તાપી (Tapi) જિલ્લાના સોનગઢના (Songadh) ગુણસદા ગામ ખાતે કથાકાર મોરારી બાપુની (Morari Bapu) રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથામાં હોળીના દિવસે એટલે કે ગુરુવારે (13 માર્ચ) ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) પણ પહોંચ્યા હતા. આ દરમિયાન હર્ષ સંઘવીએ મંચ પરથી આદિવાસીઓના ગેરકાયદેસર રીતે થઈ રહેલા ખ્રિસ્તી ધર્માંતરણ (Christian conversion) વિશે વાત કરી હતી. જે બાદ મોરારી બાપુએ મંચ પરથી વચન આપ્યું છે કે, તેઓ ખ્રિસ્તી ધર્માંતરણ રોકવા માટે આદિવાસી વિસ્તારમાં નવી બનતી દરેક શાળાને ₹1 લાખનું દાન આપશે.
ઘટનાની વધુ વિગતો અનુસાર, મોરારી બાપુની રામકથામાં હર્ષ સંઘવીએ તેમને તિલક લગાવીને હોળીની શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે જ જાહેર મંચ પરથી નિવેદન પણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “આદિવાસી વિસ્તારમાં ભોળા આદિવાસી લોકોને ફોસલાવીને ખોટા રસ્તે લઈ જનાર લોકો પર સરકાર ગંભીર પગલાં લેશે. જિલ્લામાં ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ કરીને ખોટી રીતે લોકોને ફસાવવામાં આવશે તો તેને કાયદામાંથી કોઈ છટકબારી મળશે નહીં.”
આ સાથે જ કથા દરમિયાન એક શ્રોતાએ પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ વિસ્તારમાં શાળાનોની અછતના કારણે મફત શિક્ષણની આડમાં ખ્રિસ્તી ધર્માંતરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. શ્રોતાએ બાપુને આગ્રહ કર્યો હતો કે, તેઓ સરકાર અને ઉદ્યોગપતિઓને વધુ સ્કૂલો બનાવવા માટેની અપીલ કરે. જેના કારણે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લાગી શકે.
‘દરેક શાળાને ‘₹1 લાખનું દાન આપવા તૈયાર’ – મોરારી બાપુ
હર્ષ સંઘવીના નિવેદન અને શ્રોતાની અપીલ બાદ મોરારી બાપુએ પણ વ્યાસપીઠ પરથી નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, “આદિવાસી વિસ્તારોમાં ફ્રી શિક્ષણને લઈને ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે હું ઉદ્યોગપતિઓને કહીશ કે આ વિસ્તારમાં શાળાઓ સ્થાપે. કોઈ વિસ્તારમાં શાળા શરૂ થશે તેમાં ₹1 લાખનું દાન શ્રી ચિત્રકૂટ ધામ તલગાજરડા (મહુવા, ભાવનગર) તરફથી આપવામાં આવશે.” મોરારી બાપુએ આ જાહેરાત ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા મફત શિક્ષણના નામે કરવામાં આવતા ધર્માંતરણના જવાબમાં કરી છે.
નોંધવા જેવું છે કે, તાપી જિલ્લાના સોનગઢ અને વ્યારા તાલુકા તેમજ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં મોટી સંખ્યામાં ચર્ચ અને ખ્રિસ્તીઓના પ્રેયર સ્થાનો ઊભા કરી દેવામાં આવ્યા હોવાનું કહેવાય રહ્યું છે. સોનગઢ તાલુકામાં 500 કરતાં વધુ ચર્ચ, વ્યારા તાલુકામાં પણ 200થી વધુ, ડોલવણ અને ઉચ્છલ તાલુકામાં પણ 100થી વધુ ચર્ચ બનાવવામાં આવ્યા હોવાનો અંદાજ છે.