મધ્ય પ્રદેશના ધારા સ્થિત ભોજશાળા સરસ્વતી મંદિર પરિસર વિવાદમાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે (22 જાન્યુઆરી) આદેશ આપીને કહ્યું કે વસંત પંચમીની (23 જાન્યુઆરી) હિંદુઓની પૂજા અને મુસ્લિમોની જુમ્માની નમાજ એકસાથે એક જ દિવસે એક જ પરિસરમાં થશે. આ માટે બંને પક્ષોને જગ્યા ફાળવવાનો અને સુરક્ષા વ્યવસ્થા જળવાય રહે તે સુનિશ્ચિત કરવાનું કામ પ્રશાસન અને રાજ્ય સરકારને સોંપવામાં આવ્યું છે. સાથે નમાજ અદા કરવા આવનાર વ્યક્તિઓની સંખ્યા પહેલેથી જણાવી દેવા માટે અને તેમના માટે પાસ ઇસ્યુ કરવા માટેનો પણ આદેશ અપાયો છે, જેથી વ્યવસ્થાપન યોગ્ય રીતે થઈ શકે. પ્રશાસને હાલ સુરક્ષા જડબેસલાક કરી દીધી છે.
ભોજશાળા હાલ ASI સંરક્ષિત સ્મારક છે. વર્ષ 2003ના કરાર પ્રમાણે અહીં મંગળવારે હિંદુઓ પૂજા કરે છે અને શુક્રવારે મુસ્લિમો નમાજ પઢે છે. જોકે આ વર્ષે વસંતપંચમી અને શુક્રવાર બંને એક જ દિવસે હોવાના કારણે એક મુદ્દો એ ઊભો થયો હતો કે પરિસરનો ઉપયોગ કોણ કરશે. હિંદુ પક્ષ સ્પષ્ટ રીતે કહી ચૂક્યો છે કે આ પરિસર મા સરસ્વતીનું મંદિર છે. જ્યારે મુસ્લિમો અહીં મસ્જિદ હોવાનો દાવો કરતા રહ્યા છે. મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે હિંદુ પક્ષ ફરી એક વખત કોર્ટ પહોંચ્યો હતો અને નમાજ પાછળ ઠેલવાની માગ કરી હતી. જોકે મુસ્લિમ પક્ષે આ માંગ પર વાંધો ઉઠાવ્યો. આખરે કોર્ટે બંનેને જગ્યા ફાળવી આપવા માટેનો આદેશ આપ્યો. કોર્ટે આપેલ આ આદેશની પાછળ એક લાંબો વિવાદ જોડાયેલો છે. એ વિવાદ સમજતા પહેલાં ભોજશાળા સરસ્વતી મંદિરનો ઈતિહાસ સમજવાનો પ્રયાસ કરીએ.
ભોજશાળા મંદિરનો ઈતિહાસ
પરમાર રાજવંશના શાસક રાજા ભોજે 11મી સદીમાં ઈ.સ. 1034માં ભોજશાળાના રૂપમાં એક ભવ્ય પાઠશાળા બનાવી અને અહીં માતા સરસ્વતીની પ્રતિમા સ્થાપિત કરી હતી. તે સમયે આને સરસ્વતી સદન કહેવામાં આવતું હતું. ભોજશાળાને માતા સરસ્વતીનું પ્રાગટ્ય સ્થાન પણ માનવામાં આવે છે. માતા સરસ્વતીનું મંદિર હોવાની સાથે ભોજશાળા ભારતના સૌથી મોટા વિશ્વવિદ્યાલયોમાંની એક હતી.
આ સ્થાન વિશ્વનું પ્રથમ સંસ્કૃત અભ્યાસ કેન્દ્ર પણ હતું. જ્યાં અધ્યાત્મ, રાજનીતિ, આયુર્વેદ, વ્યાકરણ, જ્યોતિષ, કલા, નાટક, સંગીત, યોગ, દર્શન વગેરે વિષયોનું જ્ઞાન મેળવવા માટે ભારત અને વિદેશના હજારો વિદ્વાનો આવતા હતા. આ ઉપરાંત આ શિક્ષા કેન્દ્રમાં વિમાન, જહાજો અને અન્ય ઘણાં સ્વચાલિત (ઓટોમેટિક) ઉપકરણો વિશે પણ અભ્યાસ કરવામાં આવતો હતો. એકંદરે આ એક આધુનિક યુનિવર્સિટી કક્ષાની પાઠશાળા હતી.
આ સ્થાનેથી 11થી 13મી સદીની વચ્ચેના સંસ્કૃતમાં લખેલા ઘણા શિલાલેખો પણ મળી આવ્યા છે. કેટલાક શિલાલેખોમાં રાજા ભોજ પછી શાસન સંભાળનાર રાજાઓની સ્તુતિ કરવામાં આવી છે. કેટલાક શિલાલેખો એવા પણ છે જેમાં શાસ્ત્રીય સંસ્કૃતમાં નાટકીય રચનાઓ અંકિત કરવામાં આવી છે. માતા સરસ્વતીના આ મંદિરનું વર્ણન કવિ મદને તેમની રચનાઓમાં કર્યું છે. અહીંથી મળેલી માતા સરસ્વતીની મૂળ પ્રતિમા હાલ લંડનના મ્યુઝિયમમાં છે.
ઇસ્લામિક આક્રાંતાઓના આક્રમણ બાદ ઉભી કરી દેવાઈ મસ્જિદ
શ્રીકૃષ્ણ જન્મ ભૂમિ, જ્ઞાનવાપી, અયોધ્યા અને સોમનાથની જેમ આ સ્થાન પણ ઇસ્લામિક આક્રાંતાઓના હુમલાનો ભોગ બની ચૂક્યું છે. ઇતિહાસ અનુસાર ઈ.સ. 1269માં કમાલ મૌલાના નામનો એક મુસ્લિમ ફકીર માળવા આવ્યો હતો. તેણે 36 વર્ષ સુધી અહીં રહીને વ્યાપક પ્રમાણમાં હિંદુઓને ઇસ્લામ કબૂલ કરાવ્યો હતો અને માળવા અંગે માહિતી ભેગી કરી હતી.
ત્યારબાદ ઈ.સ. 1305માં ઇસ્લામિક આક્રાંતા અલાઉદ્દીન ખિલજીએ ભોજશાળા પર હુમલો કર્યો હતો. હિંદુ જનજાગૃતિ સમિતિના અહેવાલ મુજબ અલાઉદ્દીન ખિલજીના હુમલા વખતે ભોજશાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખિલજીની ઇસ્લામિક સેનાનો વિરોધ કર્યો હતો. ખિલજીએ લગભગ 1,200 વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કેદ કરી લીધા હતા.
ખિલજીએ તેમને ઇસ્લામ કબુલ કરવા દબાણ કર્યું પરંતુ હિંદુ વિદ્યાર્થીઓ અને આચાર્યો ટસના મસ ન થયા અને તેમણે ઇસ્લામ કબૂલવાનો ઇનકાર કરી દીધો. ત્યારપછી ખિલજીએ આ 1200 વિદ્વાનોની હત્યા કરી નાખી અને તેમના મૃતદેહોને ભોજશાળાના વિશાળ હવન કુંડમાં જ હોમી દીધા હતા. ત્યારબાદ ઇ.સ 1401માં અન્ય એક ઇસ્લામિક આક્રાંતા દિલાવર ખાને ભોજશાળાના એક ભાગમાં મસ્જિદ ઉભી કરી નાખી હતી. ત્યારપછી ઈ.સ 1514માં મહેમૂદ શાહ ખિલજીએ ભોજશાળાના બાકીના ભાગમાં પણ મસ્જિદ ઉભી કરી નાખી.
આ સ્થાન પર પણ જ્ઞાનવાપી, મથુરા, અયોધ્યાની જેમ વર્ષોથી હિંદુઓ સરસ્વતી મંદિરનો દાવો કરી રહ્યા છે. સમય સાથે અહીં વિવાદ વધતો ગયો અને બ્રિટિશ શાસન દરમિયાન ભોજશાળાને સંરક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવી હતી. પરંતુ હિંદુઓને મંદિરમાં પૂજા અર્ચના કરવાનો અધિકાર આપવામાં આવ્યો નહોતો. આ વિવાદ સ્વતંત્રતા બાદ પણ ચાલુ જ રહ્યો.
શું છે 2003નો કરાર
1952માં કેન્દ્ર સરકાર દ્વારા ભોજશાળાને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને સોંપવામાં આવી હતી. 12 માર્ચ 1997 પહેલાં હિંદુઓને ત્યાં દર્શન કરવાની પરવાનગી હતી, પરંતુ પૂજા કરવાની છૂટ નહોતી. જોકે, 1997માં તત્કાલીન કોંગ્રેસી મુખ્યમંત્રી દિગ્વિજય સિંઘે એક આદેશ જારી કર્યો, જેમાં મુસ્લિમોને દર શુક્રવારે ભોજશાળામાં નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવી, પરંતુ હિંદુઓના પ્રવેશ પર જ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો. હિંદુઓને માત્ર વસંત પંચમીના દિવસે જ ભોજશાળામાં પ્રવેશવા અને પૂજા કરવાની મંજૂરી આપવામાં આવતી હતી.

જોકે સરસ્વતી મંદિરના દાવો સાથે હિંદુઓએ ભોજશાળામાં પૂજા-અર્ચના કરવાની માંગ ચાલુ રાખી. જેના કારણે ઘણીવાર તણાવ પણ સર્જાયો. આ સિવાય આ સમય દરમિયાન અયોધ્યા કારસેવાની અસર પણ તાજી જ હતી. આ સમયમાં ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરા જેવા હિંદુત્વવાદી નેતાઓઓએ આ મંદિર પરત મેળવવાની માંગ તીવ્ર બનાવી હતી. ત્યારે હિંદુઓના હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ દરમિયાન કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. તેમના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો અને બંને સમુદાયો વચ્ચેનો સંઘર્ષ રોકવા માટે ASI સાથે મળીને એક કરાર કરવામાં આવ્યો. 7 એપ્રિલ 2003ના રોજ નવા નિયમો બનાવવામાં આવ્યા જે અનુસાર મંગળવારે અને વસંત પંચમીના રોજ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હિંદુઓને પૂજા કરવાની અને દર શુક્રવારે બપોરે 1 વાગ્યા સુધી મુસ્લિમોને નમાજ અદા કરવાની પરવાનગી આપવામાં આવી હતી. તેમ છતાં વર્ષ 2013માં વસંત પંચમી અને શુક્રવાર એક જ દિવસે હોવાના કારણે તણાવ સર્જાયો હતો.
ભોજશાળામાં સરવેનો આદેશ
વારંવાર તથા ઘર્ષણ અને વિવાદોના કારણે વર્ષ 2022માં હિંદુ સંગઠનોએ ભોજશાળામાં માતા સરસ્વતીની પ્રતિમા સ્થાપિત કરવા અને સમગ્ર સંકુલની ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી કરાવવાની માંગણી કરવામાં આવી હતી. આ માંગના આધારે ઇન્દોર હાઇકોર્ટે 11 માર્ચ 2024ના રોજ સરવે કરવાનો આદેશ આપ્યો હતો. જોકે સરવે 22 માર્ચ 2024ના રોજ શરૂ થયો હતો. પહેલાં ASIને 42 દિવસ સુધી સરવે કરવા માટે કોર્ટમાંથી પરવાનગી મળી હતી, પરંતુ બાદમાં તેને વધુ 56 દિવસ સુધી લંબાવી દેવામાં આવી હતી. ASIની સરવે ટીમમાં 15 અધિકારીઓ અને 25 કામદારો સામેલ હતા.
આ સરવે લગભગ 98 દિવસ સુધી ચાલ્યો હતો. જેમાં આ સ્થાન પર મંદિર હોવાના પૂરતા પુરાવા મળી આવ્યા હતા. આ સરવેમાં 1710 અવશેષો મળી આવ્યા હતા. ASIની ટીમે આ અવશેષો પ્રાપ્ત કરવા માટે 24 સ્થળોએ ખોદકામ કર્યું હતું. આ સરવેમાં હમણાં સુધીમાં 39 મૂર્તિઓ મળી આવી હતી. જેમાં વાગ્દેવી (સરસ્વતી), મહિષાસુર મર્દિની, ભગવાન ગણેશ, હનુમાન, બ્રહ્મા અને શ્રીકૃષ્ણની મૂર્તિઓનો સમાવેશ થાય છે. સરવેમાં ઘણા સ્તંભો અને શિલાલેખો પણ મળી આવ્યા હતા.

આ ઉપરાંત ભોજશાળામાં ચાલી રહેલા ASI સરવેમાં પાષાણ અવશેષો મળ્યા હતા, જેમાં ભગવાન સૂર્યના આઠે પ્રહરોનાં ચિહ્ન બન્યાં હોવાનું મળી આવ્યું હતું. તે અવશેષ 1×3.5 વર્ગ ફૂટના આકારના હતા. 17 એપ્રિલ 2024ના રોજ ભોજશાળાના પરિસરની બહાર ગર્ભગૃહની સામે હવન કુંડ પાસે સરવેનું કામ કરવામાં આવ્યું હતું. આ ટીમે અકાલ કુઈયા અને દરગાહ નજીકનો સરવે પણ કર્યો હતો. આ દરમિયાન ગર્ભગૃહની સામે ઘણા પથ્થરો, ભીંતચિત્રો અને મૂર્તિઓ મળી આવ્યાં હતાં.

સરવેના 15મા દિવસે ગર્ભગૃહના પાછળના ભાગમાં ત્રણ સીડીઓ જોવા મળી હતી, જ્યારે 19મા દિવસે દીવાલમાં દટાયેલું એક ગૌમુખ મળી આવ્યું હતું. નોંધનીય છે કે મંદિરમાં અભિષેક માટેનું પાણી ગાયના મુખમાંથી જ આવે છે. એટલું જ નહીં હિંદુ પક્ષનો એવો પણ દાવો કર્યો હતો કે ભોજશાળાના પશ્ચિમ ભાગમાં એક દીવાલ અને સ્તંભ જેવી રચના મળી આવી હતી, જેનો આધાર હજાર વર્ષ જૂનો છે.
ભોજશાળાની મધ્યમાં એક તળાવ આવેલું છે, જેની સફાઈ દરમિયાન ઘણા અવશેષો સામે આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે આ મંદિરની મધ્યમાં આવેલી યજ્ઞશાળા છે. આ ઉપરાંત એવા પણ સ્તંભો મળી આવ્યા હતા જે અહીં થયેલા હુમલાઓ અને વિનાશની સાક્ષી પૂરતા હતા.

ASI સરવેનો રિપોર્ટ
આ 98 દિવસના સરવે બાદ ASIએ 15 જુલાઈ 2024ના રોજ મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં સરવે રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં અનુસાર સરવે દરમિયાન, ચાંદી, તાંબુ, એલ્યુમિનિયમ અને સ્ટીલના બનેલા કુલ 31 સિક્કા મળી આવ્યા હતા, જે વિવિધ સમયગાળાના હતા. આ સિક્કાઓ ઇન્ડો-સાસાનિયન (10મી-11મી સદી), દિલ્હી સલ્તનત (13મી-14મી સદી), માલવા સલ્તનત (15મી-16મી સદી), મુઘલ (16મી-18મી સદી), ધાર રાજ્ય (19મી સદી) અને બ્રિટિશ કાળના (19મી-20મી સદી) હતા.
