હોમપેજદેશપંજાબના રાજકારણમાં ઉથલપાથલ, રાજીનામા માટે સીએમ ભગવંત માન પર વધતું દબાણ: વાંચો...

પંજાબના રાજકારણમાં ઉથલપાથલ, રાજીનામા માટે સીએમ ભગવંત માન પર વધતું દબાણ: વાંચો શું છે વાયરલ વિડીયોનો કેસ, જેમાં મુખ્યમંત્રીને નિર્દોષ સાબિત કરવામાં ફસાઈ ગઈ આમ આદમી પાર્ટી

વાંચો શું છે વાયરલ વિડીયોનો કેસ, જેનાથી હાલ પંજાબના રાજકારણમાં ઘણી ઉથલપાથલ જોવા મળે છે અને જેના કારણે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પદ પણ ગુમાવવું પડી શકે છે.

- Advertisement -

પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલાં એક મોટો વિવાદ ઉભો થયો છે અને તેના કેન્દ્રમાં મુખ્યમંત્રી ભગવંત માન હોવાના કારણે તેમની અને આમ આદમી પાર્ટી બંને ઉપર જોખમ સર્જાયું છે. એક વાયરલ વિડીયોના વિવાદે હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને આ વિવાદ માનને મુખ્યમંત્રીની ખુરશી ગુમાવવા સુધી પહોંચાડે તોપણ નવાઈ નહીં. જોકે હજુ સુધી પંજાબના મુખ્યમંત્રી અને સત્તાપક્ષ વિડીયો ફેક હોવાનું અને માનને ફસાવવામાં આવી રહ્યા હોવાનું રટણ જ કરતાં રહ્યાં છે.

આખો વિવાદ શું છે? વાંચો.

વિવાદની શરૂઆત થઈ ઑક્ટોબર 2025માં. સોશિયલ મીડિયા પર એક વિડીયો ફરતો થયો, જેમાં એક શખ્સ હાથમાં દારૂ લઈને અમુક હરકતો કરતો જોવા મળ્યો. દરમ્યાન તે વિડીયોમાં શીખ ગુરુઓની તસ્વીરો પણ આલ્કોહોલ છાંટતો જોવા મળે છે. દાવો કરવામાં આવ્યો કે વિડીયોમાં દેખાતો શખ્સ બીજો કોઈ નહીં પરંતુ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન છે.

- Advertisement -

શરૂઆતમાં આ બાબત સોશિયલ મીડિયા પૂરતી જ રહી. AAP સમર્થકો કહેતા રહ્યા કે વિડીયો એક તો અસ્પષ્ટ છે અને તેમાં ભગવંત માન નથી. ઉપરાંત વિડીયો એડિટ કરવામાં આવ્યો છે અથવા તો AIની મદદથી બોગસ વિડીયો બનાવવામાં આવ્યો છે અને આ મુખ્યમંત્રીને બદનામ કરવાનું કાવતરું છે.

બીજી તરફ વિડીયોનો વિવાદ વધ્યો, કારણ કે મામલો શીખ પંથ-ગુરુઓના અપમાનનો હતો. જેને ‘બેઅદબી’ પણ કહેવાય છે. ‘બેઅદબી’ શીખો માટે અત્યંત ગંભીર બાબત છે. જેથી વિવાદ બાદ શિરોમણી અકાલી દળે ક્લિપની ફોરેન્સિક તપાસ કરાવવાની માંગ કરી. ત્યારબાદ આ વિવાદમાં એન્ટ્રી થઈ અકાલ તખ્તની. અકાલ તખ્ત શીખોની સર્વોચ્ચ સંસ્થા છે.

અકાલ તખ્તે ભગવંત માનને બોલાવ્યા

જાન્યુઆરી 2026માં અકાલ તખ્તે શીખો સંબંધિત વિષયો પર ચર્ચા માટે મુખ્યમંત્રી ભગવંત માનને તેડું મોકલ્યું. ભગવંત માન હાજર પણ રહ્યા. તે સમયે આ મુલાકાત બંધબારણે થઈ હતી પરંતુ હવે વિવાદ બાદ તેના અમુક ફૂટેજ બહાર આવી રહ્યા છે.

મુલાકાત દરમ્યાન ભગવંત માને અકાલ તખ્તના જાથેદારોને કહ્યું કે વાયરલ વિડીયો તદ્દન ખોટો અને ફેક છે અને પોતે પણ ઇચ્છે છે કે તપાસ થાય. જાથેદાર કુલદીપ સિંઘ ગરગજ ભગવંત માનને કહે છે કે તેઓ નથી જાણતા કે આ વિડીયો સાચો છે કે ખોટો અને ખરાઈ માટે તપાસ કરવામાં આવે એ જરૂરી છે. જવાબમાં માને પણ કહ્યું કે વિડીયો સંપૂર્ણ ખોટો છે અને પોતે પણ તપાસના પક્ષમાં છે.

