Friday, April 26, 2024
More
    હોમપેજસ્પેશ્યલભાવ, ભક્તિ અને ભવ્યતાનો સમન્વય એટલે ભવનાથ મેળો: જાણીએ તેનું માહાત્મ્ય, દંતકથાઓ...

    ભાવ, ભક્તિ અને ભવ્યતાનો સમન્વય એટલે ભવનાથ મેળો: જાણીએ તેનું માહાત્મ્ય, દંતકથાઓ અને અન્ય ઘણું 

    ભવનાથનો મેળો દર વર્ષે હિંદુ કેલેન્ડર પ્રમાણે માઘ વદ એકાદશીથી શરૂ થઈને માઘ વદ અમાસ એટલે કે મહાશિવરાત્રિ સુધી ચાલે છે.

    - Advertisement -

    ભાવ, ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના સંગમ સમો ભવનાથનો મેળો (Bhavnath Fair) બુધવાર (15 ફેબ્રુઆરી, 2023)થી શરૂ થઇ ચૂક્યો છે. આ મેળો ચાર દિવસ સુધી ચાલશે અને મહાશિવરાત્રિના દિવસે એટલે કે શનિવારે (18 ફેબ્રુઆરી, 2023) પૂર્ણ થશે. આ દરમિયાન લાખો લોકો ભવનાથના આ મેળાની મુલાકાત લેશે. 

    ભવનાથના મેળાને ગુજરાતનો કુંભ પણ કહી શકાય. આ ચાર-પાંચ દિવસ દરમિયાન ગુજરાત અને દેશના ખૂણેખૂણામાંથી નાગા સાધુઓ, સાધુ-સંતો, શિવ ઉપાસકો અને ભક્તો જૂનાગઢ આવે છે અને ભવનાથના આ પારંપરિક અને પવિત્ર મેળાની મુલાકાત લે છે અને ભગવાન શિવજીના દર્શન કરે છે. 

    ભવનાથનો મેળો દર વર્ષે હિંદુ કેલેન્ડર પ્રમાણે માઘ વદ એકાદશીથી શરૂ થઈને માઘ વદ અમાસ એટલે કે મહાશિવરાત્રિ સુધી ચાલે છે. આ ચાર દિવસ દરમિયાન લાખો લોકો મેળામાં આવે છે અને આ દિવ્ય અને ભવ્ય વાતાવરણના સાક્ષી બને છે. 

    - Advertisement -

    મેળામાં આવતા લોકો અને સાધુ-સંતો માટે ઠેરઠેર અન્નક્ષેત્રો શરૂ કરી દેવામાં આવે છે તથા રાત્રિ દરમિયાન લોકસંગીત, રાસ-ગરબા, ભજન-કીર્તન વગેરે કાર્યક્રમોનાં પણ મોટાપાયે આયોજનો કરવામાં આવે છે, જેમાં પણ લોકો ખૂબ ઉત્સાહ અને ભાવ-ભક્તિથી સહભાગી થાય છે. 

    ભવનાથ મંદિરે ધ્વજારોહણ અને મેળાનો વિધિવત પ્રારંભ (ફાઈલ તસ્વીર, સાભાર- Twitter/JunagadhGog)

    મેળાનો પ્રારંભ ધ્વજારોહણથી કરવામાં આવે છે. દાયકાઓથી ચાલતી આવેલી આ પ્રાચીન પરંપરા માઘ વદ નોમના દિવસથી શરૂ કરવામાં આવે છે. હજારો-લાખોની સંખ્યામાં આવેલા નાગા સાધુઓ, સંતો-મહંતો અને ભાવિભક્તોની હાજરીમાં શાસ્ત્રોક્ત પરંપરા અનુસાર, પૂજા વિધિ કરીને એકાદશીના દિવસે ભવનાથ મહાદેવના મંદિરે ધર્મધ્વજા ચડાવવામાં આવે છે અને મેળાનો શુભારંભ કરવામાં આવે છે. 

    પૂર્ણાહુતિ મહાશિવરાત્રિના દિવસે થાય છે. કહેવાય છે કે આ દિવસનું દ્રશ્ય અલૌકિક હોય છે અને તેના સાક્ષી બનવું એક અમૂલ્ય લ્હાવો હોય છે. મહાશિવરાત્રિની મધ્ય રાત્રિએ ભગવાન શિવજીની મહાપૂજા કરવામાં આવે છે. તે પહેલાં નાગા સાધુઓ હાથીઓ પર સવાર થઈને, ઘરેણાંઓ પહેરીને, શંખનાદ કરતા નીકળે છે અને મૃગી કુંડ પાસે પહોંચે છે. 

    મૃગી કુંડ એ કુંડ છે જેમાં આ નાગા સાધુઓ મહાપૂજામાં સામેલ થવા પહેલાં સ્નાન કરે છે. આ કુંડ વિશે એક માન્યતા એવી પણ છે કે અહીં મહાશિવરાત્રિની રાત્રિએ સિદ્ધ પુરુષો પણ સ્નાન માટે આવે છે અને તેઓ એક વખત કુંડમાં ઉતર્યા બાદ ફરી ક્યારેય પણ બહાર આવતા નથી. 

    મૃગી કુંડનું માહાત્મ્ય વધુ હોવા પાછળ એક દંતકથા છે. કહેવાય છે કે ભગવાન શિવજી અને માતા પાર્વતી ગિરનાર પર્વત પરથી પસાર થઇ રહ્યાં હતાં ત્યારે તેમનું એક કિંમતી અને પવિત્ર ઘરેણું મૃગી કુંડ નજીક પડી ગયું હતું. 

    માન્યતા એવી પણ છે કે મહાશિવરાત્રિના દિવસે થતી આ પવિત્ર મહાપૂજા અને ભગવાન શિવજીની મહાઆરતી દરમિયાન સાક્ષાત સ્વયં શિવજી મંદિરે પધારે છે. એવું પણ કહેવાય છે કે આ સમય દરમિયાન નવ નાથ અને 84 સિદ્ધો પણ આત્મા સ્વરૂપે મંદિરની મુલલકાતે આવે છે. એ જ કારણ છે કે લાખોની સંખ્યામાં શિવ ઉપાસકો આ ક્ષણોના સાક્ષી બનવા માટે ત્યાં હાજર રહે છે. 

    હિંદુ આસ્થા, પરંપરા સાથે જોડાયેલો કોઈ પણ મેળો હોય એટલે એની આર્થિક બાજુ પણ હોવાની. અન્ય મેળાની જેમ આ ચાર દિવસો દરમિયાન પણ દુકાનો લગાવવામાં આવે છે અન્ય અન્ન ક્ષેત્રો ચાલે છે. જેના કારણે સ્થાનિક વિસ્તારના લોકોને પણ આજિવિકાનો એક મોટો સ્ત્રોત બની રહે છે. 

    ભવનાથના આ મેળાના કારણે સ્થાનિકોને જ નહીં પરંતુ અન્ય રાજ્યોના લોકોને પણ આર્થિક રીતે એટલો જ ફાયદો પહોંચે છે. મેળા અગાઉ અન્ય રાજ્યોમાંથી પણ ફેરિયાઓ જૂનાગઢ પહોંચે છે અને ચીજવસ્તુઓનું વેચાણ કરીને આજીવિકા રળે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં