બુદ્ધિશાળી માણસો દુનિયાને ઘણી કહેવતો અને સિદ્ધાંતો આપીને ગયા છે. એમાંની એક કહેવત એ છે કે ધરતી ગોળ છે, તમે જે વસ્તુ ફેંકવાના એ પરત તમારા સુધી આવવાની. આવી જ એક બીજી કહેવત છે ‘વાવો તેવું લણો અને કરો તેવું ભરો’વાળી. આ બંને કહેવતમાં એ કહેવામાં આવ્યું છે કે તમે કરેલા (કુ)કર્મ આખરે ચક્ર કાપીને પરત તમારા સુધી પહોંચે છે. ગરુડ પુરાણમાં તો એવું પણ કહ્યું છે કે ગાયનું નાનું વાછરડું જેમ ગાયોનાં ધણમાં પોતાની માતાને ઓળખી લે છે, એવી જ રીતે કર્મ વર્ષો બાદ તેના કર્તાને ઓળખી લે છે. આ બધી જ્ઞાનની વાતો કરવા પાછળનું કારણ ગોપાલ ઈટાલિયા છે.
તાજેતરમાં, એટલે કે 5 ડિસેમ્બરના રોજ જામનગરની એક સભામાં ગોપાલ ઈટાલિયા ભાષણ આપી રહ્યો હતો. તેવામાં અચાનક વાયુવેગે એક ચપ્પલ તેના તરફ ઘસી આવ્યું. જોકે, તેને વાગ્યું નહીં અને સાઈડમાં જઈને પડ્યું. તરત જ આપ સમર્થકો અને ત્યાં હાજર નેતાઓએ જૂતું ફેંકનાર શખ્સને પકડી લીધો અને માર મારવાનું શરૂ કરી દીધું. ગોપાલ ઈટાલિયા પણ ‘આ પોલીસે કરાવ્યું છે’ની વાતો કરવા લાગ્યો. ઘડીવારમાં તો બધા નેતાઓએ ગામ ગાંડું કરીને ભાજપ પર માછલાં ધોવાનાં શરૂ કરી દીધાં.
ગુજરાત AAPના ઓફિશિયલ પેજ પર ‘ભાજપના ગુંડાઓએ’ હુમલો કર્યો હોવાનો દાવો ઠોકી બેસાડવામાં આવ્યો અને દુનિયાભરમાંથી સહાનુભૂતિ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા. તેવામાં સામે આવ્યું કે જૂતું ફેંકનારો માણસ જામનગર જિલ્લા કોંગ્રેસનો કાર્યકર્તા હતો અને તેનું નામ છત્રપાલસિંહ જાડેજા હતું. અહીંથી આપિયાઓએ ભાજપની સાથે કોંગ્રેસનું નામ જોડવાનું શરૂ કરી દીધું અને બંને પાર્ટીઓ વચ્ચે સાંઠગાંઠ હોવાના બણગાં ફૂંકવાના શરૂ કરી દીધા. જોકે, અપિયાઓ પોતાના સ્થાનિક નેતા ઈટાલિયાના જૂના કાંડ ભૂલી ગયા.
2017માં ગૃહમંત્રી પર ફેંકેલું જૂતું, હવે પરત ફર્યું
2 માર્ચ, 2017ના રોજ ગુજરાત વિધાનસભાની બહાર તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મીડિયાના સવાલોનો જવાબ આપી રહ્યા હતા અને કેમેરા પણ ચાલુ હતા. આ દરમિયાન ગોપાલ ઈટાલિયાએ અચાનક પ્રદીપસિંહ પર જૂતાં ફેંક્યાં હતાં અને નારા લગાવ્યા હતા. હવે 8 વર્ષ બાદ જ્યારે તેની સાથે આવી જ ઘટના બની તો આપ સમર્થકો અને નેતાઓએ આખું ગામ માથે લીધું છે. ગોપાલ પર જૂતું ફેંકાયાંની ઘટનાના મૂળ પણ તેની આ ભૂતકાળની હરકત જ હતી.
જોકે, ઈટાલિયા પર જૂતું ફેંકાયાંની ઘટના એક સામાન્ય ઘટના ગણાવાઈ હોત જો તેણે ભૂતકાળમાં કોઈ નેતા પર જૂતું ફેંકીને અવળચંડાઈ ન કરી હોત. આ ઘટના બિલકુલ એવું જ દ્રશ્ય છે, જેવું નાટક કે વાર્તામાં હોય છે. મૂળ રીતે કર્મનો સિદ્ધાંત અટલ છે. હિંદુઓ વિરુદ્ધ વારંવાર અપમાનજનક નિવેદનો આપનારા, હિંદુ પરંપરાઓને ‘કચરો’ કહેનારા ગોપાલ પર પણ કર્મનો સિદ્ધાંત લાગુ પડે છે અને બે દિવસ પહેલાં જે તેની સાથે થયું એ પણ તેનું જ પરિણામ છે.
ગોપાલની છબી હંમેશા આક્રમક, ઉગ્ર અને ભડકાઉ ભાષણ આપનારા શખ્સ તરીકેની રહી છે. તેની રાજકીય યાત્રા પણ વિવાદોથી ભરાયેલી છે. હિંદુ પરંપરાઓને ગાળો આપીને શરૂ થયેલો ઈટાલિયાનો આ કાર્યક્રમ અંતે જૂતું ફેંકાયાંની ઘટના સાથે ધરબાઈ ગયો છે. હવે સહાનુભૂતિ મેળવવા માટેના પ્રયાસ કરતા તેની ટોળકીના માણસોએ એ પણ વિચારવું રહ્યું કે ઈટાલિયા સાથે જે ઘટના બની તે કોઈ ક્રિયા નહીં, પણ 2017ની પ્રતિક્રિયા હતી.
જે જૂતું ઈટાલિયાએ 2017માં ફેંક્યું હતું, તે સમયનું ચક્ર કાપીને હવે 8 વર્ષે તેની પાસે જ આવ્યું છે. જેવું ગોપાલે 8 વર્ષ પહેલાં વાવ્યું હતું, આ તેનું જ ફળ છે અને હાલ તે જે વાવી રહ્યો છે, એનું ફળ પણ ભવિષ્યમાં મળવાનું છે. આ જ કર્મનો સિદ્ધાંત છે.
મીડિયામાં મોઢું કાઢવા માટેનાં હવાતિયાં?
જોકે, સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ આ ઘટનાને નાટક ગણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે મીડિયાનું ધ્યાન ખેંચવા માટે આવું કરવામાં આવ્યું છે. પત્રકાર નિર્ણય કપૂરે X પર એક પોસ્ટ કરી છે, જેમાં જૂતું ફેંકનાર શખ્સ છત્રપાલસિંહ જાડેજા જામજોધપુરના AAP ધારાસભ્ય હેમંત ખાવા સાથે દેખાઈ રહ્યો છે. ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, બીજો એક દાવો એ પણ કરવામાં આવી રહ્યો છે કે ઈટાલિયાએ એટલા માટે જ પોલીસ ફરિયાદ કરવાનો પણ ઇનકાર કરી દીધો છે.
आज जामनगर में एक सभा के दौरान @Gopal_Italia पर छत्रपाल सिंह जडेजा नाम के व्यक्ति ने जूता फेंका .. उस वक्त गोपाल इटालिया यह कहते हुए सुनाई दे रहे हैं की ये सब पुलिस का किया धरा है .. लेकिन अब छात्रपाल सिंह जडेजा की जामजोधपुर से AAP के MLA हेमंत खावा के तस्वीर वायरल हो रही है… तो… pic.twitter.com/2JLObmi0Ge
— Nirnay Kapoor (@nirnaykapoor) December 5, 2025
છેલ્લા ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં જીજ્ઞેશ મેવાણીએ ઉપાડો લીધો હતો. પોલીસના પટ્ટા ઉતારી દેવાની ધમકી સાથે આંદોલનજીવી મેવાણી સ્વભાવ મુજબ ભારે રાડારાડ કરી રહ્યા હતા. મીડિયાનું આખું કવરેજ તેઓ પોતે ખાઈ રહ્યા હતા અને આ બધા વચ્ચે આમ આદમી પાર્ટી ગુજરાતનો ‘એકમાત્ર’ ભડવીર ઈટાલિયા ક્યાંક ખોવાઈ ગયો હતો. ન તો મીડિયામાં તેની ચર્ચા ચાલી રહી હતી કે ન તો તેના કોઈ સમાચાર સામે આવી રહ્યા હતા.
ધીમે-ધીમે તેને સમર્પિત કેટલીક યુટ્યુબ ચેનલોએ પણ સમાચારના પ્રવાહની ગતિ ઓછી કરી હતી. આ બધી સ્થિતિઓને જોતાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મીડિયાનું ફૂટેજ લેવા માટે જૂતું ફેંકવાનું આ નાટક કરવામાં આવ્યું અને મેવાણીને ટક્કર આપવામાં આવી. જોકે, સત્ય શું છે એ તો ગોપાલ અને તેની ટોળકી જ જાણે. પણ એક વસ્તુ તો નિશ્ચિત છે કે કર્મ ક્યારેય કોઈને છોડતું નથી, પછી ભલે તે ‘ભડવીર’ હોય કે ‘આમ આદમી પાર્ટી’નો નેતા.


