યોગીઓની તપોભૂમિ, સાધુ-સંતો માટે માના ખોળા સમાન અને શ્રદ્ધાળુઓને પણ પરમ શાંતિ અને આધ્યાત્મિક સુખની અનુભૂતિ કરાવતા પવિત્ર ગિરનાર પર્વતની તળેટીમાં સેંકડો વર્ષોથી ભવનાથનો મેળો યોજાય છે. મહા વદ નોમથી મહાશિવરાત્રી સુધી ચાલતા આ ભાવ, ભક્તિ અને ભવ્યતાના સમન્વય સમા મેળામાં ગુજરાતભરમાંથી, દેશભરમાંથી સાધુ-સંતો-મહંતો અને ભક્તો એકત્ર થઈને સત્સંગ કરે છે, ભગવાન શિવની આરાધના કરે છે.
આ વર્ષે 11 ફેબ્રુઆરીથી ભવનાથનો મેળો યોજાય રહ્યો છે અને કંઈક ગણી વધુ ભવ્યતાથી યોજાય રહ્યો છે. આ વર્ષની તૈયારીઓ અને ભવ્યતાને જોતાં મેળાને ‘મિનિ કુંભ’ પણ કહેવાય રહ્યો છે. આ વર્ષે ભવનાથ મંદિરનું સંચાલન પણ સરકાર પાસે છે, જેથી મેળાની પવિત્રતા જળવાય રહે, તેને રાષ્ટ્રીય-વૈશ્વિક સ્તરે ઓળખ માટે તે માટે સરકાર પણ પૂરતા પ્રયાસો કરી રહી છે. વ્યવસ્થાપનથી માંડીને તૈયારીઓને હાલ અંતિમ ઓપ અપાઈ રહ્યો છે.
મહાશિવરાત્રિ મેળો 2026: 'અતિથિ દેવો ભવ:'ની ભાવના સાથે શ્રદ્ધાળુઓને આવકારવા રાજ્ય સરકાર સજ્જ…
— Gujarat Information (@InfoGujarat) February 10, 2026
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાધુ સંતોના ભવ્ય નગર પ્રવેશ તેમજ ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે જુનાગઢ ખાતે મહાશિવરાત્રિ મેળાનો તા. 11 ફેબ્રુઆરીથી વિધિવત પ્રારંભ કરાવશે…… pic.twitter.com/WDPjqK9i4I
ગિરનાર તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે સ્થિત અતિપવિત્ર ભવનાથ મહાદેવના મંદિરે મેળાનું આયોજન થાય છે. મંદિરમાં શિવલિંગ સ્વયંભૂ છે. ‘ભવનાથ’ એટલે ‘ભવ’ (જે ઘટી રહ્યું છે, જે સર્જિત છે) તેના નાથ– સંસારના સર્જનહાર ભગવાન શિવ.
શું છે મંદિર વિશેની દંતકથાઓ?
મંદિર પાછળની કથા એવી છે કે પ્રલયકાળે સૃષ્ટિ રુદ્રમાં લીન થઈ ગઈ અને બ્રહ્માના દિવસનો અંત આવ્યો. પ્રભાતે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર સત્વ, રજ અને તમસ રૂપે પ્રગટ થયા. પ્રલય વખતે શિવજી જળમાં સમાધિસ્થ હતા. ત્રણેય વચ્ચે ‘કોણ મોટું?’ એ વિવાદ થયો. ત્યારે શિવજી વચ્ચે પડ્યા અને બ્રહ્માને સર્જન, વિષ્ણુને પાલન અને રુદ્રને સંહારનું કાર્ય સોંપી વિવાદનો અંત આણ્યો.
જગતપિતા બ્રહ્માએ શિવજીને સંસારમાં રહીને સંસારીઓના સુખ-દુઃખનું સમાધાન કરવા વિનંતી કરી. ભગવાન શિવે પૃથ્વી પર નજર દોડાવી અને વનરાજીથી સુશોભિત ઉજ્જયંત પર્વત (ગિરનાર) તેમની નજરે ચડ્યો. અહીં તેમણે આસન જમાવ્યું. બીજી તરફ કૈલાશમાં મહાદેવને ન દેખી પાર્વતીએ શોધખોળ શરૂ કરી. દેવોની વાત સાંભળીને ક્રોધિત થઈ પાર્વતી શિવની શોધમાં નીકળી અને અન્ય દેવતાઓ સાથે ગિરનાર પહોંચી. તે દિવસે ભગવાન શિવ ભવનાથ રૂપે પ્રગટ થયા– વૈશાખ સુદ પૂનમનો દિવસ હતો. પાર્વતીએ અંબિકા રૂપે ગિરનાર પર વાસ કર્યો, વિષ્ણુએ દામોદર રૂપે દામોદર કુંડમાં અને અન્ય દેવતાઓ, યક્ષ-ગંધર્વોએ પણ ગિરનારના વિવિધ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા– એવી લોકવાયકા છે.
ભગવાન મહાદેવના મંદિરની બાજુમાં આવેલા મૃગીકુંડની કથા પણ એટલી જ વિસ્મયકારી છે. કાન્યકુબ્જના રાજા ભોજને તેમના અનુચરે કહ્યું કે રેવતાચળ (ગિરનાર)ના જંગલમાં હરણના ટોળામાં માનવશરીર ધારણ કરેલી સ્ત્રી ફરે છે– મુખ હરણનું અને શરીર સ્ત્રીનું. રાજા ભોજે ઘણી મહેનત બાદ તેને પોતાના મહેલમાં લાવી. પંડિતો ભેદ ન સમજી શક્યા. આખરે રાજા કુરુક્ષેત્રમાં તપ કરી રહેલા ઉર્ધ્વરેતા ઋષિ પાસે ગયા.
ઋષિએ મૃગીમુખીને માનવવાણી આપી. તેણે પોતાના પૂર્વજન્મની વાત કરી: અગાઉ રાજા ભોજ સિંહ હતા અને તે મૃગલી (હરણી). સિંહે શિકાર કરતાં હરણીનું મસ્તક વાંસની ઝાડીમાં અટવાઈ ગયું અને શરીર સુવર્ણરેખા નદીમાં પડ્યું. નદીના પવિત્ર જળથી શરીર માનવરૂપ ધારણ કર્યું, પરંતુ મુખ હરણીનું રહ્યું. ઋષિના આદેશ મુજબ રાજાએ ઝાડીમાંથી હરણીની ખોપરી મેળવી અને સુવર્ણરેખાના જળમાં પધરાવી. તેથી મૃગમુખીનું સમગ્ર શરીર માનવી બન્યું. રાજા ભોજે તેની સાથે લગ્ન કર્યા અને પત્નીના સૂચન મુજબ ગિરનારની તળેટીમાં આ કુંડ બનાવડાવ્યું– એટલે મૃગીકુંડ. આ લોકાધારિત કથા છે અને આજે પણ શિવરાત્રિએ સાધુઓ અહીં સ્નાન કરે છે.
કેમ કહેવાય છે વસ્ત્રપૂત ક્ષેત્ર?
આ ક્ષેત્રને ‘વસ્ત્રપૂત ક્ષેત્ર’ પણ કહેવાય છે. સ્કંદ પુરાણમાં વર્ણિત એક કથા અનુસાર ભગવાન શિવજી અને માતા પાર્વતી એક હવાઇ રથમાં પસાર થઈ રહ્યાં હતાં ત્યારે માતાજીનું દિવ્ય આભૂષણ આ સ્થળે પડ્યું હતું, ત્યારથી આ સ્થળ ‘વસ્ત્રપૂત ક્ષેત્ર’ નામથી ઓળખાવા માંડ્યું. ગુજરાત સરકારના માહિતી વિભાગ પ્રકાશિત પુસ્તક ‘ગુજરાતના લોકોત્સવો અને મેળા’માં પણ આ કથાનું વર્ણન જોવા મળે છે.
સાધુઓના મૃગીકુંડ સ્નાનનું આગવું મહત્ત્વ
આ મેળાના કેન્દ્રમાં સંસારીઓ નહીં પણ સાધુ-સંતો હોય છે. નોમના દિવસે ભવનાથ મંદિરે ધજા ચડાવીને મેળાનો વિધિવત શુભારંભ કરવામાં આવે. દેશભરમાંથી આવેલા સાધુઓની ઉપસ્થિતિમાં આ પવિત્ર કાર્ય થાય. આ તમામ સાધુઓના અખાડા-રહેઠાણની વ્યવસ્થા કરવાનું કામ પ્રશાસન ઉપાડી લે છે. એક તરફ સાધુઓના ઉતારા હોય, બીજી તરફ સેવાકીય સંસ્થાઓ પણ ઉમટી પડે, ધાર્મિક રાવટીઓ (નાના તંબૂ) ગોઠવાતી જાય અને ચાર દિવસ સુધી સમગ્ર તળેટી શિવમય, ભક્તિમય થઈ જાય.
મેળો આમ તો સેંકડો વર્ષોથી યોજાતો આવ્યો છે અને સમય સાથે અમુક ફેરફારો પણ આવ્યા છે, પણ તેનું મૂળ તત્ત્વ હજુ સુધી જળવાય રહ્યું છે– સાધુઓ દ્વારા મૃગીકુંડમાં થતું સ્નાન. કુંભના મેળામાં જેમ શાહી સ્નાનું મહત્ત્વ છે તેમ આ મેળામાં મૃગીકુંડ સ્નાનનું મહત્ત્વ છે.