આ સરવેમાં કુલ 94 શિલ્પો, શિલ્પોના ટુકડાઓ અને સ્થાપત્ય મળ્યા હતા. જે બેસાલ્ટ, આરસપહાણ, શિસ્ટ, નરમ પથ્થર, રેતીના પથ્થર અને ચૂનાના પથ્થરથી બનેલા હતા. તેમાં ગણેશ, બ્રહ્મા, નરસિંહ, ભૈરવ, અન્ય દેવી-દેવતાઓ, મનુષ્યો અને પ્રાણીઓ જેવા દેવતાઓની આકૃતિઓ પણ મળી આવી હતી. રિપોર્ટમાં સિંહ, હાથી, ઘોડા, કૂતરા, વાંદરા, સાપ, કાચબા, જેવા પ્રાણીઓ અને વિવિધ પક્ષીઓની આકૃતિઓ મળી આવી હોવાનું પણ જણાવાયું હતું. રિપોર્ટ અનુસાર જ્યાં મસ્જિદ ઉભી છે એવા વિસ્તારોમાં આવી માનવો અને પ્રાણીઓની ઘણી છબીઓને વિકૃત કરવામાં આવી હતી અથવા કોતરીને કાઢી નાખવામાં આવી હતી.
આ સિવાય અનેક ટુકડાઓ પર સંસ્કૃત અને પ્રાકૃત શિલાલેખો મળી આવ્યા હતા જે સાહિત્યિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનો નિર્દેશ કરતા હતા. એક શિલાલેખમાં પરમાર વંશના રાજા નરવર્મનનો (જેમણે ઈ.સ. 1094-1133 વચ્ચે શાસન કર્યું હતું) પણ ઉલ્લેખ મળ્યો હતો. અન્ય શિલાલેખો ખિલજી શાસક મહેમૂદ શાહનો સંદર્ભ આપે છે, જેણે મંદિરને મસ્જિદમાં ફેરવ્યું હતું. ASI રિપોર્ટ સૂચવે છે કે ભોજશાળા એક સમયે રાજા ભોજ દ્વારા સ્થાપિત એક મહત્વપૂર્ણ શૈક્ષણિક કેન્દ્ર હતું. મળી આવેલા અવશેષો સ્પષ્ટ ઈશારો કરતા હતા કે વર્તમાન માળખું અગાઉના મંદિરોના ભાગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું.
તાજેતરમાં કોર્ટે આપેલ આદેશ
નોંધનીય છે કે આ વર્ષે વસંતપંચમી શુક્રવારના દિવસે છે જે દિવસે મુસ્લિમો નમાજ પઢવા આવતા હોય છે. જ્યારે વસંતપંચમી હિંદુઓ માટે પણ અતિ પવિત્ર દિવસ છે અને આ દિવસે ઘણા દાયકાઓથી હિંદુ સમુદાયના લોકો ભોજશાળામાં પૂજા-અર્ચના કરવા જતા હોય છે. તેથી આ વખતે પણ વસંત પંચમીના દિવસે પૂજા કરવા માટે પરવાનગી માંગતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
જેની સામે મુસ્લિમોએ પણ શુક્રવારની નામજ પઢવાની માંગ કરી હતી. હિંદુઓ વતી હાજર રહેલ વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે વસંત પંચમીના રોજ સવારથી સાંજ સુધી પૂજા-અર્ચના અને હવન વિધિ ચાલશે તેથી મુસ્લિમ પક્ષને સાંજે 5 વાગ્યા પછી નમાજ અદા કરવાની પરવાનગી આપવામાં આવે. જોકે મુસ્લિમોએ આનો વિરોધ કર્યો હતો અને 1 થી 3માં નમાજ પઢવાની પરવાનગી માંગી હતી.
આખરે કોર્ટે બંને પક્ષોની માંગ સ્વીકારી હતી, કોર્ટે આદેશ આપ્યો હતો કે બપોરે 1 થી 3 દરમિયાન મુસ્લિમો નમાજ પઢશે જેના માટે તેમને પરિસરમાં અલગથી જગ્યા ફાળવવામાં આવશે. આ જ રીતે હિંદુઓને પણ વસંત પંચમીની પૂજાના કારણે અલગ જગ્યા આપવાની રહેશે. સાથે નમાજ માટે કેટલા લોકો આવશે તેનો આંકડો પણ જિલ્લા પ્રશાસનને આપવાનો રહેશે, જેથી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે. સાથે મુલાકાતીઓને પાસ આપવામાં આવશે.
કોર્ટે બંને પક્ષોને અને રાજ્ય સરકાર-જિલ્લા પ્રશાસનને આદેશનું પાલન કરવાનો અને શાંતિપૂર્ણ રીતે એકબીજાને સહકાર આપવા માટે નિર્દેશ કર્યો છે. બીજી તરફ સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને સેંકડો જવાનો ખડકી દેવામાં આવ્યા છે, જેથી 2013 જેવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
સીલ બંધ રિપોર્ટ ખોલવામાં આવે અને બંને પક્ષોને સોંપવામાં આવે- સુપ્રીમ કોર્ટ
નોંધનીય છે કે આ સુનાવણીમાં 2024માં થયેલ સરવેના રિપોર્ટનો પણ ઉલ્લેખ થયો હતો. કોર્ટે ભોજશાળાના સ્વરૂપ અંગે કોઈ ટિપ્પણી કરી નહોતી કારણ કે આ મામલો હજુ મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં લંબિત છે. વર્ષ 2024માં ASIએ સીલ બંધ કવરમાં હાઇકોર્ટને રિપોર્ટ સોંપ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે હાઈકોર્ટ આ રિપોર્ટને ઓપન કોર્ટમાં ખોલે અને તેની નકલો બંને પક્ષોને આપવામાં આવે જેથી બંને પક્ષો તેની અભ્યાસ કરી શકે અને વાંધાઅરજીઓ દાખલ કરી શકે.
સુપ્રીમ કોર્ટે કડક સૂચના આપી છે કે ASI સરવેનાં તારણો ભલે ગમે તે હોય પરંતુ સરવેના રિપોર્ટના આધારે સ્થળ પર કોઈ પણ પ્રકારનું ભૌતિક ખોદકામ કે તોડફોડ કરી શકાશે નહીં. આ કેસનો અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી સ્મારકના મૂળ સ્વરૂપ કે રિલિજિયસ કેરેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની કોર્ટે મનાઈ ફરમાવી છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે અગાઉના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે સરવે રિપોર્ટના પરિણામોના આધારે તાત્કાલિક કોઈ પગલાં લેવાશે નહીં. આ રિપોર્ટનો ઉપયોગ માત્ર હાઇકોર્ટ દ્વારા કેસની સુનાવણી માટે જ કરવામાં આવશે.
નોંધનીય છે કે આ રિપોર્ટના તારણો પર સુનાવણી કરવા માટે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અથવા વરિષ્ઠ ન્યાયાધીશની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચ રચવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી આ સંવેદનશીલ દસ્તાવેજ પર ગંભીરતાથી કાનૂની ચર્ચા થઈ શકે. ટૂંકમાં કોર્ટે ASI રિપોર્ટને કાયદાકીય પ્રક્રિયાનો ભાગ બનાવ્યો છે, પરંતુ રિપોર્ટના આધારે સ્થળ પર કોઈ પણ ભૌતિક ફેરફાર કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. હવે આગળ મધ્યપ્રદેશ કોર્ટમાં સુનાવણી બાદ શું થાય તે જોવું રહ્યું.


