ગુજરાત સમાચારે 19 માર્ચની આવૃત્તિમાં એક ફોટોસ્ટોરી છાપી છે. ડાબી બાજુએ ઓક્સિજન સિલિન્ડર માટે લાઈનમાં ઊભા રહેલા લોકોની તસવીર છે. નીચે લખવામાં આવ્યું છે– 2020. જમણી તરફ સિલિન્ડર સાથે લાઇનમાં ઉભેલા લોકોની તસવીર છે. નીચે વર્ષ લખાયું છે– 2026. ત્યારપછી ગુજરાત સમાચારે જે કર્યું છે તેને સાદી ગુજરાતી ભાષામાં ‘વાઇડાય’ કહેવાય. તેમાં ધરાર ગંભીરતા ઉમેરવાના પ્રયાસ કર્યા છે અને તેના માટે બુદ્ધિનું પ્રદર્શન પણ કર્યું છે.
‘સમય સરકતો જાય છે… સમસ્યાઓ આવે અને જાય પણ જિંદગી તો એવીને એવી જ રહે છે.’ આવી ‘દાર્શનિક’ વાતો લખીને ગુજરાત સમાચાર કહે છે કે ‘આવો અહેસાસ સ્વરૂપ બદલીને આવતી સમસ્યાઓથી થતો રહે છે.’

બેઝિકલી ગુજરાત સમાચાર આપણને કહેવા માગે છે કે 2020માં કોરોનાની મહામારી આવી હતી ત્યારે જે સ્થિતિ હતી તેવી જ સ્થિતિ હવે 2026માં LPG સંકટના કારણે નિર્માણ પામી રહી છે. શું આ હકીકત છે, સ્વાભાવિકપણે નહીં.
ગુજરાત સમાચાર આગળ લખે છે કે, ‘2020માં કોરોના બિમારીની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને લોકો ઓક્સિજનનાં સિલિન્ડર માટે દોડધામ કરતા હતા. છ વર્ષ પછી એટલે કે વર્ષ 2026ના વર્તમાન સમયમાં પ્રજાજનો ગેસ સિલિન્ડર એટલે કે ગેસના બાટલા માટે દોડધામ કરે છે. લોકો મજાકમાં કહેતા રહે છે કે વર્ષોનાં વર્ષો બદલાઈ જાય તોપણ પ્રજા હજુ ‘બાટલા’માં ઊતરતી રહે છે.’
કોઈ તર્ક, બુદ્ધિ વગર પાનના ગલ્લે જેવી ચર્ચા ચાલતી રહે છે તેને અખબારે કાગળ પર સ્વરૂપ આપી દીધું છે. પરંતુ કોરોનાની સ્થિતિ આખી અલગ હતી. એ વૈશ્વિક મહામારી હતી. લોકોના સ્વાસ્થ્યનો મુદ્દો હતો. વાયરસ હતો, જે ઝડપથી દેશભરમાં ફેલાતો હતો. ત્યારે શરૂઆતમાં ખરેખર ઑક્સિજન વગેરેની અછત સર્જાઈ હતી. પછીથી સ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો. પણ લોકો સ્વજનો માટે હોસ્પિટલના બેડ શોધતા હતા, સોશિયલ મીડિયા SOS મેસેજોથી ઉભરાતું હતું. સ્થિતિ ખરેખર વિકટ હતી.
શું અત્યારે આવી સ્થિતિ છે? ના.
ગુજરાત સમાચારે લખ્યું છે કે ‘ગેસ અછતની વર્તમાન સ્થિતિ અનેક સવાલો સર્જી જાય છે’ અને ‘રાંધણ ગેસ સિલિન્ડર માટે ગામેગામ પ્રજાજનો લાઈન લગાવી રહ્યા છે.’
આમાં ‘ગામેગામ’ લાઈનો લાગતી હોવાનું ગુજરાત સમાચારના પત્રકારો ક્યાંથી લાવ્યા એ પ્રશ્ન છે. LPGનો પુરવઠો ઘરેલુ ગ્રાહકોને હજુ નિયમિત રીતે પહોંચી રહ્યો છે કારણ કે પ્રાથમિકતા જ ડોમેસ્ટિક કન્ઝ્યુમરોને આપવામાં આવી રહી છે.
બીજું, અમુક ઠેકાણે લાઇનો લાગી રહી હોય તો તેમાં પણ સોશિયલ મીડિયા પર ફેલાતી આવી અધૂરી માહિતી અને અફવાઓ વધારે જવાબદાર અને કારણભૂત છે. કારણ કે પેનિક અને ફિયર મોંગરિંગ થાય ત્યારે લોકો વધારાનો સ્ટૉક એકઠો કરવા માટે નીકળી પડે તેની સંભાવનાઓ ઘણી વધારે છે. સરકાર પણ કહી રહી છે કે LPG પુરવઠો પર્યાપ્ત છે અને નિયમન યોગ્ય રીતે થઈ રહ્યું છે. પણ તેમાં ‘ગામેગામ’ આવી સ્થિતિ છે એમ ન કહેવાય. ખરેખર આવી સ્થિતિ હોત તો હમણાં સોશિયલ મીડિયા આવી તસવીરોથી ખદબદતું હોત. જ્યારે હમણાં ગુજરાત સમાચારે જે ફોટો વાપર્યો છે એ પણ તેનો પોતાનો નથી અને એજન્સીના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આખી ઇકોસિસ્ટમ LPG મુદ્દે સરકારને ઘેરવાની, સરકાર ઊંઘી રહી હોવાના કારણે વિકટ સ્થિતિ સર્જાઈ છે તેવા નરેટિવ ફેલાવવાની ફિરાકમાં હતી પણ સરકારે સમયસૂચકતા વાપરીને સ્થિતિ કાબૂમાં લઈ લીધી એટલે દાવ ઊંધો પડ્યો. પછી સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ભારતીય જહાજો ફસાયાં હોવાના મુદ્દે બહુ હાયતોબા કરી, પણ એ પણ લાંબું ન ચાલ્યું કારણ કે બે જહાજો સ્ટ્રેટ પાર કરીને પહોંચી ગયાં. એટલે હવે તેમાં પણ મારી મચડીને વાંક કાઢવાનું શરૂ કર્યું છે.
હમણાં જ કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે એક પોસ્ટમાં એવું જ્ઞાન આપ્યું કે બે ટેન્કરો આવ્યાં એ તો સાચું પરંતુ તેમાં જેટલો પુરવઠો છે (92000 મેટ્રિક ટન) એટલો તો દેશની 1-2 દિવસની જ જરૂરિયાત જેટલો છે. ગુજરાત સમાચારે પણ આ બુદ્ધિ દોડાવી છે.
GOOGLE generated the following information:
— P. Chidambaram (@PChidambaram_IN) March 18, 2026
Based on reports from March 14-17, 2026, two Indian-flagged LPG carriers, Shivalik and Nanda Devi, successfully crossed the Strait of Hormuz, carrying a cumulative total of 92,700 metric tonnes of LPG.
•Total LPG Carried: 92,700…
ફોટોસ્ટોરીમાં લખવામાં આવ્યું છે કે, ‘એકલદોકલ જહાજ કોઈ બંદર ઉપર આવે એટલે સિદ્ધિ એવી જાહેર થાય કે જાણે ગેસની સમસ્યા ભૂતકાળ બની ગઈ. તાજેતરમાં જ મુંદ્રા અને વાડીનાર બંદર પર બે જહાજોમાં કુલ 92712 ટન એલપીજી કે રાંધણ ગેસનો જથ્થો આરબ કન્ટ્રીથી લાવવામાં આવ્યો. વાસ્તવિકતા એ છે કે આટલો ગેસનો જથ્થો આખા દેશમાં એક દિવસની જરૂરિયાત છે.’
આંકડાકીય રીતે જુઓ તો પહેલી નજરે આ વાત સાચી લાગે, પણ જમીની સ્તરે આ રીતે કામ થતું નથી. આ જહાજોમાં જેટલો ગેસ આવ્યો છે તેમાંથી લાખો સિલિન્ડર ગેસ ભરાશે. એક ઘરમાં 14 કિલોનું સિલિન્ડર સરેરાશ મહિનો ચાલે છે. એટલે લાખો પરિવારોને એક મહિના સુધીનો પુરવઠો મળ્યો કહેવાય. આટલા સમયમાં તો ડિસ્ટ્રિબ્યુશન ચેઇન અને પુરવઠાના નિયમન માટે બીજું ઘણું થશે.
બીજું, બે જહાજો આવ્યાં એ ખરેખર ‘સિદ્ધિ’ જ કહેવાય. સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી જહાજો પસાર ન થવા દેવાની ઈરાને ધમકી આપી છે. અમુક જહાજો પર હુમલા પણ થયા છે. આ પરિસ્થિતિ વચ્ચે ત્યાંના સત્તાધીશો સાથે વાત કરીને બે જહાજોને સુરક્ષિત પસાર કરાવવાં એ સરકારની સફળતા જ કહેવાય. તેમ છતાં અહીં લખાયું છે કે આ ‘આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં ભારતની સફળતાનો માપદંડ નથી.’ તો માપદંડ શું છે? એકેય જહાજ ન આવ્યું હોત તો આ જ જમાતે હેડલાઈનો લખી હોત કે સરકાર એક પણ જહાજ પરત લાવી શકી નથી. હવે જહાજો આવી રહ્યાં છે ત્યારે તેને તેઓ માપદંડ માનવા માટે તૈયાર નથી.
ત્યારબાદ ફરીથી દાર્શનિક વાતો કરીને મુદ્દાને વધુ ગંભીર બનાવવાનો પ્રયાસ થયો છે અને એવું સાબિત કરવા માટેના પ્રયત્ન થયા છે કે સ્થિતિ એવી જ છે જેવી 2020માં હતી. જ્યારે હકીકત એ છે કે અત્યારે સ્થિતિ ઘણીખરી નિયંત્રણમાં છે અને વધુ સારી બનતી જશે. ગુજરાત સમાચારે ધરાર સમસ્યાને મોટી દેખાડવાના પ્રયાસ કર્યા છે પણ તેમાં તેના પત્રકારોની બુદ્ધિનું પ્રદર્શન વધારે થયું છે.


