વેનેઝુએલા એક સમયે લેટિન અમેરિકાની આર્થિક ઉભરતી શક્તિ તરીકે ગણવામાં આવતું હતું. દુનિયાના સૌથી મોટા કાચા તેલના ભંડાર સાથે આ દેશ પોતાનાં સંસાધનોને લઈને હંમેશા વૈશ્વિક રાજનીતિમાં મહત્વનો રહ્યો છે. પરંતુ છેલ્લા દાયકાઓમાં રાજકીય સત્તા, આર્થિક નિષ્ફળતાઓ અને સંઘર્ષોએ તેને ગહન સંકટ તરફ ધકેલી દીધો છે. હવે અમેરિકા દ્વારા એક વિશાળ સૈન્ય ઑપરેશન પછી સ્થિતિએ નવો વળાંક લીધો છે. અમેરિકી સેનાએ 3 જાન્યુઆરીએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને કેદ કરી લીધા છે અને તેમને ડ્રગ ટ્રાફિકિંગના આરોપો હેઠળ ન્યૂયોર્ક લાવવામાં આવ્યા છે.
આ ઑપરેશન ‘એબ્સોલ્યુટ રિઝોલ્વ’ના નામે હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કારાકાસ સહિત ઉત્તરી વેનેઝુએલામાં હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. ટ્રમ્પે જાહેર કર્યું કે અમેરિકા હાલ પૂરતું વેનેઝુએલા ‘ચલાવશે’ અને તેના તેલ ભંડારનો વિકાસ કરશે, જેની આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા થઈ છે. ઘણા દેશોએ આ ઘટનાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે, જ્યારે કેટલાકે તેનું સમર્થન કર્યું છે.
કેમ વેનેઝુએલામાં અમેરિકાએ કર્યા હુમલા?
અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના તણાવનું મુખ્ય કારણ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની સરકાર પર અમેરિકાના લગાવેલા આરોપો છે. અમેરિકાનો દાવો છે કે માદુરોનાં શાસને હજારો પ્રવાસીઓને બળજબરીથી અમેરિકાની દક્ષિણી સરહદ તરફ ધકેલ્યા અને અમેરિકી વિસ્તારમાં નશીલા પદાર્થોની તસ્કરી કરાવી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો કે માદુરોએ જેલ અને માનસિક હોસ્પિટલોમાંથી કેદીઓને કાઢીને અમેરિકા મોકલ્યા છે.
ટ્રમ્પે માદુરો પર ડ્રગ તસ્કરીમાં સામેલ થવા અને આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હોવાના પણ આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે વેનેઝુએલા કોકેઇન તસ્કરીનો મોટો ટ્રાન્ઝિટ રૂટ બની ગયું છે, જેનાથી અમેરિકામાં ડ્રગ સંકટ ગહન બન્યું છે. ટ્રમ્પના મતે વેનેઝુએલાનાં જહાજો કેરેબિયન અને પૂર્વીય પ્રશાંત મહાસાગરના માર્ગે નશીલા પદાર્થોની તસ્કરી કરી રહ્યાં છે.
ડ્રગ કાર્ટેલ સામે લડવાની પરંપરાગત અમેરિકી પદ્ધતિઓથી હટીને ટ્રમ્પ પ્રશાસને સપ્ટેમ્બર 2025માં વેનેઝુએલાના ડ્રગ કાર્ટેલ્સ વિરુદ્ધ સૈન્ય અભિયાન શરૂ કર્યું હતું. છેલ્લા મહિનાઓમાં અમેરિકાએ સંદિગ્ધ ડ્રગ તસ્કરીવાળી નાવો પર હુમલા કર્યા હતા, જેને ટ્રમ્પે ‘ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધ’ ગણ્યું હતું.
2020માં માદુરો પર નોંધાયો હતો કેસ
વર્ષ 2020માં ન્યૂયોર્કના સાઉધર્ન ડિસ્ટ્રિક્ટમાં નિકોલસ માદુરો વિરુદ્ધ ‘નાર્કો-ટેરરિઝમ ષડ્યંત્ર’ના આરોપમાં કેસ નોંધાયો હતો. અમેરિકાનો દાવો છે કે માદુરો ડ્રગ કાર્ટેલ્સને સંરક્ષણ આપે છે અથવા તેનું નેતૃત્વ કરે છે, જેના કારણે 3 જાન્યુઆરી 2026ના રોજ અમેરિકી સેનાએ ‘ઑપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ’ હેઠળ વેનેઝુએલા પર હુમલો કરી માદુરો અને તેમની પત્નીને કેદ કર્યાં છે.
જોકે માદુરો આ તમામ આરોપોને અમેરિકાનું કાવતરું ગણાવીને નકારી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેનો હેતુ વેનેઝુએલાના તેલ સંસાધનો પર કબજો કરવાનો છે. હુમલા પહેલાં માદુરોએ ડ્રગ તસ્કરી અને પ્રવાસન મુદ્દે અમેરિકા સાથે સહયોગની ઓફર કરી હતી, હવે ટ્રમ્પ પ્રાશસને કોંગ્રેસની મંજૂરી વગર આ કાર્યવાહી કરી છે. જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા થઈ રહી છે અને તેને વિયેતનામ, ઇરાક, અફઘાનિસ્તાન જેવી પૂર્વ અમેરિકી હસ્તક્ષેપો સાથે તુલના કરવામાં આવી રહી છે.
પૃષ્ઠભૂમિ: ઓઇલ, રાજકારણ અને સંઘર્ષ
તેલ વેનેઝુએલાની સૌથી મોટી સંપત્તિ છે. વિશ્વમાં સૌથી મોટા અંદાજિત કાચા તેલના ભંડાર (લગભગ 303 અબજ બેરલ) હોવા છતાં દેશની અર્થવ્યવસ્થા ગંભીર સંકટમાં છે. આ વિસંગતતા પાછળ ભ્રષ્ટ શાસન, તેલ પર અતિશય નિર્ભરતા, વૈશ્વિક તેલ ભાવોના આંચકા અને ઉત્પાદનમાં ઘટાડો જેવા કારણો હોવાનું માનવામાં આવે છે. તેલના કારણે વેનેઝુએલા હંમેશા અમેરિકા અને અન્ય વિદેશી રોકાણકારોના ધ્યાનમાં રહ્યું છે. આ જ સંપત્તિ તે કારણ છે જેના લીધે અનેક વખત વિરોધ, પ્રતિબંધ અને રાજકીય દબાણ જોવા મળ્યા છે.
વેનેઝુએલાનો રાજકીય ઇતિહાસ પણ સંઘર્ષના મૂળમાં રહેલો છે. 1999માં હ્યુગો ચાવેઝ સત્તામાં આવ્યા, તેમણે સૌથી વધુ સમાજવાદી નીતિઓ અમલમાં મૂકી. ચાવેઝે તેલ ઉદ્યોગને રાષ્ટ્રીયકૃત કર્યો અને ગરીબી નાબૂદીના નામે મોટા સામાજિક કાર્યક્રમો શરૂ કર્યા. પરંતુ સમય જતાં ન્યાયપાલિકા, મીડિયા અને સ્વતંત્ર સંસ્થાઓ પર નિયંત્રણ વધ્યું, જેનાથી રાજકીય સ્વતંત્રતા પર પ્રશ્નો ઊભા થવા લાગ્યા.
ચાવેઝના મૃત્યુ પછી 2013માં નિકોલસ માદુરોએ સત્તા સંભાળી. તેમની સરકાર પર લોકતંત્રને નબળું પાડવું, વિરોધીઓનું દમન, અર્થતંત્રને ગહન સંકટમાં ધકેલવું અને ભ્રષ્ટાચાર ફેલાવવા જેવા આરોપ લાગ્યા છે. અમેરિકાએ માદુરો અને તેમના નજીકના કર્મચારીઓને પહેલાં જ નાર્કો-ટેરરિઝમ, ડ્રગ તસ્કરી અને ભ્રષ્ટાચારના આરોપોમાં આરોપી ઠેરવ્યા હતા, જેને ‘કાર્ટેલ ઑફ ધ સન્સ’ કહેવામાં આવે છે, જેમાં હથિયાર અને ડ્રગ નેટવર્ક બંને સામેલ છે.
અમેરિકા વેનેઝુએલા સંઘર્ષ
વેનેઝુએલા અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ કોઈ નવી વાત નથી. 2000ના દાયકાના મધ્યભાગથી અમેરિકાએ વેનેઝુએલા પર અનેક આર્થિક પ્રતિબંધો, તેલ વેપાર પર નિયંત્રણ અને રાજકીય દબાણ વધાર્યું હતું. ચાવેઝ અને પછી માદુરોના શાસનને અમેરિકાવિરોધી તરીકે જોવામાં આવતું હતું, જેના કારણે પ્રતિબંધોની શ્રૃંખલા શરૂ થઈ હતી, જેમાં તેલ કંપનીઓ પર પ્રતિબંધ, અધિકારીઓની સંપત્તિ ફ્રીઝ કરવી અને વેપારી પ્રતિબંધો સામેલ હતા.
