સુપ્રીમ કોર્ટે વાંધો ઉઠાવ્યા બાદ NCERTએ પરત ખેંચ્યું ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’વાળું પાઠ્યપુસ્તક, સુઓમોટો સુનાવણીમાં કહ્યું– અમે માફી માગીએ છીએ

ફોટો- FPJ

ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ્રકરણ સામે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે વાંધો ઉઠાવીને સુઓમોટો કાર્યવાહી શરૂ કરવા જણાવ્યા બાદ NCERTએ પુસ્તક પરત લઈ લીધું છે. જોકે તેમ છતાં કોર્ટે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

વાસ્તવમાં NCERTએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF) હેઠળ ધોરણ 8 માટે ‘એક્સપ્લોરિંગ સોસાયટી: ઇન્ડિયા એન્ડ બિયોન્ડ પાર્ટ-2’ નામનું નવું પાઠ્યપુસ્તક બહાર પાડ્યું હતું. આ પુસ્તકના ‘સમાજમાં ન્યાયતંત્રની ભૂમિકા’ નામના પ્રકરણમાં ભારતીય ન્યાયતંત્ર સામેના પડકારો વિશે ચર્ચા કરવામાં આવી હતી.

લખાણમાં ઉલ્લેખ હતો કે લોકો ન્યાયતંત્રના વિવિધ સ્તરે ભ્રષ્ટાચારનો અનુભવ કરે છે, જે ગરીબો માટે ન્યાય મેળવવો વધુ મુશ્કેલ બનાવે છે. પુસ્તકમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતીય અદાલતોમાં 5.3 કરોડથી વધુ કેસો પેન્ડિંગ છે. જેમાં સુપ્રીમ કોર્ટમાં અંદાજે 81,000, હાઇકોર્ટમાં 62.40 લાખ અને જિલ્લા અદાલતોમાં 4.70 કરોડ કેસોનો સમાવેશ થાય છે.

આ મામલો જ્યારે સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલો કપિલ સિબલ અને અભિષેક મનુ સિંઘવી દ્વારા ઉઠાવવામાં આવ્યો ત્યારે ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આકરી પ્રતિક્રિયા આપી હતી. CJIએ આ લખાણને ન્યાયતંત્રની છબી ખરડવા માટેનું ‘ગણતરીપૂર્વકનું પગલું’ ગણાવ્યું હતું. કોર્ટે આ મામલે ગંભીરતા દાખવતાં કહ્યું કે તેઓ કોઈને પણ ન્યાયતંત્રની અખંડિતતા પર સવાલ ઉઠાવવા દેશે નહીં. CJIએ સંકેત આપ્યો કે તેઓ આ મામલે કડક કાર્યવાહી કરશે.

સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ NCERTએ તાત્કાલિક અસરથી આ પુસ્તકનું વેચાણ અટકાવી દીધું છે. મંગળવારે અને બુધવારે NCERTના વેચાણ કાઉન્ટર્સ પરથી આ પુસ્તકો હટાવી લેવામાં આવ્યાં હતાં. શિક્ષણ મંત્રાલયના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે લખાણને સુધારવા અથવા હટાવવા માટે પુસ્તક પાછું ખેંચવામાં આવ્યું છે. ઉપરાંત જેમને પુસ્તકો વેચી દેવામાં આવ્યાં હતાં, તેમની પાસેથી પણ પરત મગાવવામાં આવ્યાં છે.

સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે (26 ફેબ્રુઆરી) આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું કે કેન્દ્ર આ બાબતે બિનશરતી માફી માગે છે. જોકે CJIએ કહ્યું કે મીડિયામાં જે આવ્યું છે તે અનુસાર NCERTએ માત્ર પુસ્તક પરત લીધું છે, પણ માફી માગી નથી. જેની ઉપર SGએ જણાવ્યું કે માત્ર 32 પુસ્તકો માર્કેટમાં ગયાં હતાં, જે પરત મગાવી લેવામાં આવ્યાં છે અને સમગ્ર પુસ્તક પર ફરીથી કામ કરવામાં આવશે.