બંને વચ્ચે આગળ ચર્ચા ચાલી. ભગવંત માને એક કોર્ડ ઓર્ડરનો ઉલ્લેખ કરીને કહ્યું કે આદેશમાં પણ વિડીયો ખોટો હોવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ કુલદીપ સિંઘ ગરગજ કહે છે કે તેમણે પણ કોર્ટનો આદેશ વાંચ્યો છે અને તેમાં ફોરેન્સિક તપાસ માટે કોઈ નિર્દેશ આપવામાં આવ્યા ન હતા. જવાબમાં માન કહે છે કે જો અકાલ તખ્તને જરૂરી લાગતું હોય તો ફોરેન્સિક તપાસ કરાવવી જોઈએ.

ત્યારબાદ કુલદીપ સિંઘ કહે છે કે અકાલ તખ્ત સ્વતંત્ર રૂપે તપાસ કરાવશે અને વિડીયો જો ખોટો હોય તો કોઈ સમસ્યા નથી. પરંતુ જો સાચો નીકળ્યો તો પછી એ મામલો પંથ પર જશે. પરંતુ માન અહીં AIનો મુદ્દો લઈ આવે છે અને કહે છે કે AIના જમાનામાં કોઈ પણ કોઈનો પણ ફોટો વાપરી શકે છે અને આ કિસ્સામાં પણ કોઈએ તેમ કર્યું હોય એવું પણ બની શકે. ત્યારબાદ અકાલ તખ્ત જાથેદારે મુખ્યમંત્રીને બે ફોરેન્સિક લેબોરેટરીનાં નામ આપવા માટે જણાવ્યું હતું જ્યાં વિડીયોની તપાસ કરાવી શકાય.

અકાલ તખ્તનું કહેવું છે કે રાજ્ય સરકાર તરફથી ફોરેન્સિક તપાસ માટે આ બે લેબ ક્યારેય સૂચવવામાં ન આવી. ત્યારબાદ પણ પૂછવામાં આવ્યું તો કહેવામાં આવ્યું કે સરકારી લેબમાં સરકારના આદેશ વગર કે કોર્ટના આદેશ વગર પરીક્ષણ ન કરી શકાય. ત્યારબાદ અકાલ તખ્તે પોતાની રીતે બે ખાનગી લેબોરેટરીને તપાસ સોંપી, જે સરકાર માન્ય હોય. આ લેબના રિપોર્ટ જૂન મહિનામાં આવ્યા.

ભગવંત માન ઘોષિત થયા ‘ખાલસા પંથ વિરોધી’

15 જૂનના રોજ અકાલ તખ્તના મુખ્ય જાથેદારોની એક બેઠક મળી અને તેમાં લેબના રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા. ફોરેન્સિક રિપોર્ટ અનુસાર વિડીયોમાં ક્યાંય કોઈ ચેડાં કરવામાં આવ્યાં નથી અને વિડીયો બિલકુલ સાચો છે. ત્યારબાદ અકાલ તખ્તે ભગવંત માનને ‘ગુરુ દોખી’ (દ્રોહી) અને ‘ખાલસા પંથવિરોધી’ ઘોષિત કરી દીધા.

ઘોષણા કરતાં કુલદીપ સિંઘ ગરગજે કહ્યું કે બંને લેબનાં પરિણામો સૂચવે છે કે વિડીયો સાચો છે. લેબ સરકાર માન્ય છે અને વર્ષોથી આ ક્ષેત્રમાં કામ કરી રહી છે. સાથે કહ્યું કે જો લેબનાં પરિણામોને કોઈ પડકારવા માગતું હોય તો લેબ ત્યાં જઈને પણ પોતાનો પક્ષ રજૂ કરીને રિપોર્ટ સાચા છે એ સાબિત કરી આપશે તેવી બાંહેધરી પણ લેબોરેટરીઓ દ્વારા જ આપવામાં આવી છે. ત્યારબાદ તેમણે ભગવંત માનને ખાલસા પંથ વિરોધી ઘોષિત કરી દીધા અને શીખ સમુદાયને તેમની સાથે કોઈ સંબંધ ન રાખવા માટે જણાવ્યું.

મુખ્યમંત્રીને નિર્દોષ સાબિત કરવામાં પંજાબ AAPનો સેલ્ફગોલ

આમ આદમી પાર્ટી જે અત્યાર સુધી વિડીયો ખોટો ગણાવતી હતી એ હવે કહેવા માંડી કે વિડીયો ભલે સાચો હોય પણ તેમાં જે શખ્સ દેખાય છે એ ભગવંત માન નથી પરંતુ બીજી જ કોઈ વ્યક્તિ છે. ત્યારબાદ મુખ્યમંત્રી ભગવંત માને પણ સામે આવીને સ્પષ્ટતા કરી અને કહ્યું કે વિડીયોમાં જે દેખાય છે એ શખ્સ પોતે નથી અને તેમને જાણીજોઈને બદનામ કરવામાં આવી રહ્યા છે અને તેના માટે ધાર્મિક સંસ્થાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અહીં સુધી આમ આદમી પાર્ટી અને ભગવંત માન સામે પહેલેથી મુસીબતો ઊભી થઈ ગઈ હતી, ત્યાં 18 જૂને પાર્ટીએ એક સેલ્ફગોલ કરી નાખ્યો.

18 જૂનના રોજ આમ આદમી પાર્ટીના પંજાબના મીડિયા ઈન્ચાર્જ બલતેજ પન્નુ અને પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રી હરપાલ સિંઘ ચીમાએ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને દાવો કર્યો કે કેન્દ્ર સરકારની માન્યતા પ્રાપ્ત બે લેબોરેટરીએ વાયરલ વિડીયોની ફોરેન્સિક તપાસ કરી છે અને 1191 ફ્રેમની ચકાસણી કરીને, તેનું ટેકનિકલ એનાલિસિસ કરીને એ નિષ્કર્ષ આપ્યો છે કે વિડીયોમાં જે શખ્સ દેખાય છે એ ભગવંત માન નથી.

બંને નેતાઓએ કહ્યું કે ભગવંત માનને બદનામ કરવા માટે કાવતરું કરવામાં આવી રહ્યું છે પરંતુ બે લેબોરેટરીના રિપોર્ટ પરથી એ સાબિત થઈ ગયું કે ભગવંત માને એ વાયરલ વિડીયોમાં નહોતા અને તેમને નાહકના વિવાદમાં ઘસડવામાં આવી રહ્યા છે. આ આખું પ્રકરણ એક રાજકીય ષડ્યંત્ર હોવાનો દાવો પણ આ પ્રેસ કૉન્ફરન્સમાં કરવામાં આવ્યો.

આમ આદમી પાર્ટી વિચારતી હતી કે અહીં વિવાદ સમાપ્ત થઈ જશે પણ 23 જૂને મામલામાં નવો વળાંક આવ્યો અને અહીં હરિયાણાની ગુરુગ્રામ પોલીસની એન્ટ્રી થઈ.

હરિયાણા પોલીસની એન્ટ્રી અને પંજાબ પોલીસના અધિકારીઓની સંડોવણી

ગુરુગ્રામ પોલીસે 23 જૂને બે શખ્સ અંકિત શર્મા અને અરુણ મહેન્દ્રુની ધરપકડ કરી લીધી. જેમાંથી અંકિત સાયબર એક્સપર્ટ છે અને NIA સાથે કરાર આધારે કામ કરે છે. પોલીસે કહ્યું કે આ બંનેને ભગવંત માનવાળો વાયરલ વિડીયો ખોટો છે એવા પુરાવા ઊભા કરવાનું અને રિપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું અને આ માટે પંજાબ પોલીસના અમુક અધિકારીઓને કામે લગાડવામાં આવ્યા હતા.

આ કેસમાં ગુરુગ્રામ પોલીસે એક FIR દાખલ કરી. આ FIR જસપ્રીત સિંઘ નામના એક ફોરેન્સિક એક્સપર્ટની ફરિયાદ પર દાખલ કરવામાં આવી. જસપ્રીતનું કહેવું છે કે પંજાબ પોલીસના બે IPS અધિકારીઓ તેને ગુરુગ્રામની હોટેલમાં મળ્યા હતા અને તેમણે તેને વાયરલ વિડીયોમાં ભગવંત માન નથી તેવા ફર્જી ફોરેન્સિક રિપોર્ટ તૈયાર કરવા માટે દબાણ કર્યું હતું અને ₹10 લાખની ઑફર કરી હતી. જો ના પાડે તો પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

જસપ્રીતનું કહેવું છે કે તેણે દબાણને વશ થઈને ફર્જી ફોરેન્સિક રિપોર્ટ તૈયાર કર્યા હતા અને તેને ખબર ન હતી કે તેનો ઉપયોગ અકાલ તખ્તના રિપોર્ટને પડકારવા માટે થશે. પોતે પણ એક શીખ હોવાના કારણે પછીથી તેણે પોલીસને એક લેખિત ફરિયાદ આપી અને મામલામાં ફરિયાદી બની ગયો. પોલીસને તેણે જણાવ્યું કે ફર્જી રિપોર્ટ તૈયાર કરવા માટે તેણે અંકિત અને અરુણ એમ બે શખ્સની મદદ લીધી હતી અને આ દરમ્યાન સતત પંજાબ પોલીસના અધિકારીઓ રિપોર્ટમાં શું લખવું અને શું નહીં તેની સૂચના આ ત્રણેયને વોટ્સએપ પર આપતા રહેતા હતા. જ્યાં સુધી પોલીસ અધિકારીઓ રિપોર્ટમાં જે લખાવવા માગતા હતા તે વિગતો ન લખાઈ ત્યાં સુધી રિપોર્ટ અનેક તબક્કે એડિટ કરવામાં આવ્યા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે 15 જૂનની રાત્રે પંજાબ પોલીસના DIG રેન્કના અધિકારી ગુરુગ્રામની એક હોટલમાં રાત્રે 9:40 કલાકે આવ્યા હતા. લગભગ એક કલાક બાદ એક SP રેન્કના અધિકારી એ જ હોટેલમાં આવી અને અન્ય એક રૂમમાં ચેક-ઇન કર્યું. થોડીવારમાં ત્યાં જસપ્રીત આવ્યો અને સીધો એસપી રેન્કના અધિકારીના રૂમમાં પહોંચ્યો. અહીં બંને વચ્ચે કશુંક ચર્ચા થઈ અને જસપ્રીત રવાના થઈ ગયો.

16 જૂને સવારે જસપ્રીત એ જ હોટેલમાં ગયો. ત્યારે બે પંજાબના IPS અધિકારીઓ અને એક જસપ્રીત એમ ત્રણ જણાએ સાથે નાસ્તો કર્યો. આ દરમ્યાન DIG રેન્કના અધિકારીએ જસપ્રીતને બે સાયબર લેબના રિપોર્ટ તૈયાર કરવા અને તેમાં વિડીયો AI જનરેટેડ હોવાનું લખવા માટે જણાવ્યું. જ્યારે જસપ્રીતે અધિકારીઓને કહ્યું કે તેમણે આપેલી વિગતો અને સામગ્રી પૂરતી નથી અને રિપોર્ટ ઉપજાઉ પણ લાગી શકે તેમ છે તો તેનું કહેવું છે કે અધિકારીઓએ તેને લાખો રૂપિયાની ઑફર આપી. ત્યારબાદ DIGએ ત્યાં જ SPને તાત્કાલિક રિપોર્ટ તૈયાર કરાવવા માટેનું કામ સોંપી દીધું. હોટેલમાંથી બહાર નીકળતી વખતે જસપ્રીતને પૈસા પણ આપી દેવામાં આવ્યા હતા.

તપાસમાં જાણવા મળ્યું કે 10 લાખમાંથી જસપ્રીતે 7.5 લાખ રૂપિયા ઇન્સ્ટોલમેન્ટમાં ભર્યા અને 2.5 લાખ પર્સનલ બેન્ક ખાતામાં જમા કરી દીધા. પછીથી તેણે પચાસ હજાર અંકિતને ટ્રાન્સફર કર્યા હતા. અરુણને ત્યાં સુધી ચૂકવણી કરવામાં આવી ન હતી.

તાજેતરમાં ગુરુગ્રામ પોલીસે કહ્યું છે કે જે બે લેબોરેટરીના રિપોર્ટ પંજાબ સરકાર અને આમ આદમી પાર્ટી બતાવી રહ્યાં હતાં એ લેબોરેટરીનું ક્યાંય ભૌતિક અસ્તિત્વ જ નથી અને સંપૂર્ણપણે ફર્જી છે. હવે પોલીસ આ કેસમાં વિગતવાર તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં પંજાબ પોલીસના અધિકારીઓને પણ નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવી શકે છે.

માનનું એક જ રટણ– વિડીયોમાં હું નથી, બદનામ કરવામાં આવી રહ્યો છે, રાજીનામાંનું વધતું દબાણ

બીજી તરફ મુખ્યમંત્રી ભગવંત માન હજુ કહી રહ્યા છે કે વાયરલ વિડીયોમાં પોતે નથી અને તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે. પરંતુ કોંગ્રેસ, શિરોમણી અકાલી દળ અને ભાજપ– ત્રણેય મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર હવે પંજાબની આમ આદમી પાર્ટીમાં પણ ચર્ચા શરૂ થઈ છે કે જો માન સાચા હોય તો ફર્જી રિપોર્ટ તૈયાર કરાવવાની શું જરૂર હતી. પાર્ટીના નેતાઓમાં જ હવે આ સેલ્ફ ગોલને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ સંજોગોમાં હવે પંજાબના રાજકારણમાં આગળ શું થાય એ જોવું રહ્યું.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં