દિલ્હીના પીરાગઢી વિસ્તારમાં ચાલુ કારમાં ઝેરી લાડુ ખવડાવીને કરવામાં આવેલી હત્યાના ચોંકાવનારા કેસમાં દિલ્હી પોલીસે 72 વર્ષીય એક ‘આમિલ’ કમરુદ્દીન ઉર્ફે બાબાની ધરપકડ કરી છે. આ ઘટનામાં માત્ર બે લોકોના મોત જ નહીં, પરંતુ એક રીઢા ગુનેગારની કાળી કરતૂતોનો પર્દાફાશ થયો છે.
અહેવાલ અનુસાર દિલ્હીના પીરાગઢી વિસ્તારમાં ગત રવિવારે એક કારમાં બે વ્યક્તિઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે આમિલ કમરુદ્દીને આ લોકોને ₹2 લાખના બદલે ₹3 કરોડ કરી આપવાની લાલચ આપી હતી. આ ‘પૈસાનો વરસાદ’ (ધનવર્ષા) કરવાની વિધિના બહાને તેણે પીડિતોને પોતાની જાળમાં ફસાવ્યા હતા.
આલિમે વિધિના ભાગરૂપે પીડિતોને પ્રસાદ તરીકે લાડુ આપ્યા હતા, જેમાં તેણે સાયનાઈડ અથવા તેવું જ કોઈ ઘાતક ઝેર ભેળવ્યું હતું. કારમાં સવાર ત્રણ લોકોએ આ લાડુ ખાધા હતા, જેમાંથી બે વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે ત્રીજી વ્યક્તિ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. આલિમે આ કૃત્ય પીડિતો પાસે રહેલા 2 લાખ રૂપિયા પડાવી લેવા માટે કર્યું હતું.
પોલીસ તપાસમાં જે સૌથી ચોંકાવનારી વિગત સામે આવી છે તે મુજબ આ આમિલ માત્ર આ એક હત્યામાં જ સામેલ નથી. તેના તાર ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં થયેલી સમાન પ્રકારની અન્ય હત્યાઓ સાથે પણ જોડાયેલા છે. તે છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ રાજ્યોમાં લોકોને પૈસા ડબલ કરવાની કે ખજાનો શોધવાની લાલચ આપીને તેમની હત્યા કરી લૂંટ ચલાવતો હતો.
દિલ્હી પોલીસે CCTV ફૂટેજ અને કોલ ડિટેલ્સના આધારે આમિલ કમરુદ્દીનને ઝડપી પાડ્યો છે. તેની પૂછપરછમાં સામે આવ્યું છે કે તે અત્યંત ચાલાકીથી પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. તે ખાસ કરીને એવા લોકોને નિશાન બનાવતો હતો જેઓ આર્થિક મુશ્કેલીમાં હોય અને જાદુઈ રીતે પૈસા મેળવવા માંગતા હોય.
મીડિયાએ તાંત્રિકના નામે હેડલાઈન્સ છાપી ફેલાવ્યો પ્રોપગેન્ડા
આરોપીની ધરપકડ બાદ મીડિયાનો બેવડો ચહેરો ફરી એકવાર ખુલ્લો પડ્યો છે. આ કેસમાં પકડાયેલ 72 વર્ષીય આરોપીનું નામ કમરુદ્દીન છે, જે વ્યવસાયે એક ‘આમિલ’ (ઇસ્લામિક વિધિઓ કરનાર) છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મુખ્યધારાના મીડિયા અને ખાસ કરીને ગુજરાતી અખબારોએ તેને ‘તાંત્રિક’ તરીકે રજૂ કરીને લોકોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કર્યો છે.
‘દિવ્ય ભાસ્કર’ સહિતના અનેક મીડિયા હાઉસિસે હેડિંગમાં ‘તાંત્રિક’ શબ્દનો પ્રયોગ કર્યો છે.
દિવ્ય ભાસ્કરે હેડીંગ બનાવ્યું છે કે દિલ્હીમાં ત્રણ લોકોની હત્યાના કેસમાં તાંત્રિકની ધરપકડ: ધનવર્ષાના નામે ઝેર ભેળવેલા લાડુ ખવડાવ્યા; યુપી-રાજસ્થાનમાં અગાઉ પણ 2 હત્યાના કેસ

આ ઉપરાંત હિંદુસ્તાન ટાઈમ્સે પણ આવું જ હેડિંગ બનાવ્યું છે. જેમાં લખ્યું છે કે Tantrik held in Delhi triple murder was linked to similar crimes in UP, Rajasthan

ન્યુઝ18એ પણ એવી જ હેડલાઈન બનાવીને લખ્યું કે કોણ છે તાંત્રિક કમરૂદ્દીન, જે 2 લાખને 3 કરોડમાં બદલી આપવાની આપતો હતો લાલચ….

ઇન્ડિયા ટૂડેએ પણ હેડલાઈનમાં આમિલને તાંત્રિક ગણાવ્યો છે.

‘તાંત્રિક’ શબ્દ સંસ્કૃતમાંથી ઉતરી આવ્યો છે અને તે સનાતન પરંપરાના તંત્ર શાસ્ત્ર સાથે જોડાયેલા લોકો માટે વપરાય છે. જ્યારે આરોપી કમરુદ્દીન છે અને તે ઈસ્લામિક પદ્ધતિથી વિધિઓ કરવાનો દાવો કરતો હતો, જેને ‘આમિલ’ કહેવાય છે.
સામાન્ય વાચકોના માનસ સાથે રમત રમવી એ મીડિયાની જૂની ચાલ છે. જ્યારે પણ કોઈ મુસ્લિમ આમિલ, મૌલવીની કાળી કરતૂતો પકડાય છે, ત્યારે મીડિયા તેને ‘તાંત્રિક’, ‘સાધુ’ કે ‘પૂજારી’ જેવા શુદ્ધ હિંદુશબ્દોનું લેબલ લગાવી દે છે. આ માત્ર એક ભાષાકીય ભૂલ નથી, પરંતુ સનાતન પરંપરાને બદનામ કરવાનું અને ગુનેગારની અસલી ઓળખ છુપાવવાનું એક સુનિયોજિત પ્રોપગેન્ડા મશીન છે. આ પહેલીવાર નથી જ્યારે મીડિયાએ આવું કર્યું હોય. વર્ષોથી આ પેટર્ન જોવા મળી રહી છે અને આવા ઘણા કેસ સામે આવી ચૂક્યા છે.
આતંકી પ્રવૃત્તિઓ અને ધર્માંતરણમાં સામેલ છાંગુર પીરને બનાવી દેવાયો ‘બાબા’
2025માં પણ આવો જ એક મામલો સામે આવ્યો હતો. મોહમ્મદ છાંગુર એ ઉત્તર પ્રદેશનો એક એવો અપરાધી હતો જે ‘પીર’ હોવાનો ઢોંગ કરતો હતો. તે ઇસ્લામી પદ્ધતિથી વિધિ કરવાના નામે હિંદુઓનું ધર્માંતરણ કરાવતો હતો અને તેના તાર પણ અનેક વિદેશી ઇસ્લામીઓ સાથે જોડાયેલા હતા. તે ઇસ્લામી ‘પીર’ અથવા ‘આમિલ’ હતો. આ ઉપરાંત તેના તાર લવ જેહાદ, ધર્માંતરણ અને ટેરર ફન્ડિંગ સુધીના ગુનાઓ સામે જોડાયેલા હતા. તેમ છતાં મીડિયાએ તેને છાંગુર બાબા તરીકે ચીતર્યો હતો.
મુબારક મન્સૂરી કેસ
મે 2025માં દૈનિક ભાસ્કરે મંદસૌરની એક ઘટનામાં હેડિંગ માર્યું’ તાંત્રિકની જાળમાં ફસાઈ 40-50 મહિલાઓ.’ વાસ્તવમાં આ શખ્સનું નામ મુબારક મન્સૂરી હતું. સ્થાનિકોના મતે તેણે અનેક મહિલાઓને વિધિના બહાને નશીલી દવા પીવડાવી શોષણ કર્યું હતું. તેની પાસેથી ‘શામ-એ-કરબલા’ અને ‘ઇસ્લામ અને સેક્સ’ જેવા પુસ્તકો પણ મળી આવ્યા હતા. હવે પ્રશ્ન એ છે કે, જેની પાસેથી ઇસ્લામિક સાહિત્ય મળે તેને હિંદુ ‘તાંત્રિક’ કહીને વાચકોને ગેરમાર્ગે કેમ દોરવામાં આવ્યા?
12 વર્ષની બાળકી પર બળાત્કારનો આરોપી ‘આમિલ’ બની ગયો ‘તાંત્રિક’
ઑગસ્ટ 2024માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં 12 વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર 52 વર્ષીય મોહમ્મદ શરીફની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ઇન્ડિયન એક્સપ્રેસ જેવા મુખ્યધારાના મીડિયાએ તેને ‘તાંત્રિક’ તરીકે રજૂ કર્યો હતો આ શખ્સ બાળકીના પિતાની બીમારી દૂર કરવાના બહાને તેને કબરસ્તાન લઈ ગયો હતો અને ત્યાં ‘તંત્ર-મંત્ર’ના નામે કુકર્મ આચર્યું હતું. આરોપીનું નામ સ્પષ્ટપણે મોહમ્મદ શરીફ છે અને તેની પદ્ધતિ ઇસ્લામી મેલીવિદ્યા એટલે કે ‘આમિલ’ જેવી તેમ છતાં મીડિયાએ તેને ‘તાંત્રિક’ કહીને સામાન્ય માણસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
ભૂત-પ્રેતનો ડર બતાવી મહિલાઓનું શારીરિક શોષણ
નવેમ્બર 2024માં રાજસ્થાનના ઝુંઝુનુમાં પોલીસે એક એવા રીઢા ગુનેગારની ધરપકડ કરી હતી જે મહિલાઓને ભૂત-પ્રેતનો ડર બતાવી તેમનું શારીરિક અને આર્થિક શોષણ કરતો હતો. આરોપીનું નામ રફીક ઉર્ફે અલી ખાન હતું અને તે પશ્ચિમ બંગાળનો રહેવાસી હતો તથા ઇસ્લામિક પદ્ધતિથી મેલી વિદ્યા કરવાનો ડોળ કરતો હતો. પરંતુ આ કેસમાં પણ, આટલી સ્પષ્ટ ઓળખ હોવા છતાં મીડિયા રિપોર્ટ્સમાં તેને ‘તાંત્રિક’ અને ‘બંગાળી બાબા’ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.
પુત્ર પ્રાપ્તિની લાલચમાં મહિલાને જાહેરમાં કરાવ્યું નગ્ન સ્નાન
સપ્ટેમ્બર 2022માં પુણેથી પણ આવો મામલો સામે આવ્યો હતો. પુણેમાં એક મહિલાને પુત્ર પ્રાપ્તિની વિધિના નામે રાયગઢના એક ધોધ નીચે જાહેરમાં નગ્ન સ્નાન કરવા મજબૂર કરવામાં આવી હતી. આ અમાનવીય કૃત્ય કરાવનાર વ્યક્તિનું નામ હતું મૌલાના બાબા જમદાર. તેમ છતાં ઘણી મીડિયા વેબસાઈટે આ આમિલને તાંત્રિક ચીતરીને ભ્રમ ફેલાવ્યો હતો.
છત્તીસગઢમાં બળાત્કાર કરનારને ગણાવાયો તાંત્રિક
મે 2020માં છત્તીસગઢના બિલાસપુર (પેન્ડ્રા) વિસ્તારમાં રહેતા અસલમ ફૈઝી ઉર્ફે સુહેલ રઝાએ એક પરિણીત મહિલા સાથે બળાત્કાર આચર્યો હતો. પીડિત મહિલા તેના પતિ સાથેના અણબનાવ અને પારિવારિક સમસ્યાઓથી પરેશાન હતી. અસલમ ફૈઝી ‘મેલી વિદ્યા’ કે ‘દુઆ’ દ્વારા સમસ્યાઓ ઉકેલવાનો દાવો કરતો હોવાથી મહિલા તેની પાસે મદદ માંગવા ગઈ હતી. આ દરમિયાન તેણે મહિલા પર બળાત્કાર આચર્યો હતો. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે મેઈનસ્ટ્રીમ મીડિયાએ તેને તાંત્રિક ચીતરીને બૌદ્ધિક બદમાશી કરી હતી.
નોંધનીય છે કે જ્યારે કોઈ ખ્રિસ્તી પાદરી ગુનો કરે તો તેને ‘પૂજારી’ કહી દેવો અથવા ‘આમિલ’ને ‘તાંત્રિક’ કહી દેવો એ વાચકોના મગજમાં એક મનોવૈજ્ઞાનિક છબી ઉભી કરવાની રીત છે. હેડિંગ વાંચીને સામાન્ય માણસના મનમાં તિલકધારી કે ભગવાધારી વ્યક્તિની છબી ઉપસે, જ્યારે સત્ય કંઇક અલગ જ હોય છે. આ રીતે ગુનાની ગંભીરતાને એક ચોક્કસ ધર્મ સાથે જોડીને બીજાની ઓળખ સુરક્ષિત રાખવામાં આવે છે.
જ્યારે પણ મીડિયાના આ પક્ષપાત સામે સવાલ ઉઠાવવામાં આવે છે, ત્યારે ‘ગંગા-જમુની તેહઝીબ’ અને સેક્યુલરવાદનું બહાનું કાઢવામાં આવે છે. પરંતુ હકીકત એ છે કે આ ‘તેહઝીબ’ માત્ર હિંદુ શબ્દો અને પ્રતીકોને બદનામ કરવા માટે જ વપરાય છે. ગુજરાતી મીડિયા પણ આમાં પાછળ નથી. છાંગુર પીર જેવા કિસ્સાઓમાં તેને ‘પીર’ કહેવાને બદલે ‘બાબા’ સંબોધવો અને તેની સરખામણી હિંદુ સંતો સાથે કરવી એ આ જ પ્રોપગેન્ડાનો ભાગ છે.
દિલ્હીના કમરુદ્દીન, પુણેના મૌલાના બાબા જમદાર, મંદસૌરના મુબારક મન્સૂરી અને હવે ઝુંઝુનુના રફીક—આ તમામ કિસ્સાઓમાં મીડિયાએ એક જ પદ્ધતિ અપનાવી છે. ઇસ્લામી ‘આમિલ’ કે ‘પીર’ દ્વારા કરવામાં આવતા ગુનાઓને ‘તાંત્રિક’ કે ‘બાબા’ કહીને હિંદુ ધર્મ પર ઠીકરું ફોડવામાં આવે છે. જ્યારે પણ જાગૃત નેટિઝન્સ આ મીડિયા હાઉસિસને પકડી પાડે છે, ત્યારે તેઓ ‘ભૂલથી થઈ ગયું’ કહીને ચૂપચાપ આર્ટિકલ બદલી નાખે છે. પરંતુ જો કોઈ ધ્યાન ન આપે તો આ ખોટો નરેટિવ ઇતિહાસ બની જાય છે. શું ‘મૌલાના’ કે ‘આમિલ’ લખવામાં મીડિયાને શરમ આવે છે? કે પછી તેમને ડર છે કે સાચી ઓળખ આપવાથી તેમનું ‘ગંગા-જમુની તેહઝીબ’ નું માળખું તૂટી જશે?
આરોપીનું નામ રફીક, કમરુદ્દીન કે મુબારક હોય ત્યારે મીડિયાના પેટમાં ‘આમિલ’ કે ‘મૌલાના’ લખતા કેમ તેલ રેડાય છે? શું ‘મૌલાના’ કે ‘આમિલ’ શબ્દ વાપરવાથી મીડિયાની સેક્યુલર છબી ખરડાય છે? કે પછી જાણીજોઈને હિંદુ શબ્દોને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડીને સમાજમાં ભ્રમ પેદા કરવામાં આવી રહ્યો છે? ‘તાંત્રિક’ એ પવિત્ર વિદ્યા છે, તેને મુસ્લિમ ગુનેગારોના પાપ છુપાવવા માટેનું કવચ બનાવવાનું બંધ કરવું જોઈએ. હવે સમય આવી ગયો છે કે વાચકો માત્ર હેડિંગ વાંચીને ન રોકાઈ જાય. મીડિયાના આ ‘શબ્દ જેહાદ’ને ઓળખવો જરૂરી છે. જો ગુનેગાર આમિલ છે તો તેને આમિલ જ કહેવાની તાકાત રાખવી જોઈએ.


