Friday, May 3, 2024
More
    હોમપેજગુજરાત‘ઑફિસમાં બોલાવી દરવાજો બંધ કરીને અડપલાં કર્યાં’: 4 વિદ્યાર્થિનીઓની છેડતીના આરોપસર રાજકોટની...

    ‘ઑફિસમાં બોલાવી દરવાજો બંધ કરીને અડપલાં કર્યાં’: 4 વિદ્યાર્થિનીઓની છેડતીના આરોપસર રાજકોટની શાળાના પ્રિન્સિપાલની ધરપકડ- આરોપી AAPનો નેતા, લડી ચૂક્યો છે ચૂંટણી

    કોઠારિયા રોડ પર આવેલી સરસ્વતિ શાળાના પ્રિન્સીપાલ અને AAP નેતા રાકેશ સોરઠિયા પર શાળામાં ભણતી 4 સગીરાઓ અડપલાં કરવાનો આરોપ લગાવ્યો છે. સગીરાઓની ઉમર 11થી 14 વર્ષની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    રાજકોટમાં એક શાળાના પ્રિન્સિપલ પર 4 સગીરાઓની છેડતી કરવાના આરોપ લાગ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરીને જેલના સળિયા ગણતો કરી દીધો છે. આરોપી આમ આદમી પાર્ટીનો નેતા હોવાનું પણ સામે આવ્યું છે. જેની ઓળખ રાકેશ સોરઠિયા તરીકે થઈ છે. ઑપઇન્ડિયા સાથે વાતચીતમાં રાજકોટ ભક્તિનગર પોલીસે કાર્યવાહિની પુષ્ટિ કરી હતી.

    મળતી માહિતી અનુસાર, રાજકોટના કોઠારિયા રોડ પર આવેલ સરસ્વતી શૈક્ષણિક સંકુલ શાળાના પ્રિન્સિપાલ અને AAP નેતા રાકેશ સોરઠિયા પર તેની જ શાળામાં ભણતી 4 સગીરાઓએ શારીરિક અડપલાં કરવાનો આરોપ લગાવ્યો છે. પીડિત સગીરાઓની ઉંમર 11થી 14 વર્ષની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બાળકીઓએ તેમના વાલીઓને જાણ કરતાં તેમણે રાજકોટ ભક્તિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

    એક પીડિતાની માતાએ ફરિયાદમાં જણાવ્યું કે, “મારી 14 વર્ષીય પુત્રી રાજકોટની શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલ ખાતે અભ્યાસ કરે છે. અહીંના પ્રિન્સિપલ રાકેશ સોરઠિયા છે. મારી દિકરીએ મને ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, રાકેશે તેને અને અન્ય વિદ્યાર્થીઓને પોતાની ઑફિસમાં બોલાવીને દરવાજો બંધ કરીને અડપલાં કર્યાં હતાં.” તેમણે જણાવ્યું કે, જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમની પુત્રી ઉપરાંત અન્ય એક 14 વર્ષીય અને 2 11 વર્ષીય એમ કુલ 4 વિદ્યાર્થિનીઓ ભોગ બની હતી. જેને લઈને કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ કરવામાં આવે છે. 

    - Advertisement -

    મીડિયા રિપોર્ટ અનુસાર, આરોપી રાકેશ આમ આદમી પાર્ટીનો નેતા છે. અગાઉ તે રાજકોટ શહેરના મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યો છે તેમજ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 17માંથી આમ આદમી પાર્ટીની ટીકીટ પર ચૂંટણી પણ લાગ્યો હતો, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો. હાલ તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

    પોલીસે ઑપઇન્ડિયાને શું જણાવ્યું?

    આ મામલે માહિતી લેવા ઑપઇન્ડિયાએ ભક્તિનગર પોલીસેનો સંપર્ક કરતાં PI સરવૈયાએ જણાવ્યું હતું કે, “આરોપી પ્રિન્સિપાલે તેની જ શાળામાં ભણતી અલગ-અલગ ઉંમરની 4 સગીરાઓ સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં. તેણે બાળકીઓ પાસે ‘હગ કરવું છે’ તે પ્રકારની અભદ્ર માંગણીઓ પણ કરી હતી. વિદ્યાર્થીનીઓના વાલીની ફરિયાદ પર અમે ગઈકાલે રાત્રે જ આરોપી પ્રિન્સિપાલની ધરપકડ કરી લીધી છે.”

    સાથે જ આરોપી પ્રિન્સીપાલ રાકેશ સોરઠીયા કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે કે કેમ તે સવાલ પર PI સરવૈયાએ જણાવ્યું કે, “ફરિયાદમાં તેનો ઉલ્લેખ નથી, પરંતુ આરોપી ગામમાં એમ કહે છે કે તે આમ આદમી પાર્ટીમાં પ્રભારી છે, બાકીની તપાસ ચાલી રહી છે. અમે ધારાધોરણ અનુસાર કાર્યવાહી આગળ ચલાવી રહ્યા છીએ.” ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ આરોપી પર એક મહિલાની છેડતીનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ શાળાને મંજૂરી આપવા પર પણ સવાલો ઉભા થયા હતા.

    હાલ રાજકોટની ભક્તિનગર પોલીસે આમ આદમી પાર્ટીના નેતા અને શાળાના પ્રિન્સિપલ રાકેશ સોરઠિયા વિરુદ્ધ IPCની 354A તેમજ POCSO એક્ટની કલમ 8 અને 10 અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ માહિતી તેવી પણ મળી રહી છે કે આરોપીએ અન્ય પણ કેટલીક બાળકીઓ સાથે આ પ્રકારની હરકતો કરી હોવાના ખુલાસા થઈ શકે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં