Sunday, March 23, 2025
More

    સુરતમાં ખંડણી માંગવા મામલે AAPમાંથી ચૂંટણી લડેલા કોર્પોરેટરની ધરપકડ: ચપ્પુ બતાવીને વેપારી પાસેથી ₹1 લાખ પડાવ્યાનો આરોપ

    સુરતમાં AAPમાંથી ચૂંટણી લડીને કોર્પોરેટર બનેલા રાજેશ રાઘવ મોરડીયા અને તેમના એક સાગરીત પંકજ પટેલ સામે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે પણ રજૂ કર્યા હતા. કોર્પોરેટર પર આરોપ છે કે, તેમણે એક વેપારી માટે ₹1 લાખની ખંડણી માંગી હતી.

    માહિતી અનુસાર, મોટા વરાછા સુદામા ચોક પાસે સ્ટેશરનીનો વ્યવસાય કરતા એક વેપારીએ જમીન ભાડેથી લઈને તેમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવવાનું કામ શરૂ કર્યું હતું. જે બાદ કોર્પોરેટર રાજેશ મોરડીયાએ ચપ્પુ બતાવીને ધમકી આપી ખંડણી માંગી હોવાનો આરોપ છે. તે સિવાય તેમના પર એક ખેડૂત પાસેથી ડામરના રોડનું કામ અટકાવવાની ધમકી આપીને ₹50 હજારની ખંડણી ઉઘરાવી હોવાનો પણ આરોપ છે.

    નોંધવા જેવું છે કે, મોરડીયા વિરુદ્ધ કાર્યવાહી થતાં આમ આદમી પાર્ટી દ્વારા તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 21 એપ્રિલ, 2023ના રોજ પાર્ટીના દરેક હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાથે જ પાર્ટીએ એવું નિવેદન પણ આપ્યું હતું કે, પાર્ટીને તે વ્યક્તિ સાથે હવે કોઈ સંબંધ નથી.