ગત ઑગસ્ટમાં ગાઝાના ‘પીડિતો’ના નામે અમદાવાદની મસ્જિદોમાંથી ફંડ ઉઘરાવતી સિરીયન ગેંગનો પર્દાફાશ થયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 1 આરોપી અલી મેઘાતની ધરપકડ કર્યા બાદ અન્યોની તપાસ શરૂ કરી હતી. હવે આ ગેંગના બાકીના આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે ગુજરાત પોલીસ, એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સંયુક્ત તપાસ કરી રહી કે.
પકડાયેલા આરોપીઓની ઓળખ ઝકારિયા હૈથમ અલ્જર, અહેમદ ઓહદ અલ્હાબાશ અને યુસુફ ખાલિદ અલઝહર તરીકે થઈ છે. 3 સપ્ટેમ્બરના રોજ આ ત્રણેય દિલ્હીથી દુબઈ થઈને દમાસ્કસ જતી ફ્લાઇટમાં ફરાર થવાની ફિરાકમાં હતા. પરંતુ અગાઉથી લુકઆઉટ નોટિસ ઇસ્યુ થયેલી હોવાના કારણે તમામને એરપોર્ટ પર જ અટકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી અને સોંપી દેવામાં આવ્યા. પોલીસે અહમદ પાસેથી $1,290, યુસુફ પાસેથી $975 અને ઝકારિયા પાસેથી $720 જપ્ત કર્યા છે.
આ લોકોએ સ્થાનિક મસ્જિદો પાસેથી ફંડ એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે એ પણ પુષ્ટિ કરી હતી કે ત્રણેય એકબીજાના સંબંધી છે. અહમદ અલ્હાબાશ અગાઉ તેની બીબી અને બાળકો સાથે ટુરિસ્ટ વિઝા પર બે વાર ભારત આવી ચૂક્યો છે અને તેણે લખનૌ અને દિલ્હીની મસ્જિદોમાંથી ભંડોળ એકત્ર કર્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે આરોપીએ માત્ર ગેરકાયદેસર રીતે ભંડોળ એકત્ર કરવાનો પ્રયાસ કર્યો ન હતો પરંતુ વિઝા નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓએ ત્રણેયની પૂછપરછ કરી છે અને તેમને દેશનિકાલ કરવા અને બ્લેકલિસ્ટ કરવા માટે પગલાં શરૂ કરવામાં આવ્યાં છે. તેમના પાસપોર્ટની પણ સત્યતા ચકાસવામાં આવી રહી છે.
અગાઉ પણ થઈ ચૂકી છે ધરપકડ
નોંધનીય છે કે આ પહેલાં 23 ઑગસ્ટે પોલીસે અલી મેઘાતની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી $3,600 (અંદાજે 3 લાખ રૂપિયા) 25,000 રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. આ ઉપરાંત તેના મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા, જેમાં ગાઝાના ભૂખમરાથી પીડાતા લોકોના વીડિયો અને ડિજિટલ વ્યવહારોની વિગતો મળી આવી હતી.
આરોપીઓએ ગુજરાતની વિવિધ મસ્જિદોમાં જઈને ગાઝાના લોકોના વિડીયો બતાવીને રૂપિયા ઉઘરાવતા હતા. અલી મેઘાતે તના શરીર પરનું ગોળીનું નિશાન બતાવીને ત્યાં સુધી દાવો કર્યો હતો કે આ નિશાન યુદ્ધમાં ઘાયલ થવાના કારણે થયું છે. તે તેના અબ્બા-અમ્મીના નામે રૂપિયા ઉઘરાવતો હતો. જોકે, પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ નાણાં ગાઝા સુધી પહોંચ્યા જ નથી, પરંતુ તેનો ઉપયોગ આરોપીઓની વૈભવી જીવનશૈલી માટે થયો હતો, જેમાં મોંઘી હોટેલો, બ્રાન્ડેડ કપડાં અને ઈલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે.
અલી મેઘાત અલ-અઝહરે પોલીસ પૂછપરછ દરમિયાન કબૂલ્યું કે તેઓ આ નાણાંનો ઉપયોગ પોતાના વૈભવી જીવન માટે કરતા હતા. આ ઉપરાંત, પોલીસને શંકા છે કે આરોપીઓ અમદાવાદમાં ફંડ એકત્ર કરવા ઉપરાંત અન્ય કોઈ શંકાસ્પદ હેતુઓ માટે રેકી (સર્વેલન્સ) કરી રહ્યા હોઈ શકે છે.
જુલાઈમાં આવ્યા હતા ભારત
આરોપીઓ 22 જુલાઈ 2025ના રોજ ટૂરિસ્ટ વિઝા પર દમાસ્કસથી અબુ ધાબી થઈને કોલકાતા આવ્યા હતા અને ત્યાંથી 2 ઑગસ્ટ, 2025ના રોજ અમદાવાદ પહોંચ્યા હતા. તેઓએ ટૂરિસ્ટ વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરીને ફંડ એકત્ર કરવાની પ્રવૃત્તિ હાથ ધરી હતી, જે ભારતના કાયદા હેઠળ ગેરકાયદેસર છે. આ ઉપરાંત તેમની પાસે ભારતમાં ફંડ એકત્ર કરવાની કોઈ અધિકૃત પરવાનગી નહોતી.


