પેટ્રોલ બૉમ્બ હુમલાના ષડયંત્રથી હથિયારોની તસ્કરી સુધી: દિલ્હી પોલીસે શહઝાદ ભટ્ટીના ISI સમર્થિત 2 મોડ્યુલનો પર્દાફાશ કર્યો, 6ની ધરપકડ

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાન સ્થિત ગેંગસ્ટર અને આતંકી ઑપરેટિવ શહઝાદ ભટ્ટીના નેટવર્ક સાથે જોડાયેલા બે અલગ-અલગ મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન આ નેટવર્કના 6 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઑપરેશન દ્વારા પોલીસે દેશમાં આતંક ફેલાવવાનું એક મોટું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું છે.

સ્પેશિયલ સેલના એડિશનલ કમિશનર ઑફ પોલીસ પ્રમોદ સિંઘ કુશવાહના જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપીઓ બે અલગ-અલગ નેટવર્ક ચલાવી રહ્યા હતા. જેમાંથી એક આતંકી હુમલો કરવાનું ‘ટેરર મોડ્યુલ’ હતું, જ્યારે બીજું સરહદ પારથી હથિયારો લાવવાનું ‘આર્મ્સ ટ્રાફિકિંગ મોડ્યુલ’ હતું. આ બંને મોડ્યુલના તાર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે જોડાયેલા છે, જે ભારતમાં ગુનાહિત અને આતંકી પ્રવૃત્તિઓ માટે ફંડિંગ પૂરું પાડે છે.

રાણા હુનૈનના ઇશારે થઈ રહી હતી રેકી

પ્રથમ મોડ્યુલને પાકિસ્તાનથી ISI હેન્ડલર શહઝાદ ભટ્ટીનો સાથી રાણા હુનૈન ઑપરેટ કરી રહ્યો હતો. આ મોડ્યુલને દિલ્હીની કોઈ મહત્વની સરકારી ઈમારત અથવા પોલીસ સ્ટેશન પર પેટ્રોલ બૉમ્બથી હુમલો કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ મામલામાં પોલીસે વિજય ઘાટ વિસ્તારમાંથી ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના બે યુવકો—દાનિશ ઉર્ફે ચાંદ મિયાં (24) અને સલમાનની (20) ધરપકડ કરી છે. તેમની પાસેથી 3 પેટ્રોલ બૉમ્બ અને 2,000 રોકડા મળી આવ્યા છે.

તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી દાનિશ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં આવ્યો હતો. તેને દિલ્હીમાં હુમલા માટે રેકી કરવા માટે 20,000ની લાલચ આપવામાં આવી હતી. તેનો મિત્ર સલમાન આ હુમલાનો વિડીયો રેકોર્ડ કરવા માટે દિલ્હી આવ્યો હતો અને તેને પણ 20,000 મળવાના હતા. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે તાજેતરમાં રાંચીમાં RSSની ઑફિસ પર થયેલા પેટ્રોલ બૉમ્બ હુમલા સાથે આ નેટવર્કનો કોઈ સંબંધ છે કે નહીં.

આર્મ્સ ટ્રાફિકિંગમાં જોડાયેલું હતું બીજું મોડ્યુલ

બીજું મોડ્યુલ સરહદ પારથી હથિયારોની તસ્કરી કરતું હતું, જેને પાકિસ્તાનથી જ ભટ્ટીનો અન્ય એક સાથી અને ISI હેન્ડલર હસન ગુજ્જર ચલાવતો હતો. આ મોડ્યુલ ડ્રોન દ્વારા પાકિસ્તાનથી સ્મગલ કરીને મોકલવામાં આવેલા આધુનિક હથિયારો મેળવતું હતું. આ નેટવર્કમાં પોલીસે કાલિંદી કુંજ વિસ્તારમાંથી તૈયબ, યુપીથી ઝુબૈર ખાન અને અલી ફઝલ તથા પંજાબના અમૃતસરથી મલકિયત આઇનઘની ધરપકડ કરી છે. આ લોકો પાસેથી 3 પિસ્તોલ અને 5 કારતુસ જપ્ત કરાયાં છે.

પોલીસના જણાવ્યા અનુસાર તૈયબ સોશિયલ મીડિયાથી પાકિસ્તાની હેન્ડલર ગુજ્જર સાથે જોડાયો હતો અને તેના કહેવા પર તેણે ઝુબૈર ખાનને અમૃતસરમાં મલકિયત સિંઘ પાસેથી હથિયારોનો જથ્થો લેવા મોકલ્યો હતો. આ હથિયારો દિલ્હી અને યુપીમાં વેચવાનાં હતાં. હાલમાં તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને સ્પેશિયલ સેલ આ નેટવર્કના ફંડિંગ, લોજિસ્ટિક્સ અને અન્ય રાજ્યોમાં ફેલાયેલા તાર અંગે આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે, જેથી આગામી સમયમાં વધુ ધરપકડ અને ખુલાસા થઈ શકે.