સોશિયલ મીડિયા ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ એટલે કે E20ની ચર્ચાઓથી ઉભરાય રહ્યું છે. કોઈ કહે છે કે E20 આવ્યા પછી ગાડીની માઇલેજ પહેલાં જેવી રહી નથી. એન્જિનના પરફોર્મન્સ પર પણ અસર પડશે એવી ચર્ચા પણ ક્યાંક ચાલે છે. અમુક વળી ત્યાં સુધી પહોંચી ગયા છે કે સરકાર પેટ્રોલના નામે આપણી ગાડીઓમાં ‘આલ્કોહોલ’ નાખી રહી છે. પણ પ્રશ્ન એ છે કે વાર્તા શું ખરેખર આટલી સીધી સરળ છે? શું સરકાર પર્યાવરણ અને તેલની આયાત ઓછી કરવાના પ્રયાસ કરી રહી છે કે પછી સોશિયલ મીડિયા પર અધૂરી જાણકારી સાથે ચાલતી ચર્ચાઓએ તેને ગંભીર સ્વરૂપ આપી દીધું છે?
હકીકત એ છે કે E20ની વાત માત્ર પેટ્રોલ સુધી સીમિત નથી. આ ભારતની ઊર્જા સુરક્ષા, ખેડૂતોની આવક, ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી અને કરોડો વાહન માલિકો વચ્ચે ચાલી રહેલા એક ટ્રાન્ઝિશનની વાત છે જેના ફાયદા પણ છે અને નુકસાન પણ છે અને અમુક ભ્રમ પણ.
અહીં કોઈ એક પક્ષની વાત કરવા કરતાં એ સમજીએ કે E20 આખરે છે શું, તેને આટલી ઝડપથી લાગુ કેમ કરવામાં આવ્યું, લોકોની ફરિયાદો કેટલી વાજબી છે અને આ આખા વિવાદનું સત્ય શું છે અને અંતે પોતપોતાના સ્તરે સમાધાન શું છે.
ઇથેનોલ પર કેમ ભાર મૂકવામાં આવી રહ્યો છે?
પ્રશ્ન એ આવે છે કે સરકાર ઇથેનોલ પાછળ કેમ પડી છે? તેનો જવાબ ત્રણ શબ્દોમાં છે– આર્થિક સુરક્ષા, કૃષિ શક્તિ અને પર્યાવરણ.
ભારત જરૂરિયાતનું લગભગ 85થી 90 ટકા ક્રૂડ ઓઇલ વિદેશોમાંથી ખરીદે છે. તેનો અર્થ એ છે કે આપણે અબજો ડૉલર માત્ર તેલ ખરીદવા માટે વિદેશ મોકલી આપીએ છીએ. જ્યારે ખાડી દેશોમાં કે વૈશ્વિક સ્તરે કોઈ જિઓપોલિટિકલ તણાવ સર્જાય ત્યારે ક્રૂડ ઓઈલની કિંમત વધે છે. જેની સીધી અસર આપણા ખિસ્સા પર પડે છે અને પેટ્રોલ મોંઘું થઈ જાય છે.
સરકાર પાસે બે વિકલ્પો હતા: કાં આપણે રાતોરાત ઇલેક્ટ્રિક ગાડીઓ પર શિફ્ટ થઈ જઈએ, પણ એ વ્યવહારિક રીતે શક્ય નથી અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે પણ જોવું પડે. અન્યથા પેટ્રોલમાં કશુંક એવું ભેળવવામાં આવે જે દેશી હોય, સસ્તું હોય, પ્રદૂષણ પણ ઓછું થાય… અને અહીં જ એન્ટ્રી થાય છે ઇથેનોલની.
જો ભારત બહારથી તેલ મગાવવાનું ઓછું કરી દે તો વિદેશી મુદ્રા ભંડાર બચશે. અત્યાર સુધી આપણે ₹1.90 લાખ કરોડથી વધુની વિદેશી મુદ્રા બચાવી લીધી છે. આનો ફાયદો કોને થયો? જવાબ છે: એ ખેડૂતોને જેમની શેરડી અને મકાઈ પહેલાં માર્કેટમાં સડી જતી હતી. ઇથેનોલ સપ્લાય ચેઇનથી હમણાં સુધીમાં 1.18 લાખ કરોડ રૂપિયાનો સીધો ફાયદો થયો છે. આ એક ઇકોનોમિક સાયકલ છે.
ઇથેનોલ શું છે? કામ કઈ રીતે કરે છે?
ઇથેનોલ કેમિકલ લેબની નવી શોધ નથી. તે શેરડી, મકાઈ કે પરાળથી બને છે. તેનાથી ફાયદો શું છે?
