વડા પ્રધાન મોદીએ 28 ડિસેમ્બરના રોજ પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં જમ્મુ કાશ્મીર અને તેની પ્રાચીન સભ્ય બૌદ્ધ સંસ્કૃતિની વાત કરી હતી. તેમણે કાશ્મીરના બારામુલ્લાના ઝેહનપોરા વિસ્તારમાં મળી આવેલી બૌદ્ધ વિરાસતનો ઉલ્લેખ કર્યો. વડા પ્રધાને કહ્યું કે આ સ્થળની ખોજથી વિસ્તારના પ્રાચીન સભ્યતાગત સંબંધો વિશેની માહિતી મળી છે અને તે ભારતના ગૌરવને વધુ ઉન્નત બનાવે છે.
આગળ તેમણે કહ્યું કે વર્ષો સુધી ઝેહનપોરા ગામના લોકોએ ખેતરોમાં ફેલાયેલાઈ ઊંચી-નીચી ટેકરીઓ જોઈ હતી. મોટાભાગના લોકોનું માનવું હતું કે આ સામાન્ય માટીની સંરચનાઓ છે. પરંતુ તેનો ખરો અર્થ ત્યાં સુધી છુપાઈ રહ્યો જ્યાં સુધી તે વિસ્તારમાં કામ કરતા પુરાતત્વવિદોએ આ સંરચનાઓને પ્રાકૃતિક કરતાં વધુ વ્યવસ્થિત અને આસામાન્ય માનવાની શરૂ કરી.
ત્યારબાદ નિષ્ણાતોએ વૈજ્ઞાનિક સરવે શરૂ કર્યા. હવાઈ તસવીરો માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો અને જમીન પર મેપિંગ કરવામાં આવ્યું. અધ્યયનમાં એ સામે આવ્યું કે આ ટેકરીઓ મોટા માનવનિર્મિત ધાર્મિક પરિસરનો ભાગ હતી, ન કે પ્રકૃતિની દેન. બાદમાં વિદેશમાંથી એક કડી મળી. એક ફ્રાન્સીસી સંગ્રહાલયમાં રાખવામાં આવેલી ધૂંધળી તસવીરમાં બારામુલ્લામાં ત્રણ બૌદ્ધ સ્તૂપો દેખાઈ આવ્યા.
પીએમ મોદીએ કહ્યું કે તસવીરો ધૂંધળી હતી પણ તે નિષ્ણાતો માટે ઝેહનપોરા સ્થળની તસવીર સાથે મેચ કરવા અને બૌદ્ધ ઉત્પત્તિની પુષ્ટિ કરવા માટેની એક મહત્વપૂર્ણ કડી બની ગઈ. આ પરિસર લગભગ 2000 વર્ષ પ્રાચીન છે અને તે સાબિત કરે છે કે કાશ્મીરમાં એક સમયે બૌદ્ધ પરંપરાની મજબૂત ઉપસ્થિતિ હતી અને આ પ્રાચીન સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને આધ્યાત્મિક શિક્ષણનો ભાગ હતી.
આ ટિપ્પણી કોઈ સામાન્ય પુરાતત્વીય શોધની માહિતી માત્ર નહોતી, પરંતુ એ ઐતિહાસિક અને સભ્યતાગત સત્ય તરફ ઇશારો હતી, જેને કાશ્મીરના સંદર્ભમાં દાયકાઓ સુધી કાં તો હાંસિયે રાખવામાં આવ્યું હતું અથવા જાણીજોઈને વિસ્મૃતિમાં ધકેલી દેવામાં આવ્યું હતું. ઝેહનપોરામાં સામે આવેલો આ બૌદ્ધ પરિસર કાશ્મીરના અતીતને માત્ર ધાર્મિક દૃષ્ટિએ નહીં, પરંતુ રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક નેટવર્કના કેન્દ્ર તરીકે પુનઃસ્થાપિત કરે છે.
કુષાણ યુગનું બૌદ્ધ કેન્દ્ર: એવી શોધ જેણે ઇતિહાસની દિશા બદલી
ઉત્તર કાશ્મીરના બારામુલ્લા વિસ્તારમાં આવેલા ઝેહનપોરામાં પુરાતત્વવિદોએ કુષાણ કાળના (પહેલીથી ત્રીજી શતાબ્દી ઈસ્વી) એક વિશાળ અને સંગઠિત બૌદ્ધ પરિસરના સ્થાપત્ય અવશેષો શોધી કાઢ્યા છે. આ શોધ જમ્મુ-કાશ્મીરના સાંસ્કૃતિક ઇતિહાસને નવેસરથી વ્યાખ્યાયિત કરવાની ક્ષમતા ધરાવે છે.
આ ઉત્ખનન પરિયોજના જમ્મુ-કાશ્મીર અભિલેખાગાર, પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ (DAAM), સેન્ટર ઑફ સેન્ટ્રલ એશિયન સ્ટડીઝ (CCAS) અને કાશ્મીર યુનિવર્સિટી વચ્ચેનો સંયુક્ત પ્રયાસ છે. તેનો હેતુ પ્રાચીન કાશ્મીરની ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની વૈજ્ઞાનિક તપાસ કરવાનો છે.
ઉત્ખનન કાર્ય નવેમ્બરની શરૂઆતમાં શરૂ થયું હતું, જેને હાડ થીજાવતા શિયાળાના કારણે અસ્થાયીરૂપે રોકી દેવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ખોદકામ અનેક વર્ષો સુધી ચરણબદ્ધ રીતે ચાલુ રહેશે.
ASI માપદંડો અનુસાર મોટું સંયુક્ત ખોદકામ
પ્રોજેક્ટ ડિરેક્ટર ડૉ. મોહમ્મદ અજમલ શાહના જણાવ્યા અનુસાર આ જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના (ASI) માપદંડો હેઠળ ઔપચારિક મંજૂરી મેળવનારો પહેલો આટલો મોટો સંયુક્ત ઉત્ખનન પ્રયાસ છે.
અત્યાર સુધીનાં ખોદકામમાં એક સ્તૂપ, વિસ્તૃત રચનાત્મક દીવાલો, મોટી માત્રામાં માટીનાં વાસણો તથા તાંબાની વસ્તુઓ મળી આવી છે. આ અવશેષોનું સદીઓ સુધી ભીષણ હવામાન અને દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓમાં પણ સુરક્ષિત રહેવું એ યુગની ઉન્નત સ્થાપત્ય તકનીક, ઉત્કૃષ્ટ નિર્માણ ગુણવત્તા અને સુવ્યવસ્થિત શહેરી નિયોજનનું પ્રમાણ છે.
મઠવાસી જીવન અને પ્રાચીન શહેરી યોજનાના સંકેત
ખોદકામ આગળ વધવાની સાથે પથ્થરોનો દળદાર પાયો, નક્શીકામ સ્થાપત્ય ખંડો, સિરેમિક ટુકડા અને રચનાત્મક ગોઠવણીના અવશેષો સામે આવ્યા છે. આ પુરાવાઓમાંથી એ સ્પષ્ટ થાય છે કે આ સ્થળ માત્ર એક અલગ સ્તૂપ નહોતું, પરંતુ એક સક્રિય મઠવાસી કેન્દ્ર તરીકે કાર્ય કરતું હતું. પુરાતત્વવિદોનું માનવું છે કે આ વિસ્તાર કાશ્મીરને મધ્ય એશિયા સાથે જોડતા પ્રાચીન વેપાર, ધાર્મિક અને સાંસ્કૃતિક માર્ગો પર આવેલો એક મહત્વનો પડાવ રહ્યો હશે.
આધુનિક ટેકનોલોજીથી પ્રાચીન અતીતના સ્તર
આ શોધ પહેલાં મહિનાઓ સુધી ગહન પ્રારંભિક સરવે કરવામાં આવ્યા હતા. જેમાં ડ્રોન ઇમેજરી, સટીક મેપિંગ અને જમીની સત્યાપન સામેલ હતું. આ સર્વેક્ષણો દરમિયાન ઝેહનપોરા વિસ્તારમાં અનેક મોટા ટેકરા ઓળખાયા હતા, જેને લાંબા સમય સુધી પ્રાકૃતિક રચનાઓ માનવામાં આવતી હતી.
જોકે પ્રારંભિક વિશ્લેષણથી એ સ્પષ્ટ થઈ ગયું કે આ ટેકરા પ્રાકૃતિક નહીં પરંતુ માનવ-નિર્મિત સંરચનાઓના અવશેષો છે. સંભવતઃ સ્તૂપ, મઠીય કક્ષો અને એક વિશાળ બૌદ્ધ પ્રતિષ્ઠાનના ઘટકો.
સંપૂર્ણ ખોદકામ પ્રક્રિયામાં હાઇ-રેઝોલ્યુશન મેપિંગ, ગ્રાઉન્ડ-પેનેટ્રેટિંગ રડાર, ડ્રોન ડૉક્યુમેન્ટેશન, ડિજિટલ આર્કાઇવિંગ અને અન્ય આધુનિક વૈજ્ઞાનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી સ્થળનો વિધિવત, પ્રમાણિક અને આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુરૂપ અભ્યાસ કરી શકાય.
ફ્રાન્સીસી સંગ્રહાલયની તસવીર અને 2023ની નિર્ણાયક શોધ
ડૉ. અજમલ શાહને 2023માં એક નિર્ણાયક સફળતા ત્યારે મળી જ્યારે તેમણે એક ફ્રાન્સીસી મ્યુઝિયમના સંગ્રહમાં બારામુલ્લાના ત્રણ સ્તૂપોને દર્શાવતી એક જૂની તસવીર શોધી કાઢી. આ તસવીરે ઝેહનપોરા વિસ્તાર અને કાશ્મીરની બૌદ્ધ પરંપરા વચ્ચેના ઐતિહાસિક સંબંધને મજબૂત આધાર આપ્યો.

પછી કરવામાં આવેલા ક્ષેત્રીય સરવેમાં આ તસવીર ઝેહનપોરાના હાલના ટેકરાઓ સાથે મેળ ખાતી જણાઈ. તેના આધારે એ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો કે આ વિસ્તાર ક્યારેક એક સમૃદ્ધ પ્રારંભિક-ઐતિહાસિક બૌદ્ધ નગર રહ્યું હશે.
પ્રશાસનિક પ્રતિક્રિયા અને ભવિષ્યની યોજના
DAAMના ડિરેક્ટર કે.કે. સિધાએ આ સંયુક્ત ખોદકામને જમ્મુ-કાશ્મીરમાં પુરાતત્વીય સંદર્ભ માટે એક ઐતિહાસિક પહલ ગણાવી છે. તેમના જણાવ્યા અનુસાર ઝેહનપોરાની શોધ ન માત્ર સ્થાનિક પરંતુ વૈશ્વિક સ્તરે કાશ્મીરની સાંસ્કૃતિક વિરાસતની સમજને સમૃદ્ધ કરશે.
આગળની યોજનામાં ગહન ખોદકામ, વૈજ્ઞાનિક વિશ્લેષણ અને એક વ્યાપક સંરક્ષણ રણનીતિ સામેલ છે, જેથી સંગ્રહાલય પ્રદર્શન, અકાદમિક શોધ અને વિરાસત-પર્યટનને પ્રોત્સાહન મળી શકે. અધિકારીઓની યોજના એ પણ છે કે સ્થાનિક સમુદાયને જાગૃતિ અભિયાનો દ્વારા આ સ્થળની સુરક્ષા અને સંરક્ષણમાં સહભાગી બનાવવામાં આવે.
આ પહલ તે સમજૂતી કરાર (MoU) પછી શક્ય બની છે, જેના પર 31 ઑક્ટોબરે DAAM અને CCAS વચ્ચે હસ્તાક્ષર થયા હતા. આ MoUમાં સંયુક્ત ખોદકામ, પુરાવશેષ સંરક્ષણ, 3D ડૉક્યુમેન્ટેશન અને પર્યટન સંવર્ધન જેવી જોગવાઈઓ સામેલ છે.
કુષાણ યુગનાં નગરોની ત્રયી: ઝેહનપોરા, કનિસપુર અને ઉશ્કુર
આ સ્થળ ઐતિહાસિક નગર કનિસપુર (પ્રાચીન કનિષ્કપુરા) અને ઉશ્કુરની (હુવિષ્કપુરા) નજીક આવેલું છે, જેની સ્થાપના કુષાણ સમ્રાટ કનિષ્ક અને હુવિષ્ક દ્વારા માનવામાં આવે છે. પ્રસિદ્ધ કાશ્મીરી ઇતિહાસકાર કલ્હણની રાજતરંગિણી મુજબ કુષાણ કાળમાં કનિસપુર, ઉશ્કુર અને ઝેહનપોરા મળીને રાજકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની એક સશક્ત ત્રિપુટીનું નિર્માણ કરતા હતા.
વ્યાપક બૌદ્ધ સભ્યતા અને આંતરક્ષેત્રીય સંપર્ક
આ ઉત્ખનનથી એ સમજ વિકસિત થાય છે કે તે કાળમાં સમાજ કેવી રીતે જીવતો હતો, વેપાર કરતો હતો, પૂજા-પદ્ધતિઓ કેવી હતી અને વિવિધ ક્ષેત્રો સાથે કેવા પ્રકારનો સંપર્ક હતો. આ પહેલાં ચિનાબ નદીના જમણા તટ પર અખનૂરના અમ્બારન વિસ્તારમાં પણ આવી જ શોધ થઈ ચૂકી છે. ઝેહનપોરાની શોધ એ વાતની પુષ્ટિ કરે છે કે જમ્મુ-કાશ્મીર એક વિસ્તૃત, પરસ્પર જોડાયેલી અને સંગઠિત બૌદ્ધ સભ્યતાનો ભાગ હતું.

અત્યાર સુધી મળેલા ભૌતિક અવશેષો ગંધાર અને મધ્ય એશિયાઈ બૌદ્ધ ક્ષેત્રો સાથે સાંસ્કૃતિક અને રચનાત્મક સંબંધો તરફ પણ સંકેત કરે છે. આગામી શોધ તબક્કાઓમાં કાશ્મીરની ધાર્મિક-આર્થિક નેટવર્કમાં ભૂમિકાને વધુ સ્પષ્ટ થઈ શકશે.
મોદી સરકાર હેઠળ કાશ્મીરનો સાંસ્કૃતિક પુનરુત્થાન
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ વર્ષની શરૂઆતમાં સ્પષ્ટ કહ્યું હતું કે મોદી સરકાર કાશ્મીરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને પુનર્જીવિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેઓ જાન્યુઆરીમાં ‘Jammu Kashmir and Ladakh Through the Ages: A Visual Narrative of Continuities and Linkages’ પુસ્તકના વિમોચન અવસર પર બોલી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને રહેશે અને તેને અલગ કરવાના પ્રયાસો સમયની કસોટી પર નિષ્ફળ સાબિત થયા છે.
મોદી સરકારના કાર્યકાળમાં ઘાટીમાં અનેક પ્રાચીન ધાર્મિક સ્થળોનો પુનરુત્થાન થયો છે. 2023માં ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે કુપવાડાના ટીટવાલમાં માતા શારદા દેવી મંદિરનું ઉદ્ઘાટન થયું. આ સ્થળ પાકિસ્તાન-અધિકૃત કાશ્મીરથી (POK) માત્ર 500 મીટરના અંતરે આવેલું છે. એ જ રીતે 35 વર્ષના સમયગાળા પછી શ્રીનગરના રૈનાવારીમાં આવેલા જોગેશ્વરી શિવ મંદિરમાં શિવલિંગની પુનઃસ્થાપના કરવામાં આવી છે. આ પહેલાં 1990માં આતંકીઓએ શિવલિંગને અપવિત્ર કરીને નદીમાં ફેંકી દીધું હતું.
અનંતનાગ જિલ્લાના શાંગુસ વિસ્તારમાં આવેલું ઉમા ભગવતી મંદિર 34 વર્ષો પછી જુલાઈ 2024માં ફરી ખોલવામાં આવ્યું. આ ઉપરાંત ઐતિહાસિક માર્તંડ સૂર્ય મંદિરના પુનરુદ્ધારનો નિર્ણય લેવામાં આવ્યો અને સમ્રાટ લલિતાદિત્યની પ્રતિમા સ્થાપિત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા. આ મંદિર આઠમી સદીનું માનવામાં આવે છે અને પછીના મધ્યકાળમાં તેને યોજનાબદ્ધ રીતે ધ્વસ્ત કરવામાં આવ્યું હતું.
ઝેહનપોરામાં મળેલો વિશાળ બૌદ્ધ પરિસર એ વાતનો મજબૂત પુરાવો છે કે કાશ્મીરનો ઇતિહાસ વિદેશી આક્રમણો અને કટ્ટર શાસનથી ઘણો પ્રાચીન એક સમૃદ્ધ, બહુધાર્મિક અને સભ્યતાગત ઓળખ ધરાવતો હતો.
પીએમ મોદી દ્વારા ‘મન કી બાત’માં આ શોધનો ઉલ્લેખ એ વાસ્તવિક ઇતિહાસની પુનઃસ્થાપનાનો સંકેત છે, જેને લાંબા સમય સુધી દબાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આજે આ સરકાર કાશ્મીરના વાસ્તવિક સભ્યતાગત મૂળને ફરી સામે લાવવાની દિશામાં નિર્ણાયક પગલાં લઈ રહી છે.


