Monday, September 16, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિભોજશાળા સરસ્વતી મંદિર જે હતું એક વિશ્વવિદ્યાલય, ઇસ્લામી આક્રાંતાઓએ તોડીને બનાવી દીધી...

    ભોજશાળા સરસ્વતી મંદિર જે હતું એક વિશ્વવિદ્યાલય, ઇસ્લામી આક્રાંતાઓએ તોડીને બનાવી દીધી હતી મસ્જિદ: ઈસ્લામ ન કબૂલતાં ખિલજીએ 1200 હિંદુઓની કરી હતી હત્યા

    ભોજશાલા મંદિરમાંથી મળેલા ઘણા શિલાલેખો 11મીથી 13મી સદીના છે. આ શિલાલેખો સંસ્કૃતમાં વ્યાકરણનું વર્ણન કરે છે. આ સિવાય કેટલાક શિલાલેખોમાં રાજા ભોજ પછી શાસન સંભાળનાર રાજાઓની સ્તુતિ કરવામાં આવી છે.

    - Advertisement -

    મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલું છે ભોજશાળા સરસ્વતી મંદિર. અહિયાં વર્તમાન સમયમાં વસંત પંચમીનો તહેવાર પણ ઉજવવામાં આવે છે અને શુક્રવારની નમાજ પણ અદા કરવામાં આવે છે. આવું થવા પાછળનું કારણ છે, ઇસ્લામિક કટ્ટરપંથી અલાઉદ્દીન ખિલજી અને તેની જેવા મુસ્લિમ આક્રાંતાઓ. જેમણે કાશી વિશ્વનાથ અને શ્રીકૃષ્ણજન્મભૂમિ જેવા અઢળક હિંદુ મંદિરોને તોડી પાડ્યા હતા અને તેના જ અવશેષોનો ઉપયોગ કરીને મંદિરોને મસ્જિદમાં ફેરવી દીધા હતા. ભોજશાળા સરસ્વતી મંદિર પણ આજ પ્રકારના આક્રમણનો ભોગ બનેલું એક હિંદુ મંદિર છે.

    ઇતિહાસ

    ઈતિહાસમાં જઈએ તો પરમાર રાજવંશના શાસક રાજા ભોજે ધારમાં એક મહાવિદ્યાલયની સ્થાપના કરી હતી. જે પાછળથી ભોજશાળા તરીકે જાણીતી થઈ. રાજા ભોજ માતા સરસ્વતીના મહાન ઉપાસક હતા અને કદાચ આ જ કારણ હતું કે, તેમને શિક્ષણ અને સાહિત્યમાં ખૂબ જ રસ હતો. રાજા ભોજે જ સન 1034માં ભોજશાળાના રૂપમાં એક ભવ્ય પાઠશાળા બનાવી અને અહીં માતા સરસ્વતીની પ્રતિમા સ્થાપિત કરી. તે સમયે આને સરસ્વતી સદન કહેવામાં આવતું હતું. ભોજશાળાને માતા સરસ્વતીનું પ્રાગટ્ય સ્થાન પણ માનવામાં આવે છે.

    - Advertisement -

    ભોજશાલા મંદિરમાંથી મળેલા ઘણા શિલાલેખો 11મીથી 13મી સદીના છે. આ શિલાલેખો સંસ્કૃતમાં વ્યાકરણનું વર્ણન કરે છે. આ સિવાય કેટલાક શિલાલેખોમાં રાજા ભોજ પછી શાસન સંભાળનાર રાજાઓની સ્તુતિ કરવામાં આવી છે. કેટલાક શિલાલેખો એવા પણ છે જેમાં શાસ્ત્રીય સંસ્કૃતમાં નાટકીય રચનાઓ અંકિત કરવામાં આવી છે. માતા સરસ્વતીના આ મંદિરનું વર્ણન કવિ મદને તેમની રચનાઓમાં કર્યું છે. અહીંથી મળેલી માતા સરસ્વતીની મૂળ પ્રતિમા હાલમાં લંડનના મ્યુઝિયમમાં છે.

    માતા સરસ્વતીનું મંદિર હોવાની સાથે, ભોજશાળા ભારતના સૌથી મોટા વિશ્વવિદ્યાલયોમાંથી એક હતું. આ ઉપરાંત, આ સ્થાન વિશ્વનું પ્રથમ સંસ્કૃત અભ્યાસ કેન્દ્ર પણ હતું. અધ્યાત્મ, રાજનીતિ, આયુર્વેદ, વ્યાકરણ, જ્યોતિષ, કલા, નાટક, સંગીત, યોગ, દર્શન વગેરે વિષયોનું જ્ઞાન મેળવવા માટે ભારત અને વિદેશના હજારો વિદ્વાનો આ વિશ્વવિદ્યાલયમાં આવતા હતા. આ ઉપરાંત, આ શિક્ષા કેન્દ્રમાં વિમાન, જહાજો અને અન્ય ઘણા સ્વચાલિત (ઓટોમેટિક) ઉપકરણો વિશે પણ અભ્યાસ કરવામાં આવતો હતો.

    ઇસ્લામિક આક્રમણ

    ઐતિહાસિક તથ્યો અનુસાર, સન 1305માં મુસ્લિમ આક્રમણખોર અલાઉદ્દીન ખિલજીએ ભોજશાળા પર હુમલો કરીને તેનો નાશ કર્યો હતો. બાદમાં સન 1401માં દિલાવર ખાને ભોજશાળાના એક ભાગમાં એક મસ્જિદ બનાવી દીધી. જે પછી સન 1514માં મહેમૂદ શાહ ખિલજીએ ભોજશાળાના બાકીના ભાગમાં પણ મસ્જિદ બનાવી. સમય સાથે અહીં વિવાદ વધતો ગયો અને બ્રિટિશ શાસન દરમિયાન ભોજશાળાને સંરક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવી.

    હિંદુ જનજાગૃતિ સમિતિના અહેવાલ મુજબ સન 1305માં અલાઉદ્દીન ખિલજીના હુમલા વખતે ભોજશાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ ખિલજીની ઈસ્લામિક સેનાનો વિરોધ કર્યો હતો. ખિલજીએ લગભગ 1,200 વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કેદ કર્યા અને તેમને ઇસ્લામ કબુલ કરવાનું કહ્યું, પરંતુ તેઓએ ઇસ્લામ સ્વીકારવાનો ઇનકાર કર્યો. જે પછી આ વિદ્વાનોની હત્યા કરી દેવામાં આવી અને તેમના મૃતદેહોને ભોજશાળાના જ વિશાળ હવન કુંડમાં ફેંકી દેવામાં આવ્યા હતા.

    આ જ રીતે અન્ય એક હિંદુ મંદિર પણ ઇસ્લામિક કટ્ટરવાદનો ભોગ બન્યું હતું. વસંત પંચમીના દિવસે, હિંદુઓ અહીં માતા સરસ્વતીની ઉપાસના કરવા માટે આવે છે, પરંતુ આ પૂજા પણ કાયદાના દાયરામાં રહી અને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કરવામાં આવે છે. વર્ષ 2013માં વસંત પંચમી શુક્રવારે હોવાથી ભોજશાળામાં કોમી તણાવની સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસે અહીં કાર્યવાહી કરવી પડી હતી.

    કેવી રીતે પહોંચવું?

    મધ્યપ્રદેશમાં ઇન્દોરનું દેવી અહલ્યાબાઈ એરપોર્ટ ધારનું સૌથી નજીકનું એરપોર્ટ છે, જે ભોજશાલા મંદિરથી માત્ર 65 કિમી દૂર છે. જોકે, ધારમાં રેલ સુવિધાનો અભાવ છે. આવી સ્થિતિમાં, ઈન્દોર રેલ્વે જંકશન ધારનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. જે અહીંથી લગભગ 60 કિમી દૂર છે. રોડ માર્ગે ધાર સુધી પહોંચવું સરળ છે કારણ કે તે ઈન્દોર, ભોપાલ અને ઉજ્જૈન જેવા શહેરો સાથે રોડ માર્ગે જોડાયેલું છે, અને અહીંથી ધાર સુધી પરિવહનના ઘણા સાધનો ઉપલબ્ધ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં