વક્ફ કાયદાના વિરોધની આડમાં થયેલી હિંસા દરમિયાન હિંદુ પિતા-પુત્રની હત્યા મામલે બંગાળની મુર્શિદાબાદ કોર્ટે 13ને ગુનેગાર ઠેરવ્યા

મુર્શિદાબાદમાં વક્ફ કાયદાના વિરોધના બહાને આચરવામાં આવી હતી હિંસા

કેન્દ્ર સરકારે પસાર કરેલા વક્ફ કાયદાના વિરોધની આડમાં બંગાળના મુર્શિદાબાદમાં થયેલાં હિંસક પ્રદર્શનો દરમિયાન હિંદુ પિતા-પુત્રની હત્યા કરવા બદલ ટ્રાયલ કોર્ટે 13 મુસ્લિમ શખ્સોને ગુનેગાર ઠેરવ્યા છે. મામલો આઠ મહિના પહેલાંનો છે, જેમાં સોમવારે (22 ડિસેમ્બર) ચુકાદો આપવામાં આવ્યો.

એપ્રિલ 2025માં વક્ફના વિરોધની આડમાં પ્રદર્શનો દરમિયાન મુર્શિદાબાદમાં હરગોવિંદદાસ (72) અને તેમના પુત્ર ચંદન દાસની (40) હત્યા કરી નાખવામાં આવી હતી. પિતા-પુત્રને તેમના ઘરમાંથી ખેંચી કાઢીને, મૉબ લિન્ચિંગ કરવામાં આવ્યું હતું.

કોર્ટે જેમને આ હત્યા માટે દોષી ઠેરવ્યા છે તેમનાં નામ આ પ્રમાણે છે: દિલદાર નાદાબ, આસામૂલ નાદાબ, ઇન્ઝામુલ હક, ઝિયાઉલ હક, ફકીરુલ શેખ, અઝફરુલ શેખ, મુનીરુલ શેખ, ઇકબાલ શેખ, નુરુલ શેખ, સબા કરીમ, હઝરત શેખ, અકબર અલી અને યુસુફ શેખ. તમામને મંગળવારે (23 ડિસેમ્બર) સજા સંભળાવવામાં આવશે.

દાસ પરિવારે દોષીઓને મહત્તમ સજા આપવામાં આવે તેવી માંગણી કરી છે. પબ્લિક પ્રોસિક્યુટર અનુસાર જે કલમો હેઠળ આરોપીઓ ગુનેગાર ઠેરવાયા છે, તેમાંથી બેમાં મૃત્યુદંડની જોગવાઈ છે.

કેસમાં છ મહિનામાં જિલ્લા સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. કેસની તપાસ માટે DIG મુર્શિદાબાદની અધ્યક્ષતામાં એક 25 સભ્યોની SITની રચના કરવામાં આવી હતી, જેણે પછીથી 983 પાનાંની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી.

ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું કે સુરક્ષાબળોએ સ્થાનિક મસ્જીદ પાસે ગોળીબાર કર્યો હોવાની અફવા ફેલાવવામાં આવી હતી અને ત્યારબાદ ટોળાંને ઉશ્કેરીને ઘરો-સુકાનો સળગાવાયાં હતાં. આ દરમ્યાન દાસ પરિવાર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોમાં દાસ પરિવારના પાડોશીઓ પણ સામેલ હતા.

બીજી તરફ, પીડિત પરિવારે પહેલેથી જ કોલકાતા હાઇકોર્ટમાં એક અરજી કરીને મામલામાં CBI તપાસની માંગણી કરી છે, જે મામલે કોર્ટ સુનાવણી કરી રહી છે. પરિવારનું કહેવું છે કે કોર્ટ ગુનેગારોને શું સજા આપે છે તે જોયા બાદ તેઓ આગળ શું કરવું એ નક્કી કરશે. પરિવારે એમ પણ કહ્યું છે કે જેઓ ગુનેગાર ઠેરવાયા છે અને જેમની સામે ટ્રાયલ ચાલી હતી એ એ જ લોકો છે જેમણે હુમલો કર્યો હતો, તેનું પ્લાનિંગ કોણે કર્યું અને ઉશ્કેરણી કરનારા કોણ હતા તેમને પણ પકડીને ન્યાયના કઠેડામાં ઊભા કરવા જોઈએ. પોલીસ તપાસ અહીં પૂર્ણ ન થવી જોઈએ અને જો જરૂર પડી તો પરિવાર હાઇકોર્ટ પણ જશે.