ગાંધીનગરમાં કેનાલ પાસે યુવકની હત્યા કરનાર આરોપીનું એનકાઉન્ટર, જ્યાં મર્ડર કર્યું તે જ સ્થળે ઠાર કરાયો

થોડા દિવસ પહેલાં ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે કરવામાં આવેલી એક યુવકની હત્યા મામલે આરોપીનું એનકાઉન્ટર કરવામાં આવ્યું છે. પોલીસ ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે આરોપી વિપુલ પરમારને એ જ સ્થળ પર લઈ ગઈ હતી, જ્યાં રિવોલ્વર ઝૂંટવીને ભાગવા જતાં પોલીસે જવાબી કાર્યવાહી કરવી પડી અને તેમાં આરોપીને ઠાર કરવામાં આવ્યો. 

આરોપીની ધરપકડ 23 સપ્ટેમ્બરના રોજ રાજકોટમાંથી કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે તેને રિકન્સ્ટ્રક્શન માટે સ્થળ પર લઈ જવામાં આવ્યો હતો. 

ઘટના એવી છે કે ગત 20 સપ્ટેમ્બરના રોજ અડાલજ પાસે આવેલી કેનાલ પરના રોડ પર એક યુવક અને યુવતી યુવકની બર્થ ડે સેલિબ્રેશન માટે કારમાં બેઠાં હતાં ત્યારે લૂંટના ઇરાદે એક અજાણ્યો શખ્સ ત્યાં આવી પહોંચ્યો અને ધાકધમકી આપવા માંડ્યો હતો. યુવાને પ્રતિકાર કરતાં લૂંટારાએ છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી. ઉપરાંત યુવતી પર પણ હુમલો કર્યો હતો. 

હત્યા બાદ આરોપી યુવકની જ કાર લઈને ભાગવા ગયો પણ કાર ઓટો પુશ બટન સ્ટાર્ટ હોવાથી થોડે દૂર જઈને બંધ પડી ગઈ, કારણ કે ચાવી યુવકના ખિસ્સામાં હતી. જેથી આરોપી કાર મૂકીને ભાગી ગયો હતો. પછીથી એક હોમગાર્ડ જવાનને જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી અને ત્યારબાદ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો. 

પોલીસે પછીથી યુવક-યુવતીને હોસ્પિટલ પહોંચાડ્યાં હતાં, જ્યાં તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ પોલીસે તપાસ કરતાં સીસીટીવીમાં આરોપી વિપુલ પરમાર ઓળખાઈ ગયો હતો. પરંતુ ફરાર હતો. ત્રણ દિવસની શોધખોળ બાદ તે રાજકોટથી ઝડપાયો હતો. 

પોલીસ અનુસાર આરોપી મનોવિકૃત છે અને આ રીતે લૂંટના ઈરાદે લોકોને અને ખાસ કરીને કપલને ટાર્ગેટ કરતો રહેતો હતો. તેની સામે લૂંટ, ચોરી, હુમલાના નવેક કેસ નોંધાઈ ચૂક્યા હતા અને અગાઉ પણ પકડાયો હતો.