રિફાઈનરીઓને LPG ઉત્પાદન વધારવા આદેશ, ઘરેલુ વપરાશને પ્રાથમિકતા, 25 દિવસનું ઇન્ટર-બુકિંગ: વૈશ્વિક ઇંધણ સંકટ વચ્ચે કેન્દ્રનો નિર્ણય

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય તંગદિલી અને વૈશ્વિક ઇંધણ પુરવઠાની સાંકળમાં સર્જાયેલા અવરોધોને ધ્યાનમાં રાખીને ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે દેશમાં રાંધણ ગેસની (LPG) અછત ન સર્જાય તે માટે મહત્વના પગલાં ભર્યાં છે. મંત્રાલયે તમામ તેલ રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવા અને વધારાના ઉત્પાદનને માત્ર ઘરેલુ ઉપયોગ માટે ફાળવવા સખત આદેશ આપ્યા છે.

મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેરાત કરી છે કે, “વર્તમાન જિયોપોલિટીકલ પરિસ્થિતિને કારણે ઇંધણ પુરવઠામાં જે વિક્ષેપ પડ્યો છે, તેને પહોંચી વળવા તેલ રિફાઇનરીઓને વધુ LPG ઉત્પાદન કરવા અને તે વધારાનો જથ્થો ખાસ કરીને ઘરેલું LPG વપરાશ માટે ફાળવવા સૂચના આપવામાં આવી છે.”

ગેસ સિલિન્ડરના જથ્થાની સંગ્રહખોરી (Hoarding) અને કાળાબજાર અટકાવવા માટે મંત્રાલયે બે બુકિંગ વચ્ચેનો સમયગાળો વધારીને 25 દિવસ કરી દીધો છે. એટલે કે ગ્રાહકો હવે એક રિફિલ બુક કરાવ્યાના 25 દિવસ પછી જ બીજું રિફિલ બુક કરાવી શકશે. આ નિર્ણય અસામાન્ય બુકિંગ પેટર્નને રોકવા માટે લેવામાં આવ્યો છે.

આયાતી LPGમાંથી મળતા પુરવઠામાં હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા આવશ્યક ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવશે. હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને અન્ય ઉદ્યોગો માટે LPG પુરવઠાની સમીક્ષા કરવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓના (OMCs) ત્રણ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંઘ પુરીએ જણાવ્યું હતું કે ભારત પાસે ઇંધણનો પૂરતો સ્ટોક છે અને સરકાર અન્ય સુરક્ષિત રૂટ દ્વારા ઉર્જાની આયાત સુનિશ્ચિત કરી રહી છે. ભારતે પોતાની ઉર્જા સુરક્ષા મજબૂત કરવા માટે અમેરિકા જેવા દેશો પાસેથી પણ LPG આયાત કરવાનું શરૂ કર્યું છે, જેથી પશ્ચિમ એશિયા પરની નિર્ભરતા ઘટાડી શકાય.