હોમપેજગુજરાતવિસાવદરનાં જે કામો માટે આમ આદમી પાર્ટીને ક્રેડિટ આપી રહ્યું છે 'દિવ્ય...

વિસાવદરનાં જે કામો માટે આમ આદમી પાર્ટીને ક્રેડિટ આપી રહ્યું છે ‘દિવ્ય ભાસ્કર’, તેની ઘોષણા થઈ ચૂકી હતી ગોપાલની જીત પહેલાં!

દિવ્ય ભાસ્કરે 19 ફેબ્રુઆરીએ અખબારમાં પ્રકાશિત કરેલા એક અહેવાલમાં લખ્યું– ‘વિસાવદરને ‘આપ’ ફળી… નવી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનશે: સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે પણ વિકસાવાશે.’

- Advertisement -

કોઈ પણ ઘટનાક્રમ બને એટલે તેમાં મારીમચડીને આમ આદમી પાર્ટીને ક્રેડિટ આપવાનું કામ અત્યાર સુધી યુટ્યુબ પર દુકાન ખોલી બેઠેલા સ્વઘોષિત પત્રકારો કરતા હતા. ઘણી ચેનલો આમ આદમી પાર્ટીના નેતાઓની પાછળ-પાછળ કેમેરા લઈને ફરતી રહે છે અને સતત આમ આદમી પાર્ટી ચર્ચા અને હેડલાઇનોમાં રહે તે માટેના પ્રયાસો કરતી રહે છે. હવે આ મેઇનસ્ટ્રીમ મીડિયામાં પણ શરૂ થયું છે.

હમણાં ગુજરાત વિધાનસભાનું બજેટ ગયું. 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈએ ગૃહમાં ₹4.08 લાખ કરોડનું ગુજરાતનું આજ સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું. બજેટમાં અનેક ઘોષણાઓ કરવામાં આવી. આ ઘોષણાઓનો યશ સરકારને આપવાનું તો ઠીક પણ હવે અખબારો આમ આદમી પાર્ટીને તેનો શ્રેય આપવા મથી રહ્યાં છે. તાજું ઉદાહરણ દિવ્ય ભાસ્કરે પૂરું પાડ્યું છે.

દિવ્ય ભાસ્કરે 19 ફેબ્રુઆરીએ અખબારમાં પ્રકાશિત કરેલા એક અહેવાલમાં લખ્યું– ‘વિસાવદરને ‘આપ’ ફળી… નવી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનશે: સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે પણ વિકસાવાશે.’

- Advertisement -

દિવ્ય ભાસ્કરના રિપોર્ટની હેડલાઇનમાં આમ આદમી પાર્ટીને ક્રેડિટ આપ્યા બાદ નીચે મેટરમાં ક્યાંય પણ એ જણાવવામાં આવ્યું નથી કે આમાં આમ આદમી પાર્ટીનો ફાળો શું છે. માત્ર હેડલાઇનમાં લખીને પૂરું કરી દેવામાં આવ્યું, પરંતુ અંદર સમજાવવામાં આવ્યું નથી કે કઈ રીતે આમ આદમી પાર્ટીના કારણે આ ઘોષણાઓ થઈ? કારણ કે હકીકત જુદી છે. અહીં ઉલ્લેખનીય છે કે વિસાવદરથી ધારાસભ્ય આમ આદમી પાર્ટીનો નેતા ગોપાલ ઈટાલિયા છે. ગોપાલ અહીં 2025માં યોજાયેલી એક પેટાચૂંટણીમાં જીત્યો હતો.

મૂળ વાત એ છે કે જે સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે દિવ્ય ભાસ્કર આમ આદમી પાર્ટીને ક્રેડિટ આપી રહ્યું છે તે હોસ્પિટલની ઘોષણા હમણાં નહીં પણ ગોપાલ જીત્યા પહેલાં થઈ ચૂકી હતી. ગોપાલ જૂન 2025માં વિસાવદરથી ચૂંટણી જીત્યો હતો અને એપ્રિલ 2025માં વિસાવદરની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને અન્ય કામોની ઘોષણા કરી હતી.

નીચેનો સ્ક્રીનશૉટ ગુજરાત CMOની વેબસાઈટ પરથી લેવાયો છે. 11 એપ્રિલ, 2025ના અહેવાલમાં આ વિગતો આપવામાં આવી છે.

10 એપ્રિલ, 2025ના રોજ વિસાવદરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસાવદરમાં ₹94 કરોડનાં વિકાસકામોનાં લોકાર્પણ-શિલાન્યાસ કર્યાં હતાં અને જૂનાગઢ જિલ્લામાં ₹634 કરોડનાં કામ કરવા માટેની ઘોષણા કરી હતી. જે-તે સમયના અહેવાલોમાં આ હકીકત સ્પષ્ટપણે નજરે પડે છે.

આ ઘોષણામાં સીએમ પટેલે વિસાવદરમાં નવી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે ₹55 કરોડ ફાળવવાની ઘોષણા કરી હતી. અન્ય અહેવાલોમાં પણ આ હકીકત જોવા મળે છે.

પોતાના રિપોર્ટમાં દિવ્ય ભાસ્કરે લખ્યું છે કે સરકારે જૂનાગઢમાં કનેક્ટિવિટીના પ્રશ્નો ઉકેલવા માટે ₹259 કરોડ માર્ગ અને પરિવહન માટે ફાળવ્યા છે. પરંતુ આ ઘોષણા પણ નવી નથી. આ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની એપ્રિલ 2025ની મુલાકાત દરમ્યાન જાહેરાત કરી ચૂક્યા હતા. ત્યારે તેમણે વિસાવદર તાલુકામાં માર્ગો બનાવવા માટે ₹259 કરોડ ફાળવવા માટે કહ્યું હતું. અર્થાત્, આ બાબત પણ અગાઉની છે.

ટૂંકમાં જે-જે બાબતોનો ઉલ્લેખ કરીને દિવ્ય ભાસ્કરે આમ આદમી પાર્ટીને ક્રેડિટ આપવાના પ્રયાસ કર્યા છે એ તમામની ઘોષણા વિસાવદરમાં આમ આદમી પાર્ટી કે ગોપાલ ઈટાલિયાની જીત પહેલાં જ થઈ ચૂકી હતી.

બીજું, દિવ્ય ભાસ્કરના પત્રકારો રિપોર્ટ પ્રત્યે કેટલા સજાગ હશે એ એ બાબત પરથી પણ સમજી શકાય છે કે રિપોર્ટની પહેલી જ લાઇનમાં બજેટનું વર્ષ 2025-26 લખ્યું છે, જ્યારે વાસ્તવમાં આ બજેટ 2026-27નું કહેવાય. 2025-26નું બજેટ ફેબ્રુઆરી 2025માં રજૂ થઈ ગયું હતું.

ઉપરાંત અહેવાલમાં જૂનાગઢ મહાનગરપાલિકાનું ₹1457.77 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ આ બજેટ ગયા વર્ષનું હતું. આ વર્ષનું જૂનાગઢ પાલિકાનું બજેટ ₹1491 કરોડનું છે. સંભવતઃ ભાસ્કરના પત્રકારોએ ગત વર્ષની અને આ વર્ષની માહિતી એકઠી કરીને છાપી માર્યું હોવું જોઈએ!

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં