
રાજકોટ મહાનગરપાલિકાએ ફેબ્રુઆરી 2026માં જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરેલી ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન થયેલા ખર્ચ અંગે સર્જાયેલા વિવાદ વચ્ચે નવી બનેલી સ્ટેન્ડિંગ કમિટીએ લગભગ ₹27 લાખનું ભોજન બિલ અટકાવી દીધું છે. કમિટીનું કહેવું છે કે ખર્ચ માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયાનું પાલન નહોતું કરવામાં આવ્યું અને રાજ્ય સરકારના નાણાં વિભાગના નિયમોનું પણ ઉલ્લંઘન થયું હતું.
બીજી તરફ આ સમગ્ર મામલે કોર્પોરેશને ડિમોલિશન ડ્રાઇવ સંબંધિત લગભગ ₹3 કરોડનાં વિવિધ બિલોની તપાસ માટે 5 સભ્યોની વિશેષ તપાસ ટીમની રચના કરી છે. જેની અધ્યક્ષતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કરી રહ્યા છે. SIT ભોજન, પીવાના પાણી, ટેન્ટ, વિડીયોગ્રાફી સહિતના તમામ ખર્ચની તપાસ કરશે અને ક્યાંય નાણાકીય ગેરરીતિ થઈ છે કે નહીં તેની ચકાસણી કરશે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમુક બાકી બિલોની ચૂકવણી પણ અટકાવી દેવામાં આવી છે. SITની તપાસમાં શું પરિણામો આવે તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તપાસ હેઠળ આવેલાં ભોજનના બિલમાં 13,390 સ્પેશિયલ લંચ પ્લેટ, 21,310 કપ ચા તેમજ કાજુ કતરી, જલેબી અને ખજૂર રોલ જેવી મીઠાઈઓનો સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ નાસ્તો અને ભોજન ડિમોલિશન કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ તેમજ સ્થળ પર હાજર મીડિયા પ્રતિનિધિઓ માટે મગાવવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત ટેન્ટ અને આશ્રય વ્યવસ્થા માટે ₹9.94 લાખ તેમજ વિડીયોગ્રાફી અને ડ્રોન સર્વેલન્સ માટે અંદાજે ₹22 લાખના ખર્ચની પણ તપાસ થઈ રહી છે. આરોપ છે કે પાણીની બોટલો માટે બજારભાવ કરતાં વધુ કિંમત ચૂકવવામાં આવી હતી. ખર્ચની પ્રક્રિયા અને બિલો કયા વિભાગ મારફતે પસાર કરાયા તેની પણ હાલ તપાસ ચાલી રહી છે.
ભોજન ઉપરાંત સ્ટાફ માટે મંગાવવામાં આવેલી મિનરલ વોટરની 200 એમએલની બોટલો પાછળ પણ ₹12.4 લાખનું બિલ બનાવવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, કોન્ટ્રાક્ટ હેઠળ મનપાને એક બોટલ ₹8માં પડી હતી, જ્યારે વાસ્તવમાં આવી બોટલો હોલસેલ માર્કેટમાં 3થી ઓછી કિંમતે અને છૂટકમાં ₹5માં સરળતાથી મળી રહે છે. આથી પાણીની બોટલના ભાવોમાં પણ મોટું કૌભાંડ થયું હોવાની આશંકા મજબૂત બની છે.
જંગલેશ્વરમાં ફેબ્રુઆરી મહિનામાં થયેલી આ કામગીરી માટે નવા ટેન્ડર બહાર પાડવાને બદલે વર્ષ 2023ના જૂના રેટ કોન્ટ્રાક્ટનો ઉપયોગ કરાયો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા અને મેયર નેહલ શુક્લાએ જણાવ્યું છે કે, માત્ર આ એક બિલ નહીં પરંતુ વર્ષ 2023થી મનપા દ્વારા ઇસ્યુ કરવામાં આવેલાં તમામ ટેન્ડરોને હવે સમીક્ષા હેઠળ મૂકવામાં આવ્યાં છે, જેથી સરકારી નાણાંનો દુરુપયોગ રોકી શકાય.
નોંધનીય છે કે જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન કુલ 1,489 ગેરકાયદે બાંધકામો દૂર કરીને ₹350 કરોડની જમીન ખાલી કરાવવામાં આવી હતી. કાર્યવાહી પૂર્ણ થઈ, મહાનગરપાલિકાની ચૂંટણી પણ થઈ ગઈ, નવી બોડીની રચના પણ થઈ ગઈ પણ ડિમોલિશન ડ્રાઈવનાં બિલો મુદ્દે હવે વિવાદ સર્જાયો છે, જેની ઉપર હવે SIT તપાસ બાદ વધુ વિગતો જાણવા મળશે.

