ગુજરાત ભારતના ઔદ્યોગિક વિકાસનું એક મુખ્ય કેન્દ્ર રહ્યું છે. ટેક્સટાઈલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ અને અન્ય ઉદ્યોગોની વૃદ્ધિને કારણે રાજ્યમાં લાખો નોકરીઓ ઉભી થઈ છે અને આર્થિક વૃદ્ધિનો દર પણ રાષ્ટ્રીય સરેરાશથી વધુ રહ્યો છે. પરંતુ આ વિકાસની સાથે એક મોટો પડકાર પણ આવ્યો છે – ઔદ્યોગિક કચરાના પાણીનું (એફ્લુએન્ટ) વ્યવસ્થાપન. ખાસ કરીને ટેક્સટાઈલ અને કેમિકલ ઉદ્યોગોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી નદીઓને પ્રદૂષિત કરતું હતું, જેના કારણે સાબરમતી, તાપી અને અન્ય નદીઓની સ્થિતિ ચિંતાજનક બની હતી.
આ સમસ્યાના સમાધાન માટે ગુજરાત સરકારે વર્ષોથી ડીપ સી એફ્લુએન્ટ ડિસ્ચાર્જ પ્રોજેક્ટ (Deep Sea Effluent Discharge Project) પર કામ શરૂ કર્યું હતું. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ઔદ્યોગિક પાણીને પહેલાં વૈજ્ઞાનિક રીતે ટ્રીટ કરીને અને પછી સમુદ્રની ઊંડાઈમાં દૂર સુધી લઈ જઈને ડિસ્ચાર્જ કરવાનો છે, જેથી નદીઓ અને દરિયાકિનારાનાં પર્યાવરણને નુકસાન ન થાય. જોકે, વચ્ચે પ્રોજેક્ટ અટકી ગયો હતો, પણ હવે ફરી તેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
Gujarat Deputy CM Harsh Sanghavi (@sanghaviharsh) posts, "Chaired a comprehensive review meeting with the Industries Department today in Gandhinagar to assess progress on the Deep Sea Effluent Discharge Projects. The meeting focused on evaluating project progress, identifying… pic.twitter.com/FfJk6SLO29
— Press Trust of India (@PTI_News) February 8, 2026
8 ફેબ્રુઆરીના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રોજેક્ટની પ્રગતિની વ્યાપક સમીક્ષા બેઠક યોજી હતી અને તેની પ્રગતિ વિશે જાહેરમાં માહિતી આપી. આ બેઠકમાં પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ, અડચણો અને આગળનાં પગલાં પર પણ ચર્ચા થઈ હતી. નોંધનીય છે કે હર્ષ સંઘવી પાસે જ ઉદ્યોગ વિભાગ પણ છે. વધુમાં તેમણે X પર અન્ય એક પોસ્ટ પણ કરી છે, જેમાં પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે.
શું છે પ્રોજેક્ટ?
ગુજરાત લાંબા સમયથી ઔદ્યોગિક વિકાસના અગ્રણી રાજ્યોમાં રહ્યું છે. પરંતુ ઔદ્યોગિક વિસ્તાર સાથે પર્યાવરણીય વ્યવસ્થાપનનો પડકાર પણ એટલો જ ગંભીર રહ્યો છે. તટીય વિસ્તારોમાં આવેલા ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા ટ્રીટેડ જળના સુરક્ષિત નિકાલનો પ્રશ્ન વર્ષોથી નીતિ-નિર્માતાઓ સમક્ષ હતો. આ જ પૃષ્ઠભૂમિમાં ડીપ સી ડિસ્ચાર્જ પાઇપલાઇનનો વિચાર સામે આવ્યો હતો, એક એવી રચના જેના માધ્યમથી શુદ્ધિકરણ પછી બચેલું જળ સમુદ્રની ઊંડાઈમાં વૈજ્ઞાનિક માપદંડો અનુસાર છોડી શકાય.
2018-2019માં પર્યાવરણીય દબાણને કારણે ગુજરાત સરકારે આ પ્રોજેક્ટને ગંભીરતાથી લીધો હતો. ખાસ કરીને સાબરમતી નદીમાં ઔદ્યોગિક કચરાવાળા પાણીના પ્રવેશને રોકવા માટે અને સુરત જેવા ટેક્સટાઈલ હબમાંથી નીકળતા કચરાને નિયંત્રિત કરવા માટે આ પ્રોજેક્ટની જરૂરિયાત વધુ ઊભી થઈ હતી. દહેજ અને ભરૂચ વિસ્તારમાં પાઈપલાઈન સિસ્ટમ 2016થી જ કેટલાંક ભાગમાં કાર્યરત છે, પરંતુ મોટાં ક્લસ્ટર જેવાં કે અમદાવાદ અને સુરત માટે વર્ષોથી વિલંબ રહ્યો છે.
આ પ્રોજેક્ટને લઈને ઘણી વખત ચર્ચા થઈ છે. ઉદાહરણ તરીકે, સુરત ક્લસ્ટર માટે 600 MLD (મિલિયન લીટર પ્રતિ દિવસ) ક્ષમતાના પ્રોજેક્ટ પર ગુજરાત મેરીટાઈમ બોર્ડે (GMB) NOC આપ્યું હતું, જે પહેલાં ONGCની ક્લિયરન્સ પછી મળ્યું. આ NOCએ પ્રોજેક્ટને નવી ગતિ આપી છે.
હાલની પ્રગતિ
તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં ઉદ્યોગ વિભાગ સાથે વ્યાપક સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં પ્રોજેક્ટની પ્રગતિ, અડચણો અને તેને ઝડપી બનાવવાં માટેનાં પગલાં પર ચર્ચા થઈ છે. બેઠક પછી તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે પ્રોજેક્ટ પર કામ તેજીથી ચાલી રહ્યું છે અને તે પર્યાવરણ પ્રથમ, વૈજ્ઞાનિક ઉકેલો અને જવાબદારી સાથે ઔદ્યોગિક વિકાસનું ઉદાહરણ છે. વધુમાં ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશને (GIDC) અમદાવાદ વિસ્તાર માટે ડીપ સી ઇફ્લુએન્ટ ડિસ્પોઝલ પાઇપલાઇન માટે કન્સલ્ટન્ટ નિયુક્ત કરવા માટે ટેન્ડર જાહેર કર્યું છે.
Development with Responsibility
— Harsh Sanghavi (@sanghaviharsh) February 8, 2026
See how Gujarat is building the future protecting the environment while supporting industries.
Work is actively underway on the Deep Sea Effluent Project, a critical initiative to ensure safe disposal, marine protection, and sustainable… pic.twitter.com/IvEevms7ND
આ ઉપરાંત સુરત ક્લસ્ટરમાં પ્રોજેક્ટ હવે અમલીકરણના તબક્કામાં પહોંચી ગયો છે. કડોદરા, પલસાણા, પાંડેસરા, સચિન અને ઈકો ટેક્સટાઈલ પાર્ક જેવા GIDC વિસ્તારોમાંથી 600 MLD ટ્રીટેડ એફ્લુએન્ટને 10 કિલોમીટર દૂર સમુદ્રમાં લગભગ 1 કિલોમીટરની ઊંડાઈમાં ડિસ્ચાર્જ કરવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ માટે 400થી વધુ યુનિટ્સને આવરી લેવામાં આવશે. ગુજરાત સરકાર 80% ખર્ચ ઉઠાવશે અને બાકીનો 20% ઉદ્યોગપતિઓ ભોગવશે. ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે, જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બોલી લાગશે.
કઈ રીતે કામ કરશે પ્રોજેક્ટ?
આ પ્રોજેક્ટની કાર્યપદ્ધતિ બહુસ્તરીય અને વૈજ્ઞાનિક છે. પહેલાં તમામ ઔદ્યોગિક યુનિટ્સ પોતાના એફ્લુએન્ટને કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં (CETP) મોકલે છે, જ્યાં તેને રાસાયણિક, ભૌતિક અને જૈવિક પદ્ધતિઓથી ટ્રીટ કરવામાં આવે છે. આ પછી પાણીમાં પ્રદૂષકોનું સ્તર નિયમો અનુસાર ઘટાડવામાં આવે છે.
ટ્રીટેડ એફ્લુએન્ટને એક કોમન પાઈપલાઈનમાં એકત્ર કરવામાં આવે છે, જે ઓનશોર (જમીન પર) અને ઓફશોર (સમુદ્રમાં) બંને ભાગમાં ફેલાયેલી હોય છે. આ પાઈપલાઈન સમુદ્રમાં 10 કિલોમીટર દૂર અને લગભગ 1 કિલોમીટરની ઊંડાઈમાં પાણીને છોડે છે. આ ઊંડાઈ અને અંતરને કારણે પાણી ઝડપથી ભળી જાય છે અને સ્થાનિક મરીન ઇકોસિસ્ટમ પર ન્યૂનતમ અસર પડે છે. પ્રોજેક્ટમાં નિયમિત મોનિટરિંગ અને પર્યાવરણીય અભ્યાસ પણ સામેલ છે.
સમુદ્રની ઊંડાઈમાં ડિસ્ચાર્જ કરવા પાછળનો વૈજ્ઞાનિક તર્ક એ છે કે ત્યાં પાણીની ઘનતા, પ્રવાહો અને કુદરતી મિશ્રણ પ્રક્રિયા એવી હોય છે કે જેનાથી કચરાની અસર નિયંત્રિત અને મર્યાદિત વિસ્તારમાં જ રહે. પાઈપલાઈનના અંતિમ છેડે અક્સર ડિફ્યુઝર સિસ્ટમ લગાવવામાં આવે છે, જે પાણીને એક જ બિંદુએ છોડવાને બદલે તેને ફેલાવીને છોડે છે, જેથી પર્યાવરણ પર અસર ન્યૂનતમ રહે.
સરકારનો દાવો છે કે આ મોડલ અનિયંત્રિત તટીય ડિસ્ચાર્જની તુલનામાં વધુ નિયંત્રિત, મોનિટર કરી શકાય તેવું અને નિયમનકારી માપદંડોને અનુરૂપ હશે. તેનાથી ઉદ્યોગોને સ્થિર ઉકેલ મળશે અને પર્યાવરણીય નિરીક્ષણ પણ કેન્દ્રીય રીતે કરી શકાશે.
હેતુઓ અને લાભ
આ પ્રોજેક્ટના મુખ્ય હેતુઓમાં નદીઓનું પ્રદૂષણ ઘટાડવું, ઔદ્યોગિક વિકાસને ટકાવી રાખવો અને પર્યાવરણીય જવાબદારી નિભાવવી છે. સુરત જેવા વિસ્તારમાં 400થી વધુ યુનિટ્સને લાભ મળશે, જેનાથી ટેક્સટાઈલ ઉદ્યોગની સ્પર્ધાત્મકતા વધશે અને નોકરીઓ સુરક્ષિત રહેશે. નદીઓમાં કચરાવાળા પાણીનો પ્રવાહ ઘટશે, જેનાથી જળજીવન અને સ્થાનિક વસ્તીના આરોગ્યને ફાયદો થશે.
ગુજરાત આ પ્રોજેક્ટ દ્વારા દેખાડી રહ્યું છે કે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન શક્ય છે. આ એક વૈજ્ઞાનિક અને જવાબદાર અભિગમ છે, જે અન્ય રાજ્યો માટે પણ ઉદાહરણ બની શકે છે. હવે જ્યારે પ્રગતિ તેજીથી થઈ રહી છે ત્યારે આ પ્રોજેક્ટ ગુજરાતના ‘ડેવલપમેન્ટ વિથ રિસ્પોન્સિબિલિટી’ના મોડલને મજબૂત કરશે.


