વડોદરાની એક સોસાયટીમાં અશાંતધારાનું ઉલ્લંઘન થયું હોવાનો આરોપ, સ્થાનિક હિંદુઓએ તપાસની કરી માંગ

વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં અશાંધારાના ઉલ્લંઘનને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 13 ફેબ્રુઆરીના રોજ આ મામલે સ્થાનિકોએ એકઠા થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સ્થાનિક રહીશોનો આરોપ છે કે ગાયત્રીનગર સોસાયટી, જે અશાંતધારા (Disturbed Areas Act) હેઠળ આવરી લેવામાં આવેલી છે, ત્યાં નિયમોનું ઉલ્લંઘન કરીને મિલકતનું વેચાણ કરવામાં આવ્યું છે. રહીશોનું કહેવું છે કે સોસાયટીમાં એક મિલકત અન્ય સમુદાયની વ્યક્તિને વેચવામાં આવી છે, જેનાથી વિસ્તારનું વસ્તીવિષયક સંતુલન બગડવાની અને ભવિષ્યમાં સાંપ્રદાયિક તણાવ વધવાની ભીતિ છે.

વિરોધ પ્રદર્શન દરમિયાન રહીશોએ પ્લેકાર્ડ્સ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને તંત્ર પાસે વિવિધ માંગ કરી છે. જેમ કે અશાંતધારાના નિયમો વિરુદ્ધ થયેલા મિલકત ટ્રાન્સફરના સોદાને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. આ ઉપરાંત આ મિલકત હસ્તાંતરણમાં કયા અધિકારીઓની સંડોવણી છે અથવા કેવી રીતે મંજૂરી મળી તેની નિષ્પક્ષ તપાસ કરવાની અને ગોરવા અને આસપાસના વિસ્તારોમાં અશાંતધારાનું ચુસ્તપણે પાલન કરાવવાની પણ માંગ કરવામાં આવી છે.

અશાંતધારો શું છે?

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલો આ કાયદો મુખ્યત્વે સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ વિસ્તારોમાં વસ્તીના ધ્રુવીકરણને રોકવા માટે બનાવવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ મિલકત વેચનાર અને ખરીદનાર બંનેએ સંયુક્ત રીતે કલેક્ટર પાસે મંજૂરી માંગવી પડે છે. ત્યારબાદ કલેક્ટર તપાસ કરે છે કે આ સોદો કોઈના દબાણ હેઠળ કે લાલચમાં તો નથી થયો ને? જો કલેક્ટરને સંતોષ ન થાય તો તે વેચાણની મંજૂરી નકારી શકે છે.

હાલમાં સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા રહીશોને શાંત પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. રહીશોએ આ મામલે કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરવાની પણ તૈયારી દર્શાવી છે. જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે.