તાપી (Tapi) જિલ્લાના સોનગઢમાં (Songadh) મોરારી બાપુની (Morari Bapu) રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાનું આયોજન 13-14 માર્ચના રોજ થયું હતું. દરમિયાન હોળીના દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કથામાં ઉપસ્થિત રહ્યા હતા. કથા દરમિયાન મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી ધર્માંતરણને લઈને એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં (Tribal Area) ખ્રિસ્તી શિક્ષકો (Christian Teachers) બાળકોનું ધર્માંતરણ (Conversion) કરાવતા હોવાની ફરિયાદ છે. આ નિવેદન દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા પણ ત્યાં ઉપસ્થિત હતા.
સોનગઢની રામકથાના વાયરલ થયેલા વિડીયોમાં મોરારી બાપુ કહેતા સંભળાય છે કે, “વિદ્યાર્થીઓને ભગવદ ગીતા શીખવવામાં આવે છે તે સારી વાત છે. ગુજરાત સરકાર ખૂબ સારું કામ કરી રહી છે. બાળકોમાં સંસ્કૃતિનું સિંચન કરી રહી છે. પરંતુ, સમસ્યા એ છે કે, 75% શિક્ષકો ઈસાઈ છે, જે આવું થવા દેતા નથી. તેઓ સરકાર પાસેથી પગાર લે છે અને લોકોનું ધર્માંતરણ કરાવે છે. આપણે સૌએ જાગૃત રહેવાની જરૂર છે.”
વધુમાં મોરારી બાપુએ એમ પણ કહ્યું હતું કે, તેમને એક સરકારી શિક્ષકનો પત્ર મળ્યો છે, જેમાં આવી ફરિયાદ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, સોનગઢના ગુણસદા સુગર ફેક્ટરી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી કથામાં હાજર રહેલા શિક્ષણ મંત્રી પાનશેરિયાને આ ફરિયાદ પણ સોંપવામાં આવી હતી. મોરારી બાપુએ ગુજરાત સરકારને આ દિશામાં કાર્યવાહી કરવા માટેની વિનંતી પણ કરી છે.
મલિન ઇરાદો હશે તો કરાશે કાર્યવાહી- શિક્ષણ મંત્રી
બીજી તરફ શિક્ષણ મંત્રીએ પણ આ ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું છે કે, તેમને હસ્તલિખિત અનામી ચિઠ્ઠી સોંપવામાં આવી હતી, જે એક શિક્ષકની હોવાનું કહેવાય છે. જેમાં ફરિયાદ કરાઈ છે કે, આદિવાસી વિસ્તારોમાં શિક્ષકો બળજબરીથી વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે, “મેં પણ આ વાત ત્યાંનાં સ્થાનિક શિક્ષકો અને લોકો પાસેથી સાંભળી છે. તે ખ્રિસ્તી નેતાઓ લોકોને અંધશ્રદ્ધામાં ધકેલી રહ્યા છે. અગાઉ આ આદિવાસી પટ્ટો શબરી માતાનું અનુસરણ કરી તેમની પૂજા-અર્ચના કરતો હતો, પરંતુ છેલ્લા 40 વર્ષમાં ખાસ કરીને તાપી જિલ્લામાં મોટાભાગના આદિવાસીઓ ખ્રિસ્તી બની ગયા છે.”
તેમણે વધુમાં કહ્યું કે, શાળામાં પણ એવા ઈસાઈ શિક્ષકો છે, જે બળજબરીથી ધર્માંતરણ કરાવે છે અને ભગવદ ગીતા પણ શીખવી રહ્યા નથી. તેમણે વધુમાં કહ્યું કે, “અમે કોઈ ધર્મની વિરુદ્ધ નથી, પરંતુ મલિન ઇરાદાથી ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે તો તેની તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી પણ કરવામાં આવશે. અમે આવી ફરિયાદો એકઠી કરીશું, તેની ચકાસણી કરાવીશું અને યોગ્ય કાર્યવાહી કરીશું.”
બીજી તરફ ભાજપના એકમાત્ર ખ્રિસ્તી ધારાસભ્ય કોકનીએ અને ખેડબ્રહ્માના કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય તુષાર ચૌધરીએ મોરારી બાપુના આ નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું છે અને સલાહ આપી છે કે, મોરારી બાપુએ આવા નિવેદનો આપવાથી બચવું જોઈએ. મોરારી બાપુના આ નિવેદનના કારણે હવે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે.
નોંધવા જેવું છે કે, હોળીના દિવસે સોનગઢની રામકથામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. તે દરમિયાન પણ મોરારી બાપુએ ધર્માંતરણનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ઉદ્યોગપતિઓ અને સરકારને આદિવાસી વિસ્તારમાં વધુ શાળાઓ સ્થાપીને મફત શિક્ષણના નામે થતું ધર્માંતરણ અટકાવવા માટેની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, દરેક નવી શાળાને ₹1 લાખ શ્રી ચિત્રકૂટ ધામ તલગાજરડા (મહુવા, ભાવનગર) તરફથી દાન તરીકે આપવામાં આવશે.