હોમપેજરાજકારણસોશિયલ મીડિયા પર બાવીસ મિલિયન ફોલોઅર, જંતર-મંતર પર બે હજારનાં પણ ફાંફાં:...

સોશિયલ મીડિયા પર બાવીસ મિલિયન ફોલોઅર, જંતર-મંતર પર બે હજારનાં પણ ફાંફાં: કેમ ફ્લૉપ ગયું વંદાટોળકીનું પ્રદર્શન?

આ પ્રદર્શન કરતાં એક પિકનિક સાઇટ બની રહી. લોકો કુતૂહલવશ આવ્યા, રીલો બનાવી, મીડિયાકર્મીઓ ગયા અને મનોરંજન મળે એવું કન્ટેન્ટ શોધી લાવ્યા અને ચા પીને છૂટા પડ્યા. પ્રદર્શનથી ન કોઈ સંદેશ ગયો, ન દબાણ સર્જાયું, ન કોઈએ આ પ્રદર્શનને ગંભીરતાથી લીધું.

- Advertisement -

ભારતના યુવાનોને, ખાસ કરીને જેન-ઝીને રસ્તા પર ઉતારવાનો, તેમને સત્તા સામે પાડીને અરાજકતા અને અવ્યવસ્થા સર્જવાનો વધુ એક સદંતર નબળો, આયોજન વગરનો અને ઉતાવળિયો પ્રયાસ શનિવારે (6 જૂને) દિલ્હીના જંતર-મંતર મેદાન પર થયો. અમુક ભેજાબાજોએ યુવાનોને ક્રાંતિનું ચૂરણ ચટાડીને, સિસ્ટમ બદલી નાખવાનાં સપનાં દેખાડીને ‘કોકરોચ જનતા પાર્ટી’ના નામે એક સટાયરિકલ પોલિટિકલ આઉટફિટ તો બનાવી નાખ્યું, માહોલ ઉભો કરીને સોશિયલ મીડિયા પર તેના વીસ-બાવીસ મિલિયન ફૉલોઅર પણ એકઠા કરી નાખ્યા, પણ ગ્રાઉન્ડ પર ઉતરવાની વાત આવી ત્યારે માંડ બસો-પાંચસો જણા ભેગા થયા. પ્રદર્શન થયું ત્યારે પ્રદર્શનકારીઓ કરતાં મીડિયાકર્મીઓ અને પોલીસકર્મીઓની સંખ્યા ઝાઝી હતી.

પ્રદર્શન આયોજિત કરનારાઓને અંદાજો નહીં હોય કે દિલ્હી પોલીસ તેમને પરવાનગી આપશે. એટલે જ સાત દિવસનો નિયમ હોવા છતાં જાણીજોઈને છેક સુધી પરવાનગી માગવા ગયા ન હતા. મજાની વાત એ છે કે જે કોન્સ્ટિટ્યુશન ક્લબમાં પ્રેસ કૉન્ફરન્સ કરી ત્યાં નિયમ એવો છે કે સ્થળ ભાડે જોઈતું હોય તો સિટિંગ અથવા પૂર્વ સાંસદનો ભલામણ પત્ર જોઈએ. આ પત્ર આરજેડી સાંસદ મનોજ ઝા પાસેથી લખાવી લેવામાં આવ્યો. પણ પોલીસ પાસેથી પરવાનગી લેવામાં આ વંદાટોળકીને જોર પડતું હતું.

સંભવતઃ ઈરાદો એવો હતો કે પોલીસ પરવાનગી ન આપે તો મથકની બહાર જ ધરણાં કરવાં અને ‘સરકાર તાનાશાહ છે, અમને પ્રદર્શન કરવાની પરવાનગી નથી આપતી, સરકાર અમારાથી ડરી ગઈ છે’ એવી અલકમલકની વાતો મીડિયાના કૅમેરા સામે કરીને ઘરભેગા થઈ જવું. પરંતુ પોલીસે વહેલી સવારે સામેથી પરવાનગી આપી દઈને ઊનો રિવર્સ કરી નાખ્યું. હવે પ્રદર્શન કરવું પડે એમ હતું અને પ્રદર્શન કરવા માટે પૂરતા માણસો ન હતા. કોર એજન્ડા ન હતો.

- Advertisement -

પ્રદર્શન માટે આવેલાઓ પણ સ્પષ્ટ ન હતા કે પોતે શેના માટે એકઠા થયા છે. અમુક વૉક અને વામપંથીઓ પણ તેમાં ઘૂસી ગયા અને કાયમની જેમ ‘આઝાદી-આઝાદી’ના નારા લગાવવા માંડ્યા. જે ક્રાંતિવીર પ્રદર્શનકારીઓએ આ ઝુંડ એકઠું કર્યું હતું તેઓ દિલ્હીની ગરમીમાં અડધો કલાક પણ ઊભા રહી ન શક્યા અને ખૂણામાં જઈને કોલ્ડ કૉફી પીવા માંડ્યા, સાથે પવન નાખવા માણસો રાખ્યા. અમુકે એજ્યુકેશન સિસ્ટમમાં ક્રાંતિ લાવવી હતી પણ કઈ રીતે એ ખબર ન હતી. અમુકે પર્સનલ ડાયરીને ‘સંવિધાન’ ગણાવીને મનોરંજન કરાવ્યું.

ટૂંકમાં આ પ્રદર્શન કરતાં એક પિકનિક સાઇટ બની રહી. લોકો કુતૂહલવશ આવ્યા, રીલો બનાવી, મીડિયાકર્મીઓ ગયા અને મનોરંજન મળે એવું કન્ટેન્ટ શોધી લાવ્યા અને ચા પીને છૂટા પડ્યા. પ્રદર્શનથી ન કોઈ સંદેશ ગયો, ન દબાણ સર્જાયું, ન કોઈએ આ પ્રદર્શનને ગંભીરતાથી લીધું. મીડિયાએ, ખાસ કરીને હવાલાના પૈસે ગુજરાન ચલાવતા યુટ્યુબરોએ શરૂઆતમાં પ્રદર્શનને ‘ક્રાંતિકારી’માં ખપાવવા મહેનત કરી જોઈ પણ પછી તેમણે પણ શસ્ત્રો હેઠાં મૂક્યાં અને સ્વીકારતા થઈ ગયા કે આ પ્રદર્શન ફ્લૉપ ગયું છે.

ફ્લૉપ કેમ ગયું? કારણો ઘણાં છે.

આ ‘કોકરોચ જનતા પાર્ટી’ નામનું તૂત ઊભું કરવા પાછળ આમ આદમી પાર્ટીનો માણસ છે– અભિજિત દીપકે. દીપકેએ શરૂઆતમાં આ પાર્ટી બનાવી, તેને અમુક વિપક્ષી નેતાઓએ સોશિયલ મીડિયા પર ધક્કો મારી આપ્યો અને ચર્ચામાં આવી ગઈ. શરૂઆતમાં દીપકેને વિદેશમાં બેઠેલો એક યુવાન ગણાવીને જાણીજોઈને તેનું બેકગ્રાઉન્ડ ચર્ચાથી દૂર રાખવામાં આવ્યું પરંતુ સોશિયલ મીડિયાના સમયમાં કશું છૂપું રહેતું નથી.

ઑપઇન્ડિયાએ એક વિગતવાર અહેવાલમાં અભિજીતની પોલ ખોલી નાખી, પછી સોશિયલ મીડિયા પર તેના ભૂતકાળ વિશે ચર્ચા શરૂ થઈ અને એ સ્પષ્ટ થઈ ગયું કે અભિજિત દીપકે પોતે આમ આદમી પાર્ટીનો માણસ છે.

‘કોકરોચ’ નામ પાછળ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની ટિપ્પણી છે. જોકે તેમણે બીજા દિવસે ચોખવટ કરી હતી કે મીડિયાએ તેમને મિસક્વોટ કર્યા હતા, પણ CJIએ દેશના યુવાનોને ‘કોકરોચ’ કહ્યા એવું બહાનું ધરીને આ આઉટફિટ લૉન્ચ કરી દેવામાં આવ્યું.

