વર્તમાન સમયમાં પશ્ચિમ એશિયા ભયાનક ભૂ-રાજકીય તણાવમાંથી પસાર થઈ રહ્યું છે. ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા જતા સીધા સંઘર્ષે સમગ્ર વિશ્વની સપ્લાય ચેઈન, ખાસ કરીને ક્રૂડ ઓઈલ અને પ્રાકૃતિક ગેસના પુરવઠા સામે મોટું પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે. ભારત તેની જરૂરિયાતનું 80%થી વધુ તેલ અને ગેસનો પણ મોટો હિસ્સો આયાત કરે છે. આવી સ્થિતિમાં સ્થાનિક બજારમાં અછત ન સર્જાય અને કિંમતો કાબૂ બહાર ન જાય તે માટે ભારત સરકારે ‘એસેન્શિયલ કમોડિટીઝ એક્ટ, 1955’ના (Essential Commodities Act) હથિયારનો ઉપયોગ કર્યો છે. 10 માર્ચ, 2026 ના રોજ જારી કરાયેલા આદેશ મુજબ, સરકારે પેટ્રોલિયમ પેદાશો, ખાસ કરીને LPGના નિયમન માટે કડક સૂચનાઓ આપી છે.
શું છે એસેન્શિયલ કમોડિટીઝ એક્ટ (ECA), 1955?
આ કાયદો ભારતની સંસદ દ્વારા પસાર કરાયેલા સૌથી મહત્વપૂર્ણ કાયદાઓ પૈકીનો એક છે. જ્યારે દેશ સ્વતંત્ર થયો ત્યારે ભારત સામે સૌથી મોટો પડકાર સંસાધનોની સમાન વહેંચણીનો હતો. આ હેતુને સિદ્ધ કરવા માટે ભારતની સંસદ દ્વારા 1 એપ્રિલ 1955ના રોજ એસેન્શિયલ કમોડિટીઝ એક્ટ (ECA) પસાર કર્યો હતો. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય એવી ચીજવસ્તુઓના વ્યાપારને નિયંત્રિત કરવાનો છે, જે સામાન્ય માનવીના અસ્તિત્વ અને સુખાકારી માટે અનિવાર્ય હોય. આ કાયદો કેન્દ્ર સરકારને એવી સત્તા આપે છે કે જો કોઈ વસ્તુનો પુરવઠો ઓછો હોય અથવા તેની માંગ અચાનક વધી જાય, તો સરકાર ‘જાહેર હિત’માં તેના પર સંપૂર્ણ નિયંત્રણ લાદી શકે છે.
એસેન્શિયલ કમોડિટીઝ કઈ કઈ?
આ કાયદાની કલમ 2-Aમાં જે વસ્તુઓનો સમાવેશ થાય છે તેને ‘આવશ્યક’ માનવામાં આવે છે. કેન્દ્ર સરકાર પાસે સત્તા છે કે તે કોઈપણ નવી વસ્તુને આ યાદીમાં ઉમેરી શકે છે અને પરિસ્થિતિ સામાન્ય થતા તે વસ્તુને યાદીમાંથી દૂર કરી શકે. વર્તમાનમાં આ યાદીમાં દવાઓ, ખાતર, કઠોળ, ખાદ્યતેલ, પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ પેદાશો જેવી કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેપ્થા, સોલ્વન્ટ વગેરેનો સમાવેશ થાય છે.
સરકારને મળતી વિશેષ સત્તાઓ
આ કાયદાની કલમ 3 હેઠળ કેન્દ્ર સરકારને એક વિશેષ સત્તા મળે છે, જેનાથી સરકાર અમુક મહત્વના આદેશો જારી કરી શકે છે. આ કલમ હેઠળ સરકાર કોઈપણ ઉત્પાદકને આદેશ આપી શકે છે કે તેણે અમુક ચોક્કસ માત્રામાં જ વસ્તુનું ઉત્પાદન કરવું અથવા તેના ઉત્પાદનનું માળખું બદલવું, જેમ કે અત્યારે તેલ રિફાઈનરીઓને LPG ઉત્પાદન વધારવા આદેશ અપાયો છે.
આ ઉપરાંત સરકાર કોઈ વસ્તુની ‘સીલિંગ પ્રાઈસ’ નક્કી કરી શકે છે. એકવાર કિંમત નક્કી થયા પછી કોઈપણ વેપારી કે કંપની તેનાથી વધુ ભાવ વસૂલી શકતી નથી. આ પગલું મધ્યમ અને ગરીબ વર્ગને આર્થિક શોષણથી બચાવે છે. આ કાયદાનું સૌથી મોટું શસ્ત્ર સ્ટોક લિમિટ છે. જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ અને આયાતકારો પોતાના ગોડાઉનમાં કેટલો માલ રાખી શકશે તેની મર્યાદા સરકાર નક્કી કરે છે.
આનાથી ‘કૃત્રિમ અછત’ (Artificial Scarcity) ઊભી કરનારા સંગ્રહખોરો પર લગામ લાગે છે. વધુમાં સરકાર નક્કી કરી શકે છે કે કયો માલ કયા રાજ્યમાં જશે. દા.ત. જો ગુજરાતમાં ગેસની અછત હોય અને મહારાષ્ટ્રમાં સરપ્લસ હોય, તો સરકાર મહારાષ્ટ્રનો જથ્થો ડાયવર્ટ કરી શકે છે.
રાજ્ય સરકારોની ભૂમિકા
કેન્દ્ર સરકાર કાયદો બનાવે છે અને માર્ગદર્શિકા જાહેર કરે છે, પરંતુ તેનો અમલ કરવાની જવાબદારી રાજ્ય સરકારોની હોય છે. રાજ્યના ‘અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ’ના અધિકારીઓ પાસે સત્તા હોય છે કે તેઓ વેપારીઓના હિસાબોની તપાસ કરી શકે, ગોડાઉનો પર દરોડા પાડી શકે તથા નિયમ ભંગ કરનારની ધરપકડ કરી શકે અને માલ જપ્ત કરી શકે છે.
સજા અને દંડની જોગવાઈ (કલમ 7)
આ કાયદો અત્યંત કડક છે કારણ કે તે જનતાના પાયાના અધિકારો સાથે જોડાયેલો છે. જો કોઈ વ્યક્તિ આ કાયદાના આદેશોનું ઉલ્લંઘન કરે તો તેને 1 થી 7 વર્ષની જેલની સજા થઈ શકે છે. નોંધનીય છે કે દંડની રકમ ગુનાની ગંભીરતા અને માલની કિંમત પર નિર્ભર કરે છે. જો કોઈ કંપની ગુનો કરે તો તેના ડિરેક્ટર્સ અને જવાબદાર અધિકારીઓ સામે પણ ફોજદારી કાર્યવાહી થઈ શકે છે.
2020ના સુધારા અને વર્તમાન સ્થિતિ
2020માં સરકારે આ કાયદામાં સુધારો કરીને અનાજ, કઠોળ અને ડુંગળી જેવી વસ્તુઓને સામાન્ય સંજોગોમાં આ એક્ટમાંથી મુક્ત કરી હતી જેથી ખેડૂતોને વધુ ભાવ મળી શકે. પરંતુ, સરકારે તેમાં સ્પષ્ટતા કરી હતી કે યુદ્ધ, દુષ્કાળ, અસાધારણ ભાવવધારો કે કુદરતી આફત વખતે સરકાર ફરીથી આ વસ્તુઓ પર નિયંત્રણ લાદી શકે છે. અત્યારે ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષને કારણે સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને જ પેટ્રોલિયમ ઉત્પાદનો માટે આ સત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પેટ્રોલિયમ અને LPG પર આ એક્ટ કેમ લાગુ કરાયો?
પશ્ચિમ એશિયામાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ભારત સરકારે પેટ્રોલિયમ અને LPG પર આ એક્ટ લાગુ કરવા પાછળના કારણો અત્યંત વ્યૂહાત્મક અને ગંભીર છે. નોંધનીય છે એક ભારત તેની જરૂરિયાતનું લગભગ 85% ક્રૂડ ઓઈલ અને 50%થી વધુ LPG પશ્ચિમ એશિયાના દેશોમાંથી આયાત કરે છે. ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) જોખમમાં છે.
‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ એક સાંકડો સમુદ્રી માર્ગ છે જ્યાંથી વિશ્વનો 20% તેલ વેપાર પસાર થાય છે. જો ઈરાન આ માર્ગ બંધ કરે અથવા ત્યાં હુમલા થાય તો ભારત આવતા જહાજો અટકી શકે છે. સરકારે અગાઉથી જ ECA લાગુ કર્યો છે જેથી જો આયાત ઘટે તો દેશમાં રહેલા જથ્થાનું ન્યાયી વિતરણ કરી શકાય. ઉલ્લેખનીય છે કે પેટ્રોલિયમ રિફાઈનરીઓ જ્યારે ક્રૂડ ઓઈલનું શુદ્ધિકરણ કરે છે ત્યારે તેમાંથી ઘણાં પેટા-ઉત્પાદનો (By-products) નીકળે છે.
ઘણીવાર કંપનીઓ વધુ નફો મેળવવા માટે એવાં રસાયણો બનાવે છે જે પ્લાસ્ટિક કે પેઇન્ટ ઉદ્યોગમાં વપરાતાં હોય. ECA લાગુ કરીને સરકારે રિફાઈનરીઓને કાયદેસર રીતે આદેશ આપ્યો છે કે તેઓ અન્ય ઔદ્યોગિક કેમિકલ્સનું ઉત્પાદન ઘટાડે અને LPGનું ઉત્પાદન વધારે. આનો હેતુ એ છે કે ઉદ્યોગોને ભલે થોડી તકલીફ પડે, પણ સામાન્ય નાગરિકના રસોડામાં ગેસનો પુરવઠો ખૂટવો જોઈએ નહીં.
આ ઉપરાંત યુદ્ધ જેવી પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ સેકન્ડોમાં વધતા હોય છે. આ જોઈને સ્થાનિક સ્તરે પણ વેપારીઓ અને વિતરકો કિંમતો વધારવાની પેરવી કરતા હોય છે. ECA હેઠળ સરકાર પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતો પર ‘કેપ’ (મર્યાદા) લગાવી છે. આ કાયદો લાગુ હોવાથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (IOCL, BPCL, HPCL) અને ખાનગી કંપનીઓ (જેમ કે રિલાયન્સ, નાયરા) સરકારની મંજૂરી વગર ભાવમાં મનસ્વી વધારો કરી શકતી નથી.
ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ યુદ્ધની વાત આવે છે ત્યારે સ્થાનિક સ્તરે ગેસ એજન્સીઓ કે મોટા સ્ટોકિસ્ટો માલ છુપાવવા માંડે છે જેથી ભવિષ્યમાં ઊંચા ભાવે વેચી શકાય. હવે સરકાર નક્કી કરી શકે છે કે ગેસની બોટલિંગ ફેક્ટરી કે એજન્સી કેટલા સિલિન્ડર સ્ટોકમાં રાખી શકે. જો કોઈ એજન્સી ‘સ્ટોક નથી’ કહીને ગ્રાહકને પરત મોકલે અને તેની પાસે માલ હોય તો આ એક્ટ હેઠળ તેના પર સીધી ફોજદારી કાર્યવાહી થઈ શકે છે.
આ સિવાય ભારત પાસે વિશાખાપટ્ટનમ, મેંગલોર અને પાડુર ખાતે તેલના વિશાળ ભૂગર્ભ ભંડારો છે. ECA સરકારને સત્તા આપે છે કે કટોકટીના સમયે આ સુરક્ષિત ભંડારોમાંથી તેલ કાઢીને તેને બજારમાં કેવી રીતે અને કયા દરે રિલીઝ કરવું. માત્ર તેલ હોવું પૂરતું નથી, તેનું પરિવહન પણ જરૂરી છે. ECA હેઠળ સરકાર રેલવે અને ટેન્કર એસોસિએશનોને આદેશ આપી શકે છે કે તેઓ અન્ય માલસામાનને બદલે પેટ્રોલિયમ ઉત્પાદનોના પરિવહનને પ્રાથમિકતા આપે. આનાથી અંતરિયાળ વિસ્તારોમાં પણ પેટ્રોલ-ડીઝલ અને ગેસની ડિલિવરી સમયસર થતી રહે છે.
એક્ટના અમલીકરણની પ્રક્રિયા
જ્યારે કેન્દ્ર સરકાર કોઈ વસ્તુને આ એક્ટ હેઠળ લાવે છે ત્યારે રાજ્ય સરકારોને તેને લાગુ કરવાની સત્તા મળે છે. રાજ્ય સરકારો સ્થાનિક સ્તરે દરોડા પાડી શકે છે અને જો કોઈ વેપારી નિયત મર્યાદા કરતા વધુ જથ્થો રાખતો માલૂમ પડે તો તેનો માલ જપ્ત કરી શકાય છે. પેટ્રોલિયમ મંત્રાલય અત્યારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOCL) સાથે સીધા સંપર્કમાં છે. આ કંપનીઓને સ્પષ્ટ નિર્દેશ છે કે ભલે નફો ઓછો થાય, પરંતુ બજારમાં ‘ડિમાન્ડ-સપ્લાય’નું અંતર વધવું જોઈએ નહીં.
ભારતે આ પહેલાં ક્યારે લાગુ કર્યો છે આ એક્ટ
આઝાદી પછીના શરૂઆતના દાયકાઓમાં ભારત અનાજ માટે અન્ય દેશો (ખાસ કરીને અમેરિકાના PL-480 પ્રોગ્રામ) પર નિર્ભર હતું. આ સિવાય 1962 (ચીન યુદ્ધ) અને 1965 (પાકિસ્તાન યુદ્ધ) દરમિયાન દેશમાં અનાજની ભારે અછત સર્જાઈ હતી. ત્યારે 1960થી 1970ના દાયકા દરમિયાન સરકારે ઘઉં, ચોખા અને કઠોળના વેપાર પર કડક નિયંત્રણો લાદવા માટે ECA નો ઉપયોગ કર્યો હતો. તે સમયે વેપારીઓ માટે સ્ટોક મર્યાદા નક્કી કરવામાં આવી હતી અને રેશનિંગ સિસ્ટમને (PDS) મજબૂત કરવા માટે આ કાયદો પાયારૂપ બન્યો હતો.
આ ઉપરાંત 1991ના આર્થિક સંકટ દરમિયાન અને વર્ષ 2015-16 દરમિયાન તેલના ભાવોમાં વધારો થતા સરકારે ભાવ અને સપ્લાય પર નિયંત્રણ મૂકવા આ એક્ટનો ઉપયોગ કર્યો હતો. 2015-16 દરમિયાન આ એક્ટ હેઠળ હજારો ટન કઠોળ જપ્ત કરીને બજારમાં સસ્તા દરે રિલીઝ કરવામાં આવ્યું હતું જેથી સામાન્ય જનતાને રાહત મળે.
આ કાયદાના ઇતિહાસમાં માર્ચ 2020નો સમયગાળો અત્યંત મહત્વનો છે. જ્યારે કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા ત્યારે માસ્ક અને સેનિટાઈઝરની ભારે અછત અને કાળાબજાર શરૂ થયાં હતાં. સરકારે તાત્કાલિક અસરથી 2-પ્લાય અને 3-પ્લાય સર્જિકલ માસ્ક, N95 માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરને ‘એસેન્શિયલ કમોડિટીઝ’ જાહેર કરી દીધી હતી. આનાથી તે વસ્તુઓની મહત્તમ કિંમત (Price Cap) નક્કી થઈ શકી અને જે વેપારીઓ આ વસ્તુઓ છુપાવી રહ્યા હતા તેમના પર પોલીસ કાર્યવાહી કરવામાં આવી. આ સિવાય રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન પણ આ એક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સામાન્ય નાગરિકો માટે ફાયદાકારક
જ્યારે સરકાર પેટ્રોલિયમ જેવી વસ્તુઓ પર ECA લાગુ કરે છે ત્યારે તેનો સીધો લાભ ગ્રાહક એટલે કે સામાન્ય નાગરિકને મળે છે. ઘણીવાર યુદ્ધના સમાચાર સાંભળીને લોકો ગભરાઈ જાય છે અને ગેસ સિલિન્ડર કે પેટ્રોલનો સંગ્રહ કરવા લાગે છે. આ તકનો લાભ લઈને વેપારીઓ માલ હોવા છતાં ‘સ્ટોક નથી’ તેમ કહી કાળાબજાર કરે છે. ECA લાગુ થવાથી વેપારીઓ માટે સ્ટોક છુપાવવો જોખમી બને છે, પરિણામે બજારમાં વસ્તુની સતત ઉપલબ્ધતા રહે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધે ત્યારે સ્થાનિક વિક્રેતાઓ પણ ભાવ વધારવાની પેરવી કરતા હોય છે. આ એક્ટ હેઠળ સરકાર કિંમતો ફ્રીઝ કરી શકે છે અથવા વધારા પર મર્યાદા મૂકી શકે છે. આનાથી મધ્યમ અને ગરીબ વર્ગના બજેટ પર અચાનક મોટો બોજ આવતો નથી. અછતના સમયે ભેળસેળનું જોખમ વધી જતું હોય છે. ECA હેઠળ અધિકારીઓ પાસે તપાસની સત્તા હોવાથી ગુણવત્તા જળવાઈ રહે છે.
સરકાર સુનિશ્ચિત કરે છે કે ગેસ કે તેલનો જથ્થો પહેલા હોસ્પિટલો, જાહેર પરિવહન (બસ, એમ્બ્યુલન્સ) અને ઘરગથ્થુ રસોઈ માટે મળે, અને ત્યારબાદ જ તેનો ઉપયોગ અન્ય ઉદ્યોગોમાં થાય. સરકાર જ્યારે આ કાયદો લાગુ કરે છે ત્યારે તે એક મજબૂત સંકેત આપે છે કે રાજ્ય પાસે પૂરતો જથ્થો છે અને તે સ્થિતિને કાબૂમાં રાખવા સજ્જ છે. આનાથી અફવાઓ પર રોક લાગે છે અને લોકોમાં ભય ફેલાતો નથી.
કોઈ પણ કાયદાના અમલીકરણમાં પડકારો પણ હોય છે. પેટ્રોલિયમ ક્ષેત્રે ભારત આંતરરાષ્ટ્રીય માર્કેટ પર નિર્ભર છે. જો ખાડી દેશોમાંથી સપ્લાય લાંબા સમય સુધી બંધ રહે તો માત્ર કાયદાથી પુરવઠો જાળવવો મુશ્કેલ બને છે. તે માટે સરકારે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વનો ઉપયોગ કરવો પડશે. આ એક્ટ માત્ર એટલું સુનિશ્ચિત કરે છે કે જે માલ દેશમાં ઉપલબ્ધ છે, તે યોગ્ય રીતે વહેંચાય.
તાજેતરમાં લેવાયેલ ભારત સરકારનું આ પગલું સૂચવે છે કે તે ‘પ્રો-એક્ટિવ’ મોડમાં છે. ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસર ભારતના રસોડા સુધી ન પહોંચે તે માટે ECA એક મજબૂત કવચ સમાન છે. પેટ્રોલિયમ ઉત્પાદનો પરનું આ નિયંત્રણ એ સંકેત છે કે આગામી દિવસોમાં વૈશ્વિક મોરચે પરિસ્થિતિ ગંભીર બની શકે છે, પરંતુ ભારત પોતાની ઉર્જા સુરક્ષા માટે સજ્જ છે. નાગરિકોએ ગભરાઈને ગેસ કે પેટ્રોલનો બિનજરૂરી સંગ્રહ કરવાની જરૂર નથી, કારણ કે સરકાર આ કાયદા દ્વારા પુરવઠો સતત ચાલુ રાખવા કટિબદ્ધ છે.


