મુઘલ આક્રમણ દરમિયાન ખંડિત થયેલી ભગવાન વિષ્ણુની મૂર્તિ પુનઃસ્થાપિત કરવા માટે નિર્દેશની માંગ કરતી અરજી સુપ્રીમે ફગાવી, CJIએ કહ્યું– ભગવાનને જ કહો કશુંક કરે

મંગળવારે (16 સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટે એક સુનાવણી દરમિયાન મધ્ય પ્રદેશના ખજુરાહોનાં શિલ્પો પૈકીની એક ભગવાન વિષ્ણુની મૂર્તિની પુનઃસ્થાપનાની માંગ કરતી અરજી ફગાવી દીધી. જેની સાથે મુખ્ય ન્યાયાધીશ બી. આર ગવઈએ જે ટિપ્પણી કરી તેની ચર્ચા ચાલી રહી છે. તેઓ જસ્ટિસ એ. જી મસીહ સાથે અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. 

વાસ્તવમાં એક નાગરિકે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માંગ કરી હતી કે ખજુરાહોનાં શિલ્પોમાં સ્થિત ભગવાન વિષ્ણુની 7 ફિટની એક મૂર્તિ, જે ખંડિત થઈ છે, તેને ફરીથી મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરી દેવામાં આવે. જે માટે કોર્ટના નિર્દેશની માંગ કરવામાં આવી હતી. પરંતુ મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે કોઈ હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી અને ઉપરથી કહ્યું કે ભગવાનને જઈને કહેવું જોઈએ. 

CJI ગવઈએ કહ્યું, “જાઓ અને જઈને ભગવાનને જ કહો કે હવે કંઈક કરે. તમે કહો છો કે તમે ભગવાન વિષ્ણુના ભક્ત છો. જાઓ અને પ્રાર્થના કરો. આ પુરાતત્વીય સ્થળ છે અને ASI પાસે પરવાનગી માંગવી પડશે. સૉરી.”

અરજદાર રાકેશ દલાલે કોર્ટમાં દલીલ આપી હતી કે મૂર્તિ મુઘલ આક્રમણ દરમિયાન ખંડિત થઈ હતી અને સરકારને પુનઃસ્થાપિત કરવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ સુધી આ દિશામાં કોઈ પ્રયાસો થયા નથી.