2025ના અંતમાં અમેરિકાએ એક વેનેઝુએલન તેલ ટેન્કર જપ્ત કર્યું હતું, જેનાથી તણાવ વધવાની શરૂઆત થઈ હતી. વિપક્ષી નેતા મારિયા કોરિના માચાડો લોકતંત્રની પુનઃસ્થાપના અને શાસન પરિવર્તનની વાત કરી રહી હતી. મારિયાને તાજેતરમાં 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો અને તેણે તે પુરસ્કાર ટ્રમ્પને સમર્પિત કર્યો હતો. આ પહેલાં જ અમેરિકાનું દબાણ વધી રહ્યું હતું અને વિપક્ષને વૈશ્વિક સમર્થન મળવા લાગ્યું હતું. પરંતુ માદુરોનું શાસન પોતાની પકડ મજબૂત રાખતું રહ્યું, જેના કારણે આ તણાવ અંતે સૈન્ય કાર્યવાહીમાં ફેરવાયો.
ઑપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સમગ્ર અભિયાન માટે અંતિમ આદેશ જારી કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને સત્તામાંથી હટાવીને કસ્ટડીમાં લેવાનો હતો. જે હેઠળ 3 જાન્યુઆરી 2026ની રાત્રે અમેરિકાએ કોડનેમ ‘ઑપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ’ હેઠળ વિશાળ સૈન્ય અભિયાન હાથ ધર્યું હતું. જેમાં 150થી વધુ વિમાનો, ડેલ્ટા ફોર્સ જેવી સ્પેશિયલ ફોર્સ, હેલિકોપ્ટર અને ફાઇટર જેટ્સનો સમાવેશ થયો હતો. આ અભિયાનમાં કારાકાસ અને ઉત્તરી વેનેઝુએલાના સૈન્ય કેન્દ્રો પર એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. કારાકાસમાં બ્લાસ્ટ અને એરસ્ટ્રાઇકને લીધે ભારે નુકસાન થયું હતું, જેમાં વેનેઝુએલાના એર ડિફેન્સને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું હતું.
અમેરિકી ફોર્સે હેલિકોપ્ટર અને ગ્રાઉન્ડ ઑપરેશનથી માદુરોના કમ્પાઉન્ડમાં ઘૂસીને તેમને કેદ કરી લીધા હતા. કેટલાક વેનેઝુએલન સૈનિક અને નાગરિકોનાં મોત થયાં હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. જોકે, અમેરિકાએ આ સૈન્ય અભિયાનને કાનૂની કાર્યવાહી ગણાવી છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે તેને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણવામાં આવી રહ્યું છે.
અમેરિકી ગુપ્ત એજન્સીઓએ મહિનાઓ સુધી માદુરોની દિનચર્યા, સુરક્ષા વ્યવસ્થા અને નિવાસસ્થાનની માહિતી એકઠી કરી હતી. આ ઑપરેશન માત્ર 30 મિનિટથી પણ ઓછા સમયમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. પહેલાં અમેરિકી સેનાએ માદુરો અને તેમની પત્નીની ધરપકડ કરી હતી, બાદમાં બંનેને હેલિકોપ્ટરમાંથી કાઢીને અમેરિકા તરફ રવાના કરવામાં આવ્યાં હતાં.
ટ્રમ્પની પોતાની જાહેરાત મુજબ વેનેઝુએલામાં આ એક ‘અસાધારણ સૈન્ય અભિયાન’ હતું. તેમણે કહ્યું હતું કે અમેરિકા હવે વેનેઝુએલાને ચલાવશે જેથી સુરક્ષિત સત્તા સંક્રમણ થઈ શકે. ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે જરૂર પડે તો અમેરિકા ‘બૂટ્સ ઑન ગ્રાઉન્ડ’ એટલે કે જમીન પર સેના પણ તહેનાત કરશે.
વેનેઝુએલાની સરકારે આ કાર્યવાહીને ગેરકાનૂની અને સામ્રાજ્યવાદી હુમલો ગણાવી છે. દેશભરમાં સેનાને તહેનાત કરી દેવામાં આવી છે અને ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝે માદુરોને વૈધ રાષ્ટ્રપતિ ગણાવીને તેમને તુરંત મુક્ત કરવાની માંગણી કરી છે. વેનેઝુએલાના વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સમુદાયને અમેરિકી આક્રમણની નિંદા કરવા અપીલ કરી છે, જ્યારે કેટલાક દેશોએ તેને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે અને યુએનમાં ચર્ચાની માંગણી કરી છે.


