હોમપેજગુજરાતST સીટ પરથી લડ્યા હતા ચૂંટણી, ધારાસભ્ય નિવાસસ્થાને ‘ગૃહ પ્રવેશ’ માટે ઈસાઈ...

ST સીટ પરથી લડ્યા હતા ચૂંટણી, ધારાસભ્ય નિવાસસ્થાને ‘ગૃહ પ્રવેશ’ માટે ઈસાઈ પાદરીઓને આપ્યું નિમંત્રણ: વ્યારાના ભાજપ MLA મોહન કોંકણી ફરી વિવાદમાં

કાજલ હિન્દુસ્તાનીએ પૂછ્યું, “જો તેઓ (મોહન કોંકણી) ખ્રિસ્તી હોય તો તેમણે 2022માં અનામત આદિવાસી સીટ પર ચૂંટણી નામાંકન કેમ ભર્યું હતું? જો તેઓ આદિવાસી હિંદુ હોય તો ગૃહ પ્રવેશ પૂજા પાદરીને બોલાવીને ઈસાઈ વિધિથી કેમ કરી હતી?”

- Advertisement -

દક્ષિણ ગુજરાતની વ્યારા વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડીને જીતેલા ભાજપ ધારાસભ્ય મોહન કોંકણી ફરી વિવાદમાં સપડાયા છે. તેમની ઉપર ST બેઠક પર ચૂંટણી લડીને હવે ખ્રિસ્તી પંથ-પરંપરા અનુસરવાનો આરોપ લાગ્યો છે.

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા આવાસનું નિર્માણ થયા બાદ દરેક સભ્યને ફ્લેટ ફાળવવામાં આવ્યા છે, જેમાં ધારાસભ્યો હવે શિફ્ટ થઈ રહ્યા છે. મોહન કોંકણીએ પોતાના આવાસના ગૃહ પ્રવેશ વખતે ખ્રિસ્તી પાદરીઓને બોલાવ્યા હોવાના ફોટા હવે સોશિયલ મીડિયા પર ફરતા થયા છે.

આ તસવીરો શૅર કરીને હિંદુવાદી એક્ટિવિસ્ટ કાજલ હિન્દુસ્તાનીએ પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે કોંકણીએ એ સ્પષ્ટ કરવું જોઈએ કે તેઓ કયા ધર્મનું પાલન કરી રહ્યા છે. તેઓ આદિવાસી હિંદુ છે કે ખ્રિસ્તી છે એ પણ જણાવવું જોઈએ એવી માગ કરી હતી.

- Advertisement -

કાજલ હિન્દુસ્તાનીએ પૂછ્યું, “જો તેઓ (મોહન કોંકણી) ખ્રિસ્તી હોય તો તેમણે 2022માં અનામત આદિવાસી સીટ પર ચૂંટણી નામાંકન કેમ ભર્યું હતું? જો તેઓ આદિવાસી હિંદુ હોય તો ગૃહ પ્રવેશ પૂજા પાદરીને બોલાવીને ઈસાઈ વિધિથી કેમ કરી હતી?”

તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને ટેગ કરીને માગ કરી હતી કે આ મામલે તપાસ કરવા માટે વિશેષ તપાસ સમિતિ નીમવામાં આવે અને વધુમાં કહ્યું કે ચૂંટણી પંચે પણ એ તપાસ કરવી જોઈએ કે મોહન કોંકણી આદિવાસી છે કે ખ્રિસ્તી. ઉપરાંત તેમણે ચૂંટણી ફોર્મમાં ખોટી વિગતો ભરી હતી કે કેમ તે તપાસ કરવાની પણ માગ કરી હતી.

તેમણે સુપ્રીમ કોર્ટનો એ ચુકાદો પણ ટાંક્યો હતો જેમાં કોર્ટે કહ્યું હતું કે SC વ્યક્તિ જો ધર્માંતરણ કરીને ખ્રિસ્તી બને તો તેને SC/ST લાભ મળી શકે નહીં.

મોહન કોંકણીએ જવાબ આપ્યો, પણ ગૃહ પ્રવેશમાં ઈસાઈ પાદરીને આમંત્રણની વાત ન નકારી

આ આરોપો મુદ્દે મોહન કોંકણીએ પછીથી જવાબ આપતાં એવું કારણ આપ્યું હતું કે ગૃહ પ્રવેશની જ્યાં સુધી વાત છે તો પોતે બ્રાહ્મણ પણ બોલાવી શકે કે અન્ય કોઈ વ્યક્તિને પણ બોલાવી શકે. આગળ કહ્યું, “હું આદિવાસી સમાજનો છું અને મારી આસ્થા દરેક ધર્મ માટે છે.”

સુપ્રીમ કોર્ટના ચુકાદા મામલે તેમણે કહ્યું કે એ માત્ર SC સમુદાય માટે લાગુ પડે છે અને ST સમુદાયને ગુજરાત સરકારના યુનિફોર્મ સિવિલ કોડમાંથી પણ બાકાત રાખવામાં આવ્યો છે. તેમણે ગૃહ પ્રવેશમાં ઈસાઈ પાદરીને બોલાવવાની વાતનો ઇનકાર કર્યો ન હતો.

પછીથી કાજલ હિન્દુસ્તાનીએ ફરીથી એક પોસ્ટમાં સવાલો ઉઠાવ્યા હતા.

X પોસ્ટમાં તેમણે કહ્યું કે મોહન કોંકણીએ ગ્રહ પ્રવેશ વિધિ ઈસાઈ રિલીજન અનુસાર કરી છે જેનાથી એ પુરવાર થાય છે કે તેમની માન્યતા ખ્રિસ્તી પંથમાં છે. બ્રાહ્મણ-પાદરીની વાત પર તેમણે કહ્યું કે ધારાસભ્યે જો બ્રાહ્મણને બોલાવ્યા હોત તો પ્રશ્ન ન ઉઠ્યા હોત પણ પાદરીને આમંત્રણ આપવાથી સવાલો સર્જાયા છે.

તેમણે આગળ કહ્યું કે ધારાસભ્ય કોઈ પણ ધર્મનું પાલન કરે તેમાં કશું ખોટું નથી અને બંધારણ તેની મંજૂરી આપે છે પરંતુ પોતાને આદિવાસી ગણાવીને પ્રકૃતિની પૂજા ન કરીને ખ્રિસ્તી પંથ અનુસરવામાં આવે અને પરિવારના ઉત્સવો પણ ઈસાઈ વિધિથી સંપન્ન થાય તો લોકોને સંશય ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે. તેમણે એ પણ યાદ કરાવ્યું કે ધારસભ્યે 2022માં ST બેઠક પર ચૂંટણી લડી હતી.

અગાઉ પણ લાગી ચૂક્યો છે ધર્માંતરણને પ્રોત્સાહન આપવાનો આરોપ

ઉલ્લેખનીય છે કે મોહન કોંકણી આ પહેલાં પણ વિવાદમાં સપડાઈ ચૂક્યા છે. માર્ચ 2025માં પણ તેમની વિરુદ્ધ ઈસાઈ ધર્માંતરણને પ્રોત્સાહન આપવાના આરોપ લાગ્યા હતા.

વાસ્તવમાં મોહન કોંકણીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ એક ખ્રિસ્તી મિશનરીના કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે અન્ય લોકોને પણ આવા કાર્યક્રમોમાં લઈ આવવા માટે કહેતા જોવા મળ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં હિંદુ આદિવાસીઓના હકો માટે લડતા સંગઠન દેવ બિરસા સેનાએ પછીથી મોહન કોંકણી પર ધર્માંતરણને પ્રોત્સાહન આપવાના આરોપ લગાવ્યા હતા.

ઉપરાંત એ પ્રશ્નો ત્યારે દેવ બિરસા સેનાએ પણ ઉઠાવ્યા હતા કે મોહન કોંકણી ST પ્રમાણપત્ર પર ચૂંટણી લડ્યા હતા અને હવે ખ્રિસ્તી પંથ-પરંપરાનું પાલન કરે છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હજારોની સંખ્યામાં લોકોએ ધર્માંતરણ કર્યું હોવા છતાં હજુ સરકારી ચોપડે તેઓ ST જ નોંધાયા છે. તેમના ડિલિસ્ટિંગ માટે અવારનવાર માગ ઉઠતી રહી છે પરંતુ હજુ સુધી આ દિશામાં કોઈ કાર્યવાહી થઈ નથી.

જે-તે સમયે કોંકણીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે એવું કારણ આપ્યું હતું કે એક જનપ્રતિનિધિ તરીકે તેમણે આવા કાર્યક્રમોમાં હાજરી આપવી પડે છે અને કોઈને પણ કાર્યક્રમો કરવાની સ્વતંત્રતા છે. તેમણે ધર્માંતરણને પ્રોત્સાહન આપવાના આરોપો પણ નકારી દીધા હતા અને કહ્યું હતું કે તેમ હોય તો પુરાવા રજૂ કરવા જોઈએ.

હવે તેઓ ફરી આ જ મુદ્દે વિવાદમાં આવ્યા છે. હાલ ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં