હમણાં દ્વારકાના જામ ખંભાળિયા પોલીસ મથકે હોબાળો મચાવવા બદલ આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને સાથે તેમના 17 સમર્થકોની ધરપકડ કરવામાં આવી. આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત અને કેન્દ્રીય નેતૃત્વએ રાજકારણ રમવાનું શરૂ કરી દીધું છે. સમગ્ર ઘટનાની વાસ્તવિકતા જનતા સમક્ષ રાખ્યા વિના માત્ર આરોપો લગાવીને ભ્રમ પેદા કરવામાં આવી રહ્યો છે. ભ્રમ ફેલાવવામાં AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ બાકાત નથી. જોકે કેજરીવાલના આ દાવા વાસ્તવિકતાથી ઘણા વિપરીત છે.
કેજરીવાલે તાજેતરમાં એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે ગુજરાતમાં તેમના કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે ભાજપ સરકાર રાજકીય પ્રતિશોધ લઇ રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે છેલ્લા ત્રણ મહિનામાં AAP નેતાઓ વિરુદ્ધ 145 FIR નોંધાઈ છે અને 160થી વધુ AAP કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. તેમણે ખાસ કરીને ગુજરાત આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના કેસને ટાંકીને આ ઘટનાને તાનાશાહી ગણાવી હતી.
पिछले तीन महीनों में गुजरात में आम आदमी पार्टी के कार्यकर्ताओं के ख़िलाफ़ 145 FIR हो चुकी हैं। 160 से ज्यादा कार्यकर्ताओं को बीजेपी सरकार गिरफ़्तार कर चुकी है। बीजेपी गुजरात में हार के डर से आम आदमी पार्टी से बुरी तरह से बौखलायी हुई है। और अब तानाशाही पर उतर आई है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 1, 2026
आज हमारे… https://t.co/gxRqNdglTy
આમ તો કેજરીવાલનો દાવો અતિશયોક્તિભર્યો છે. 145 FIR નોંધાઈ હોવાની અને 160ની ધરપકડ થઈ હોવાની વાતની સાબિતી આપતો એક પણ પુરાવો તેમણે રજૂ કર્યો નથી કે ન આમ આદમી પાર્ટી આવી કોઈ યાદી આપી રહી છે. કેજરીવાલ એવું પણ સાબિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ પર રાજકીય કારણોસર ગુના નોંધાઈ રહ્યા છે. એ વાત સાચી છે કે ગુજરાતમાં AAPના નેતાઓ વિરુદ્ધ છાશવારે ગુનાઓ નોંધાતા રહે છે, પણ એ રાજકીય કારણોસર નહીં. કોઈની વિરુદ્ધ દારૂના કેસ છે તો અમુક અપહરણના કેસમાં જેલ ગયા છે. મારામારી અને ખંડણીના કેસોમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો સપડાયા હોવાના બનાવ બન્યા છે.
ઈસુદાન ગઢવીનો કેસ: શું બન્યું હતું?
કેજરીવાલે જે કેસને ટાંક્યો તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનનો છે. 1 એપ્રિલ 2026ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત 30થી વધુ કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો. આ ઘટના એક ‘આપ’ કાર્યકર દીપક વિરુદ્ધ નોંધાયેલા ચેન સ્નેચિંગ કેસને લઈને બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, મૂળ બિહારના દીપક વિરુદ્ધ 31 માર્ચે લૂંટનો કેસ નોંધાયો હતો. આ કેસને ‘ખોટો’ ગણાવીને ઈસુદાન ગઢવી, દ્વારકા જિલ્લા પ્રમુખ રામજી પરમાર અને અન્ય કાર્યકર્તાઓ સવારે ખંભાળિયા પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. તેમણે માંગ કરી હતી કે દીપક વિરુદ્ધનો કેસ રદ કરીને અન્ય વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવે.
પોલીસે આ માંગને સ્વીકારવાની ના પાડતાં આપના કાર્યકર્તાઓએ સ્ટેશનમાં અવ્યવસ્થા અને હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત AAP કાર્યકર્તાઓએ પોલીસના કામમાં અવરોધ ઉભો કર્યો, પોલીસકર્મીઓને ધક્કા માર્યા, ઉગ્ર બોલાચાલી કરી અને લાઈવ રેકોર્ડિંગ પણ કર્યું હતું. પોલીસે જણાવ્યા અનુસાર તેમણે પોલીસ રજિસ્ટર જોવાની પણ જીદ કરી હતી. વાતાવરણ ઉગ્ર બનતાં પોલીસે કાર્યવાહી કરવી પડી.
પોલીસે ઈસુદાન ગઢવી સહિત 18 લોકોની અટકાયત કરી અને કુલ 30 વ્યક્તિઓ (18 વિરુદ્ધ નામજોગ અને અન્ય અજાણ્યા) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આરોપોમાં રાયોટિંગ (રમખાણ), પોલીસની ફરજમાં અવરોધ ઉભો કરવો, જાહેર સેવકોને અવરોધિત કરવા અને ગેરકાયદેસર ટોળા રચવા જેવી કલમો સામેલ છે. ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ વિસ્મય મનસેતા અનુસાર આરોપીઓએ પોલીસ સ્ટેશન પર દબાણ પણ કર્યું હતું અને PSOને ધમકી પણ આપવામાં હતી.
Isudan Gadhvi થી સરકાર ગભરાતી નથી કારણકે એની પાછળનું મુખ્ય કારણ આ રહ્યું!
— eChhapu (@eChhapu) April 2, 2026
ગઈકાલે જામ ખંભાળિયામાં AAP Gujarat નેતા ઇસુદાન ગઢવીની અટકાયત કેમ કરવામાં આવી હતી તેનું જાણીએ કારણ, Khambhaliya Police પાસેથી. pic.twitter.com/d92XwL9LcP
આ ઘટના સામે આવ્યા બાદ અરવિંદ કેજરીવાલ સહિત AAPના વિવિધ નેતાઓએ આ કાર્યવાહીને રાજકીય પ્રતિશોધ અને ‘બીજેપી કી સાજિશ’ તરીકે વર્ણવી છે. કેજરીવાલે દાવો કર્યો કે ગુજરાતમાં આપ કાર્યકર્તાઓ પર રાજકીય દબાણ વધી રહ્યું છે. આપના નેતાઓ ગોપાલ ઈટાલિયા અને ચૈતર વસાવાએ પણ આને ‘બુલિંગ અને હુલ્લડગીરી’ કહીને વિરોધ કર્યો હતો. AAPના કાર્યકર્તાઓએ દાવો કર્યો કે તેઓ માત્ર પોતાના કાર્યકરને મળવા અને ‘ખોટા કેસ’ વિરુદ્ધ રજૂઆત કરવા ગયા હતા.
આ મામલે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ રાજકીય વિરોધ નહીં, પરંતુ પોલીસના કામમાં સીધો હસ્તક્ષેપ હતો. કાર્યકર્તાઓએ સ્ટેશનમાં હોબાળો મચાવીને જાહેર વ્યવસ્થા ભંગ કરી હતી. ઘટના પછી DySP, LCB અને SOGની ટીમ પણ સ્થળે પહોંચી હતી. ઈસુદાન ગઢવી સહિત અન્યોને અટકાયત કરવામાં આવી હતી. પછીથી તેમને જામીન મળ્યા હતા, પરંતુ કેસ હજુ ચાલુ છે.
આ પહેલાં પણ ગુનાઓમાં સંડોવાઈ ચૂક્યા છે AAP નેતાઓ
યુવરાજ સિંહનો તોડકાંડ: AAP નેતા યુવરાજસિંહ જાડેજાની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ચાલતા ‘ડમીકાંડ’ના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી, જેમાં તેમના પર ડમી વિદ્યાર્થીઓના નામ જાહેર ન કરવાની ધમકી આપીને બે વ્યક્તિઓ પાસેથી ₹1 કરોડ પડાવવાનો (તોડ કરવાનો) ગંભીર આરોપ હતો. આ કેસમાં તપાસમાં અસહકાર અને પુરાવાઓના આધારે તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં કોર્ટે તેમની જામીન અરજી મંજૂર કરી હતી, જે અંતર્ગત તેમણે પાસપોર્ટ જમા કરાવવો, તપાસ એજન્સીને સહકાર આપવો, સાક્ષીઓને ન ધમકાવવા અને કોર્ટની પરવાનગી વગર ગુજરાત બહાર ન જવા જેવી કડક શરતોનું પાલન કરવાનું રહેશે.
AAP નેતા વિરુદ્ધ શાળામાં સગીરાની છેડતી કરવાનો આરોપ: 2024માં રાજકોટના કોઠારિયા રોડ પર આવેલી સરસ્વતી શૈક્ષણિક સંકુલ શાળાના પ્રિન્સિપાલ અને આમ આદમી પાર્ટીના નેતા રાકેશ સોરઠિયા સામે તેની જ શાળામાં ભણતી 11થી 14 વર્ષની 4 સગીરાઓની છેડતી કરવાનો ગંભીર મામલો સામે આવ્યો હતો. આરોપીએ વિદ્યાર્થિનીઓને પોતાની ઓફિસમાં બોલાવી શારીરિક અડપલાં અને અભદ્ર માંગણીઓ કરી હોવાના આક્ષેપ સાથે વાલીઓએ ફરિયાદ નોંધાવતા, ભક્તિનગર પોલીસે તેની ધરપકડ કરી હતી. અગાઉ પણ છેડતીના આરોપોમાં સંકળાયેલા આ નેતા વિરુદ્ધ પોલીસે IPCની વિવિધ કલમો અને POCSO એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
AAP કોર્પોરેટર વિરુદ્ધ ખંડણીનો ગુનો દાખલ: સુરતના મોટા વરાછા વિસ્તારમાં સ્ટેશનરીના વેપારી પાસે કામકાજ અટકાવવાની ધમકી આપીને ₹1 લાખની ખંડણી માંગવાના અને ચપ્પુ બતાવી ડરાવવાના આરોપસર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રાજેશ મોરડિયા અને તેમના સાગરીત પંકજ પટેલની ઉતરાણ પોલીસે ધરપકડ કરી હતી. આ ઉપરાંત, તેના પર એક ખેડૂત પાસેથી પણ ₹50 હજારની ખંડણી ઉઘરાવવાનો આરોપ હતો. પછીથી થૂં-થૂં થતા પાર્ટીએ તેનું રાજીનામું લઇ લીધું હતું.
મહિલા કર્મચારીનું અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકી: તાજેતરમાં જ ગાંધીનગરના સેક્ટર-25 GIDCમાં આવેલી HBC લાઈફ સાયન્સ કંપનીના માલિક અને આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલની એક મહિલા એકાઉન્ટન્ટના અપહરણ અને મારપીટના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. કંપનીમાં અંદાજે ₹80થી 85 લાખના શંકાસ્પદ વ્યવહારો અને બેનામી હિસાબો શોધી કાઢનાર મહિલા કર્મચારીનું હસમુખ પટેલના ઈશારે બળજબરીપૂર્વક અપહરણ કરી ચાલુ ગાડીમાં માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પીડિત મહિલાએ જ્યારે આ ઘટના અંગે મદદ માંગી ત્યારે આપ નેતાએ તેને પોલીસ ફરિયાદ ન કરવા દબાણ કર્યું હતું, પરંતુ અંતે સેક્ટર-21 પોલીસે ગુનો નોંધીને પૂર્વ પ્રદેશ સંગઠન મંત્રી એવા હસમુખ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદ AAP પ્રમુખ વિરુદ્ધ છેતરપિંડી અને ધાકધમકીનો આરોપ: અમદાવાદમાં આમ આદમી પાર્ટીના શહેર ઉપપ્રમુખ અને સાબરમતી વિધાનસભાના પ્રભારી અમિત પંચાલ અને તેમના પિતા વિરુદ્ધ એક કડિયાના બાકી નીકળતા ₹4.30 લાખ મજૂરીના નાણાં ન ચૂકવી છેતરપિંડી કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ઘાટલોડિયા પોલીસે ધરપકડ કરી હતી. મેમનગરના ધનપાલ યાદવે નોંધાવેલી ફરિયાદ મુજબ અમિત પંચાલે પોતાના મકાનના પ્લાસ્ટરના કામના પૈસા આપવાને બદલે ₹5 લાખનો સેન્ટિંગનો સામાન પણ પડાવી લીધો હતો અને ઉઘરાણી કરવા જતાં શ્રમિકને કેનાલમાં ફેંકી દેવાની ધમકી આપી હતી. અગાઉ પણ ધાકધમકીના ગુનામાં સંકળાયેલા આ AAP નેતા સામે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ચૈતર વસાવા વિરુદ્ધ મહિલા પંચાયત પ્રમુખ સાથે અભદ્ર વર્તનનો આરોપ: ડેડિયાપાડાના AAP ધારસભ્ય ચૈતર વસાવા પર આરોપ લાગ્યો હતો કે તેમણે મહિલા પંચાયત પ્રમુખ સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને તેમને અટકાવવા જતાં ધારાસભ્યએ ભાજપ નેતા પર મોબાઈલ તથા પાણીનો ગ્લાસ ફેંકી હુમલો કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે ચૈતર વસાવા વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને મહિલાની ગરિમાના ઉલ્લંઘન સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સિવાય વસાવા પર વન વિભાગના કર્મચારીને ઘરે બોલાવીને ધાકધમકી આપીને મારપીટ કરવાનો પણ આરોપ લાગ્યો હતો. જેને લઈને FIR દાખલ કર્યા બાદ પોલીસે તેમની પત્ની, PA અને એક અન્ય વ્યક્તિની ધરપકડ કરી હતી. વસાવા દિવસો સુધી ફરાર રહ્યા બાદ તેમની પણ ધરપકડ કરવામાં આવી, જેમાં ઘણા દિવસ બાદ જામીન મળ્યા હતા.
હોસ્પિટલના કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી: સુરતની સ્મીમેર હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડની કામગીરી કરતા એક કર્મચારી સાથે ગાળાગાળી કરી તેને તમાચો મારવાના આરોપસર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની વરાછા પોલીસે ધરપકડ કરી હતી. હોસ્પિટલના કર્મચારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, સેન્ટ્રલ નંબર પાડવાની બારી પર ભીડ થતાં કોર્પોરેટરે કેબિનમાં ઘૂસી જઈને ‘ફોન કેમ ઉપાડતો નથી’ તેમ કહી ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાઈને કર્મચારીને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાને પગલે પોલીસે સરકારી ફરજમાં રૂકાવટ અને મારપીટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ સિવાય મેંદરડાના મહિલા PSI એસ.એન. સોનારા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ જૂનાગઢ પોલીસે પાંચ AAP સમર્થકોની ધરપકડ કરી હતી. મહીસાગર જીલ્લાના AAP પ્રમુખ બાબુ ડામોર પર પણ સરકારી જમીન પર મકાન ઉભું કરી દેવાનો આરોપ લગતા ધરપકડ કરવામાં આવી હતી. સુરતના AAP કોર્પોરેટર જીતુ કાછડિયા વિરુદ્ધ પણ પાર્કિંગના કોન્ટ્રાક્ટર પાસેથી ₹10 લાખની લાંચ માંગવાનો આરોપ લાગ્યો હતો.
હવે આ ઘટનાઓ જોઇને સમીક્ષા કરવામાં આવે તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સામે થઈ રહેલી પોલીસ કાર્યવાહીને ‘રાજકીય પ્રતિશોધ’ ગણાવતા અરવિંદ કેજરીવાલના દાવાઓ અને વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. કેજરીવાલ દ્વારા રજૂ કરવામાં આવેલા 145 FIRના આંકડાઓને જો સત્યની કસોટીએ કસવામાં આવે તો જણાય છે કે આ કેસો કોઈ વૈચારિક ક્રાંતિ કે લોકહિતના આંદોલનો માટે નહીં, પરંતુ ગંભીર પ્રકારના વ્યક્તિગત અને સામાજિક ગુનાઓ માટે નોંધાયા છે.
તાજેતરમાં દ્વારકામાં ઈસુદાન ગઢવી અને અન્ય કાર્યકર્તાઓની ધરપકડ એ વાતનું પ્રમાણ છે કે રાજકીય વગનો ઉપયોગ કરીને પોલીસ સ્ટેશન જેવા સંવેદનશીલ સ્થળોએ દબાણ લાવવાનો અને કાયદાકીય પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચેન સ્નેચિંગ જેવા લૂંટના ગુનામાં પકડાયેલા શખ્સને છોડાવવા માટે પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવવો અને સરકારી કર્મચારીઓને ધમકાવવા એ લોકશાહી ઢબનો વિરોધ નથી, પરંતુ અરાજકતા ફેલાવવાનો પ્રયાસ છે.
કેજરીવાલ જે ‘તાનાશાહી’ની વાત કરે છે, તેમાં ખંડણી, અપહરણ, હુમલા, લાંચ અને અન્ય ગંભીર ગુનાઓ સામેલ છે. યુવરાજસિંહ જાડેજાનો ‘તોડકાંડ’ હોય કે સુરતના કોર્પોરેટરો દ્વારા વેપારીઓ અને ખેડૂતો પાસેથી માંગવામાં આવતી ખંડણી, આ ગુનાઓ સીધી રીતે સામાન્ય જનતાના શોષણ સાથે જોડાયેલા છે. હોસ્પિટલના સ્ટાફ કે વન વિભાગના કર્મચારીઓને મારપીટ અને ધમકી આપવાની ઘટનાઓ સાબિત કરે છે કે AAPના અનેક હોદ્દેદારો કાયદો હાથમાં લેવા બદલ કાર્યવાહીનો સામનો કરી ચૂક્યા છે.
ગુજરાત પોલીસ પાસે દરેક કેસમાં ચોક્કસ પુરાવા, ફરિયાદીઓના નિવેદનો અને ટેકનિકલ એવિડન્સ ઉપલબ્ધ છે. જો આ કેસો ‘ખોટા’ હોત તો ન્યાયતંત્રએ તેમને ક્યારનાય રદ કરી દીધા હોત. પરંતુ જ્યારે અદાલતો પણ આ નેતાઓની જામીન અરજીઓ ફગાવે છે અથવા કડક શરતો સાથે જામીન આપે ત્યારે તે સ્પષ્ટ કરે છે કે પ્રથમ દૃષ્ટિએ આ નેતાઓ વિરુદ્ધ કેસો બને છે. કેજરીવાલના દાવાઓ માત્ર તેમના કાર્યકર્તાઓનો ઉત્સાહ ટકાવી રાખવા માટેની એક રણનીતિ હોઈ શકે પરંતુ ગુજરાતની જનતા માટે તો આ નેતાઓએ આચરેલા ગુનાઓ એક કડવી વાસ્તવિકતા છે.