સૌથી પહેલો ફાયદો એ છે કે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય છે. પેરિસ સમજૂતી હેઠળ ભારતે 2030 સુધીમાં GDPની કાર્બન તીવ્રતા 45% ઓછી કરવાનો નિર્ણય કર્યો છે. ઇથેનોલ ઓક્સિજનયુક્ત ઇંધણ છે. જેમાં 34.7% ઑક્સિજન હોય છે. પેટ્રોલ સાથે ભેળવવામાં આવે ત્યારે ફ્યુલ વધુ સારી રીતે બાળી શકે છે. આવા પ્રયાસોથી છેલ્લાં 12 વર્ષોમાં લગભગ 99 મેટ્રિક ટન કાર્બન ઉત્સર્જન ઓછું થયું છે. ઇથેનોલ બાળવાથી CO2 અને પાર્ટિક્યુકેટ ઉત્સર્જન થાય એ શુદ્ધ પેટ્રોલની સરખામણીએ ઘણું ઓછું હોય છે. અર્થાત્, ઓછો ધુમાડો, ઓછું પ્રદૂષણ.
એન્જિનની અંદર શું થાય છે?
હવે લોકોના ફ્રસ્ટ્રેશનની વાત. અહીંથી જ વિવાદ શરૂ થાય છે. લોકોની ફરિયાદ છે કે માઇલેજ ઓછી થઈ જાય છે અને વાસ્તવમાં જોઈએ તો તેઓ ખોટા પણ નથી. માઇલેજ ઓછી થાય એ વાસ્તવિકતા છે. પણ એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે ભારતમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવું કોઈ નવી વાત પણ નથી. આ પહેલાંની સરકારોમાં, જેમકે UPA સરકારમાં E10 પ્રોગ્રામ શરૂ થયો હતો પણ ફેર એટલો કે ત્યારે આજની જેમ ફરજિયાત કરવામાં આવ્યું ન હતું. ત્યારે પેટ્રોલ પંપ પર 100% શુદ્ધ પેટ્રોલ પણ મળી જતું હતું. જેથી જેમની પાસે 2011 પહેલાંનાં જૂનાં વાહનો હતાં તેઓ ઈથેનોલ બ્લેન્ડેડ ન હોય એવું પેટ્રોલ ખરીદી શકતા હતા.
2011 પછી ભારતમાં જે કાર વેચાઈ એ મોટાભાગની E10 એટલે કે 10% ઇથેનોલ હિસાબે બની હતી અને કોઈ પણ પ્રકારની સમસ્યા વગર ચાલતી હતી.
હમણાં સમસ્યા શું છે? એ કે સરકારે હવે E20 દરેક ઠેકાણે લાગુ કરી દીધું છે અને મિશ્રણ વગરનું પેટ્રોલ હવે મળવાનું લગભગ બંધ થઈ ગયું છે.
E20વાળાં વાહનો તો 2023 બાદ આવવાનાં શરૂ થયાં (BS6 ફેઝ 2 પછી). તેનો સીધો અર્થ એ થયો કે જો કાર 2011 બાદ અને એપ્રિલ 2023 પહેલાંની હોય તો E10 માટે તૈયાર હતી અને E20 માટે નહોતી બની. એ જ કારણે જૂની કારના માલિકો હમણાં અસમંજસમાં છે.
માઇલેજની જ્યાં સુધી વાત છે, અમુક વાતો જાણવી જરૂરી છે.
સૈદ્ધાંતિક રીતે જોઈએ તો પેટ્રોલની ઊર્જા ક્ષમતા ઇથેનોલથી વધુ હોય છે. જો એક લિટર શુદ્ધ પેટ્રોલની સરખામણી E20 સાથે કરવામાં આવે, એટલે કે 80% પેટ્રોલ+20% ઇથેનોલ, તો E20માં એનર્જી લગભગ 6% ઓછી હોય છે. એટલે ગાડીને અમુક નિશ્ચિત અંતર કાપવા માટે થોડું વધુ ઇંધણ જોઈશે. આ ભૌતિક વિજ્ઞાનનું સત્ય છે, જેને નકારી ન શકાય. એટલે માઇલેજ થોડી ઓછી થવી સ્વાભાવિક છે. જૂની ગાડી જેમની પાસે છે તેમના માટે આ સમસ્યા થોડી વધુ રહેશે કારણ કે રબરનું સીલ-પાઇપ વગેરે ઇથેનોલ પ્રતિરોધી નથી.
જોકે એક ફાયદો પણ છે. ઇથેનોલનો ઓક્ટેન નંબર 108.5 નજીક હોય છે, જ્યારે પેટ્રોલનો 87-93 વચ્ચે. ઓક્ટેન રેટિંગનો અર્થ છે એન્ટી-નૉકિંગ ક્ષમતા. એટલે એન્જિનની અંદર જે ‘ટિક-ટિક’ અવાજ આવે છે તેને ઇથેનોલ રોકે છે. હાઈકમ્પ્રેશન એન્જિનોમાં ઇથેનોલ પરફોર્મન્સ સુધારી શકે છે. ઉદાહરણ તરીકે ફોક્સવેગન અને સ્કોડાનાં TSI એન્જિન, હ્યુન્ડાઈની N સિરીઝ કે હોન્ડાનાં અમુક ટર્બોચાર્જ્ડ એન્જિન ઉચ્ચ ઓક્ટેન ઈંધણની વિશેષતાઓનો ઉપયોગ કરી શકે તેમ છે.
હવે એ સમસ્યા પર આવીએ, જેની ચર્ચા ઓછી થાય છે. ફેઝ સેપરેશન.
ઇથેનોલ બહુ વધારે હાઇગ્રોસ્કોપિક હોય છે. એટલે કે હવામાંથી ભેજ બહુ જલ્દી શોષી લે છે. જો ગાડીની પેટ્રોલ ટેન્ક ઘણા દિવસ સુધી ખાલી કે ઓછા ઇંધણ સાથે રહે તો ઈથેનોલ વાતાવરણમાંથી પાણી લેવા માંડે છે. પાણીની માત્રા એક મર્યાદા કરતાં વધી જાય તો ઇથેનોલ પેટ્રોલથી અલગ થઈને ટેન્કમાં નીચે બેસી જાય અને એને જ ફેઝ સેપરેશન કહેવાય છે.
તેનું પરિણામ શું હોય? ગાડી ચાલુ નહીં થાય, કારણ કે ફ્યુલ પંપ નીચેથી પાણી અને ઇથેનોલનું એસિડિક મિશ્રણ ખેંચી લેશે. નુકસાન એ થશે કે એસિડિક મિશ્રણ ફ્યુલ લાઇનો, ઇન્જેક્ટર અને એન્જિન વાલ્વને અસર કરે છે.
રિફાઇનરીથી નીકળતું E20 ઇંધણ બિલકુલ શુદ્ધ હોય છે. પણ ટેન્કમાં વર્ષોથી જે ગંદકી અને ભેજ હોય તે ઇથેનોલ સાથે મિશ્ર થઈ શકે, એટલે જૂની ગાડીમાં ફિલ્ટર બ્લૉકેજની સમસ્યા વધુ આવે છે.
પણ પ્રશ્ન એ પણ છે કે શું આપણે ‘પરફેક્ટ’ સમાધાન શોધવાની લ્હાયમાં જે વધુ સારો વિકલ્પ છે એને છોડી દઈએ? ઇથેનોલ એક બ્રિજ ફ્યૂલ છે. જ્યાં સુધી દરેક ઠેકાણે ઇલેક્ટ્રિક ગાડી ન આવી જાય અને ગ્રિડ સંપૂર્ણ રીતે ગ્રીન ન થાય ત્યાં સુધી ઇથેનોલ દેશ માટે સસ્તો અને તુરંત લાગુ કરી શકાય એવો વિકલ્પ છે.
ગ્લોબલ કેસ સ્ટડી: બ્રાઝિલ અને અમેરિકા
આ પ્રયોગમાં ભારત એકલું છે? ના. અહીં દુનિયા શું કરી રહી છે એ સમજવું પણ જરૂરી છે. પેરિસ એગ્રીમેન્ટમાં કોઈએ એવું કહ્યું નથી કે ઇથેનોલનો જ ઉપયોગ કરવો જોઈએ. ત્યાં લક્ષ્ય માત્ર ઉત્સર્જન ઘટાડવાનું છે. દુનિયાના અલગ-અલગ દેશો તેના માટે અલગ-અલગ પદ્ધતિથી કામ કરી રહ્યા છે.
જેમકે બ્રાઝિલ. 1970ના ઓઇલ સંકટ બાદ બ્રાઝિલે ‘પ્રોલકૂલ’ (Pró-Álcool) પ્રોગ્રામ શરૂ કર્યો હતો. આજે તેની પાસે E27 ઇંધણ છે અને 90% ગાડીઓ ફ્લેશ ફ્યુલ છે. 100% પેટ્રોલ ચલાવી શકાય અથવા 100% ઇથેનોલ. બ્રાઝિલ 50 વર્ષથી E27 ચલાવે છે.
અમેરિકાની વાત કરીએ તો ત્યાં મકાઈના પાકનો વધુ પડતો ઉપયોગ થાય છે. જેનાથી E10 અને E15નો મોટાપાયે ઉપયોગ થાય છે.
યુરોપમાં ‘Fit for 55’ પેકેજ ચલાવવામાં આવે છે. જ્યાં બાયોફ્યુલ અને ઇલેક્ટ્રિક બંનેના મિશ્રણનો ઉપયોગ કરે છે.
ચીન હવે સંપૂર્ણપણે EV તરફ આગળ વધી રહ્યું છે.
ભારત ક્યાં છે? ભારતે E20નો ટાર્ગેટ બહુ જલ્દીથી હાંસલ કરી લીધો છે. આ એગ્રેસિવ જરૂર છે પણ ખોટું પણ નથી. આપણે વિકાસશીલ દેશ છીએ, આપણે અર્થવ્યવસ્થા અને પર્યાવરણ વચ્ચે સંતુલન પણ જાળવી રાખવાનું છે.
ગાડી કઈ રીતે બચાવાય?
આટલું વાંચ્યા પછી પ્રશ્ન થઈ શકે તો શું આપણી કાર 2 વર્ષમાં જ પરવારી જશે? ના. પણ અમુક આદતોમાં સુધારો કરવો પડશે.
જેમકે, ટેન્ક ફૂલ રાખવી: જેટલું ઓછું પેટ્રોલ, એટલો વધુ ભેજ. ઇંધણ જેટલું વધારે ટેન્કમાં રહેશે હવા માટે જગ્યા ઓછી હશે અને ભેજ ઓછો રહેશે.
ફ્યુલ સ્ટેબલાઇઝરનો ઉપયોગ: બજારમાં ફ્યૂલ સ્ટેબલાઇઝર્સ મળે છે, જે ઇથેનોલ અને પેટ્રોલ અલગ થવાથી રોકે છે.
ફિલ્ટરનો ખ્યાલ રાખવો: દરેક સર્વિસ પર ફ્યૂલ ફિલ્ટર બદલવું જરૂરી છે. ઇથેનોલ સફાઈનું કામ કરે છે, જે ગંદકી ખેંચીને ફિલ્ટરમાં એકઠી કરી દે છે.
રબર હોઝ: ગાડી 2023 પહેલાની હોય તો એ ચેક કરવું જોઈએ કે તેમાં વિટૉન અને ટેફલોન આધારિત પાઇપ છે? આ ઇથેનોલ પ્રતિરોધી હોય છે.
જોકે આ બધાની સાથે સરકાર પક્ષેથી એ થવું જોઈએ કે પેટ્રોલ પંપ પર E0 કે E20નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહે એટલે જૂની ગાડી વાપરતા લોકોને સમસ્યા ન આવે.
એ પણ હકીકત છે કે માત્ર ગ્રાહકોને જ દોષી ન ઠેરવી શકાય. સરકારે પણ નીતિઓમાં થોડો બદલાવ કરવો આવશ્યક છે. ઉપર કહ્યું એમ, જેઓ જૂની ગાડી વાપરે છે તેમના માટે પેટ્રોલ પંપ પર ઇથેનોલ વગરનું પેટ્રોલ ઉપલબ્ધ કરાવવા પર વિચાર કરવો જોઈએ, ભલે થોડું મોંઘું હોય. સાથે કંપનીઓએ એ સ્પષ્ટ કરવું જોઈએ કે E20ના ઉપયોગ પર વૉરન્ટી રદ નહીં થાય.
સાથે 2G ઇથેનોલ પર પણ જોર આપવાની જરૂર છે. શેરડીમાંથી ઇથેનોલ બનાવવાનો અર્થ એ છે કે આપણે પાણીનો પણ વધુ ઉપયોગ કરી રહ્યા છીએ. ભવિષ્ય 2G ઇથેનોલમાં છે, જે કચરા અને પરાળમાંથી બને છે.
એક સામૂહિક જવાબદારી
E20 આત્મનિર્ભરતાનું એવું સપનું છે જેને પૂર્ણ કરવું આપણી ઊર્જા સુરક્ષા માટે જરૂરી છે. આપણે એવા તબક્કામાં છીએ જ્યાં કઠણાઈઓ આવશે, ભૂલ થશે અને માઇલેજ જેવી અમુક સમસ્યાઓ પણ આવશે. પરંતુ જાગૃત રહીને વાહનોનો ઉપયોગ કરીએ, સરકાર માળખાગત સુવિધાઓ મજબૂત કરે તો બ્રિજ ફ્યૂલ વાસ્તવમાં દેશનું ભવિષ્ય બદલી શકે છે.
ઇથેનોલ એક સાયલન્ટ વૉરિયર છે. ધુમાડો ઓછો કરે છે, જે આપણને દેખાતો નથી પણ તમારા અને તમારાં બાળકોનાં ફેફસાંમાં તો જાય જ છે. એટલે આપણે ટ્રાન્ઝિશનના તબક્કામાં છીએ. પડકારો છે, સમસ્યાઓ છે, પણ રસ્તો સાવ ખોટો પણ નથી. બ્રાઝિલ કરી શકે, અમેરિકા કરી શકે તો ભારત કેમ નહીં?


