બાંગ્લાદેશમાં હિંદુ પૂજારીનું અપહરણ, 50 હજારની ખંડણી માંગી: ભાગવા જતાં ઘાયલ થયા, પોલીસે શરૂ કરી તપાસ

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક હિંદુ પૂજારી સાથે મારપીટ અને ખંડણી માગવાની ઘટના સામે આવી છે. આરોપ છે કે બદમાશોએ એક પૂજારીનું અપહરણ કરી લીધું હતું અને તેને માર મારીને 50 હજાર ટકા (બાંગલાદેશી ચલણ) માગ્યા હતા. પીડિત ભગવામાં સફળ રહ્યો પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો, જેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

પીડિતની ઓળખ 27 વર્ષીય સુભાષ દેઉરી તરીકે થઈ છે. તેઓ ઓલ્ડ ઢાકા સેન્ટ્રલ લૉ કોલેજમાં વિદ્યાર્થી છે અને સાથે યુનિવર્સિટી મંદિરમાં પૂજા-પાઠમાં પણ મદદ કરે છે.

અહેવાલો અનુસાર સોમવારે (29 જૂન) રાત્રે અમુક લોકોએ સુભાષનું અપહરણ કરી લીધું. આરોપીઓએ સુભાષને એક મકાનમાં બંધક બનાવી રાખ્યા હતા અને ત્યાં મારપીટ કરવામાં આવી અને શારીરિક યાતનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ તેમના પરિવારને ફોન કરીને પૈસા માગવા માટે મજબૂર કરવામાં આવ્યા. 50 હજાર ટકાની માંગણી કરવામાં આવી. પરિવારે પછીથી 20 હજાર ટકાની વ્યવસ્થા કરીને આરોપીઓને આપી દીધી અને બાકીની રકમ પણ બીજા દિવસે આપવા માટે જણાવ્યું. ત્યારબાદ પણ આરોપીઓ પ્રતાડના આપતા રહ્યા.

મંગળવારે (30 જૂન) સવારે સુભાષ તક જોઈને ભાગી છૂટ્યા હતા. પોલીસ અનુસાર જીવ બચાવવા માટે તેઓ એક ઇમારત પરથી કૂદ્યા હતા, જેના કારણે હાડકાંમાં ફ્રેક્ચર થયું છે. ત્યારબાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર ચાલી રહી છે.

સુભાષની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. હાલ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.