પ્રશ્ન એ છે કે જો આ પાર્ટીની રચના CJIની ટિપ્પણીઓના આધારે થઈ હોય તો ત્યારપછી અચાનક તેનું સ્વરૂપ તરત સરકારવિરોધી કઈ રીતે થઈ ગયું? CJI અને સરકાર એક નથી. બંને વચ્ચે કોઈ સંબંધ નથી. ન્યાયતંત્ર અને સરકાર અલગ કામ કરે છે. છતાં પાર્ટી બન્યા પછી તરત બંદૂકનું નાળચું સરકાર તરફ ફેરવી દેવામાં આવ્યું. સરકારવિરોધી આઉટફિટ લૉન્ચ કરવું, કામ કરવું પ્રતિબંધિત નથી પણ જ્યારે બહાનું બીજું હોય અને તેની આડમાં કામો બીજાં થાય ત્યારે પ્રશ્નો ઉઠે એ સ્વાભાવિક છે.

પાર્ટીની વેબસાઈટ બની એટલે વધારે ક્લિયર થયું. તેના મેનિફેસ્ટોમાં એ જ બધી વાતો લખી હતી જે વિપક્ષી પાર્ટીઓ કરતી આવે છે. ટૂંકમાં વિપક્ષી પ્રોપગેન્ડા પર હ્યુમર અને સટાયરનું આવરણ ચડાવી દેવામાં આવ્યું હતું અને નવા સ્વરૂપે બજારમાં મૂકવાના પ્રયાસ થયા હતા, પણ પ્રયાસ નિષ્ફળ ગયા.

આ જ સમયગાળા દરમ્યાન NEET UG પેપર લીક અને CBSEનાં કારસ્તાનો બહાર આવ્યાં અને કોકરોચ જનતા પાર્ટીએ ત્યાં ફોક્સ કરવા માંડ્યું. તાજેતરનું પ્રદર્શન પણ આ જ વિષયને લઈને હતું, પણ યુવાનોમાં એક પ્રશ્ન યથાવત રહ્યો કે આ કથિત પાર્ટીની સ્થાપના તો CJIની ટિપ્પણીઓના આધારે થઈ હતી, NEET UG વગેરે વિષયો તો પછીથી ઉપાડી લેવામાં આવ્યા.

વિષયો ઉપાડી લેવાયા પછી પણ કોકરોચ પાર્ટીના માણસો પાસે કોઈ નક્કર મુદ્દાઓ ન હતા. તેઓ શિક્ષણ પ્રધાનનું રાજીનામું માગતા રહ્યા પણ તેનાથી આગળ વધીને કોઈ વિષયો ન ઉઠાવ્યા. એટલે યુવાનો જાણી ગયા કે આમાં જે કંઈ છે એ છીછરું છે, ઊંડાણ નથી. એટલે પ્રદર્શનમાં કોઈ ભાગ લેવા ન આવ્યું. આમ પણ સોશિયલ મીડિયા પર મિલિયનમાં ફોલોઅર એકઠા કરી નાખવા પ્રમાણમાં સરળ કામ છે, ગ્રાઉન્ડ પર સો માણસો એકઠા કરવા નીકળો તો સમજાય કે કેટલા વીસે સો થાય.

કોકરોચ જનતા પાર્ટી સાથે જે માણસો જોડાયેલા છે તેમની વિચારધારા શું છે એ સમજીએ એટલે પણ ઘણુંખરું ક્લિયર થાય એમ છે. સ્થાપક અભિજીત દીપકે મૂળ AAPનો માણસ છે અને પાર્ટી માટે સોશિયલ મીડિયા પર કેમ્પેઇનો ચલાવવા માટે કામ કરી ચૂક્યો છે. પછીથી પ્રવક્તાઓ નીમાયા એમાંથી એક પ્રોપગેન્ડાબાજ પત્રકાર સૌરવ દાસ છે. તેની કુંડળી વિશે અલગથી લખ્યું છે. બીજો આશુતોષ રાંકા નામનો એક આમ આદમી પાર્ટીનો પ્રવક્તા છે જે હવે કોકરોચોનો પ્રવક્તા બની બેઠો છે. ત્રીજો એક વિજેતા દહિયા નામનો વિદૂષક છે જે રીલો બનાવતો રહે છે. ભૂતકાળમાં વિવાદિત ટિપ્પણીઓ પણ કરી ચૂક્યો છે.

આ બધા મળીને ક્રાંતિની વાતો કરીને યુવાનોને એકઠા કરવા ગયા પણ નિષ્ફળ રહ્યા. કારણ કે તેઓ કોણ છે એ હવે સોશિયલ મીડિયા પર જાહેર થઈ ચૂક્યું છે. ઓછામાં પૂરું પ્રદર્શન થયું ત્યારે અમુક આંદોલનજીવીઓ પણ આવી ગયા અને સ્પષ્ટ થઈ ગયું કે આ દેશના યુવાનોનું કોઈ સ્વયંસ્ફુરિત આંદોલન નથી પણ કાયમ સત્તાના પાયા હલાવી નાખવા માટે ફાંફાં મારતા રહેતા યુઝઅલ સસપેક્ટોનો વધુ એક પ્રયાસ છે.

યુવાનોમાં આક્રોશ છે, પણ તેઓ એ પણ જુએ છે કે મુદ્દા ઉઠાવનારાઓના હેતુઓ શું છે

એવું નથી કે યુવાનોમાં નારાજગી નથી. એવું પણ નથી કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીથી માંડીને CBSE વગેરે દૂધે ધોયેલા છે. તેમનાં કારસ્તાનો, તેમની નિષ્ફળતાઓ જગજાહેર છે, રોજ છાપાંના પાને ચડે છે. પરીક્ષાઓ રદ થઈ છે. યુવાનોમાં સ્વાભાવિક આક્રોશ છે. આક્રોશ વ્યાજબી પણ છે. પરંતુ આક્રોશ હોય તેનાથી માણસ ઝંડા લઈને આંદોલનોમાં કૂદી પડતો નથી કે નારાઓ બોલવા માંડતો નથી.

એ એ પણ જુએ છે કે જે તેના મુદ્દાઓ ઉઠાવવાની વાત કરે છે તેનો છૂપો એજન્ડા/હેતુ છે કે કેમ અને છે તો એ શું છે. તે આ મુદ્દાઓ ઉઠાવીને શું કરવા માગે છે. તેને પ્રશ્નોમાં અને તેના સમાધાનમાં ખરેખર રસ છે કે આ એજન્ડાઓ સાધવામાં વધારે રસ છે?– આવા પ્રશ્નો યુવાનો પૂછતા રહે છે અને કોકરોચોના કેસમાં તેના જવાબ બહુ સંતોષકારક મળી રહે તેમ નથી.

બીજું, જનતા આક્રોશિત ભલે હોય પણ વિકલ્પો પણ જોતી રહે છે. તેઓ જાણે છે કે સિસ્ટમમાં જે સડો છે એ આ જ શાસનવ્યવસ્થા દૂર કરી શકે એમ છે કારણ કે જેઓ અત્યારે બૂમાબૂમ કરી રહ્યા છે તેઓ જ્યારે સત્તામાં હતા ત્યારે હાલત કેવી હતી એ લોકો ભૂલ્યા નથી. આજની તારીખે અમુક રાજ્યોમાં જ્યાં વિપક્ષો સત્તામાં છે ત્યાં તેમણે એવાં મોડેલ સર્જી નાખ્યાં નથી કે તે લઈને જનતાની વચ્ચે જઈને વિકલ્પ પૂરો પાડી શકે. તેમની પાસે હોય તો મોટીમોટી વાતો છે.

સમજવાની વાત એટલી છે કે ક્રાંતિની, રાતોરાત સિસ્ટમ અને વ્યવસ્થા બદલી નાખવાની વાતો બોલવામાં, સોશિયલ મીડિયા પર લખવામાં સારી લાગે છે. વાસ્તવિકતા જુઓ ત્યારે સમજાય છે કે બધું ધીમેધીમે થાય છે, અને આ કામ સમય માગી લે છે. ત્યાં સુધી ધીરજ રાખવી પડે છે. આ ધીરજ યુવાનોમાં છે. જેમનામાં નથી તેઓ આ યુવાનોને નેપાળ-બાંગ્લાદેશવાળી કરવા માટે ધક્કો મારતા રહે છે, પણ ફાવતા નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં