અપાવવામાં મદદ કરશે.

