
અમદાવાદના ધમધમતા રિલીફ રોડ વિસ્તારમાં રવિવારે (21 જૂન) ધોળા દિવસે એક હિંદુ યુવકની હત્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પૈસાની લેતી-દેતીના વિવાદમાં શાકિબ સલીમ શેખ નામના આરોપીએ હાટકેશ્વરના રહેવાસી જયશંકર મદ્રાસી પર છરાથી હુમલો કરીને તેની હત્યા કરી હતી. ઘટનાના થોડા જ કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મૃતક જયશંકર મદ્રાસી (ઉં. 25) અમદાવાદના હાટકેશ્વર વિસ્તારના પોખરા વિસ્તારનો રહેવાસી હતો. તેનો વટવાના રહેવાસી શાકિબ સલીમ શેખ સાથે પૈસાની લેતી-દેતી બાબતે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. આ વિવાદના નિરાકરણના બહાને શાકિબે જયશંકરને ફોન કરીને રિલીફ રોડ પર આવેલા પથ્થરકુવા વિસ્તારમાં બોલાવ્યો હતો.
જયશંકર ત્યાં પહોંચ્યા બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આરોપ છે કે વાત ઉગ્ર બનતાં શાકિબે પોતાની પાસે રહેલો તીક્ષ્ણ છરો કાઢી જયશંકર પર આડેધડ ઘા ઝીંક્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા જયશંકર લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ધોળા દિવસે શહેરના સૌથી વ્યસ્ત અને ભીડભાડવાળા વિસ્તારોમાંના એક એવા રિલીફ રોડ પર હત્યાની ઘટનાને પગલે આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ કારંજ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો.
કારંજ પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન વટવાના રહેવાસી શાકિબ સલીમ શેખની સંડોવણી સામે આવતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી અને થોડા જ કલાકોમાં તેને હસ્તગત કરી લીધો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હત્યાનું કારણ પૈસાની લેતી-દેતીનો વિવાદ હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી રહી છે. જોકે પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મુખ્ય આરોપીને ટૂંકા સમયમાં જ પકડી પાડ્યો હોવાનું જણાવ્યું છે.

