કોર્ટમાં સુનાવણી કરી રહ્યા હતા CJI ગવઈ, વકીલે જૂતું કાઢીને ફેંકવાનો કર્યો પ્રયાસ, કહ્યું– ‘સનાતનનું અપમાન સહન નહીં થાય’

6 ઑક્ટોબર, 2025ના રોજ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન એક એવી ઘટના બની ગઈ, જેની દેશમાં ચર્ચા ચાલી રહી છે. કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ બી. આર ગવઈ સુનાવણી કરી રહ્યા હતા ત્યારે અચાનક એક વકીલે જૂતું કાઢીને તેમની તરફ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સુરક્ષા કર્મચારીઓએ હસ્તક્ષેપ કરીને સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હતું. વકીલ સનાતન પર સીજેઆઈની ટિપ્પણીઓના કારણે નારાજ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

CJI ગવઈ સોમવારે તેમની કોર્ટમાં એક કેસની સુનાવણી કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. વકીલે અચાનક ઉભા થઈને CJI તરફ જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે કહ્યું, “ભારત સનાતન ધર્મના અપમાનને સહન નહીં કરે.”

કોર્ટમાં હાજર સુરક્ષા કર્મચારીઓએ તરત જ દખલ કરીને વકીલે ફેંકેલું જૂતું બેન્ચ સુધી પહોંચતું અટકાવ્યું હતું. ત્યારપછી તાત્કાલિક જ વકીલને પકડી લેવામાં આવ્યા અને કોર્ટરૂમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

જોકે CJIએ કોર્ટની કાર્યવાહી ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, “તેમની તરફ ધ્યાન ન આપો. આવી બાબતોની અસર થવી ન જોઈએ. સુનાવણી ચાલુ રાખવામાં આવે.” બીજી તરફ, ઘટના બાદ સુપ્રીમ કોર્ટ પરિસરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ ઘટનાને મુખ્ય ન્યાયાધીશ ગવઈએ ભગવાન વિષ્ણુ પર કરેલી ટિપ્પણીઓ સાથે સાંકળીને જોવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલાં એક કેસની સુનાવણી કરતી વખતે તેમણે ખજુરાહો સ્થિત ભગવાન વિષ્ણુની એક પ્રતિમા પુનઃસ્થાપિત કરવા માટે નિર્દેશોની માંગ કરતી અરજી નકારીને અરજદારને સંબોધીને ટિપ્પણીમાં કહ્યું હતું કે, “તમે તો ભગવાનના ભક્ત છો. તમારા ભગવાનને જ કહો કે કશુંક કરે.”

CJIની આ ટિપ્પણીઓનો પછીથી સોશિયલ મીડિયા પર વિરોધ પણ બહુ થયો હતો અને લોકોનો મત હતો કે જો આ બાબત કોર્ટના અધિકારક્ષેત્ર હેઠળ ન આવતી હોય તો મુખ્ય ન્યાયાધીશ માત્ર અરજી નકારી શક્યા હોત, પરંતુ આ રીતે ટિપ્પણીઓ કરીને તેમણે હિંદુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. હવે તાજેતરની સુપ્રીમ કોર્ટની ઘટનાથી આ ટિપ્પણીઓની ચર્ચા થઈ રહી છે.