રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર અશાંતધારા તરીકે ઓળખાતા ‘ગુજરાત પ્રતિબંધિત અચલ મિલકતના હસ્તાંતર અને અશાંત વિસ્તારોમાંથી કિરાયદારોને બેદખલ કરવાની જોગવાઈઓ અધિનિયમ, 1991’માં વ્યાપક સુધારા કરવા જઈ રહી છે. ટૂંકમાં હવે જે કાયદાને આપણે ‘અશાંતધારો’ તરીકે ઓળખતા હતા, તેમાં ઘણા બદલાવ થવા જઈ રહ્યા છે. સરકાર આ માટે વિધાનસભામાં એક બિલ રજૂ કરશે અને કાયદામાં થોડાઘણા સુધારા કરશે. એમાં સૌથી અગત્યનો સુધારો છે તેનું નામ. કારણ કે હવે આ કાયદાને ‘અશાંતધારો’ કહી શકાશે નહીં. ‘અશાંત’ શબ્દની જગ્યાએ સરકાર ‘નિર્દિષ્ટ’ શબ્દ જોડી રહી છે. એટલે હવે લોકબોલીમાં વણાઈ ગયેલો ‘અશાંતધારો’ શબ્દ બદલાઈ શકે છે.
હાલના વિધાનસભાના બજેટ સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવશે. બિલમાં માત્ર કાયદાનું નામ બદલવાની જ જોગવાઈ નથી. તે સિવાય પણ ઘણા નાનામોટા સુધારા કરવામાં આવ્યા છે. એડવાઇઝરી કમિટીની રચના, ‘નારાજ વ્યક્તિ’ની (અંગ્રેજીમાં એગ્રીવ્ડ પર્સન) વ્યાપક વ્યાખ્યા, કલેકટરને વિશેષ સત્તા, SITની રચના અને અનૈચ્છિક વિસ્થાપનને રોકવાની નવી જોગવાઈઓ પણ આ બિલમાં ઉમેરવામાં આવી છે.
આ બિલનો મુખ્ય ઉદ્દેશ કોઈ ખાસ વિસ્તારમાં મિલકતના અનૈતિક હસ્તાંતરને રોકીને ડેમોગ્રાફિક ચેન્જ અને અનૈચ્છિક વિસ્થાપનને અટકાવવાનો છે. અત્યારે પણ કાયદો અમલમાં છે, પણ એમાં અમુક લૂપહોલનો ફાયદો ઉઠાવીને અનેક કેસમાં કાયદાની વિરુદ્ધ મિલકતોનું હસ્તાંતરણ થઈ રહ્યું હતું અને અસામાજિક તત્વો ગેરકાયદેસર કબ્જો મેળવી રહ્યા હતા. આ બધા કાંડ રોકવા માટે જ આ તમામ સુધારા કરવામાં આવ્યા છે. હવે વિગતે સમજીએ કે કેવા-કેવા સુધારા થવા જઈ રહ્યા છે.
નામમાં થશે સુધારો
1991ના મુખ્ય અધિનિયમમાં દરેક જગ્યાએ ‘અશાંત વિસ્તાર’ (ડિસ્ટર્બ એરિયા) અને ‘અશાંત વિસ્તારો’ શબ્દો વપરાતા હતા. આ શબ્દોને કારણે કાયદો ઘણી વખત અટપતો બની જતો હતો. બીજું, જે-તે વિસ્તારોમાં અન્ય નાણાકીય વ્યવહારો કરવામાં પણ સમસ્યા આવતી હતી. હવે બિલમાં આ તમામ શબ્દોને પૂરેપૂરા બદલીને ‘નિર્દિષ્ટ વિસ્તાર’ (સ્પેસિફાઇડ એરિયા) અથવા ‘નિર્ધારિત વિસ્તારો’ કરવામાં આવ્યા છે. એટલે નવો કાયદો લાગુ થયા પછી ‘નિર્દિષ્ટધારો’ અથવા સ્પેસિફાઇડ એરિયા એક્ટ કહી શકાશે.
પહેલાં કોઈ વિસ્તારને ‘અશાંત’ જાહેર કરવા માટે રમખાણોનો ઇતિહાસ જોવામાં આવતો હતો. હવે નવા બિલ અનુસાર વિસ્તારને ‘સ્પેસિફાઇડ’ જાહેર કરવા માટે સાંપ્રદાયિક તણાવ, અનૈચ્છિક વિસ્થાપનની શક્યતા અને પબ્લિક ઓર્ડરના ખોરવાવાની સંભાવના જેવાં વ્યાપક પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવશે. આ નામ બદલવાથી કાયદો વધુ તટસ્થ અને કાનૂની રીતે મજબૂત બની જશે.
નવી સમિતિની જોગવાઈ
પહેલાં કાયદામાં આવી કોઈ સ્થાયી સમિતિની જોગવાઈ નહોતી. વિસ્તારને અશાંત જાહેર કરવાનું કામ માત્ર કલેક્ટર અને પોલીસના રિપોર્ટ પર આધારિત હતું. હવે બિલમાં ‘દેખરેખ અને સલાહકાર સમિતિ’ની રચના કરવાની જોગવાઈ છે. આ સમિતિમાં રાજ્ય સરકારના અધિકારીઓ, કલેક્ટર, પોલીસ અને અન્ય વિભાગોનો સમાવેશ થશે.
સમિતિનું કામ એ હશે કે કોઈ વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ, રમખાણો કે ટોળાશાહી હિંસા, જેને મોબ વાયોલન્સ કહે છે, તેના કારણે પબ્લિક ઓર્ડર ખોરવાઈ રહ્યો છે કે નહીં અને તેનાથી વિસ્તારમાં રહેતા લોકોનું અનૈચ્છિક વિસ્થાપન થવાની શક્યતા છે કે નહીં તેની તપાસ કરીને સરકારને સલાહ આપવી. બિલમાં સ્પષ્ટ લખ્યું છે કે આ સમિતિ વિસ્તારમાં અભ્યાસ કરી શકશે અને જો તેને લાગે કે ત્યાં સાંપ્રદાયિક તણાવ વધી રહ્યો છે તો તરત જ સરકારને રિપોર્ટ આપશે. આ જોગવાઈ પહેલાં નહોતી અને હવે તેને કારણે વિસ્તારને ‘સ્પેસિફાઇડ’ જાહેર કરવાની પ્રક્રિયા વધુ વૈજ્ઞાનિક અને તપાસ આધારિત બની જશે.
પ્રસ્તાવિત સુધારા અનુસાર આ કમિટી રાજ્યના અલગ-અલગ વિસ્તારોનો અભ્યાસ કરશે અથવા કરાવશે અને સમય-સમય પર સરકારને સલાહ આપશે કે કોઈ વિસ્તારમાં અગાઉ હિંસા અથવા ટોળાંની હિંસાના કારણે લાંબા સમય સુધી કાયદો-વ્યવસ્થા પ્રભાવિત રહી છે કે નહીં. સાથે જ એ પણ આકલન કરશે કે ત્યાં રહેતા સમુદાયો વચ્ચે એવો સાંપ્રદાયિક તણાવ છે કે બની શકે છે, જેનાથી ભવિષ્યમાં કાયદો-વ્યવસ્થા બગડી શકે અને લોકોને મજબૂર થઈને પોતાનો વિસ્તાર છોડવો પડી શકે.
‘નારાજ વ્યક્તિની’ વ્યાખ્યાનો વ્યાપ
સામાન્ય રીતે ‘નારાજ વ્યક્તિ’ સંદર્ભે કાયદાની ભાષામાં થોડો અર્થ અલગ છે. અહીં નારાજ વ્યક્તિ એટલે વાંધો ઉઠાવનાર વ્યક્તિ કે ફરિયાદ કરનાર વ્યક્તિ. પહેલાં મુખ્ય અધિનિયમમાં ‘નારાજ વ્યક્તિ’ની વ્યાખ્યા માત્ર વેચનાર (ટ્રાન્સફરર) અને ખરીદનાર (ટ્રાન્સફરી) સુધી મર્યાદિત હતી. હવે નવા બિલ હેઠળ વ્યાખ્યા તે સમગ્ર વિસ્તારને આવરી લે છે. હવે ‘નારાજ વ્યક્તિ’માં વિસ્તારમાં રહેતી કોઈપણ વ્યક્તિ સામેલ થશે. એટલે વિસ્તારમાં રહેતી કોઈપણ વ્યક્તિ વાંધો ઉઠાવી શકે કે ફરિયાદ કરી શકશે.
પહેલાં માત્ર વેચનાર અને ખરીદનાર જ અરજી કરી શકતા હતા. હવે જો કોઈ વિસ્તારમાં રહેતા રહેવાસીને લાગે કે મિલકતનું હસ્તાંતર થવાથી તેમની સુરક્ષા કે વસ્તીનું સંતુલન ખોરવાઈ રહ્યું છે તો તેઓ સીધા કલેક્ટર પાસે અરજી કરી શકશે. આ ફેરફારથી સ્થાનિક રહેવાસીઓને વધુ મજબૂત આધાર મળશે અને અનૈતિક હસ્તાંતરને તરત જ રોકી શકાશે.
કલેકટરને વિશેષ સત્તા અને SITનું ગઠન
પહેલાં કલેક્ટરને માત્ર અરજીના આધારે જ નિર્ણય લેવાની સત્તા હતી. હવે બિલમાં સુઓમોટો (પોતાની મરજીથી) અથવા વાંધો ઉઠાવનારની અરજીના આધારે મિલકત કસ્ટડીમાં લેવાની સત્તા આપવામાં આવી છે. જો વેચનાર મિલકતનો કબ્જો ન લઈ શકે અથવા ગેરકાયદેસર કબ્જો થવાની શક્યતા હોય તો કલેક્ટર તરત જ મિલકતને પોતાની કસ્ટડીમાં લઈ શકશે. તે સિવાય કલેકટરની જવાબદારી પણ વધી જશે. હવે તેમણે પક્ષકારોની ઊંડાણપૂર્વક તપાસ પણ કરવી પડશે અને તેમની ‘મુક્ત સંમતિ’ની પણ તપાસ કરવાની રહેશે.
બિલમાં વિશેષ તપાસ ટીમની (SIT) જોગવાઈ પણ ઉમેરવામાં આવી છે. આ ટીમ કલેક્ટર અને દેખરેખ સમિતિને મદદ કરશે અને વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ અને અનૈચ્છિક વિસ્થાપનની સંભાવનાની તપાસ કરશે. ટીમના રિપોર્ટના આધારે જ કલેક્ટર નિર્ણય લઈ શકશે. આ જોગવાઈ પહેલાં નહોતી અને હવે તેને ઉમેરવામાં આવી છે.
ઉદ્દેશ અને કારણો
બિલનાં ઉદ્દેશ અને કારણોમાં સ્પષ્ટ લખ્યું છે કે આ સુધારાનો હેતુ સાંપ્રદાયિક તણાવને કારણે થતા અનૈચ્છિક વિસ્થાપનને રોકવાનો છે. વિસ્તારમાં રહેતા સમુદાયો વચ્ચે તણાવ વધે અને તેનાથી એક સમુદાયને બળજબરીથી વિસ્થાપિત કરવામાં આવે તે અટકાવવા માટે જ આ તમામ જોગવાઈઓ કરવામાં આવી છે.
આ બિલ હવે વિધાનસભામાં રજૂ થશે અને પાસ થયા પછી અમલમાં આવશે. આ સુધારાઓથી ઘણા સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા વધુ મજબૂત થશે અને અનૈતિક તત્વોને મિલકત હસ્તાંતર કરવામાં વધુ મુશ્કેલી પડશે. આ કાયદો શાંતિથી રહેવા માંગતા સમુદાયના હિતમાં છે અને તેમના વિસ્તારોને સુરક્ષિત રાખવા માટે એક મજબૂત કવચ બનશે.
અશાંતધારા વિશે વિગતવાર વાંચવા માટે અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


