
મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ પર એક નવું ફીચર આવી રહ્યું છે, જેનાથી હવે યુઝર્સે કોઈની સાથે વાત કરવા માટે પોતાનો મોબાઈલ નંબર નહીં આપવો પડે. તેની જગ્યાએ યુઝર ઈન્સ્ટાગ્રામની જેમ પોતાનું એક ખાસ ‘યુઝરનેમ’ કે ‘આઈડી’ બનાવી શકશે. કંપનીનું કહેવું છે કે આનાથી લોકોની પ્રાઇવસી વધશે અને અજાણ્યા લોકો પાસે ફોન નંબર નહીં જાય. આ યુઝરનેમ અત્યારે લોકો ‘રિઝર્વ’ કરી શકે છે. જ્યારે ફીચર રૉલઆઉટ કરવામાં આવશે ત્યારથી એ એક્ટિવ થઈ જશે. ‘રિઝર્વ’ની વ્યવસ્થા એટલા માટે કારણ કે એક જ નામ ધરાવતા અનેક યુઝર હોય તો પોતાનું પસંદગીનું યુઝરનેમ પસંદ કરી શકાય.
આ નવો નિયમ આવતાં જ ભારત સરકાર એલર્ટ થઈ ગઈ છે. સરકારને ચિંતા છે કે ફોન નંબર વગર માત્ર નામ જોઈને મેસેજ કરવાથી ઓનલાઈન ફ્રોડ અને છેતરપિંડીની ઘટનાઓ વધી શકે છે. સરકાર આ આખી સિસ્ટમની ઝીણવટભરી તપાસ કરશે. જો આમાં કોઈ ખામી કે જોખમ જણાશે તો સરકાર વોટ્સએપની માલિકી જેની પાસે છે કંપની ‘મેટા’ને નોટિસ મોકલીને જવાબ માગશે.
વોટ્સએપના આ નવા ફીચર સામે સવાલો ઉઠવાના શરૂ થઈ ગયા છે. કહેવાય રહ્યું છે કે ઊઠાં ભણાવનારાઓ કોઈ મોટી કંપની, સરકારી ઓફિસ કે જાણીતી વ્યક્તિના નામ જેવું જ નકલી યુઝરનેમ બનાવીને લોકોને સરળતાથી છેતરી શકે છે. વળી, ફોન નંબર ન હોવાથી પોલીસ કે તપાસ એજન્સીઓ માટે આવા ગુનેગારોને પકડવા ખૂબ મુશ્કેલ બની જશે.
આ નવી સિસ્ટમમાં યુઝર્સ પોતાની મરજી મુજબનું યુઝરનેમ સેટ કરી શકશે, જોકે આ ફીચર ઓપ્શનલ રહેશે. વોટ્સએપ આમાં સુરક્ષા માટે એક ‘યુઝરનેમ કી’ રાખવાની સુવિધા પણ આપશે. આ કોડ વગર કોઈ અજાણી વ્યક્તિ તમને પહેલીવાર મેસેજ નહીં કરી શકે. આ ફીચર ચાલુ થયા પછી સામેવાળી વ્યક્તિને તમારો મોબાઈલ નંબર નહીં દેખાય.
કંપનીનો બચાવ
બીજી તરફ, વોટ્સએપનું કહેવું છે કે તેઓ છેતરપિંડી રોકવા માટે પૂરી તૈયારી કરી રહ્યા છે. કંપનીનું કહેવું છે કે ખાનગી સંદેશાઓ પહેલાની જેમ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ જ રહેશે. આ ફીચર આવનારા મહિનાઓમાં ધીમે-ધીમે બધા યુઝર્સ માટે શરૂ કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે સરકાર તપાસ બાદ શું નિર્ણય લે છે.

