હોમપેજગુજરાત‘તાલુકા પંચાયત પ્રમુખને છૂટો ગ્લાસ માર્યો, મારામારી કરી’: સંકલન બેઠકમાં ઉત્પાત મચાવવા...

‘તાલુકા પંચાયત પ્રમુખને છૂટો ગ્લાસ માર્યો, મારામારી કરી’: સંકલન બેઠકમાં ઉત્પાત મચાવવા બદલ AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ, મહિલા નેતા સાથે અભદ્ર વર્તનનો પણ આરોપ

બંને નેતાઓ વચ્ચે બોલાચાલી થયા બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ. ત્યારબાદ અધિકારીઓએ વચ્ચે પડીને મામલો શાંત કરાવ્યો હતો. ત્યારબાદ બેઠક બાજુ પર રહી અને પોલીસને બોલાવી લેવામાં આવી હતી. 

- Advertisement -

ડેડિયાપાડાના એમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની (Chaitar Vasava) ફરી એક વખત ધરપકડ કરવામાં આવી છે. તાલુકા પંચાયતની ઑફિસે યોજાયેલી સંકલન બેઠકમાં ભાજપ નેતા સંજય વસાવા સાથે મારામારી કરવાના આરોપસર ફરિયાદ થયા બાદ પોલીસ ચૈતરને ઉઠાવી લઈ ગઈ હતી. તેમની ઉપર મહિલા પંચાયત પ્રમુખ સાથે પણ અભદ્ર ભાષામાં વર્તન કરવાનો આરોપ છે. 

ચૈતર વસાવાની ધરપકડની પોલીસ પુષ્ટિ કરી છે. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું કે, “ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી. ડેડિયાપાડાના એસડીએમએ અમને રિપોર્ટ સોંપ્યો છે. સંજય વસાવાએ ચૈતર વસાવા સામે ફરિયાદ દાખલ કરી હતી. અમે શનિવારે તેમની ધરપકડ કરી લીધી હતી.”

વાસ્તવમાં શનિવારે (5 જુલાઈ) ડેડિયાપાડા તાલુકા પંચાયતની ઑફિસે સંકલન બેઠક યોજવામાં આવી હતી, જેમાં તાલુકા-જિલ્લા પંચાયતના હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો, અધિકારીઓ, ઇજનેરો વગેરે ભાગ લે છે. બેઠકમાં ભાગ લેવા માટે જ્યારે ચૈતર વસાવા પહોંચ્યા તો તેમણે બેઠકમાં અમુક લોકો હાજર હોવા સામે વાંધો ઉઠાવ્યો. તેમને જણાવવામાં આવ્યું કે તેમને ATVT અને અન્ય વિકાસકાર્યો સંબંધિત સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ વસાવાએ આ માટે ધારાસભ્યને પૂછવામાં ન આવ્યું હોવાનું કહીને વાંધો ઉઠાવ્યો. 

- Advertisement -

ચૈતર વસાવાએ માંગ કરી કે સમિતિ રદબાતલ ઠેરવવામાં આવે અને નવેસરથી નિમણૂક કરવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે સમિતિમાં કોઈ વેપારી હોવો ન જોઈએ. રિપોર્ટ અનુસાર, આ સમિતિ તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાના નિર્દેશ પર બનાવવામાં આવી હતી. જેથી ચૈતર વસાવાએ ત્યારબાદ તેમની સાથે બબાલ શરૂ કરી દીધી. 

બંને નેતાઓ વચ્ચે બોલાચાલી થયા બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ. ત્યારબાદ અધિકારીઓએ વચ્ચે પડીને મામલો શાંત કરાવ્યો હતો. ત્યારબાદ બેઠક બાજુ પર રહી અને પોલીસને બોલાવી લેવામાં આવી હતી. 

મહિલા નેતા સાથે અભદ્ર વર્તન સામે વાંધો ઉઠાવ્યો તો મને છૂટો ગ્લાસ માર્યો: સંજય વસાવા

સંજય વસાવાનો આરોપ છે કે ચૈતર વસાવાએ તેમને છૂટો પાણીનો ગ્લાસ અને મોબાઇલ માર્યા હતા. તેમણે કહ્યું, “બેઠકમાં ચૈતર વસાવા અને સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવા વચ્ચે દલીલો થઈ રહી હતી. AAP ધારાસભ્યની ભાષા અયોગ્ય હતી, જેથી મેં હસ્તક્ષેપ કરીને તેમને મર્યાદા જાળવી રાખવા માટે કહ્યું હતું. જેના કારણે તેઓ ગુસ્સે થઈ ગયા અને મારી ઉપર મોબાઈલ અને પાણીનો ગ્લાસ ફેંક્યા હતા.”

ધમાલ બાદ ચૈતર વસાવા સમર્થકો સાથે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ મથક પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં એ અફવા ફેલાવી દેવામાં આવી કે ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી છે, જેથી ટોળું પોલીસ સ્ટેશન બહાર એકઠું થવા માંડ્યું હતું. જોકે પોલીસે પછીથી બંદોબસ્ત વધારી દીધો હતો. ત્યારબાદ સ્થિતિને જોતાં પોલીસ ચૈતર વસાવાને રાજપીપળા લઈ ગઈ હતી. જોકે ત્યાં પણ સમર્થકો ફરી વળ્યા હતા, જેમને પોલીસે દૂર કરવા પડ્યા. 

ચૈતર વસાવા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 (હત્યાનો પ્રયાસ), 79 (મહિલાની ગરિમાનું ઉલ્લંઘન), 115(2) (જાણીજોઈને ઈજા પહોંચાડવી), 118(1) (હથિયાર વડે જાણીજોઈને ઈજા પહોંચાડવી), 351(3) (ગુનાહિત ધમકી), 352 (શાંતિભંગના ઇરાદે જાણીજોઈને અપમાન) વગેરે કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

આ મામલે દર વખતની જેમ આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના બચાવમાં ઉતરી પડી છે અને પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ચૈતર વસાવાને જ માર મારવામાં આવ્યો હોવાનો દાવો કરી દીધો છે.  

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં