આખરે લગભગ ₹90,000 કરોડના ‘ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ’ને (Great Nicobar Project) નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે લીલી ઝંડી આપી છે. વર્ષ 2022માં આ પ્રોજેક્ટને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે મંજૂરી આપી હતી, ત્યારબાદ મામલો ટ્રિબ્યુનલમાં પહોંચ્યો હતો. NGT અધ્યક્ષ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવની આગેવાનીમાં ટ્રિબ્યુનલની છ સભ્યોની વિશેષ બેન્ચે સોમવારે (16 ફેબ્રુઆરી) ઠેરવ્યું કે ‘ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ’ના રણનીતિક મહત્ત્વને જોતાં તેને અટકાવી શકાય તેમ નથી અને તે માટે પર્યાપ્ત કારણો પણ નથી. ઉપરાંત એમ પણ નોંધ્યું કે પ્રોજેક્ટ સંબંધી પર્યાવરણીય બાબતોનું પહેલેથી ધ્યાન રાખવામાં આવ્યું છે, જેથી તેને અટકાવવામાં નહીં આવે અને ટ્રિબ્યુનલ પણ લીલી ઝંડી આપે છે.
સુરક્ષા, વ્યાપાર અને રણનીતિની રીતે અત્યંત અગત્યના ગણાતા અને મેગા પ્રોજેક્ટનો કોંગ્રેસ અને વિપક્ષે બહુ વિરોધ કરી જોયો. અહીં સુધી કે સોનિયા ગાંધીએ સ્વયં અખબારોમાં લેખો લખ્યા હતા. રાહુલ ગાંધી પણ ‘પર્યાવરણ’નાં કારણો ધરીને આ પ્રોજેક્ટમાં રોડાં નાખવાના પૂરતા પ્રયાસો કરી ચૂક્યા છે, પણ આખરે NGTએ પણ પ્રોજેક્ટ પર મહોર મારીને આ તમામ પ્રોપગેન્ડા ધ્વસ્ત કરી દીધો.
આ પ્રોજેક્ટ શું છે– વિગતે સમજીએ.
પહેલાં સ્થળ કયું છે એ સમજીએ, કારણ કે આ ચર્ચામાં જે કંઈ મહત્ત્વ છે એ સ્થળનું છે. ‘ગ્રેટ નિકોબાર’ એ અંદમાન-નિકોબાર દ્વીપસમૂહનો સૌથી નીચે દક્ષિણ છેડાનો એક ટાપુ છે. અંતરની રીતે જોઈએ તો ભારતની મેઈનલેન્ડથી દૂર અને ઇન્ડોનેશિયા અને દક્ષિણપૂર્વ એશિયાથી નજીક પડે એમ છે. વિશ્વના નકશામાં આ ટાપુનું સ્થાન બહુ અગત્યનું છે.
આ ટાપુ મલાક્કા સ્ટ્રેટની એકદમ નજીક છે. આ સ્ટ્રીટ સમુદ્રીમાર્ગ છે, જ્યાંથી દુનિયાનો મોટાભાગનો વ્યાપાર ચાલે છે. એશિયા, યુરોપ અને મધ્યપૂર્વમાંથી પસાર થતાં સમુદ્રી જહાજો આ જ માર્ગે આવ-જા કરે છે અને મોટાભાગનો વ્યાપાર અહીંથી થાય છે. ઓઇલ શિપમેન્ટ, કન્ટેનરો લઈને જતાં જહાજો આ માર્ગનો ઉપયોગ કરે છે.
એટલે આ ‘ગ્રેટ નિકોબાર’ ટાપુ આ સમુદ્રી વ્યાપારમાર્ગ પર સ્થિત છે. ભારત પાસે આટલું રણનીતિક મહત્ત્વ ધરાવતો આ ટાપુ ઉપલબ્ધ છે, પણ તેનો સંપૂર્ણ ઉપયોગ ક્યારેય થયો નહીં.
હવે સરકાર ઇચ્છે છે કે ટાપુને ઉપયોગમાં લેવામાં આવે. તેના માટે લગભગ ₹80,000થી 90,000 કરોડનો એક મેગા ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો. પ્લાન મૂળ એવો છે કે આ દુર્ગમ ટાપુને દેશનું મોટું આર્થિક-રણનીતિક કેન્દ્ર બનાવી દેવામાં આવે. હાલ ત્યાં જંગલ છે, તેના સ્થાને લોજિસ્ટિક અને કનેક્ટિવિટી હબ તરીકે તેને તૈયાર કરવામાં આવે. આ પ્રોજેક્ટ હેઠળ ઘણા ભાગો છે.
પ્રોજેક્ટ હેઠળ શું-શું બનશે?
પ્રોજેક્ટના કેન્દ્રમાં છે એક મોટું ઇન્ટરનેશનલ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ, જે ગેલેથિયા ખાડીમાં તૈયાર કરવામાં આવશે. આ બંદરનું મહત્ત્વ શું છે તે જાણવા એ સમજવું પડશે કે ગ્લોબલ શિપિંગ કામ કઈ રીતે કરે છે.
મોટાં જહાજો જ્યારે કન્ટેનરો લઈને બહુ લાંબું અંતર કાપે ત્યારે તેઓ સીધાં નાનાં બંદરોએ પહોંચી નથી જતાં. પણ કન્ટેનરો પહેલાં મોટાં બંદરો પર અનલોડ થાય છે અને ત્યાંથી નાનાં જહાજો થકી જુદાં-જુદાં હબ પર ટ્રાન્સફર કરવામાં આવે છે. આજે મોટાભાગનાં ભારતનાં કાર્ગો કન્ટેનરો સિંગાપોર, કોલંબો કે પછી દુબઈ જેવાં બંદરોએ હેન્ડલ થાય છે. આનો અર્થ એ થયો કે ભારત પોતાના જ વેપાર માટે અન્ય દેશોની સેવા લે છે અને તેના માટે અમુક રકમ ચૂકવવી પડે છે.
આ નિકોબાર ટાપુ પર ટ્રાન્સશિપમેન્ટ બંદર બનાવાય તો આ સમસ્યાનો કાયમી નિકાલ આવે. મોટાં જહાજો અહીં આવી શકે અને ત્યાંથી કન્ટેનરો હેન્ડલ કરી શકાય. બીજા પર નિર્ભર રહેવાના સ્થાને ભારત જ શિપિંગ હબ બને. એ રીતે આ બંદર અને પ્રોજેક્ટ ‘ગેમ ચેન્જર’ સાબિત થઈ શકે.
બીજું, અહીં એક ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ તૈયાર થશે. જેનાથી લોકોની મુસાફરી તો સરળ બનશે જ પણ કાર્ગો મૂવમેન્ટ પણ થઈ શકશે. ઉપરાંત અહીં રક્ષા સંબંધિત ઑપરેશનોને પણ અવકાશ મળશે, જેનાથી રણનીતિક રીતે પણ મહત્ત્વ વધશે. આજે આ ટાપુઓ પર કનેક્ટિવિટી સીમિત છે. એરપોર્ટ તેને સરળ અને ઝડપી બનાવશે.
બંદરો અને એરપોર્ટ બને એટલે તેના સંચાલન માટે લોકો જોઈએ. લોકો હોય તો તેમના રહેવાની વ્યવસ્થા કરવી પડે. નિકોબાર ટાપુનો આ વિસ્તાર જંગલ અને નિર્જન છે એટલે ત્યાં નવી ટાઉનશિપ તૈયાર કરવી પડે, જ્યાં રહેવાની જ નહીં પણ હોસ્પિટલો, શાળાઓ, ઑફિસોથી માંડીને બીજી તમામ પ્રકારની વ્યવસ્થાઓ હોય. એક રીતે આખું નવું, પ્લાન્ડ શહેર તૈયાર કરવામાં આવશે.
આ સાથે પ્રોજેક્ટ હેઠળ સપોર્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. જેમકે રોડ-રસ્તા, પાવર જનરેશન સિસ્ટમ, વૉટર સપ્લાય નેટવર્ક, કોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર– માણસ રહેતો હોય ત્યાં આ બધું જ જરૂરી છે. એ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે. જોકે આ બધું બનતાં 2040 આવી જશે અને તબક્કાવાર કામ થશે.
આર્થિક-રણનીતિક મહત્ત્વ નકારી ન શકાય
આર્થિક દૃષ્ટિએ આ પ્રોજેક્ટનું મહત્ત્વ નકારી શકાય એમ નથી. ભારત બહુ મોટાપાયે અને દુનિયાના અનેક દેશો સાથે વ્યાપાર કરે છે, પણ હજુ એક ગ્લોબલ ટ્રાન્સશિપમેન્ટ હબની અછત વર્તાય છે. તેના કારણે વિદેશી બંદરો પર આધાર રાખવો પડે છે અને આવક-ખર્ચ પર પણ અસર પડે છે. ‘ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ’ આ સમસ્યાનો કાયમી અંત લાવી દેશે.
તેની સાથે તેનું સુરક્ષાની દૃષ્ટિએ પણ ઘણું મહત્ત્વ છે. એક મહત્ત્વના સમુદ્રી માર્ગ પર ભારતની, સશસ્ત્રબળોની સતત નજર રહેશે. નૌસેના પણ સતત ત્યાં હાજરી આપી શકશે. કોઈ સુરક્ષાની દૃષ્ટિએ પડકાર સર્જાય ત્યારે પણ ઝડપી પ્રતિક્રિયા શક્ય બનશે. એક તરફ ચીન મેરીટાઇમ પ્રેઝન્સ વધારવા પર સતત ભાર આપી રહ્યું છે ત્યારે આ સ્થળ બહુ અગત્યનું સાબિત થઈ પડે છે.
એ પણ એક હકીકત છે કે ટાપુઓને કાયમ આ જ સ્થિતિમાં ન રહેવા દેવાય, ખાસ કરીને એ સ્થિતિમાં જ્યારે એ આવા ઉપયોગમાં આવતી શકતા હોય. તેનાથી નોકરી-રોજગારનું સર્જન થઈ શકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થઈ શકે અને આખરે દેશની અર્થવ્યવસ્થામાં એક મોટું યોગદાન આપી શકે.
કોંગ્રેસે કર્યો ભરપૂર વિરોધ, જે બાબતોનો પહેલેથી ઉકેલ લવાયો તે આગળ કરીને રોડાં નાખ્યાં
પ્રોજેક્ટનું મહત્ત્વ ઉપર સમજાવ્યું. આ બધું જાણતા હોવા છતાં કોંગ્રેસીઓ વિરોધ કરવા ખાતર, પ્રોજેક્ટને અટકાવવા માટે સતત રોડાં નાખતા રહ્યા છે. તેમની દલીલ છે કે આ પ્રોજેક્ટ માટે જંગલનો એક મોટો હિસ્સો ડાયવર્ટ કરવામાં આવશે અને લાખો વૃક્ષો કપાશે. તેના કારણે વાઇલ્ડલાઈફને, અમુક જીવોને અસર થશે.
ઉપરાંત ટાપુઓ પર શોમ્પેન અને નોકોબારીઝ જનજાતીય સમૂહો પણ વસે છે. તેઓ અહીં પેઢીઓથી રહે છે અને બહારની દુનિયા સાથે ખાસ સંપર્ક પણ નથી. દલીલો એવી આપવમાં આવે કે એમના પરંપરાગત જીવનને અસર થશે અને તેમનું સામાજિક વાતાવરણ કાયમ માટે બદલાઈ જશે.
સપ્ટેમ્બર 2025માં સોનિયા ગાંધીએ આ જ બધી દલીલો આપીને ‘ધ હિન્દુ’માં એક લેખ લખ્યો હતો, તેને પછી રાહુલ ગાંધી સહિતની આખી ઈકોસિસ્ટમે ફેરવ્યો હતો અને પ્રોજેક્ટ સામે એક અંતિમ વખત વિરોધ કરી જોયો હતો.
"The Great Nicobar Island Project is a misadventure, trampling on tribal rights and making a mockery of legal and deliberative processes."
— Rahul Gandhi (@RahulGandhi) September 8, 2025
Through this article, Congress Parliamentary Party Chairperson Smt. Sonia Gandhi highlights the injustices inflicted on Nicobar’s people and… pic.twitter.com/3mM4xHKq04
પરંતુ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 2022નું પર્યાવરણ મંત્રાલયે આપેલું ક્લિયરન્સ યથાવત રાખીને કહ્યું કે પ્રોજેક્ટમાં પહેલેથી જ આ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. વાઇલ્ડલાઈફના સંરક્ષણ માટે અલાયદા પ્રોટેક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. તેની અસર શું થશે તેના મોનિટરિંગની પણ વ્યવસ્થા હશે. ઉપરાંત સ્થાનિક સમુદાયોના પુનર્વસન માટે પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ પહેલેથી જ સુનિશ્ચિત કરવામાં આવી છે. એટલે કે સરકાર પ્રોજેક્ટ લઈને બેઠી હતી ત્યારથી આ તમામ બાબતોની તેમને જાણ હતી અને તેના માટે જે કંઈ વ્યવસ્થા કરવી પડે એ કરવાનું પ્લાનમાં પહેલેથી છે.
NGTએ સ્પષ્ટ કહ્યું કે જે-તે ક્ષેત્રના નિષ્ણાતોએ પહેલેથી આ તમામ બાબતો પર અભ્યાસ કરીને મંજૂરી આપી હતી તો પછી ટ્રિબ્યુનલ આમાં સાયન્ટિફિક એક્સપર્ટ બની શકે નહીં. જ્યાં સુધી કોઈ બાબત સદંતર ગેરકાયદેસર ન હોય ત્યાં સુધી કોર્ટ હસ્તક્ષેપ નહીં કરે. ટ્રિબ્યુનલે કહ્યું કે રણનીતિક અને આર્થિક મહત્ત્વ જોતાં પ્રોજેક્ટ રદ ન કરી શકાય અને તે માટેનાં પૂરતાં કારણો પણ નથી.
જોકે સાથે એમ પણ કહ્યું છે કે જે કોઈ બાબતો પ્લાનમાં જણાવવામાં આવી છે તેની ઉપર પૂરતું કામ કરીને પર્યાવરણનું પૂરતું ધ્યાન રાખવામાં આવે અને તેનું સતત મોનિટરિંગ પણ કરવામાં આવે એ જરૂરી છે. જો કોઈ ઉલ્લંઘન જણાશે તો ભવિષ્યમાં પગલાં લેવાય શકે છે.


