ગાંધીનગર: સીએમ આવાસ પર યોજાયેલી બેઠકમાં તમામ મંત્રીઓનાં રાજીનામાં લેવાયાં, સાંજ સુધીમાં તૈયાર થશે નવી યાદી

શુક્રવારે (17 ઑક્ટોબર) ભૂપેન્દ્ર પટેલ સરકારનું નવું મંત્રીમંડળ રચાય તે પહેલાં ગુરુવારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં તમામ મંત્રીઓનાં રાજીનામાં લઈ લેવામાં આવ્યાં છે. જેની જાણકારી હવે રાજ્યપાલને આપવામાં આવશે અને સાંજ સુધીમાં નવી યાદી તૈયાર કરવામાં આવશે.

ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરે શુક્રવારે સવારે 11:30 કલાકે શપથગ્રહણ સમારોહ યોજાશે. તે પહેલાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને મંત્રીઓની બેઠક યોજવામાં આવી હતી. સામાન્ય રીતે કેબિનેટ બેઠક બુધવારે યોજાતી હોય છે, પરંતુ આ બુધવારની બેઠક રદ કરવામાં આવી હતી. સીએમ આવાસ પર યોજાયેલી બેઠકમાં તમામ મંત્રીઓનાં રાજીનામાં લઈ લેવામાં આવ્યાં.

મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું ન હોવાથી હવે એ વિશેની અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. સીએમ પદે ભૂપેન્દ્ર પટેલ યથાવત રહેશે. અન્યથા મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું હોત અને ત્યારબાદ મંત્રીઓનાં રાજીનામાંની કોઈ જરૂર પડી ન હોત.

શક્યતા છે કે એકાદ-બે ચહેરાઓને રાખીને આખું મંત્રીમંડળ બદલી નાખવામાં આવે. શક્યતા એ પણ છે કે રાજીનામાં આપનારા મંત્રીઓમાંથી અમુક આવતીકાલે ફરીથી શપથ ગ્રહણ કરશે.

આ બધી હલચલ વચ્ચે ભાજપ મહામંત્રી સુનીલ બંસલ ગાંધીનગર આવી પહોંચ્યા છે, જેમણે શીર્ષ નેતૃત્વ સાથે બેઠકો કરી હતી. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડા અને ગૃહ પ્રધાન અમિત શાહ પણ સાંજ સુધીમાં ગુજરાત આવી શકે છે.