હોમપેજમિડિયાજેના પર 26થી વધુ હુમલાનું પાપ, 76 જવાનોના લીધા હતા જીવ, તે...

જેના પર 26થી વધુ હુમલાનું પાપ, 76 જવાનોના લીધા હતા જીવ, તે કુખ્યાત લાલ આતંકી હિડમાને ‘ધ વાયરે’ ગણાવ્યો ‘આદિવાસીઓનો નાયક’

હિડમાનાં મોત પર લેખ લખીને ધ વાયરે સુરક્ષાદળો પર સવાલ ઉઠાવ્યા, સરકારને કઠેડામાં ઊભી કરી, આદિવાસીઓને 'દુઃખ' થયું હોવાનું રટણ કર્યું અને હિડમાને 'સંઘર્ષનું પ્રતિક' ગણાવી દીધો. પરંતુ તે ન જણાવ્યું કે ઘાટીમાં જેટલું લોહી રેડાયું છે, તેનો જવાબદાર હિડમા પોતે હતો.

- Advertisement -

18 નવેમ્બરની સાંજ. સુરક્ષાદળોમાં અસાધારણ સંતોષ દેખાઈ રહ્યો હતો. કારણ હતું એક નક્સલી કમાન્ડરનું ઠાર થવું. જોકે, જવાનોએ અનેક નક્સલીઓને ઠાર કર્યા છે પણ આ વખતનું નામ કુખ્યાત હતું અને તે નામને ઇતિહાસનાં પાનાંમાંથી ભૂંસી નાખવું કોઈપણ ભોગે જરૂરી હતું. નામ હતું માડવી હિડમા. તે નામ જે છેલ્લા બે દાયકામાં 26થી વધુ ઘાતક હુમલા, સેંકડો મોત અને ભારતમાં નક્સલવાદની સૌથી ભયાનક શાખા સાથે જોડાયેલું હતું. આંધ્ર પ્રદેશના અલ્લુરી સીતારામરાજૂ જિલ્લામાં સુરક્ષાદળોના ઑપરેશનમાં હિડમાને ઠાર કરાયો. 

આ ઑપરેશન સામાન્ય નહોતું, ન તો તે શખ્સનું એન્કાઉન્ટર સામાન્ય અથડામણનું પરિણામ હતું. હિડમા તે નક્સલી કમાન્ડર હતો, જેણે 2010માં તાડમેટલા હુમલામાં 76 જવાનોને ઘેરીને મારવા માટે નેતૃત્વ હાથ ઉપાડ્યું હતું. આ તે જ કમાન્ડર હતો, જેણે 2007માં 24 જવાનોનો જીવ લીધો હતો. આ તે જ લાલ આતંકી હતો, જેણે દાયકાઓ સુધી આદિવાસી બાળકોને બળજબરીથી ભરતી કર્યા હતા, મહિલાઓને ‘રેડ બ્રિગેડ’માં ધકેલી હતી અને ગામોને આતંકની છાયામાં ધકેલી દીધાં હતાં. 

પરંતુ, જેવો હિડમા ઠાર થયો કે તરત જ લેફ્ટ મીડિયા સંસ્થાનોમાં એક ચળવળ શરૂ થઈ. સુરક્ષાદળોની સફળતાની ચર્ચા કે જનતાની રાહતની ભાવના- આ બધા પર લખ્યા વગર કેટલાક લેફ્ટ-લિબરલો તે જ જૂની સ્ક્રિપ્ટ ઉઠાવીને લઈ આવ્યા અને નક્સલી કમાન્ડરને ‘નિર્દોષ’, ‘આદિવાસી નાયક’ ગણાવવા લાગ્યા. લાલ આતંકીનું મહિમામંડન કરવામાં સૌથી આગળ રહ્યું વામપંથી દુષ્પ્રચારનું કેન્દ્ર ‘ધ વાયર’ (The Wire). 

- Advertisement -

હિડમા પર કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કુલ 1 કરોડ રૂપિયાથી વધુનું ઈનામ પણ જાહેર કર્યું હતું. તે માઓવાદી સંગઠન સેન્ટ્રલ કમિટીનો સૌથી યુવા સભ્ય હતો અને દંડકારણ્ય સ્પેશ્યલ ઝોનલ કમિટીનો સચિવ પણ બન્યો હતો. તેણે જે હુમલાઓનું નેતૃત્વ કર્યું હતું, તેમાં સેંકડો સુરક્ષાદળોના જવાનો અને અઢળક આદિવાસીઓનાં મોત થયાં હતાં.

હિડમાને ‘આદિવાસી નાયક’ ગણાવતું ‘ધ વાયર’ 

વામપંથી પ્રોપગેન્ડાના મશીન તરીકે કુખ્યાત વેબસાઇટ ‘ધ વાયર હિન્દી’એ હિડમાનાં મોત પર ગુરુવારે (20 નવેમ્બર) એક લેખ પ્રકાશિત કર્યો હતો, જેનું શીર્ષક હતું- “મોસ્ટ વોન્ટેડ યા આદિવાસી નાયક? માઓવાદી કમાન્ડર માડવી હિડમા કે અંતિમ સંસ્કાર કે લિએ ઉમડે લોગ”. આ લેખમાં હિડમાને પોલીસ દસ્તાવેજોમાં ‘મોસ્ટ વોન્ટેડ નક્સલી’ ગણાવવામાં આવ્યો હોવા છતાં તેને ‘સામાન્ય માણસો માટે હીરો’ ગણાવી દેવાયો છે, જેણે ‘જળ-જંગલ-જમીન માટે હથિયાર ઉઠાવ્યાં હતાં.’

આ લેખમાં ગ્રામીણોના વાયરલ વિડીયો, સોની સોરી અને ડિગ્રી પ્રસાદ ચૌહાણ જેવા વિવાદિત ‘એક્ટિવિસ્ટ’નાં નિવેદન છાપીને એ નેરેટિવ ઘડવામાં આવ્યો કે હિડમા આતંકવાદી નહીં, પણ આદિવાસીઓનો રક્ષક હતો અને તેનું મોત પણ ‘નકલી અથડામણ કે એન્કાઉન્ટર’માં થયું હતું. આ લેખ ન માત્ર તથ્યોને તોડીમરોડીને રજૂ કરે છે, પરંતુ એક કુખ્યાત હત્યારાને મહિમામંડિત કરવાના પ્રયાસો પણ કરે છે. આ લેખમાં ધ વાયરે લાલ આતંકને ગ્લેમરાઇઝ કરવાનો પ્રયાસ કર્યો છે. 

ધ વાયરે તેના લેખમાં હિડમાને ‘આદિવાસીઓનો નાયક’, ‘જળ-જંગલ-જમીન માટે હથિયાર ઉઠાવનારો યોદ્ધા’, ‘રાજ્યની હિંસા વિરુદ્ધ ઊભો થનારો’ અને ત્યાં સુધી કે ‘ગામનું ગૌરવ’ પણ ગણાવી દીધો છે. લેખમાં આતંકવાદનો ઇતિહાસ, તેના નેતૃત્વની નિર્મમતા, તેના ઘાતક રેકોર્ડ્સ, તેની હિંસા- કોઈપણ વાતને સ્પર્શ કરવાનો પ્રયાસ પણ નથી કર્યો. તે સિવાય આખો લેખ ભાવનાત્મક એન્જિનિયરિંગ પર આધારિત છે. રડતી મા, ઝૂંપડી, ગ્રામીણોનું રુદન, સુરક્ષાદળો પર આરોપ અને ‘હિડમાને હીરો’ ગણાવતી લીટીઓ. 

આ તે જ ફોર્મ્યુલા છે, જે અર્બન નક્સલીઓ વારંવાર ઉપયોગમાં લે છે. મોટો કમાન્ડર માર્યો ગયો તો તેની ગરીબી દેખાડો, પરિવારનું વિલાપ વાયરલ કરો, ગ્રામીણો પાસેથી દુઃખના શબ્દો બોલાવડાવો, સુરક્ષાદળો પર નકલી એન્કાઉન્ટરના આરોપો લગાવો અને ધીમે રહીને ‘જનનાયક’નું નિર્માણ શરૂ કરો. ધ વાયરે પણ આ જ ફોર્મ્યુલા પર આખો લેખ ઘસી માર્યો છે. 

હિડમા ‘નાયક’ નહીં, આતંકી હતો

ધ વાયરે એવો દાવો કર્યો છે કે હિડમા ‘આદિવાસીઓનો હીરો’ છે અને તેણે ‘જળ-જંગલ-જમીન માટે હથિયારો ઉપાડ્યાં હતાં.’ પરંતુ હકીકત એ છે કે હિડમા છત્તીસગઢના સુકમા જિલ્લાના પૂવર્તી ગામનો રહેવાસી એક અભણ યુવક હતો, જે 1994-95માં માત્ર 17 વર્ષની ઉંમરમાં માઓવાદી સંગઠનમાં સામેલ થયો હતો. તે માઓવાદીઓની પીપલ્સ લિબરેશન ગોરીલા આર્મીની બટાલિયન નંબર-1મા કમાન્ડર હતો. તેની બટાલિયન માઓવાદીઓનું સૌથી ક્રૂર અને હથિયારબંદ એકમ માનવામાં આવતું હતું. 

ધ વાયરે દાવો કર્યો છે કે હિડમા આદિવાસીઓ માટે લડ્યો હતો. પરંતુ વામપંથી પ્રોપગેન્ડા પોર્ટલ એ જણાવી શકશે કે બસ્તરમાં જે આદિવાસીઓએ રસ્તાઓ, ટાવર કે હોસ્પિટલો માંગી, તેને આ આતંકીએ ‘પોલીસ બાતમીદાર’ ગણાવીને કેમ મારી નાખ્યા? કેટલી આદિવાસી મહિલાઓને નક્સલી પલટનમાં બળજબરીથી ભરવામાં આ લાલ આતંકી જવાબદાર હતો? કેટલા ગામોના બાળકોને બળજબરીથી ‘રેડ આર્મી’માં સામેલ કરી દેવાયા છે? કેટલી સ્કૂલ, આંગણવાડી, પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર નક્સલીઓને ઉડાવી દીધાં, જેથી ત્યાં સરકારનું વિકાસ મોડેલ ન પહોંચી શકે. 

ધ વાયરે એ પણ ન જણાવ્યું કે CRPF, DRG અને કોબરાના તે 1000થી વધુ જવાનોમાં સૌથી મોટી સંખ્યા આદિવાસીઓની જ છે, જે નક્સલીઓ સાથે લડતા-લડતા વીરગતિ પામ્યા છે. હિડમા કોનો નાયક હતો? જે ગામોમાં તેણે વસૂલી, ધમકી, બળજબરીથી ભરતી અને હત્યાની સિસ્ટમ ઊભી કરી, તે ગામડાઓ આજે પણ તે છાયામાંથી બહાર આવવાની માંગણી કરી રહ્યા છે. 

ધ વાયરે એક જ વિડીયોને વારંવાર ટાંક્યો છે કે, રડતી મા, રડતી મહિલાઓ અને પત્રકારો સાથે વાત કરતા લોકો. પરંતુ આ તસવીર અધૂરી છે. વામપંથી પોર્ટલે એ ના જણાવ્યું કે નક્સલી કમાન્ડરનાં મોત બાદ ગામમાં રડવું મજબૂરી પણ હોય છે. કારણ કે નક્સલીઓના બચેલા માણસો ગામોની પ્રતિક્રિયા જુએ છે અને જો કોઈ ‘ખુશ’ જોવા મળે તો તેને ‘ગદ્દાર’ જાહેર કરીને ધરબી દેવામાં આવે છે. 

હિડમાની આતંકી પ્રવૃત્તિ

હિડમા પર આરોપ છે કે તેણે ઓછામાં ઓછા 26 મોટા હુમલાઓની કમાન સંભાળી અથવા તેમાં મુખ્ય ભૂમિકા ભજવી. તેમાંથી કેટલાક મોટા હુમલાઓ નીચે મુજબ છે.

દંતેવાડા (તાડમેટલા) હુમલો: માઓવાદીઓએ 6 એપ્રિલ 2010ના રોજ ઘાત લગાવી CRPFના 76 જવાનોના જીવ લઈ લીધા હતા. આ ભારતમાં માઓવાદી હિંસાનો સૌથી મોટો હુમલો હતો. હિડમાની બટાલિયને આને અંજામ આપ્યો હતો.

ઝીરમ ઘાટી હુમલો 2013: કોંગ્રેસની પરિવર્તન રેલી પર લાલ આતંકીઓએ હુમલો કર્યો હતો. તે હુમલામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી વિદ્યાચરણ શુક્લ, છત્તીસગઢ કોંગ્રેસના અધ્યક્ષ નંદકુમાર પટેલ, પૂર્વ મંત્રી મહેન્દ્ર કર્મા સહિત 27 લોકો માર્યા ગયા હતા. આ હુમલાથી કોંગ્રેસનું લગભગ આખું રાજ્ય નેતૃત્વ જ ખતમ થઈ ગયું હતું. આ હુમલાનો માસ્ટરમાઇન્ડ કુખ્યાત નક્સલી આતંકી હિડમા જ હતો.

સુકમામાં 2017માં બે હુમલા: હિડમાના નેતૃત્વમાં વામપંથી આતંકીઓએ એપ્રિલ 2017માં CRPFની ટીમ પર હુમલો કર્યો હતો, જેમાં 25 જવાનો વીરગતિ પામ્યા હતા. આ ઉપરાંત માર્ચ 2017ના હુમલામાં 12 જવાનો વીરગતિ પામ્યા હતા.

સુકમા-બીજાપુર હુમલો 2021: ડાબેરી આતંકીઓના આ હુમલામાં 22 જવાનો વીરગતિ પામ્યા હતા.

આ ઉપરાંત ડઝનેક નાના-મોટા હુમલા, વસૂલી, આદિવાસીઓને ‘પોલીસ બાતમીદાર’ કહીને મારી નાખવા, ગામો સળગાવવા… આ બધા હિડમાનાં ‘કારનામાં’ હતાં. વિરોધી આદિવાસીઓને તે ક્રૂરતાથી મારતો, મહિલાઓનું અપહરણ કરતો અને જંગલોમાં પોતાનું સામ્રાજ્ય ચલાવતો. શું આ જ ‘જળ-જંગલ-જમીન’ની લડત છે? આ તો શુદ્ધ આતંકવાદ છે, જેમાં સૌથી વધુ પીડિત આદિવાસીઓ જ થયા છે.

હિડમાની માતાએ થોડા દિવસ પહેલાં જ તેને આત્મસમર્પણ કરવાની અપીલ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવેમ્બરના અંત સુધીમાં તેને ખતમ કરવાની ડેડલાઇન આપી હતી. પણ હિડમાએ આત્મસમર્પણનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. તેને હથિયારોની તાકાત પર જ વિશ્વાસ હતો. એટલે તે આંધ્ર તરફ ભાગી ગયો, જ્યાં નક્સલીઓનાં અન્ય સુરક્ષિત ઠેકાણાં છે, પરંતુ સુરક્ષાદળોએ તેને ઠાર કરી દીધો.

લાલ આતંકીઓ માટે નેરેટિવ ચલાવે છે ‘ધ વાયર’

ધ વાયરનો લેખ સંપૂર્ણપણે એકતરફી છે. આ વાત આ બાબતોથી સમજી શકાય છે-

જે ગામમાં હિડમા દાયકાઓથી આવ્યો નહોતો, તેને શોકગ્રસ્ત બતાવ્યું: ગ્રામજનોના વિડીયો બતાવીને કહેવામાં આવ્યું કે આખું ગામ શોક મનાવી રહ્યું છે. પણ સત્ય એ છે કે હિડમાએ દાયકાઓથી ગામમાં પગ મૂક્યો નહોતો. તે ડરને કારણે ગામ નહોતો આવતો, કારણ કે તેના પોતાના જ વિસ્તારમાં ઘણા આદિવાસી તેની વિરુદ્ધ હતા. જે વિડીયો વાયરલ છે, તેમાં કેટલીક મહિલાઓ અને બાળકો રડી રહ્યાં છે. આ દૃશ્ય કોઈપણ માટે સ્વાભાવિક છે. સ્પષ્ટ વાત છે કે જે મર્યો તે પણ કોઈનો દીકરો, કોઈનો ભાઈ અને કોઈનો પતિ તો હતો જ. પણ એનો અર્થ એ નથી કે આખું બસ્તર તેને હીરો માને છે.

બસ્તરના IG પી. સુંદરરાજે સ્પષ્ટ કહ્યું હતું કે, “લાશ સાથે માનવીયતા રાખવામાં આવશે, પણ તેને શહીદ સમારોહ નહીં બનવા દેવાય.” એટલે વિસ્તારમાં ભારે સુરક્ષાદળ તહેનાત હતા, મોબાઇલ નેટવર્ક બંધ હતું. એવામાં કોણ ખુલ્લેઆમ બોલે? જે લોકો વિડીયોમાં બોલી રહ્યા છે, તે પણ ડરને કારણે કે પાર્ટીનાં દબાણમાં બોલી રહ્યા છે. આ જ માઓવાદી સ્ટાઇલ છે – ડરનું રાજ ચલાવીને તેને ‘જનસમર્થન’ બતાવવું.

સોની સોરી અને ડિગ્રી પ્રસાદ ચૌહાણનાં નિવેદનો: સોની સોરી પોતે અનેક કેસમાં આરોપી રહી ચૂકી છે અને માઓવાદીઓ સાથેના કથિત સંબંધોને કારણે જેલ પણ ગઈ છે. તે ખોટી અથડામણનો આરોપ લગાવે છે, પણ કોઈ પુરાવો નથી. ચૌહાણ પણ હ્યુમન રાઇટ્સના નામે માઓવાદીઓનો પક્ષ લેતા રહ્યા છે.

ખોટી અથડામણનો આરોપ: લેખમાં કહેવાયું કે હિડમા સાથે હંમેશા સેંકડો ગાર્ડ રહેતા હતા, તો માત્ર 6 લોકો કેવી રીતે માર્યા ગયા? સત્ય એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષાદળોના સતત ઑપરેશનથી માઓવાદી સંગઠન નબળું પડી ગયું છે. હિડમા ભાગતા-ભાગતા માત્ર 5 લોકો સાથે રહી ગયો હતો. અથડામણમાં AK-47, ડિટોનેટર અને હથિયાર મળી આવ્યાં. આંધ્ર પ્રદેશ પોલીસ અને છત્તીસગઢ પોલીસે સ્પષ્ટ કહ્યું કે આ વાસ્તવિક એન્કાઉન્ટર હતું.

ધ વાયરે હિડમાના ગુનાઓને માત્ર છેલ્લે એક ફકરામાં નાખીને ઓછા બતાવ્યા, જ્યારે આખો લેખ તેને ‘નાયક’ ગણાવી રહ્યો છે. આ સ્પષ્ટ પ્રોપેગન્ડા છે.

દિલ્હી બેસીને માઓવાદીઓની વકાલત

આ લેખ સંતોષી મરકામે લખ્યો છે. સંતોષી ‘ધ વાયર હિન્દી’ની નિયમિત લેખિકા છે, જે દિલ્હીમાં બેસીને બસ્તર, છત્તીસગઢ અને આદિવાસી મુદ્દાઓ પર રિપોર્ટિંગ કરે છે. તેમના મોટાભાગના લેખ આદિવાસી અધિકારો, બંધુઆ મજૂરી, મનરેગા અને માઓવાદી પ્રભાવિત વિસ્તારો પર હોય છે. પણ તેમાં હંમેશા એક પેટર્ન દેખાય છે – સરકાર અને સુરક્ષાદળોને ખલનાયક બતાવવા, જ્યારે માઓવાદીઓ કે તેમના સમર્થકોને પીડિત કે ‘સંઘર્ષ કરનાર’ બતાવવા. મુદ્દો કોઈ પણ હોય, ખલનાયક તો સરકાર જ હોવી જોઈએ.

સંતોષી ક્યારેય ગ્રાઉન્ડ પર જઈને બંને પક્ષની વાત નથી કરતી. તે સિલેક્ટિવ એક્ટિવિસ્ટ (જેમ કે સોની સોરી) સાથે વાત કરીને પોતાના પૂર્વગ્રહી મતને ‘ગ્રાઉન્ડ રિપોર્ટ’નું નામ આપી દે છે. આ દિલ્હીમાં બેઠા ‘અર્બન નક્સલ’ સ્ટાઇલનું પત્રકારત્વ છે, જ્યાં તથ્યોને તોડીમરોડીને વામપંથી નેરેટિવ ચલાવવામાં આવે છે.

અહીંથી જ બેઠા-બેઠા તે બતાવી દે છે કે નક્સલીઓના સંગઠનમાં શું ચાલી રહ્યું છે અને નક્સલીઓ હજુ હથિયાર નથી મૂકી રહ્યા. સંતોષીની પકડ તો જુઓ, તે દિલ્હીમાં બેસીને નક્સલીઓની કેન્દ્રીય અને પ્રાદેશિક કમિટીના અધિકારીઓના નામ પણ બતાવી રહી છે અને ચર્ચિત નક્સલી પ્રવક્તા ‘અભય’ના હથિયાર છોડવાના પ્રસ્તાવને નકારી કાઢતો રિપોર્ટ લખે છે. તેમાં રેફરન્સ કોના હશે, તેનો અંદાજ લગાવી શકાય છે.

અર્બન નક્સલોનો સુરક્ષિત આશરો છે ‘ધ વાયર’

ધ વાયર શરૂઆતથી જ વામપંથી પ્રોપેગન્ડાનું કેન્દ્ર રહ્યું છે. તેના ફાઉન્ડર એડિટર સિદ્ધાર્થ વરદરાજનની પત્ની નંદિની સુંદર પોતે માઓવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવા માટે જાણીતી છે. ધ વાયરના ઘણા લેખકો અને કૉલમિસ્ટ ખુલ્લેઆમ માઓવાદીઓનો બચાવ કરે છે, ખોટી અથડામણના આરોપ લગાવે છે અને સુરક્ષાદળોને બદનામ કરે છે. આ બધું જ્યોર્જ સોરોસ જેવા વિદેશી ફંડિંગથી ચાલતા નેટવર્કનો ભાગ છે, જે ભારતમાં અસ્થિરતા ફેલાવવા માંગે છે.

હિડમાનાં મોત પર લેખ લખીને ધ વાયરે સુરક્ષાદળો પર સવાલ ઉઠાવ્યા, સરકારને કઠેડામાં ઊભી કરી, આદિવાસીઓને ‘દુઃખ’ થયું હોવાનું રટણ કર્યું અને હિડમાને ‘સંઘર્ષનું પ્રતિક’ ગણાવી દીધો. પરંતુ તે ન જણાવ્યું કે ઘાટીમાં જેટલું લોહી રેડાયું છે, તેનો જવાબદાર હિડમા પોતે હતો. દેશની સેવા કરતા વિરગત જવાનો કોઈ ‘કોર્પોરેટ પ્રોજેક્ટ’ માટે આહુત નહોતા થયા, મૃત્યુ પામેલા સેંકડો આદિવાસીઓ ‘જળ-જંગલ-જમીન’ માટે નહોતા મર્યા, તેથી હિડમાને ‘નાયક’ ગણાવવો સ્પષ્ટ વામપંથી પ્રોપગેન્ડા જ છે.

હિડમાની મોત માઓવાદ માટે અંતિમ ખીલી સાબિત થશે. માર્ચ 2026 સુધીમાં માઓવાદ ખતમ કરવાનો લક્ષ્ય હવે નજીક છે. પણ ધ વાયર જેવા પોર્ટલ અને તેમના લેખકો હજુ પણ લાલ આતંકને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા પ્રોપેગન્ડાને ઓળખવો અને તેનો જડબાતોડ જવાબ આપવો દરેક દેશભક્તનું કર્તવ્ય છે. કારણ કે હિડમા કોઈ હીરો નહોતો, તે તો સેંકડો નિર્દોષોનો જીવ લેનાર ખૂંખાર હત્યારો હતો, જેણે જનઆંદોલનનો ઢોંગ રચ્યો હતો. એટલે તેના ખાત્માથી બસ્તરમાં શાંતિનો રસ્તો ખુલશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં