તાજેતરમાં રાજકોટમાં બનેલી એક આપઘાતની ઘટનાને આધાર બનાવીને કોંગ્રેસ પાર્ટીએ ગુજરાત અને સરકારને ટાર્ગેટ કરવાના પ્રયાસ કર્યા છે. બે દિવસ પહેલાં એક નેપાળી યુવકે આત્મહત્યા કરી લીધી હતી, જેના આધારે આજતકે અમુક અધૂરી માહિતી સાથે અહેવાલ પ્રકાશિત કર્યો અને તેના આધારે કોંગ્રેસ પાર્ટીએ એવું દર્શાવવાના પ્રયાસ કર્યા કે ગેસની અછતના કારણે રેસ્ટોરન્ટ બંધ થવાથી યુવકને કામ ન મળ્યું અને તણાવમાં આવીને તેણે આપઘાત કરી લીધો હતો. ઑપઇન્ડિયાએ જ્યારે જમીન પર તપાસ કરી અને હોટેલ માલિક અને પોલીસ સાથે વાત કરી તો સદંતર જુદી જ હકીકત સામે આવી હતી.
3 એપ્રિલે પોસ્ટ કરેલા એક ટ્વિટમાં કોંગ્રેસે ‘આજતક’ના એક રિપોર્ટનો સ્ક્રીનશૉટ શૅર કરીને લખ્યું છે કે, ‘જગદીશ રામદૂતપ્રસાદ જોશી ગુજરાતમાં રસોઈયા તરીકે કામ કરતા હતા. ગેસની અછતના કારણે રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ અને તેઓ બેરોજગાર થઈ ગયા. બહુ પ્રયાસો કર્યા, પણ કોઈ કામ ન મળ્યું.’

આગળ કોંગ્રેસે લખ્યું, ‘આ આર્થિન તંગીએ તેમને (માનસિક રીતે) તોડી નાખ્યા અને આખરે પરેશાન થઈને તેમણે ટ્રકની આગળ પડતું મૂક્યું.’ આગળ પીએમ મોદીને ટાર્ગેટ કરતાં લખ્યું, ‘…પરંતુ નરેન્દ્ર મોદીને શું– તેમના માટે તો ‘સબ ચંગા સી’ જ છે.’
આજતકનો જે રિપોર્ટ કોંગ્રેસે શૅર કર્યો છે, તેની હેડલાઇન છે– ‘ગુજરાત: ગેસની અછતના કારણે બંધ થઈ અનેક રેસ્ટોરન્ટ, ન મળ્યું કામ તો નેપાળી શેફે જીવન ટૂંકાવ્યું.’
રિપોર્ટમાં આજતકે દાવો કર્યો છે કે, ‘મૂળ નેપાળી યુવક જગદીશ જોશી વડોદરાથી રાજકોટ આવ્યો હતો અને શહેરમાં લગભગ પાંચ દિવસ ફરીને અલગ-અલગ રેસ્ટોરન્ટમાં કામ માટે પ્રયાસ કર્યા, પરંતુ ગેસની અછતના કારણે અનેક રેસ્ટોરન્ટ બંધ હતી અને અમુક કઠિનાઈઓનો સામનો કરીને ચાલી રહી હતી. જેના કારણે તેને કામ ન મળ્યું અને મંદીના કારણે પરેશાન રેસ્ટોરન્ટ્સમાં તેને નોકરી ન મળી શકી.’
આગળ યુવકના એક મિત્રને ટાંકીને લખવામાં આવ્યું કે આર્થિક પરેશાનીના કારણે જગદીશની માનસિક સ્થિતિ ઠીક ન હતી અને સડક પાર કરતી વખતે અચાનક ટ્રકની નીચે છલાંગ લગાવી, જેના કારણે મોત થઈ ગયું.
શું હતી ઘટના?
મૂળ રીતે ઘટના રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા હડાળા ગામના પાટિયા પાસે 1 એપ્રિલના રોજ બપોરના સમયે બની હતી. મૃતક નેપાળી યુવકે ટ્રક નીચે છલાંગ લગાવી હતી. ટ્રક ડ્રાઈવરે વાહન કાબૂ કરવાનો પ્રયાસ કર્યો, પણ યુવક અચાનક કૂદી પડ્યો હોવાના કારણે ટ્રક તેની ઉપર ચડી ગઈ. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
પછીથી મૃતક જગદીશને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી. પોલીસે પછીથી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. ઘટના બાદ હૉસ્પિટલમાં યુવકે કહ્યું પણ હતું કે આમાં ટ્રકચાલકની કે અન્ય કોઈની ભૂલ નથી અને તેણે જાણીજોઈને પડતું મૂક્યું હતું જેથી કોઈની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં ન આવે.
હોટેલ માલિકે શું જણાવ્યું?
આ મામલે હોટેલ માલિકનો સંપર્ક કરવામાં આવ્યો. મહેબૂબભાઈ નામના આ હોટેલ માલિકે ઑપઇન્ડિયાને જણાવ્યું કે યુવક તેમની પાસે કામ માગવા માટે આવ્યો હતો અને તેમણે કામ આપવાની તૈયારી પણ દર્શાવી હતી. વાસ્તવમાં હોટેલ પંદર દિવસ પહેલાં જ ખૂલી છે અને માલિકોને માણસોની જરૂર હતી અને તેમણે જગદીશને કામ આપવા માટે પણ જણાવ્યું હતું. પરંતુ યુવક પોતે મૂંઝવણમાં હતો કે આ ગ્રામ્ય વિસ્તારમાં તેણે કામ કરવું કે ન કરવું.
હોટેલના માલિક અનુસાર, યુવક લગભગ ત્રણેક દિવસ સુધી તેમને ત્યાં રહ્યો હતો. કામ અંગે પોતે નિર્ણય લઈ શક્યો નહીં અને આખરે તેણે માનસિક તણાવ હેઠળ ટ્રક નીચે પડતું મૂક્યું હતું. માલિકનું કહેવું છે કે યુવક આવ્યો ત્યારથી જ માનસિક તાણ હેઠળ હોય એમ લાગતું હતું અને માનસિક રીતે સ્વસ્થ પણ ન હતો. ઉપરાંત તેનો પત્ની સાથે પણ કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.
હોટેલ માલિકનું કહેવું છે કે તેમને ન તો ગેસની અછત વર્તાય રહી છે કે ન તેના કારણે રેસ્ટોરન્ટ બંધ થઈ હતી. હજુ પણ નિયમિતપણે હોટેલ ચાલે છે. હાલની સ્થિતિના કારણે ગેસની થોડીઘણી સમસ્યા આવે છે પણ એજન્સીઓ તરફથી પુરવઠો પૂરતો મળી રહે છે અને હાલ કોઈ સમસ્યા નથી.
પોલીસે પણ પુષ્ટિ કરી
આ મામલે કુવાડવા પોલીસનો સંપર્ક કરવામાં આવતાં તેમણે પણ હોટેલ માલિકની વાતોની પુષ્ટિ કરી હતી. સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે યુવકને હોટેલે કામ આપવા તૈયારી દર્શાવી હતી, પરંતુ તે પોતે નિર્ણય લઈ શક્યો ન હતો અને માનસિક રીતે પણ થોડો અસ્વસ્થ હતો. પોલીસે પણ ગેસની અછત હોવાનું કે તેના કારણે રેસ્ટોરન્ટ બંધ થઈ હોવાનું નકારી દીધું છે.
હાલ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.


