હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિનીલમાધવથી ભગવાન જગન્નાથ સુધી: વિશ્વાવસુ, વિદ્યાપતિ, રાજા ઇન્દ્રદ્યુમ્ન અને દ્વારકાથી પહોંચેલા દિવ્ય...

નીલમાધવથી ભગવાન જગન્નાથ સુધી: વિશ્વાવસુ, વિદ્યાપતિ, રાજા ઇન્દ્રદ્યુમ્ન અને દ્વારકાથી પહોંચેલા દિવ્ય કાષ્ટની એવી કથા, જેણે જગન્નાથ પરંપરાને જન્મ આપ્યો

ત્યાં એક આદિવાસી ભક્ત વિશ્વાવસુ હતા. ત્યાં નીલમાધવ હતા. ત્યાં પ્રકૃતિની વચ્ચે થતી નિઃસ્વાર્થ સેવા હતી અને પછી એક પછી એક પાત્રો આ કથામાં જોડાતા ગયા. વિદ્યાપતિ આવ્યા. રાજા ઇન્દ્રદ્યુમ્ન આવ્યા. દારુ બ્રહ્મની પરંપરા જોડાઈ. વિશ્વકર્માની કથા જોડાઈ. અંતે શ્રીમંદિર ઊભું થયું અને નીલમાધવનું સ્વરૂપ ભગવાન જગન્નાથ તરીકે સમગ્ર ભારતની આસ્થાનું કેન્દ્ર બન્યું.

- Advertisement -

સદીઓ પહેલાં પુરીમાં ન તો શ્રીમંદિર હતું, ન રથયાત્રાનો મહાસાગર જેવો જનસમૂહ હતો અને ન ભગવાન જગન્નાથનું આજે દેખાતું સ્વરૂપ હતું, ત્યારે ઓડિશાનાં ગાઢ જંગલોમાં એક એવો ભક્ત રહેતો હતો, જેના માટે ભગવાન કોઈ ભવ્ય મંદિરમાં નહીં, પરંતુ પ્રકૃતિની વચ્ચે વસતા હતા. દરરોજ સૂર્યોદય પહેલાં તે જંગલના એક અઘરા રસ્તે નીકળતો.

વાંકાચૂકા પગદંડી જેવા રસ્તાઓ, ઊંચાં વૃક્ષો અને પક્ષીઓના કલરવ વચ્ચે તે એક એવી ગુફા સુધી પહોંચતો જેના અસ્તિત્વ વિશે બહુ ઓછા લોકો જાણતા હતા. ત્યાં કોઈ શિખર નહોતું, કોઈ ઘંટારવ નહોતો, કોઈ રાજાશ્રય પણ નહોતો. હતી તો માત્ર એક દિવ્ય ઉપસ્થિતિ.

તે ભક્તનું નામ હતું વિશ્વાવસુ.

- Advertisement -

સવરા (શબર) જનજાતિના આ વડા માટે એ ગુફામાં બિરાજતા ભગવાન કોઈ પ્રતિમા નહોતી. તેઓ તેમના આરાધ્ય હતા. તેઓ તેમને નીલમાધવ તરીકે પૂજતા હતા. જંગલમાંથી વીણેલાં ફૂલો, ફળો અને નિર્મળ ભક્તિથી તેઓ રોજ તેમની સેવા કરતા. બહારની દુનિયાને આ ઉપાસનાની લગભગ કોઈ જાણ નહોતી. પરંતુ આવી કથાઓ લાંબા સમય સુધી જંગલની અંદર જ દબાઈને રહી શકતી નથી.

ધીમે-ધીમે નીલમાધવની ખ્યાતિ જંગલોની બહાર પણ પહોંચવા લાગી. લોકો કહેવા લાગ્યા કે પૂર્વ દિશામાં ક્યાંક એક એવા દેવ બિરાજે છે જેમના દર્શન સામાન્ય માણસ માટે શક્ય નથી. જે ભક્ત ત્યાં સુધી પહોંચે છે તેનું જીવન ધન્ય થઈ જાય છે. આ સમાચાર આખરે માળવાના રાજા ઇન્દ્રદ્યુમ્ન સુધી પણ પહોંચ્યા. રાજા માટે આ માત્ર એક નવી દેવમૂર્તિના સમાચાર નહોતા.

તેઓ ભગવાન વિષ્ણુના અનન્ય ઉપાસક હતા અને જીવનમાં એકવાર એ દિવ્ય સ્વરૂપના દર્શન કરવાની તેમની પ્રબળ ઇચ્છા હતી. અનેક યાત્રાળુઓ, ઋષિઓ અને બ્રાહ્મણો પાસેથી તેમણે નીલમાધવ વિશે સાંભળ્યું, પરંતુ કોઈ પાસે એવો માર્ગ નહોતો જે તેમને સીધા ભગવાન સુધી લઈ જઈ શકે.

અંતે રાજાએ પોતાના સૌથી વિશ્વાસુ બ્રાહ્મણ વિદ્યાપતિને આ જવાબદારી સોંપી. આદેશ સ્પષ્ટ હતો. પૂર્વ તરફ જાઓ. નીલમાધવને શોધો અને તેમના દર્શન કર્યા વિના પાછા ફરશો નહીં. વિદ્યાપતિને ત્યારે કદાચ ખબર પણ નહોતી કે તેઓ માત્ર એક દેવમૂર્તિની શોધમાં નથી નીકળ્યા. તેઓ એવી કથાનો ભાગ બનવા જઈ રહ્યા હતા જે હજારો વર્ષ પછી ભગવાન જગન્નાથના પ્રાગટ્યની આધારશિલા તરીકે ઓળખાવાની હતી.

જ્યારે ભગવાન સુધી પહોંચવા માટે લગ્ન પણ કરવા પડ્યા

વિદ્યાપતિ નીલાંચલ પ્રદેશમાં પહોંચ્યા, પરંતુ થોડા જ દિવસોમાં તેમને સમજાઈ ગયું કે નીલમાધવની કથા સાંભળવી સરળ છે, તેમના સુધી પહોંચવું નહીં. જંગલની આસપાસના ગામોમાં દરેક વ્યક્તિ ભગવાન વિશે જાણતી હતી, પરંતુ કોઈ તેમનું સ્થાન જણાવવા તૈયાર નહોતું. લોકો માત્ર એટલું જ કહેતા કે જંગલની અંદર ક્યાંક સવરા જનજાતિના એક ઉપાસક ભગવાનની સેવા કરે છે. એ સિવાય કોઈ પાસે કોઈ ઉત્તર નહોતો.

આખરે વિદ્યાપતિની મુલાકાત વિશ્વાવસુ સાથે થઈ. પ્રથમ મુલાકાતમાં જ વિશ્વાવસુ સમજી ગયા કે સામે ઊભેલો માણસ સામાન્ય યાત્રાળુ નથી. તે કોઈ વિશેષ હેતુથી આવ્યો છે. તેમણે નીલમાધવ વિશે એક શબ્દ પણ બોલવાનો ઇનકાર કરી દીધો. દિવસો પસાર થતા ગયા.

વિદ્યાપતિ ગામમાં જ રોકાઈ ગયા. આ દરમિયાન વિશ્વાવસુની પુત્રી લલિતા સાથે તેમનો પરિચય થયો. અનેક પુરાણો અને લોકપરંપરાઓમાં વર્ણન મળે છે કે પછી બંનેનાં લગ્ન થયાં. આ લગ્ન માત્ર બે વ્યક્તિઓનો સંબંધ નહોતો. એક તરફ વૈદિક પરંપરાનો બ્રાહ્મણ અને બીજી તરફ સવરા જનજાતિ, બે જુદી પરંપરાઓ પ્રથમ વખત એકબીજાની એટલી નજીક આવી રહી હતી.

લલિતાને ખબર હતી કે તેમના પિતા દરરોજ જંગલમાં ક્યાં જાય છે. તેમને એ પણ સમજાતું હતું કે વિદ્યાપતિ કોઈ લોભથી નહીં, પરંતુ ભગવાનના દર્શનની તીવ્ર ઇચ્છાથી અહીં સુધી આવ્યા છે. ઘણા દિવસોની વિનંતી અને લલિતાના આગ્રહ પછી આખરે વિશ્વાવસુ તૈયાર થયા. પરંતુ તેમની એક શરત હતી. વિદ્યાપતિ ભગવાનના દર્શન તો કરી શકશે, પરંતુ આખા રસ્તા દરમિયાન તેમની આંખો પર પટ્ટી બાંધવામાં આવશે. જંગલનો માર્ગ કોઈ પણ સંજોગોમાં ગુપ્ત જ રહેવો જોઈએ.

વિદ્યાપતિએ શરત સ્વીકારી. બીજા દિવસે વિશ્વાવસુ તેમને સાથે લઈને જંગલમાં પ્રવેશ્યા. ઘેઘૂર વૃક્ષો વચ્ચે કલાકો સુધી ચાલ્યા પછી તેઓ એક એવા સ્થળે પહોંચ્યા, જ્યાં આંખ પરની પટ્ટી દૂર કરવામાં આવી. વિદ્યાપતિની નજર સામે જે દૃશ્ય હતું તે શબ્દોમાં વર્ણવી શકાય એવું નહોતું. પ્રકૃતિની વચ્ચે દિવ્ય આભા સાથે બિરાજતા નીલમાધવ.

કોઈ ભવ્ય મંદિર નહીં. કોઈ સોનાચાંદીનો વૈભવ નહીં. માત્ર જંગલ, નિર્મળ ભક્તિ અને ભગવાનની ઉપસ્થિતિ. વિદ્યાપતિ લાંબા સમય સુધી મંત્રમુગ્ધ થઈને ભગવાનને જોતા રહ્યા. પરંતુ દર્શન પૂર્ણ થયા પછી તેમના મનમાં બીજો વિચાર પણ આવ્યો. જો તેઓ આ માર્ગ ભૂલી જશે તો રાજા ઇન્દ્રદ્યુમ્નને અહીં કેવી રીતે લાવી શકશે? કહેવાય છે કે નીલમાધવના દર્શન માટે નીકળતાં પહેલાં જ વિદ્યાપતિએ પોતાના વસ્ત્રમાં સરસવના દાણા બાંધી લીધા હતા.

પરત ફરતી વખતે આંખ પર ફરી પટ્ટી બાંધી દેવામાં આવી, પરંતુ આખા રસ્તે તેઓ ધીમે-ધીમે એ દાણા નીચે પાડતા રહ્યા. થોડા દિવસો પછી વરસાદ પડ્યો. દાણા અંકુરિત થયા. જંગલની વચ્ચે સરસવના છોડની એક લીલી રેખા ઊભી થઈ ગઈ. વિદ્યાપતિ હવે માત્ર નીલમાધવના દર્શન કરીને પાછા ફરનારા પ્રથમ બ્રાહ્મણ નહોતા.

તેમને ભગવાન સુધી પહોંચતો માર્ગ પણ મળી ગયો હતો. પરંતુ તેઓ જ્યારે રાજા ઇન્દ્રદ્યુમ્ન સાથે ફરી એ જ સ્થળે પહોંચવાના હતા, ત્યારે તેમની રાહમાં એક એવી ઘટના ઊભી હતી, જે આખી કથાને નવી દિશા આપવાની હતી.

જ્યારે રાજા પહોંચ્યા, પરંતુ ભગવાન ન દેખાયા

વિદ્યાપતિ પરત ફર્યા ત્યારે રાજા ઇન્દ્રદ્યુમ્ન લાંબા સમયથી તેમની રાહ જોઈ રહ્યા હતા. વિદ્યાપતિએ જે જોયું હતું તે બધું રાજાને સંભળાવ્યું. જંગલની વચ્ચે બિરાજતા નીલમાધવ, વિશ્વાવસુની અનન્ય ભક્તિ અને ભગવાનના અલૌકિક દર્શન. રાજા માટે હવે રાહ જોવી અશક્ય હતી. તેમણે તરત જ પૂર્વ દિશામાં પ્રસ્થાન કરવાનો નિર્ણય લીધો.

ઋષિઓ, બ્રાહ્મણો, સૈનિકો અને સેવકો સાથેનો વિશાળ કાફલો નીલાંચલ તરફ આગળ વધ્યો. વિદ્યાપતિને વિશ્વાસ હતો કે સરસવના અંકુરિત છોડ તેમને સીધા ભગવાન સુધી પહોંચાડી દેશે. તેઓ પહોંચ્યા પણ. પરંતુ ત્યાં જે બન્યું, તેની કલ્પના કોઈએ કરી નહોતી. જ્યાં નીલમાધવ બિરાજતા હતા ત્યાં હવે ભેંકાર શાંતિ હતી.

ગુફા હતી. જંગલ હતું. વિશ્વાવસુ પણ હતા. પરંતુ ભગવાન નહોતા. નીલમાધવ અંતર્ધાન થઈ ચૂક્યા હતા. વિશ્વાવસુ માટે આ માત્ર એક મૂર્તિ અદૃશ્ય થવાની ઘટના નહોતી. વર્ષો સુધી જેમની તેમણે નિઃસ્વાર્થ સેવા કરી હતી, એ આરાધ્ય અચાનક આંખો સામે ન રહ્યા. ભક્તિપરંપરામાં આ પ્રસંગને ભગવાન અને ભક્ત વચ્ચેના વિરહ તરીકે વર્ણવવામાં આવે છે.

રાજા ઇન્દ્રદ્યુમ્ન પણ નિરાશ થઈ ગયા. આટલી લાંબી યાત્રા પછી પણ દર્શન ન મળ્યા. પરંતુ તેઓ પાછા ફર્યા નહીં. પુરાણોમાં વર્ણન મળે છે કે રાજાએ ત્યાં જ ઉપવાસ, યજ્ઞ અને તપ શરૂ કર્યું. તેમની એક જ પ્રાર્થના હતી કે ભગવાન ફરી દર્શન આપે. કેટલાક દિવસો પછી રાજાને દિવ્ય સંકેત મળ્યો અને સ્વપ્નમાં નિરાકાર ઈશ્વરની ધ્વનિ સંભળાઈ.

ભગવાને જણાવ્યું કે તેઓ હવે નીલમાધવના સ્વરૂપમાં નહીં મળે. દ્વારકા તરફથી આવતા સમુદ્રમાંથી એક પવિત્ર દારુ (કાષ્ટ, લાકડું) પ્રગટ થશે. એ જ દારુમાંથી તેમનું નવું સ્વરૂપ નિર્માણ પામશે. અહીંથી જગન્નાથ પરંપરા એક નવા અધ્યાયમાં પ્રવેશ કરે છે. આ કથાની સાથે જ બીજી એક પરંપરા પણ જોડાય છે. એ પરંપરા છે દ્વારકાની.

મહાભારત પછી જ્યારે પ્રભાસક્ષેત્રમાં શ્રીકૃષ્ણે પોતાની અવતારલીલા પૂર્ણ કરી, ત્યારે તેમના દિવ્ય અંશ (ભગવાનનું હ્રદય) સાથે જોડાયેલ પવિત્ર કાષ્ટ સમુદ્રના જળમાં વહેતું-વહેતું પૂર્વ કિનારે પહોંચ્યું. પુરીના દરિયાકિનારે પ્રગટ થયેલું એ દારુ સામાન્ય લાકડું નહોતું. જગન્નાથ પરંપરામાં તેને ‘દારુ બ્રહ્મ’ તરીકે ઓળખવામાં આવે છે.

આ બંને પરંપરાઓ એક જ બિંદુએ આવીને મળે છે. સમુદ્રે એક એવું દારુ પ્રગટ કર્યું, જેમાં ભગવાનનું નવું સ્વરૂપ પ્રગટ થવાનું હતું. રાજા ઇન્દ્રદ્યુમ્ન પોતાના સેવકો સાથે દરિયાકિનારે પહોંચ્યા. વિશાળ દારુ ત્યાં પડ્યું હતું, પરંતુ તેને કોઈ હલાવી શકતું નહોતું. સૈનિકોએ પ્રયત્ન કર્યા, હાથીઓ લાવવામાં આવ્યા, અનેક લોકોએ બળ અજમાવ્યું છતાં દારુ પોતાની જગ્યાએથી ખસ્યું નહીં.

ત્યારબાદ રાજાને એક વાત યાદ આવી. જો નીલમાધવની સેવા વિશ્વાવસુ વિના પૂર્ણ થઈ શકતી નહોતી તો ભગવાનના નવા સ્વરૂપની યાત્રા પણ તેમની હાજરી વિના કેવી રીતે પૂર્ણ થાય? વિશ્વાવસુને બોલાવવામાં આવ્યા. ભગવાનના અનન્ય ભક્તે ભક્તિપૂર્વક પ્રાર્થના કરી અને દારુને સ્પર્શ કરતાં જ તે સરળતાથી ઉપાડી શકાયું.

આ ઘટના ચમત્કાર હતી કે ભક્તિનું પ્રતીક, તેના વિશે અલગ-અલગ માન્યતાઓ છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જગન્નાથ પરંપરાએ વિશ્વાવસુ અને તેમની શબર પરંપરાને અહીં પણ કેન્દ્રસ્થાને જ રાખી. એ જ દારુ પછી શ્રીમંદિર સુધી લાવવામાં આવ્યું. હવે એક જ પ્રશ્ન બાકી હતો. આ પવિત્ર દારુમાંથી ભગવાનનું સ્વરૂપ ઘડશે કોણ? અને આ પ્રશ્નનો જવાબ એક રહસ્યમય વૃદ્ધના આગમન સાથે મળવાનો હતો.

રહસ્યમય વૃદ્ધ, બંધ ઓરડો અને અધૂરી રહી ગયેલી મૂર્તિઓ

પવિત્ર દારુ શ્રીક્ષેત્રમાં પહોંચ્યું, પરંતુ નવી મુશ્કેલી ત્યાંથી શરૂ થઈ. રાજા ઇન્દ્રદ્યુમ્ને રાજ્યના શ્રેષ્ઠ શિલ્પકારોને બોલાવ્યા. સૌએ એ દારુમાંથી ભગવાનની પ્રતિમા ઘડવાનો પ્રયાસ કર્યો. પરંતુ એક પણ કારીગર એ દારુ પર સાધનો ચલાવી શક્યો નહીં. જાણે એ સામાન્ય લાકડું જ ન હોય. રાજા મૂંઝવણમાં હતા. ભગવાને નવા સ્વરૂપમાં પ્રગટ થવાની આજ્ઞા તો આપી હતી, પરંતુ એ સ્વરૂપ ઘડશે કોણ?

એ જ સમયે રાજદરબારમાં એક વૃદ્ધ શિલ્પકાર આવી પહોંચ્યા. તે અન્ય કોઈ નહીં પણ દેવતાઓના શિલ્પી ભગવાન વિશ્વકર્મા હતા. ભગવાન શ્રીહરિના આદેશ બાદ તેઓ ત્યાં પહોંચ્યા હતા. તેમણે રાજાને કહ્યું કે તેઓ ભગવાનનું સ્વરૂપ ઘડી શકે છે, પરંતુ તેમની એક શરત છે.

તેમને એકાંત જોઈએ. જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ ઓરડાનો દરવાજો ખોલશે નહીં. રાજાએ તરત જ શરત સ્વીકારી. દારુને એક બંધ કક્ષમાં લઈ જવામાં આવ્યું. વૃદ્ધ શિલ્પકાર અંદર પ્રવેશ્યા અને દરવાજો બંધ થઈ ગયો.

પ્રથમ દિવસ.

બીજો દિવસ.

ત્રીજો દિવસ.

અંદરથી છીણી અને હથોડીના અવાજો સંભળાતા રહ્યા. રાજાને વિશ્વાસ હતો કે ભગવાનનું નવું સ્વરૂપ ધીમે-ધીમે આકાર લઈ રહ્યું છે. પરંતુ થોડા દિવસો પછી અચાનક અંદરથી કોઈ અવાજ આવવાનું બંધ થઈ ગયું. એક દિવસ વીતી ગયો. બીજો દિવસ પણ. રાજા ચિંતિત બન્યા. અંદર રહેલા વૃદ્ધને કંઈ થયું તો નહીં હોય?

રાણી ગુંડિચાએ પણ રાજાને દરવાજો ખોલવા વિનંતી કરી હોવાનું કેટલાક વર્ણનોમાં મળે છે. આખરે રાજા ધીરજ ગુમાવી બેઠા. તેમણે દરવાજો ખોલવાનો આદેશ આપ્યો. દરવાજો ખુલ્યો. અંદર વૃદ્ધ ક્યાંય દેખાયા નહીં. માત્ર ત્રણ દિવ્ય પ્રતિમાઓ સામે હતી. ભગવાન જગન્નાથ. ભગવાન બળભદ્ર અને દેવી સુભદ્રા. પરંતુ…

ત્રણે મૂર્તિઓ અધૂરી હતી. હાથ પૂર્ણ નહોતા. પગ પણ પૂર્ણ નહોતા. આજે પુરીમાં જે સ્વરૂપના દર્શન થાય છે, એ જ સ્વરૂપ રાજાની સામે ઊભું હતું. રાજા ઇન્દ્રદ્યુમ્ન સ્તબ્ધ થઈ ગયા. તેમને સમજાઈ ગયું કે ઉતાવળમાં દરવાજો ખોલીને તેમણે મોટી ભૂલ કરી છે. એ જ ક્ષણે તેમને અનુભવ થયો કે જે વૃદ્ધ કારીગર અંદર હતા તેઓ કોઈ સામાન્ય મનુષ્ય નહોતા. તેઓ સ્વયં દેવશિલ્પી વિશ્વકર્મા હતા.

આ ઘટના બાદ દેવર્ષિ નારદે રાજાને દિવ્ય સ્વપ્નમાં સમજાવ્યું કે શોક કરવાની જરૂર નથી. ભગવાને પોતે આ જ સ્વરૂપ ધારણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જે બન્યું છે તે તેમની જ ઇચ્છા અનુસાર બન્યું છે અને જે આગળ બનવાનું છે તે પણ તેમની જ ઈચ્છા અનુસાર જ થશે.

આથી જ પુરીના શ્રીમંદિરમાં આજે પણ ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાના વિગ્રહો અન્ય મંદિરોની જેમ સંપૂર્ણ માનવાકૃતિમાં નથી. આ સ્વરૂપ માત્ર અધૂરી મૂર્તિ નથી. તે જગન્નાથ પરંપરાની ઓળખ છે અને કદાચ આ જ કારણ છે કે હજારો વર્ષ પછી પણ કરોડો ભક્તો જ્યારે પ્રથમ વખત શ્રીજગન્નાથના દર્શન કરે છે ત્યારે તેમના મનમાં એક જ પ્રશ્ન જન્મે છે કે ભગવાનનું સ્વરૂપ આવું કેમ?

આ પ્રશ્નનો જવાબ માત્ર વિશ્વકર્માની કથામાં જ નથી છુપાયેલો. તે જગન્નાથ પરંપરાના સમગ્ર દર્શનમાં સમાયેલો છે. કારણ કે જંગલમાં પૂજાતા નીલમાધવથી શરૂ થયેલી આ યાત્રા હવે માત્ર એક દેવમૂર્તિની કથા રહી નહોતી. તે એક એવી પરંપરામાં પરિવર્તિત થઈ ગઈ હતી, જેમાં આદિવાસી ભક્તિ, વૈદિક પરંપરા, પુરાણો, લોકકથાઓ અને શ્રીકૃષ્ણ પ્રત્યેની અખંડ શ્રદ્ધા, બધું એક જ સ્વરૂપમાં સમાઈ ગયું હતું.

જંગલની એક ગુપ્ત ઉપાસનાથી ચારધામ સુધીની યાત્રા

આજે પુરીના શ્રીજગન્નાથ મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો દર્શન માટે આવે છે. રથયાત્રાના દિવસે તો આખું શહેર જાણે ભક્તિના સમુદ્રમાં ફેરવાઈ જાય છે. કરોડો લોકો ભગવાન જગન્નાથને શ્રીકૃષ્ણના સ્વરૂપે પૂજે છે. પરંતુ આ આખી પરંપરાની શરૂઆત ક્યાંથી થઈ હતી એ પ્રશ્નનો જવાબ શોધીએ તો આપણને કોઈ ભવ્ય મંદિર નહીં, પરંતુ નીલાંચલનાં જંગલો મળે છે.

ત્યાં એક આદિવાસી ભક્ત વિશ્વાવસુ હતા. ત્યાં નીલમાધવ હતા. ત્યાં પ્રકૃતિની વચ્ચે થતી નિઃસ્વાર્થ સેવા હતી અને પછી એક પછી એક પાત્રો આ કથામાં જોડાતા ગયા. વિદ્યાપતિ આવ્યા. રાજા ઇન્દ્રદ્યુમ્ન આવ્યા. દારુ બ્રહ્મની પરંપરા જોડાઈ. વિશ્વકર્માની કથા જોડાઈ. અંતે શ્રીમંદિર ઊભું થયું અને નીલમાધવનું સ્વરૂપ ભગવાન જગન્નાથ તરીકે સમગ્ર ભારતની આસ્થાનું કેન્દ્ર બન્યું.

આ જ કારણ છે કે જગન્નાથ પરંપરાને માત્ર એક પુરાણકથા તરીકે સમજવી પૂરતી નથી. તે અનેક પરંપરાઓના સંગમનું જીવંત ઉદાહરણ છે. અહીં આદિવાસી ઉપાસનાનો અંશ પણ છે, વૈષ્ણવ ભક્તિ પણ છે, પુરાણોમાં વર્ણવાયેલી કથાઓ પણ છે અને સદીઓથી જીવંત રહેલી સેવાપદ્ધતિ પણ છે. આ બધું ભળીને જ આજે આપણે જેને શ્રીજગન્નાથ પરંપરા તરીકે ઓળખીએ છીએ તેનું નિર્માણ થયું છે.

એટલા માટે જ પુરી પહોંચનાર ભક્ત જ્યારે ભગવાન જગન્નાથના દર્શન કરે છે ત્યારે તે માત્ર એક મંદિરના દર્શન કરતો નથી. તે હજારો વર્ષથી ચાલતી એવી પરંપરાની સામે ઊભો હોય છે, જેનો આરંભ જંગલની એક ગુપ્ત ગુફામાં ભગવાનની નિઃશબ્દ ઉપાસનાથી થયો હતો.

નીલમાધવથી ભગવાન જગન્નાથ સુધીની આ યાત્રા માત્ર એક દેવના સ્વરૂપ પરિવર્તનની કથા નથી. આ ભક્તિની યાત્રા છે. આ વિશ્વાસની યાત્રા છે અને આ એવી પરંપરાની યાત્રા છે, જે જંગલમાંથી નીકળીને આજે કરોડો હિંદુઓની આસ્થાનું કેન્દ્ર બની ગઈ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં