રાહુલ ગાંધીની એક અપરિપક્વ રાજકારણી તરીકેની, બાલિશ વાતો અને હરકતો કરનારા નેતા તરીકેની છાપ પડી ગઈ તેમાં ભાજપ આઈટી સેલનો ઓછો અને રાહુલનો પોતાનો ફાળો વધારે રહ્યો છે. તમે એવી હરકતો કરો તો સામેના માણસને તેની મજાક બનાવવાની તક મળે. છેલ્લા બે દાયકામાં રાહુલ ગાંધીએ જાણ્યે-અજાણ્યે સામેના પક્ષને આવી અગણિત તકો આપી છે. આજે પણ ગૂગલ પર જઈને રાહુલ ગાંધી સર્ચ કરો તો સાથે રિકમેન્ડેડમાં ‘ફની’ કે ‘જોક્સ’ લખેલું આવી જશે કારણ કે એલ્ગોરિધમ પણ હવે એવું સેટ થઈ ગયું છે.
રાહુલની આ છબી સુધરે અને એક પરિપક્વ રાજકારણી તરીકે ઉભરી આવે, લોકો તેમને સિરિયસલી લેતા થાય તેના માટે કોંગ્રેસની આખી ઇકોસિસ્ટમ, અહીં પણ અને વિદેશમાં પણ, છેલ્લાં ઘણાં વર્ષોથી તનતોડ મહેનત કરી રહી છે. આ જ ઉપક્રમમાં 2024ની લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીને પહેલાં દક્ષિણથી ઉત્તર અને પછી પૂર્વથી પશ્ચિમ ‘ભારત જોડો યાત્રા’ના નામે આંટાફેરા કરાવ્યા હતા. જોકે તેની સાવ અસર નહતી થઈ એવું પણ નથી. પણ આ દિશામાં જેવા થોડાઘણા સકારાત્મક ફેરફારો થતા દેખાય એટલે રાહુલ ગાંધી ફરી એવી હરકતો કરી નાખે છે, જેનાથી તેમના ચેલાઓએ કરેલી મહેનત પર પાણી ફરી જાય છે. હવે આમાં રાહુલને ફાવટ આવી ગઈ છે.
આવું રાહુલે બુધવારે (4 ફેબ્રુઆરી) સંસદ ભવનની બહાર કર્યું. સંસદની ગરિમા શું હોય અને ત્યાં કેવાં વ્યવહાર-વર્તન કરવાનાં હોય એ અલગથી કહેવાનું હોય નહીં. આ જ સંસદનાં અગત્યનાં પદો પૈકીના એક વિપક્ષ નેતાના પદ પર રાહુલ ગાંધી બિરાજમાન છે પણ તેઓ પોતાને પણ ગંભીરતાથી ઘણી વખત લેતા નથી.
બન્યું એવું કે સવારે સંસદ ભવનની બહાર કોંગ્રેસના અમુક સાંસદો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. વિપક્ષો માટે હવે આ સામાન્ય બાબત બની ગઈ છે. આગલા દિવસે અમુક સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા એ અને બીજા આવા અમુક મુદ્દાઓ પર નારાબાજી કરતા તમામ સાંસદો સંસદના મકર દ્વાર પર ઊભા રહીને પ્રદર્શન કરતા હતા. થોડી વારમાં ત્યાં રાહુલ ગાંધી આવી પહોંચ્યા અને તેમની સાથે જોડાયા.
#WATCH | Delhi: As Union MoS Ravneet Singh Bittu passes by the protesting Congress MPs at Makar Dwar, Lok Sabha LoP Rahul Gandhi says, “Here is a traitor walking right by. Look at the face…”
LoP Rahul Gandhi offered to shake his hands, saying, “Hello brother, my traitor… pic.twitter.com/5wMgjM8KAW— ANI (@ANI) February 4, 2026
આ સાંસદોની નારાબાજી ચાલતી હતી ત્યારે ત્યાં કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યસભા સાંસદ રવનીત સિંઘ બિટ્ટુ આવી પહોંચ્યા. બિટ્ટુ 2024 પહેલાં કોંગ્રેસમાં હતા. ચૂંટણી પહેલાં ભાજપમાં આવી ગયા. પાર્ટીએ તેમને પંજાબથી ટિકિટ આપી હતી, પણ 20 હજારના માર્જિનથી હારી ગયા. જોકે તેમ છતાં તેમને નવી મોદી સરકારમાં મંત્રી બનાવાયા અને પછી ઑગસ્ટ 2024માં રાજસ્થાનથી રાજ્યસભામાં ગયા. કારણ કે નિયમ છે કે મંત્રીએ 6 મહિનામાં બેમાંથી એક ગૃહનું સભ્યપદ મેળવવું પડે છે.
રવનીત બિટ્ટુ આવ્યા એટલે રાહુલ ગાંધીએ વિચાર્યા-સમજ્યા વગર કહી નાખ્યું, “જુઓ ગદ્દાર જાય છે. તેના ચહેરા તરફ જુઓ.” ટિપ્પણીઓ અંગ્રેજીમાં હતી. ત્યારબાદ રાહુલે હાથ આગળ કર્યો અને ફરી કહ્યું, “હેલો બ્રધર, માય ટ્રેઈટર ફ્રેન્ડ. ડોન્ટ વરી, યુ વિલ કમ બેક.’ ‘કમ બેક’ એ કોંગ્રેસના સંદર્ભમાં કહેવાયું હતું. જોકે બિટ્ટુએ હાથ મિલાવવાની ના પાડી દીધી અને રાહુલ અને અન્ય કોંગ્રેસી સાંસદોને ‘દેશ કે દુશ્મન’ કહીને ત્યાંથી ચાલ્યા ગયા.
આ ઘટના ત્યાં ઉભેલા પત્રકારોના કેમેરામાં કેદ થઈ ગઈ અને પછી ચર્ચા-વિવાદનો વિષય બની. ભાજપે પણ મુદ્દો ઉઠાવ્યો, શીખ સાંસદોએ તેને સમુદાયનું અપમાન ગણાવ્યું. કોંગ્રેસનો ઇતિહાસ યાદ કરાવ્યો. એ તો ઠીક છે, પણ અહીં મૂળ વાત રાહુલ ગાંધીના વર્તન-વ્યવહારની છે.
કોઈ જાહેર જગ્યાએ એક કેન્દ્રીય મંત્રી જેવી વ્યક્તિને ‘ટ્રેઇટર’ કહી દેવું, નાનાં બાળકો જેવી કૉમેન્ટ પાસ કરવી, સાથી સાંસદો સાથે હાહાહીહી કરવું– આ બધું રાહુલ માટે સામાન્ય હશે, પણ સંસદ જેવી જગ્યાએ, વિપક્ષ નેતાના પદ પર રહીને કરવું અસામાન્ય છે. કારણ કે દરેક સ્થાનની એક ગરિમા હોવાની.
‘ટ્રેઈટર’નો અર્થ ગદ્દાર થાય. એક અર્થ રાષ્ટ્રદ્રોહી પણ કરી શકાય. જોકે બિટ્ટુ પહેલાં કોંગ્રેસમાં હતા એટલે પાર્ટી સાથે કથિત રીતે ગદ્દારી કરવાના અર્થમાં જ રાહુલે આમ કહ્યું હશે એવું માનીને તેમને એટલો બેનિફિટ ઑફ ડાઉટ આપીએ. પણ શું કોઈ માણસ પાર્ટી છોડીને જતો રહે, સરકારમાં કામ કરે તેનાથી તેને ‘ગદ્દાર’ કહી દેવાનો? અહીં ‘અહંકાર’ની વાત પણ આવે છે, જે રાહુલ ગાંધીનામાં અઢળક પ્રમાણમાં છે એવું અનેક વખત સાબિત થયું છે.
રાહુલ ગાંધીનું એમ કહેવું કે ‘યુ વિલ કમ બેક’– આની પાછળનું ગણિત-વિજ્ઞાન પણ સમજવા જેવું છે. આનો અર્થ એ થાય કે આટલા કાબેલ નેતાઓ પાર્ટી છોડી ગયા પછી પણ, અનેક સાથીઓ (જેમાંના અમુક પાછલી UPA સરકારોમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે) ચાલ્યા ગયા પછી પણ રાહુલ ગાંધી પોતાનો, પોતાની પાર્ટીનો વાંક જોતા નથી અને આ નેતાઓને જ જવાબદાર ઠેરવે છે. ભૂતકાળમાં પણ અનેક તબક્કે આવા નેતાઓનું તેમણે અપમાન કરી નાખ્યું હતું. બિટ્ટુએ પરત આવવું પડશે એમ કહેવું એ પણ અહંકાર દર્શાવે છે. એ એ પણ દર્શાવે છે કે રાહુલ ગાંધી હજુ પાર્ટીની સ્થિતિથી વાકેફ નથી.
રાહુલ ગાંધી કાયમ જીહજૂરિયાઓ વચ્ચે ઘેરાયેલા રહે છે, જેમને રાજ્યસભાની બેઠક જોઈએ છે. પોતાનું કામ સારું દેખાય તેના માટે તેઓ કાયમ રાહુલ સમક્ષ એવું ચિત્ર રજૂ કરે છે જે વાસ્તવિકતાથી ઘણી વખત જોજનો દૂર હોય છે. રાજકારણીએ, ખાસ કરીને આટલી મોટી પાર્ટી ચલાવતા રાજકારણીએ સતત ગ્રાઉન્ડ પર આંખ-કાન રાખવાં પડે છે. રાહુલ ગાંધીને આજથી નહીં વર્ષોથી આ આવડત નથી અને તેમણે તેમના ટ્યુટરો અને કથિત સલાહકારો જે કહે એ પ્રમાણે જ ચાલવું પડે છે. આ સલાહકારોએ વાતાવરણ એવું બનાવ્યું છે જેનાથી રાહુલ ગાંધી વાસ્તવિકતાથી હવે ઘણા દૂર ચાલ્યા ગયા છે અને પોતાની નજરમાં પોતાનું કદ બહુ ઊંચું કરી નાખ્યું છે. સાદી ભાષામાં આને જ અહંકાર કહેવાય. આ અહંકારે જ તેમને રવનીત સિંઘ બિટ્ટુને ‘ગદ્દાર’ કહેવડાવ્યા.
જોકે હમણાં રાહુલ ગાંધીને કોઈએ એક ચોપડી પકડાવી દીધી છે, જે હજુ માર્કેટમાં આવી નથી. પૂર્વ સેનાધ્યક્ષ એમ. એમ નરવણેએ લખેલું આ પુસ્તક રક્ષા મંત્રાલયે સમીક્ષા માટે પોતાની પાસે રાખી મૂક્યું છે. રાહુલ ગાંધી ‘કારવાં’ જેવા એક હાડોહાડ ડાબેરી મેગેઝિનમાં હાડોહાડ ડાબેરી પત્રકાર સુશાંત સિંઘે લખેલા એક લેખને આગળ કરીને મોદીને, તેમની સરકારને ટાર્ગેટ કરવાના નિષ્ફળ પ્રયાસ બે દિવસથી કરી રહ્યા છે.
પુસ્તકમાં પૂર્વ સેનાધ્યક્ષે લખેલા એક પ્રસંગને ટાંકીને રાહુલ અને તેમની ગેંગ મોદીને ‘નિર્ણય ન લઈ શકનારા’ અને ‘જવાબદારીમાંથી છટકી જનારા’ પ્રધાનમંત્રી સાબિત કરવા મથી રહ્યાં છે, પણ એ પ્રસંગ જ પૂરતો છે એ સમજવા માટે કે મોદીએ ખરેખર સેનાને ફ્રી હેન્ડ આપ્યો હતો. પણ એવું સમજવા માટે તમારે જાતે વાંચવું-મથવું પડે. શ્રીમાન રાહુલજી આવું કશું કરતા નથી!


