ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ભોળા આદિવાસીઓને લલચાવી-ફોસલાવીને કરાવવામાં આવતા ગેરકાયદેસર ધર્માંતરણથી ગુજરાતના દક્ષિણ પૂર્વ ભાગમાં સ્થિત બે જિલ્લાઓ ડાંગ અને તાપી અતિશય પ્રભાવિત છે. વર્ષોથી અહીં મિશનરીઓ અને ચર્ચો મોટાપાયે સક્રિય હોવા છતાં અને ઝડપથી હિંદુ આદિવાસીઓનું ધર્માંતરણ થઈ રહ્યું હોવા છતાં આ મુદ્દો મેઈનસ્ટ્રીમ મીડિયાના ધ્યાને ચડ્યો નથી કે ન તેની ખાસ ચર્ચા જોવા મળે છે. એ જ કારણ છે કે આવી પ્રવૃત્તિઓને છેલ્લાં થોડાં વર્ષોમાં મોકળું મેદાન મળી ગયું છે. બીજી તરફ રાજ્ય સરકારનું ધ્યાન પણ જેટલું પડવું જોઈએ એટલું પડી રહ્યું નથી, અને સ્થાનિક કક્ષાના નેતાઓ પોતે જ સવાલોના કઠેડામાં છે. આ સંજોગોમાં હિંદુ સમુદાયની સ્થિતિ દિવસે-દિવસે કપરી બનતી જાય છે.
તાજેતરમાં અહીં કથાકાર, સંત મોરારી બાપુની એક કથા થઈ પછી રાજ્યભરમાં ચર્ચાઓ શરૂ થઈ છે. મોરારી બાપુએ અહીં ધર્માંતરણને ડામવા માટે નવી શરૂ થતી દરેક શાળાને ₹1 લાખનું દાન આપવાની પ્રતિજ્ઞા કરી છે અને સાથે કથામાં આવેલા રાજ્ય સરકારના મંત્રીઓને પણ આ ગંભીર મુદ્દે ધ્યાન આપવા માટે વિનંતી કરી હતી. મંત્રીઓએ આ મુદ્દે કડક પગલાં લેવાનાં આશ્વાસનો તો આપ્યાં છે પણ જમીન પરની સ્થિતિ, અમુક આંકડાઓ અને સ્થાનિકોની આપવીતી એ બાબત તરફ સંકેત કરે છે કે સરકાર જો ન જાગી કે સમાજમાં જાગૃતિ ન ફેલાઈ તો બહુ જલ્દી ડેમોગ્રાફીમાં એવો ફેરફાર આવશે, જેની કલ્પના કરવી પણ કઠિન છે અને તેનાં બી રોપાઈ ચૂક્યાં છે.
તાપીમાં ધર્માંતરણ વિરુદ્ધ ઘણા સમયથી સક્રિય દેવ બિરસા સેનાના નેતાઓ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં આ સમગ્ર નેક્સસ પર પ્રકાશ પાડે છે. તેમનો આરોપ સ્થાનિક ધારાસભ્ય મોહન કોંકણી સામે પણ છે, જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. દેવ બિરસા સેના નેતા અરવિંદ વસાવા કહે છે કે, માત્ર થોડાં જ વર્ષોમાં તાપીમાં લગભગ 1500 જેટલાં નાનાં-મોટાં ચર્ચ ઊભાં કરી દેવામાં આવ્યાં છે અને તેમાંથી મોટાભાગનાં ગેરકાયદેસર છે. વધુમાં અહીં ખ્રિસ્તી પંથ પાળનારાઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, પણ સરકારી ચોપડે કોઈ ધર્માંતરિત થતું નથી. હિંદુ સંગઠનોની એક મોટી લડાઈ આ બાબત સામે પણ છે. તેમની માંગ છે કે ધર્માંતરિત થયેલાઓને ડિલિસ્ટ કરવામાં આવે તો જ આ વટાળ પ્રવૃત્તિ કાબૂમાં આવશે.
લલચાવી-ફોસલાવી, વિવિધ પ્રલોભનો અને અંધશ્રદ્ધાના સહારે થઈ રહ્યું છે ધર્માંતરણ
અરવિંદ વસાવા કહે છે કે, તાપી-સોનગઢનો સમગ્ર વિસ્તાર આદિવાસી વિસ્તાર છે. તેમ છતાં ત્યાં 1500 ચર્ચ ગેરકાયદેસર રીતે ઊભાં કરવામાં આવ્યાં છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે, વિવિધ રાજ્યોમાંથી આવતા ખ્રિસ્તી પાદરીઓ આ વિસ્તારમાં જાહેરસભા અને પ્રાર્થના સભાથી લઈને વિવિધ કાર્યક્રમો કરે છે. તેમનો પ્રશ્ન એ છે કે, આ સમગ્ર વિસ્તાર કાયદેસર રીતે આદિવાસી વિસ્તાર છે, ત્યાં કોઈપણ વ્યક્તિ કાયદેસર રીતે ખ્રિસ્તી નથી બની તેમ છતાં અહીં આવા કાર્યક્રમો કેમ કરવામાં આવી રહ્યા છે?
વસાવાએ આરોપ લગાવ્યો કે, મિશનરીઓની વિવિધ ટોળકીઓનો ઉદ્દેશ્ય માત્ર અહીંના ભોળા આદિવાસીઓને ખ્રિસ્તી બનાવવાનો છે. તેઓ વિવિધ પ્રલોભનો આપીને, લલચાવી-ફોસલાવીને અને અંધશ્રદ્ધા ફેલાવીને આદિવાસીઓને ખ્રિસ્તી બનાવી રહ્યા છે. કાયદેસર રીતે કોઈપણ વ્યક્તિ ખ્રિસ્તી બની નથી. તેમનું કહેવું છે કે, બંધારણ દ્વારા આદિવાસી સંસ્કૃતિને સંરક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે, તેમ છતાં આદિવાસી વિસ્તારોમાં આટલી મોટી સંખ્યામાં ચર્ચ તાણી બંધાયાં છે અને વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
ધારાસભ્ય કોંકણી પોતે આદિવાસી પ્રમાણપત્ર પર જીત્યા ચૂંટણી- દેવ બિરસા સેના
વસાવાએ વધુમાં કહ્યું કે, “ધર્માંતરણને લઈને વારંવાર પુરાવાઓ માંગવામાં આવી રહ્યા છે, ધારાસભ્ય કોંકણી પણ પુરાવા માંગી રહ્યા છે. પણ ધર્માંતરણ કરનારા લોકો ક્યારેય જાહેરમાં નથી કરતા. તેઓ પોતાના ચર્ચમાં ખાનગી ધોરણે આ કામ કરે છે. પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ છે, તે ખ્રિસ્તી તો છે નહીં, તો પછી તાપી જેવા જિલ્લાઓમાં ગામેગામ ચર્ચ કેમ તાણી બંધાયાં? આદિવાસી વિસ્તારમાં તેની શું જરૂર? અહીં કોઈ કાયદેસર રીતે ખ્રિસ્તી નોંધાયા નથી.”
તેમણે વધુમાં કહ્યું કે, “અમે આદિવાસી છીએ તો અમારા વિસ્તારમાં ખ્રિસ્તીઓની જાહેરસભાઓ અને મોટા-મોટા કાર્યક્રમોની શું જરૂર? શા માટે ખ્રિસ્તી પંથના પાસ્ટરો, પ્રચારકો અને મોટા-મોટા લોકો વિવિધ રાજ્યોમાંથી માત્ર અહીં જ સભાઓ કરવા આવે છે? અહીં તો કોઈ કાયદેસર ખ્રિસ્તી છે જ નહીં તો પછી અહીં આવવું શા માટે છે. જો આ વિસ્તારમાં કોઈ ખ્રિસ્તી છે તો સરકારી ચોપડે તેને બતાવો કે તે ખ્રિસ્તી છે. સંવિધાનના આધારે દેશ ચાલે છે તો અન્ય પંથ પાળતા હો તો સરકારી ચોપડે પણ લખાવો.”
વધુમાં તેમણે આરોપ લગાવ્યો છે કે, મિશનરીઓ દ્વારા ખ્રિસ્તી બનાવવામાં આવતા લોકો માત્ર સરકારી ચોપડે જ આદિવાસી હિંદુ તરીકે ઓળખાય છે. બાકી તે તમામ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા કે તહેવારોનો પણ બહિષ્કાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આદિવાસી તહેવારો માટે ફાળો ઉઘરાવતી વખતે પણ આ કન્વર્ટેડ ખ્રિસ્તીઓ ના પાડી દે છે. તેમણે નિસાસો નાખતા કહ્યું હતું કે, “આવી રીતે તો આવનારી બીજી કે ત્રીજી પેઢીએ અમે અને અમારી સંસ્કૃતિ બંને સમાપ્ત થઈ જઈશું, અમારું અસ્તિત્વ જ ભૂંસાઈ જશે.”
વધુમાં તેમણે ધારાસભ્ય મોહન કોંકણી પર આરોપ લગાવ્યો છે કે તેઓ ખ્રિસ્તી મિશનરીઓ પર ચાર હાથ રાખી રહ્યા છે. વસાવાનો દાવો છે કે, તેઓ પોતે પણ સરકારી ચોપડીમાં આદિવાસી છે અને અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર પરથી જ તેઓ ધારાસભ્ય બન્યા છે. પરંતુ હાલ તેઓ ખ્રિસ્તી પંથને પાળે છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, મિશનરીઓને તેઓ પ્રોત્સાહન આપે છે અને તેમના કાર્યક્રમોમાં ખુલ્લેઆમ જઈને પ્રોત્સાહન આપે છે.
ખ્રિસ્તીઓના જાહેર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગયા ગયા હતા MLA કોંકણી
વાસ્તવમાં આ સમગ્ર વિવાદ ધારાસભ્ય કોંકણીના વાયરલ થયેલા એક વિડીયોના કારણે સામે આવ્યો છે. વિડીયોમાં ખ્રિસ્તી પંથના એક જાહેર કાર્યક્રમમાં કોંકણીને મુખ્ય મહેમાન અને વક્તા તરીકે વક્તવ્ય આપતા જોવામાં આવ્યા હતા. આ વિડીયોમાં તેઓ ત્યાં હાજર લોકોને કહી રહ્યા હતા કે, તેઓ બીજા લોકોને પણ ખ્રિસ્તી કાર્યક્રમમાં લઈને આવે. દેવ બિરસા સેનાએ કહ્યું છે કે, ધારાસભ્યે જાહેરસભામાં મિશનરીઓને ખુલ્લુ પ્રોત્સાહન આપ્યું છે અને અન્ય લોકોને ત્યાં લાવવા માટેનું કહ્યું છે.
વસાવાએ આ ઘટનાને લઈને કહ્યું કે, “ધારાસભ્ય કોંકણી પોતે ધર્માંતરણ નથી કરાવતા પણ તેઓ પ્રોત્સાહન આપે છે અને આખો માહોલ ઊભો કરે છે. તેમના ગામની બાજુમાં હરિપુરા ગામ છે ત્યાં ડુંગર પર ચર્ચ બનાવી દેવામાં આવ્યું છે અને ત્યાં સુધી રોડ-રસ્તા અને લાઇટ પણ પહોંચાડી દેવામાં આવી છે. આ બધુ કોના પ્રતાપે થાય છે? કોંકણી ખ્રિસ્તીઓની જાહેરસભામાં એવું કહે છે કે બીજા લોકોને પણ અહીં લઈને આવો તો તે ધર્માંતરણને પ્રોત્સાહન જ થયું.”
વધુમાં વસાવાએ કહ્યું કે, “ધારાસભ્ય મોહન કોંકણીનો વિડીયો વાયરલ થયો છે, તેમાં તેઓ સ્પષ્ટ ખ્રિસ્તી ભાષા અને ઢબ સાથે વાત કરી રહ્યા છે. તેઓ નિપુણ ખ્રિસ્તી છે અને તેને જોઈને ઘણા આદિવાસીઓ પણ તે તરફ જઈ રહ્યા છે. કોંકણી વિડીયોમાં પણ ઈસુ પ્રભુ અને માતા મરિયમ જેવા શબ્દોનો ઉલ્લેખ કરી રહ્યા છે. આ બધુ જ જલ્દીથી રોકવા જેવું છે, નહીં તો 10 વર્ષમાં દક્ષિણ ગુજરાતમાંથી આદિવાસી અસ્તિત્વ ખતમ થઈ જશે.”
વધુમાં વસાવાએ કહ્યું છે કે, હાલમાં તાપી જિલ્લામાં ત્રણ દિવસથી ખ્રિસ્તીઓનો મોટો કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે, “અમે મામલતદાર, કલેકટર અને તમામ અધિકારીઓને આ વિશે વાત કરી અને આવેદન આપ્યા. ભાજપના જવાબદાર વ્યક્તિઓને પણ કહ્યું અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસમાં પણ સંપર્ક કર્યો. તેમ છતાં વટથી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ખુલ્લેઆમ કાર્યક્રમ ચાલી રહ્યો છે. મારો સમાજ નષ્ટ થઈ રહ્યો છે અને પ્રશાસન મૌન છે.”
આદિવાસી કુળદેવીના ડુંગરો પર હિંદુ મંદિર હટાવીને ખ્રિસ્તીઓનો ગેરકાયદેસર કબજો
અરવિંદ વસાવાએ સોનગઢ તાલુકાના નાણાં બંધરપાડા ગામ ખાતે એક ડુંગર પર આવેલા હિંદુ મંદિરની વાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગીધમાડી આયા ડુંગર આદિવાસીઓના કુળદેવી માતાનું સ્થાનક હતું અને હિંદુઓ ત્યાં આસ્થાથી પૂજા-અર્ચના પણ કરતા હતા. પરંતુ સમય જતાં આ વિસ્તારમાં ઝડપથી વધતી ખ્રિસ્તીઓની વસ્તીના કારણે ધીમે-ધીમે આ ડુંગર પર લોકોની અવરજવર ઘટી ગઈ અને ત્યારબાદ ત્યાં ખ્રિસ્તી મિશનરીઓએ ‘મરિયમ માતાનું મંદિર’ નામે પોતાનું સ્થાનક ઊભું કરી દીધું.
અરવિંદ વસાવાએ કહ્યું છે કે, આજે તે ડુંગર પર આદિવાસીઓને પ્રવેશ પણ આપવામાં આવતો નથી. આદિવાસીઓ પોતાના કુળદેવીના દર્શન કે પૂજા-અર્ચના પણ કરી શકતા નથી. ત્યાં સંપૂર્ણપણે ખ્રિસ્તીઓએ કબજો કરી લીધો છે. તેમનો દાવો છે કે, વારતહેવારે ગણ્યાગાંઠ્યા આદિવાસીઓ મંદિરમાં પૂજા-અર્ચના કરવા જવાનો પ્રયાસ કરે છે તો તેમને પણ હાંકી કાઢવામાં આવે છે. આ સાથે જ તેમણે ધારાસભ્ય કોંકણીના ગામ નજીકના હરિપુરાનું ઉદાહરણ આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે, હરિપુરાના ડુંગર પર પણ ગેરકાયદેસર ચર્ચ ઊભું કરવામાં આવ્યું છે અને તેનો સીધો સંબંધ પણ કોંકણી સાથે હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આદિવાસી કાર્યકર્તાઓની સરકાર પાસે શું અપેક્ષા?
દેવ બિરસા સેનાના અરવિદ વસાવાએ ઑપઇન્ડિયાના માધ્યમથી સરકારને વિનંતી કરી છે કે, દક્ષિણ ગુજરાતમાં પોષિત ધર્માંતરણના પ્રયાસોને બંધ કરાવવામાં આવે અને ગેરકાયદેસર ઊભાં કરેલા બાંધકામોનો પણ ઈલાજ થાય. વધુમાં તેમની વિનંતી છે કે, તેમની સંસ્કૃતિને જીવતી રાખવા માટે સરકાર સહયોગ કરે અને તેમની વાતો સાંભળે. તેમણે કહ્યું કે, “અમારા આદિવાસીઓની સંસ્કૃતિ, અમારી પરંપરા, અમારી ભાષા અને અમારું અસ્તિત્વ બચી રહે તે માટે આપ સૌ અમને સહકાર આપો અને આવા ગેરકાયદેસર કામોને કોઈપણ ભોગે બંધ કરાવો. આજે ઘણાં ગામ એવાં છે કે, માત્ર 10 લોકો આદિવાસી બચ્યા છે. બાકીના બધા પોતાના બાપદાદાની પરંપરા અને કુળદેવીને છોડી ચૂક્યા છે.”
તેમણે કહ્યું કે, “આદિવાસી સંસ્કૃતિને નષ્ટ કરવા માટે વિદેશી તાકાતોની સાથે અહીંના માણસો પણ લાગી ગયા છે. અમારી માત્ર સરકાર પાસે એ માંગણી છે કે, અમારી સંસ્કૃતિ, રિતરીવાજો અને બાપદાદાનો વારસો ટકી રહે અને અમારું અસ્તિત્વ ટકી રહે. સરકારને અમે સ્પષ્ટ અપીલ કરીએ છીએ કે, અમારી પડખે આવે, અમારી મદદ કરે…અમારે કશું જોઈતું નથી.”
ધારાસભ્ય કોંકણીએ શું કહ્યું હતું વાયરલ વિડીયો?
ખ્રિસ્તી સમુદાય દ્વારા આયોજિત વિશાળ સભામાં ભાજપ ધારાસભ્ય મોહન કોંકણી વનવાસી સમુદાયને સંબોધિત કરવા માટે ગયા હતા. વાયરલ વિડીયોમાં મોહન કોંકણી જે ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે તે ભાષા ખ્રિસ્તી પાસ્ટર જેવી લાગી રહી હોવાના આક્ષેપ છે. તેઓ સંબોધનની શરૂઆતમાં જ કહે છે કે, “પ્રભુ ઈશુ ખ્રિસ્તના નામથી બધાને મારા પ્રેમી સલામ પાઠવું છું અને ઈશ્વર પિતાનો આભાર માનું છું કે, મને બોલવાની એક તક આપી.” વધુમાં તેઓ સંબોધનમાં ‘યોહાન’ શબ્દનો ઉલ્લેખ કરે છે અને કહે છે કે, “યોહાને (ઈશુ ખ્રિસ્તના જન્મ પહેલાં આવેલા, અથવા ઈશુના કાર્ય માટે મોકલવામાં આવેલા) પહેલા અધ્યાયમાં લખ્યું છે કે, “જેમણે તેમને સ્વીકાર્યા છે અને જેમણે તેને ફોલો કર્યા છે, તેમણે ઈશ્વરનું (ઈશુ ખ્રિસ્ત) સંતાન હોવાનો અધિકાર પણ આપ્યો છે.”
घटना- व्यारा, जिला तापी (गुजरात)
— Kajal HINDUsthani (@kajal_jaihind) March 25, 2025
गुजरात में खुलेआम हो रहा है वनवासियों का धर्मांतरण…!!
पिछले पाँच वर्षों में बहुत ही तेज़ी से दक्षिण गुजरात में बढ़ रहा है मिशनरीयो का धर्मांतरण का खेल
वनवासी समाज के सामाजिक संगठन “देव बिरसा सेना” ने कहा- “भाजपा विधायक #मोहन_कोंकणी धर्मांतरण… pic.twitter.com/1tAH3TeQ8d
વધુમાં તેઓ નવાકરારનો (યહૂદીના જૂના કરાર બાદ અસ્તિત્વમાં આવેલ ખ્રિસ્તીઓનું બાયબલ) હવાલો આપીને કહે છે કે, તેમાં લખ્યું છે કે, ‘તમે બધા મારા શરણમાં આવો. હું તમને વિસામો આપીશ. ઈશ્વર અહીં આવ્યા છે ચમત્કારિક કામ કરવા માટે અને તેમણે તમને લોકોને સ્વીકાર્યા છે.” અંતે તેઓ એવું પણ કહે છે કે, “આ કાર્યક્રમ વધુ બે દિવસ ચાલવાનો છે અને તમે લોકો તો આવ્યા છો, પણ હવે બીજા લોકોને પણ લઈને આવજો.”
શું કહેવું છે ધારાસભ્ય કોંકણીનું?
આ સમગ્ર વિવાદને લઈને ધારાસભ્ય મોહન કોંકણીએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, તેઓ આવા કોઈ ધર્માંતરણને પ્રોત્સાહન નથી આપી રહ્યા અને જો આપતા હોય તો પુરાવા રજૂ કરવા જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ. ખ્રિસ્તીઓની સભામાં જઈને આદિવાસીઓને ‘તમે પણ આવજો અને સાથે બીજાને પણ લાવજો’ જેવી વિવાદિત વાત કહેવા પર તેમણે જણાવ્યું હતું કે, એક જનપ્રતિનિધિ તરીકે તેમણે આવા કાર્યક્રમોમાં જવું પડે છે અને ત્યાં જઈને સારું બોલવું પડે છે. વધુમાં તેમને એવો પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, તાપી વિસ્તારમાં કાયદેસર રીતે કોઈ આદિવાસી નથી તો શા માટે દેશના મોટા-મોટા પાસ્ટરો અને ખ્રિસ્તી પ્રચારકો ત્યાં સભા કરવા માટે આવે છે?
તેમણે જવાબ આપતા કહ્યું કે, દેશમાં બધા જ સ્વતંત્ર છે તો ગમે ત્યાં સભા કરી શકે છે. તેની મંજૂરી પોલીસે આપી હતી તો પોલીસને આ વિશે પૂછવું વધારે યોગ્ય રહે. સાથે તેમણે એવો દાવો પણ કર્યો છે કે, આ વિવાદને લઈને તેમને કોઈ આવેદન આપવામાં આવ્યું નથી. વધુમાં તેમને પ્રશ્ન કરવામાં આવ્યો કે, સ્થાનિકો આરોપ છે કે, અંદરખાને ધારાસભ્ય કોંકણી ખ્રિસ્તી ધર્માંતરણને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેના જવાબમાં તેમણે કહ્યું કે, અંદરખાને થતું હોય તો પણ તેના પુરાવા આપવા જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ. વધુમાં અમે દેવ બિરસા સેનાનો હવાલો આપ્યો તો તેમણે કહ્યું હતું કે, તેઓ આવી કોઈ સેનાને જાણતા નથી.
આ સાથે જ અમે સ્થાનિકોના અવાજને વાચા આપતા કહ્યું હતું કે, “સ્થાનિકોનું કહેવું છે કે, અંદરખાને કામ થતાં હોવાથી પુરાવા મળી શકતા નથી, પરંતુ પુરાવા વગર પણ ઘણું સામે આવી રહ્યું છે. ખ્રિસ્તી સભામાં આપનું વક્તવ્ય પણ સાબિતી છે, જેમાં તમે અન્ય આદિવાસીઓને સભામાં લઈને આવવાનું કહો છો.” વધુમાં સ્થાનિકોનો પ્રશ્ન એ પણ છે કે, જો તાપીમાં આવું કશું થતું નથી તો 1500 જેટલા ચર્ચ કેમ બન્યા છે અને ત્યાં જ કેમ ખ્રિસ્તીઓની બધી સભાઓ રાખવામાં આવે છે? જોકે, સમગ્ર ચર્ચા દરમિયાન ધારાસભ્યે માત્ર પુરાવા-પુરાવાની વાત કરી હતી અને તેમની સંડોવણીનો સ્પષ્ટ ઇનકાર કરવાના સ્થાને પણ પુરાવા માંગી કાર્યવાહી કરવાની વાત કરી હતી.
દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ પર તોળાતી ધર્માંતરણની તલવાર
જોકે, છૂપી રીતે દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને તાપી-ડાંગમાં ખ્રિસ્તી ધર્માંતરણના કાર્યક્રમો અને અભિયાનો ઘણા સમયથી ચાલી રહ્યા છે. પરંતુ વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ આપેલા નિવેદન બાદ જાહેરમાં તેની ચર્ચા શરૂ થઈ છે. મોરારી બાપુએ કહ્યું હતું કે, આ વિસ્તારમાં મોટાભાગના શિક્ષકો ખ્રિસ્તી છે અને તેઓ આદિવાસી બાળકોને ખ્રિસ્તી બનાવી રહ્યા છે. આ નિવેદન બાદ ધારાસભ્ય મોહન કોંકણીએ બાપુના નિવેદનનું ખંડન કર્યું હતું અને તેના થોડા દિવસો બાદ જ તેઓ ખ્રિસ્તી સમુદાયના એક વિશાળ કાર્યક્રમમાં પહોંચી ગયા હતા. ત્યારથી તેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ધર્માંતરણના મુદ્દાએ જોર પકડયું છે.
પરંતુ, વાસ્તવિકતા એ છે કે, આ ઘટનાઓ પહેલાં પણ તાપી-ડાંગ વિસ્તારમાં ખ્રિસ્તી ધર્માંતરણ મોટાપાયે થઈ રહ્યું હતું. ડિસેમ્બર 2022માં તાપીના સોનગઢ સ્થિત નાના બંધારપાડાના ઝરાલી ગામમાં હિંદુ મંદિર હટાવીને ત્યાં ચર્ચ ઊભું કરી દેવાયું હતું. જોકે, પોલીસતંત્રના હસ્તક્ષેપ બાદ હિંદુઓને પૂજા કરવાનો અધિકાર તો મળ્યો હતો, પરંતુ તેઓ હજુ પણ ત્યાં જઈ શકતા નથી. સ્થાનિક હિંદુઓનો આરોપ છે કે, તેમને ખ્રિસ્તીઓ તરફથી ધમકીઓ આપવામાં આવી રહી છે અને પૂજા કરવા પર રોક લગાવી દેવામાં આવી છે.
વર્ષ 2022માં તાપીના એક પરિવારના 5 સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપ હતો કે, તેમણે હિંદુ આદિવાસીઓને ભોળવીને ખ્રિસ્તી બનાવ્યા હતા. તે સિવાય જુલાઈ, 2023માં તાપીના સોનગઢની એક સરકારી શાળામાં ગુરૂપૂર્ણિમાના પર્વ પર બાયબલના પાઠ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિક હિંદુ સંગઠનોએ ભારે વિરોધ કર્યો હતો અને ધર્માંતરણને પ્રોત્સાહન આપવાનો શાળા પર આરોપ લગાવ્યો હતો. તે સિવાય તાપીના નિઝરમાં પણ ખ્રિસ્તી પાસ્ટરો વારંવાર આવતા રહે છે અને સ્થાનિકો તેનો વિરોધ પણ કરે છે.
માત્ર તાપી કે ડાંગ જ નહીં, પરંતુ દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ તાજેતરમાં જ બે ખ્રિસ્તી શિક્ષક દંપતીની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ જાહેરમાં હિંદુ ધર્મનું અપમાન કરી રહ્યા હતા અને ખ્રિસ્તી પંથનો ફેલાવો કરવા માટે લોકોને ભોળવી રહ્યા હતા. તેનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી પણ કરી હતી. તે સિવાય વલસાડના ધરમપુર-કપરાડામાં પણ ડુંગરાઓ પર મોટા-મોટા ક્રોસ અને ખ્રિસ્તી વસાહતો સ્થાપી ધર્માંતરણ કરાવવામાં આવતું હોવાના આરોપ છે.
આ ઉપરાંત સુરતમાં પણ અનેક હિંદુ સોસાયટી અને વિસ્તારમાં કારણ વગર ચર્ચ ઊભા કરી દેવામાં આવ્યા છે અને ખ્રિસ્તી સમુદાય ત્યાં પ્રેયર કરવા માટે પહોંચી જાય છે. નવસારીના એક સામાજિક સંગઠન સાથે જોડાયેલા આદિવાસી કાર્યકર્તા રવિ નાયકાએ ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે, નવસારીના ગામડા વિસ્તારમાં પણ મોટાપાયે ધર્માંતરણનો ખેલ ચાલી રહ્યો છે.
આ અમુક જ કિસ્સાઓ છે, જે પ્રકાશમાં આવી શક્યા. અગણિત કિસ્સાઓ ક્યાંક દબાઈ ગયા હશે, જેને કવરેજ નહીં મળ્યું હોય. હિંદુ સંગઠનના કાર્યકર્તાઓનું કહેવું છે કે વહેલી તકે આ વિષય પર ધ્યાન આપવામાં ન આવ્યું તો ગંભીર દુષ્પરિણામો સર્જાઈ શકે છે.