શિવરાત્રીની મધ્યરાત્રે યોજાતી સાધુઓની યાત્રાઓ મુખ્ય આકર્ષણ
આ મેળાનું સૌથી મોટું આકર્ષણ છે શિવરાત્રીની મધ્યરાત્રે નીકળતી સાધુઓની રથયાત્રા અને શોભાયાત્રાઓ. નાગા સાધુઓ, અઘોરી સાધુઓ અને અન્ય અલગ-અલગ અખાડાના સાધુઓ ઘોડા ગાડી, બગ્ગી કે હાથી પર સવાર થઈને શંખનાદ અને બેન્ડવાજાં સાથે વાજતે-ગાજતે મૃગીકુંડમાં સ્નાન કરવા માટે જાય છે. સાથે અંગકસરત, તલવારબાજી, લઠ્ઠદાવ વગેરે કરતબો પણ દેખાડતા જાય.
શાહી સ્નાનનું નેતૃત્વ પંચદશનામ જૂના અખાડા દ્વારા થાય છે, સાથે અન્ય અખાડાના મહામંડલેશ્વર, મંડલેશ્વર અને હજારો સાધુઓ સામેલ થાય છે. આ યાત્રાઓ વારાફરતી મૃગીકુંડ પહોંચે છે અને સંતો અને નાગા સાધુઓ વારાફરતી સ્નાન કરે છે.
કહેવાય છે કે આ શોભાયાત્રાઓમાં ગિરનારની ગુફામાં રહેતા નાગા સાધુઓ પણ સામેલ થાય છે અને લોકવાયકા એવી પણ છે કે અમુક સાધુઓ સ્નાન પછી અદૃશ્ય થઈ જાય છે અને ફરી ક્યારેય કુંડમાંથી બહાર આવતા નથી. સાધુ-સંતોના આ સ્નાન બાદ ભવનાથ મંદિરે ભગવાન શિવજીની આરતી અને મહાપૂજા થાય છે. સવાર સુધીમાં મેળાની પૂર્ણાહુતિ થાય છે.
ઑપઇન્ડિયા સાથે વાત કરતાં અંબિકા આશ્રમના મહંત રમજુબાપુ કહે છે કે, “આ મેળો કુંભ જેટલો જ પવિત્ર અને પાવનકારી છે. અહીં કુંડમાં મહાશિવરાત્રી પર હજારો નાગા સાધુઓ-અઘોરીઓ શાહી સ્નાન કરે છે પરંતુ તેઓ સ્નાન કરી બહાર નીકળતા નથી. આજ સુધી તે જાણી શકાયું નથી કે તે સાધુઓ ક્યાંથી આવે છે અને દામોદર કુંડમાં ડૂબકી લગાવ્યા બાદ ક્યાં અદ્રશ્ય થઈ જાય છે.”
સામાજિક સંસ્થાઓ મંડી પડે છે સેવાકાર્યોમાં
સૌરાષ્ટ્રની ધરતી પર આવું ધાર્મિક આયોજન હોય અને સેવાકાર્યો ન થતાં હોય એમ બને નહીં. ભવનાથના મેળામાં પણ ગુજરાતભરમાંથી, દેશભરમાંથી આવતા સાધુ-સંતો, શ્રદ્ધાળુઓની સેવા માટે સામાજિક સંસ્થાઓ, દાતાઓ કાફલો લઈને પાંચમેથી જ ગિરનારની તળેટીએ આવવા માંડે છે. તેમના રાવટી કે ઉતારા અગાઉથી નક્કી હોય. ઉદાહરણ તરીકે જેરામબાપાનો ગિરનારી ઉતારો, તોરણીયાનો ઉતારો, પરબનો ઉતારો, ભુરાભગતની રાવટી, લક્ષ્મણ બારોટનો ઉતારો, ખોડીયાર રાસ મંડળની રાવટી વગેરે.
આ ઠેકાણાં પર સવાર-બપોર-સાંજ ત્રણેય સમયે ભોજન, રાત્રિરોકાણની વ્યવસ્થા હોય. સાથે સતત ભજન-સત્સંગ-સંતવાણી ચાલતાં રહે. સાથેસાથે અમુક નામાંકિત કલાકારો પણ પહોંચે, જેઓ પણ સંતવાણીમાં ભાગ લે. દિવસ દરમ્યાન શ્રદ્ધાળુઓની આવ-જા ચાલુ રહે, જેઓ અહીં ભોજન-ભક્તિ કરી શકે તે માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે.
ભવનાથ મંદિરે યોજાતો આ મેળો માત્ર એક ઉત્સવ નથી પણ ભક્તિ, તપ, સેવા અને સત્સંગનો અનોખો સમન્વય છે, જ્યાં જીવ શિવ સાથે મિલનનો અનુભવ કરે છે.


